ડ્વેન બ્રાવો ઈન્ડિયન પ્રીમિયર લીગથી બહાર થતાં ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ પહેલાથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. યુએઇમાં રમાતી હાલની આ આઇપીએલ સિઝનમાં ચેન્નાઈ ૧૦માંથી માત્ર ૩ જ મેચ જીતી શક્યું છે. કેરેબિયન ઓલરાઉન્ડર દિલ્હી કેપિટલ્સની મેચ સામે ઈજાગ્રસ્ત થયો હતો. ટુર્નામેન્ટમાંથી બહાર થતાં બ્રાવોએ ફેન્સને સીએસકેને સપોર્ટ કરવાનું ચાલુ રાખવા માટે અપીલ કરી છે.
ચેન્નાઈ સુપરકિંગ્સના ટ્વીટર હેન્ડલ પર બ્રાવોનો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં બ્રાવો કહે છે કે, આ ખરાબ સમાચાર છે. પોતાની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સને આ રીતે છોડીને જતાં ખરાબ લાગે છે. હું તમામ સીએસકે ફેન્સને બસ એટલું કહેવા માગું છું કે તમે ટીમની હિંમત વધારતા રહેજો. સીએસકેને સપોર્ટ કરતાં રહો.
બ્રાવોએ કહૃાું કે, આ સિઝન એવી નથી રહી, જેવી અમારા ફેન્સ ઈચ્છતા હતા. પણ અમે બેસ્ટ આપ્યું. અનેકવાર પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા છતાં પણ પરિણામ તેવું આવતું નથી. અમને સપોર્ટ કરતાં રહો અને હું વિશ્વાસ અપાવું છું કે અમે વધારે મજબૂત અને ચેમ્પિયનની જેમ વાપસી કરીશું. અમે સૌથી સફળ ફ્રેન્ચાઈઝીમાં છીએ, મને લાગે છે કે આપણને ચેન્નાઈ સુપરકિંગ્સના સભ્ય અને ફેન્સ હોવા પર ગર્વ હોવું જોઈએ.