રાજકોટમાં કોરોના થયો અનસ્ટોપેબલ, પોઝિટિવ કેસની સંખ્યા ૮ હજારને પાર

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૮ હજારને પાર પહોંચી ગઈ છે. જેમાંથી રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ૬૫૫ દર્દી સારવાર હેઠળ છે. ગુરૂવારે રાજકોટમાં ૯૪ દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે રાજકોટ સહિત જિલ્લાભરમાં પોઝિટિવ કેસની સંખ્યા ૧૧ હજાર ૭૦૦ને પાર પહોંચી ગઈ છે. શહેર અને જિલ્લામાં છેલ્લા ૧ સપ્તાહમાં જ ડિસ્ચાર્જ રેશિયો ઘણો વધ્યો છે. તેમજ ગંભીર હોય અને હોસ્પિટલમાં દાખલ થયા હોય તેવા દર્દીઓ પણ રિકવર થઈ રહૃાા છે. રાજકોટ મહાનગરપાલિકાએ કોરોના સંક્રમણ અટકાવવા માટે ધન્વંતરી રથ શરૂ કર્યા છે. ધન્વંતરી રથ પાછળ મનપા મહિને કેટલા રૂપિયાનો ખર્ચ કરે છે તે અંગેની માહિતી વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે બોર્ડમાં માગી હતી.

જેના જવાબમાં અધિકારીઓએ કહૃાું હતું કે, શહેરમાં દરરોજ જુદા જુદા સ્થળો પર ૫૦ જેટલા ધન્વંતરી રથ ફરે છે અને કોરોના ટેસ્ટ પણ કરે છે. આ રથમાં એક કોવિડ ડોક્ટર અને એક એમપીએચડબ્લ્યુ કર્મચારી સાથે હોય છે. જેની પાછળ એક રથનો મહિને રૂ.૬૯૫૦૦ (વાહન માટે રૂ.૨૭૫૦૦, કોવિડ ડોક્ટર માટે રૂ.૩૦૦૦૦ અને એમપીડબ્લ્યુ માટે રૂ.૧૨૦૦૦)નો ખર્ચ કરવામાં આવે છે. એક રથમાં દૈનિક જરૂરિયાત મુજબ ૩૦થી ૧૦૦ કિટ આપવામાં આવે છે. જેમા ૩૦થી વધુ ટેસ્ટ કરવામાં આવે છે. રાજકોટની ૫ ખાનગી હોસ્પિટલના ૨૫૦ બેડ કોવિડ-૧૯ની કામગીરી માટે લેવાયા હતા તેમને ગુરુવારે સાંજ સુધીમાં છૂટા કરી દેવાનો હુકમ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કર્યો છે. કલેક્ટર રેમ્યા વધુમાં જણાવ્યું હતું કે,

જેમણે નવી હોસ્પિટલ ઊભી કરી છે અને નવા સ્થળે કોવિડ-૧૯ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ બનાવી છે તેમના બેડ મુક્ત નહીં કરાય. જે ખાનગી હોસ્પિટલ કે જ્યાં અન્ય દર્દીઓની સારવાર ચાલુ છે તે મૂળ જગ્યાએ ૫૦ ટકા બેડ કોરોના માટે અનામત રાખવા હુકમ કર્યો હતો તે બેડમાં હવે અન્ય દર્દીઓને દાખલ કરવા મંજૂરી અપાઈ છે, આવા ૨૫૦ બેડ મુક્ત કરાય છે. જે મુજબ સ્ટર્લિંગમાં ૬૫ બેડમાંથી ૪૨, વોકહાર્ટના ૮૦માંથી ૪૪, જ્યારે જલારામ, એચ. જે. દોશી અને વિરલ હોસ્પિટલના તમામ બેડ મુક્ત કર્યા છે.