સપનાઓ સિવાય જેની પાસે કંઈ ન હોય એમને માટે મહેશ કનોડિયા એક આદર્શ છે

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા કોરોનાનો ભોગ બન્યા છે ને અમદાવાદની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. નરેશ કનોડિયાની તબિયત વિશે અફવાઓ આવ્યા કરે છે ને શનિવારે તો એ ગુજરી ગયા એવું પડીકું પણ ફરતું થઈ ગયેલું. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ આ અફવાઓથી દોરવાઈને નરેશ કનોડિયાને શ્રધ્ધાંજલિ આપતી ટ્વીટ કરી નાખેલી. પછી ભોંઠા પડીને તેમણે એ ટ્વીટ ડીલીટ કરવી પડી. નરેશ કનોડિયા હજુ સાજાનરવા છે ને તેમની તબિયત સુધારા પર છે તેથી તેમને કાંઈ થવાનું નથી એવો સધિયારો તેમના દીકરાએ આપવો પડ્યો છે. ગુજરાતીઓ નરેશ કનોડિયાની તબિયતની ચિંતામાં છે ત્યાં રવિવારે તેમના મોટા ભાઈ ને પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કનોડિયા લાંબી માંદગી બાદ 83 વર્ષની વયે ગાંધીનગરમાં અવસાન પામ્યા.

મહેશ કનોડિયાના મૃત્યુના સમાચારને ગુજરાતી ટીવી ચેનલોએ નરેશ કનોડિયાના મોટા ભાઈના મોતના સમાચાર તરીકે ચલાવ્યા. એ વિધિની વિડંબના કહેવાય કેમ કે વાસ્તવમાં આ બંને ભાઈઓમાં અસલી સુપરસ્ટાર તો મહેશ કનોડિયા હતા, છે ને રહેશે. કનોડિયા પરિવારનો મોભ જ મહેશ કનોડિયા છે ને બીજા બધા તો બહુ પછી આવ્યા. સંગીત હોય, ફિલ્મો હોય કે રાજકારણ હોય, કનોડિયા પરિવારમાં જે કોઈ આગળ આવ્યું એ મહેશ કનોડિયાના કારણે આવ્યું એમ કહીએ તો ચાલે. નરેશ કનોડિયા કે હિતુ કનોડિયાની ટેલેન્ટને ઓછી આંકવાની આ વાત નથી. ટેલેન્ટ ન હોત તો એ પાછળ રહી ગયા હોત પણ વાત એટલી જ કે, મહેશ કનોડિયાની આગવી ઓળખ હતી ને તેમને કોઈના કારણે ઓળખાવાની જરૂર નહોતી.

મહેશ કનોડિયા આ દેશના કરોડો એવા લોકો માટે રોલ મોડલ છે કે જેમની પાસે સપનાં સિવાય કંઈ નથી. તૂટી જવાય એવી ગરીબી ને જવાબદારીઓના બોજ છતાં માણસમાં તાકાત હોય તો એ ધારે એ કરી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મહેશ કનોડિયા છે. મોઢેરાની પાસે આવેલા મહેસાણા જિલ્લાના નાનકડા કનોડા ગામમાં જન્મેલા મહેશ કનોડિયાના પિતા મીઠાભાઈ તથા માતા દલીબેન વણાટકામ કરતાં હતાં. સાડી, ટુવાલ, ધોતિયાં જેવા કપડાં બનાવીને ગુજરાન ચલાવતા પરિવારમાં મહેશ કનોડિયા સૌથી મોટા હતા. ત્રણ ભાઈઓ નરેશ, શંકર અને દિનેશ કનોડિયા તથા ત્રણ બહેનો નાથીબેન, પાની બેન તથા કંકુબેનનો પરિવાર મોટો હતો ને ઘર નાનું હતું. ચાર ભાઈ, ત્રણ બહેનો તથા માતા-પિતા એક રૂમના મકાનમાં રહેતા. ગરીબી એવી હતી કે પિતા કોઈને સ્કૂલે મોકલીને અક્ષરજ્ઞાન પણ નહોતા આપી શક્યા.

જો કે મહેશ કનોડિયા પાસે સારા અવાજની કુદરતી દેન હતી ને તેના જોરે તેમણે સ્ટેજ પરફોર્મન્સ કરવા માંડ્યાં. મહેશભાઈ પુરૂષ અને સ્ત્રી બંનેના અવાજમાં ગાઈ શકતા તેથી બધાંને તેમનું ઘેલું લાગ્યું ને જામી ગયા. મહેશકુમારે લતા મંગેશકર જેવાં દિગ્ગજને પણ પોતાની આ ખાસિયતથી દંગ કરી દીધેલાં. અલગ અલગ પ્રકારના અવાજો કાઢીને ગીત ગાવામાં મહેશ કુમાર માહિર હતા તેથી સ્ટેજ પરફોર્મન્સમાં છવાતા ગયા. પછીથી તેમણે પોતાની મહેશ કુમાર એન્ડ પાર્ટી બનાવી.

સ્ટેજ પરફોર્મન્સમાં મળેલી સફળતાના પગલે મહેશ-નરેશની જોડી તરીકે તેમણે ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપવા માંડ્યું. અવિનાશ વ્યાસની જેમ મહેશ-નરેશનું સંગીત અમર નથી પણ તેને જોરદાર લોકપ્રિયતા ચોક્કસ મળી. મોટા ભાગની ફિલ્મોમાં નરેશ કનોડિયા હીરો હોય તેથી તેમના સંગીતે નરેશ કનોડિયાને સુપરસ્ટારપદ અપાવ્યું એમ કહીએ તો પણ ચાલે. ગુજરાતી ફિલ્મોમાં ઉપેન્દ્ર ત્રિવેદી પછી નરેશ કનોડિયા સુપરસ્ટાર તરીકે ઉભર્યા તેમાં મોટા ભાઈનું મોટું યોગદાન હતુ. વણઝારી વાવ તેમના સંગીતમાં શિખર મનાય છે. એ સિવાય જીગર અને અમી, તાનારીરી, વેલીને આવ્યાં ફૂલ, ઢોલામારૂ જેવી ઘણી સફળ ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું.

મહેશ કનોડિયાએ હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપેલું પણ બહુ ચાલ્યા નહોતા. મોહમ્મદ રફી, લતા મંગેશકર, આશા ભોંસલે, કિશોર કુમાર, મુકેશ જેવા દિગ્ગજોએ તેમનાં ગીતો ગાયાં છે. મહેશ કનોડિયાએ મ્યુઝિક આલ્બમ પણ આપ્યાં ને વીડિયો ફિલ્મ માટે પણ સંગીત આપ્યું પણ તેમની મુખ્ય ઓળખ સ્ટેજ પરફોર્મર તરીકેની રહી. સ્ટેજ પરફોર્મન્સમાં મહેશ કુમારને જબરદસ્ત સફળતા મળી. દેશ-વિદેશમાં પાંચ દાયકામાં તેમણે હજારો શો કર્યા ને બહુ ઓછા ભારતીયોને મળે તેવી સફળતા મેળવી.

મહેશ કુમારની સંગીતકાર તરીકેની કારકિર્દી જેટલી જ રસપ્રદ રાજકીય કારકિર્દી છે. મહેશ કનોડિયાનું દલિત સમાજને ભાજપ તરફ વાળવામાં પણ મોટું યોગદાન છે. કનોડિયા ચાર વાર સાંસદ તરીકે ચૂંટાયેલા ને રતિલાલ વર્મા જેવા એકલદોકલ દલિત નેતાઓને બાદ કરતાં રાષ્ટ્રીય સ્તરે પણ ભાજપમાંથી બહુ ઓછા દલિત નેતા એવા છે કે જે કનોડિયાથી આગળ હોય. 1990ના દાયકામાં ભાજપ આટલો જોરાવર નહોતો ને સવર્ણોનો પક્ષ ગણાતો એ જમાનામાં મહેશ કનોડિયા ભાજપમાં જોડાયેલા. એ વખતે ભાજપે પોતાની તાકાત વધારવા લોકપ્રિય કલાકારોનો ભરતી મેળો શરૂ કરેલો. કોંગ્રેસ સાવ પતી ગઈ નહોતી તેથી બોલીવૂડના સ્ટાર ભાજપમાં ભરતી થતાં ડરતા હતા તેથી ભાજપે ટીવી સીરિયલો ને પ્રાદેશિક ભાષાના સ્ટાર્સને ભરવા માંડેલાં.

‘રામાયણ’ સીરિયલનાં સીતા દીપિકા ચીખલિયા, રાવણ અરવિંદ ત્રિવેદી, ‘મહાભારત’ સીરિયલના કૃષ્ણ નીતિશ ભારદ્વાજ વગેરે આ ભરતી મેળામાં ભાજપમાં જોડાઈને સાંસદ બની ગયેલાં. ‘રામાયણ’ અને ‘મહાભારત’ બંને સીરિયલોની યાદો તાજી હતી તેથી આ સ્ટાર્સ પૂજાતા હતા. ભાજપે અને ટીવી સ્ટાર્સ બંને માટે એ ફાયદાનો સોદો હતો. ભાજપે ટીવી સ્ટાર્સની લોકપ્રિયતાનો વટાવીને મતદારોને પોતાની તરફ વાળ્યા જ્યારે બોલીવૂડની સરખામણીમાં સામાન્ય ગણાતા ટીવી સ્ટાર્સને નવી ઓળખ મળી.

મહેશ કનોડિયા પણ એ જમાનામાં ભાજપમાં આવી ગયેલા. દીપિકા ચિખલિયા ને અરવિંદ ત્રિવેદીની સાથે એ પણ 1991માં સાંસદ બની ગયેલા. એ વખતે ઉત્તર ગુજરાતની પાટણ બેઠક અનુસૂચિત જાતિ (એસસી) માટે અનામત હતી ને કનોડિયા સુપરસ્ટાર હતા તેથી ખેમચંદ ચાવડા જેવા ધુરંધર તેમની સામે ધૂળચાટતા થઈ ગયેલા. 1996માં કનોડિયા કોંગ્રેસના પૂનમચંદ પરમારને હરાવીને ફરી જીત્યા ને 1998માં ફરી જીતીને તેમણે જીતની હેટ્રિક કરેલી. 1999માં કોંગ્રેસ યુનિયન નેતા પ્રવિણ રાષ્ટ્રપાલને લઈ આવી. રાષ્ટ્રપાલે કનોડિયાનો વિજયરથ રોક્યો. કનોડિયા લગભગ 17 હજાર મતે હાર્યા. એ વખતે લાગતું હતું કે, કનોડિયાની આભા ઓસરી ગઈ છે ને તેમની લોકપ્રિયતાનાં વળતાં પાણી થઈ ગયાં છે પણ 2004ની ચૂંટણીમાં પાટણ બેઠક પરથી ફરી જીતીને કનોડિયાએ શાનદાર પુનરાગમન કર્યું. 1999માં પોતાને હરાવનારા પ્રવિણ રાષ્ટ્રપાલને હરાવીને મહેશ કનોડિયાએ હારનું સાટું પણ વાળી લીધું.

2009માં નવા સીમાંકનમાં પાટણ બેઠક અનુસૂચિત જાતિ (એસસી) માટે અનામત મટીને સામાન્ય થઈ પછી જ્ઞાતિના સમીકરણોના કારણે એ બેઠક પર ઠાકોર ઉમેદવારને ઊભો રાખવાની પરંપરા શરૂ થઈ તેમાં કનોડિયાનું પત્તું કપાયું એ સાથે તેમની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ પણ એ પહેલાં કનોડિયા ગુજરાતના રાજકીય ઈતિહાસમાં તેમની નોંધ લેવી પડે એવું યોગદાન તો આપી જ ગયેલા. મહેશના પગલે તેમની આંગળ પકડીને નાના ભાઈ નરેશ કનોડિયા પણ ભાજપમાં આવ્યા ને એક વાર હાર્યા પછી વિધાનસભાની ચૂંટણી જીતીને ધારાસભ્ય પણ બની ગયા. અત્યારે તેમનો ભત્રીજો ને નરેશ કનોડિયાનો પુત્ર હિતુ કનોડિયા પણ ભાજપનો ધારાસભ્ય છે. ગુજરાતી ફિલ્મો અને સંગીતની જેમ રાજકારણમાં પણ નરેશ કનોડિયા અને હિતુ કનોડિયાએ તેમનો વારસો જાળવ્યો છે.

મહેશ કનોડિયાનો ચૂંટણીનો રેકોર્ડ તો પ્રભાવશાળી છે જ પણ વધારે મહત્ત્વની બાબત તેમણે દલિતોની ભાજપ તરફની સૂગ દૂર કરી એ છે. ગુજરાતમાં છેક 2000ના દાયકાની શરૂઆત સુધી દલિત મતબેંક કોંગ્રેસની જ જાગીર મનાતી હતી. 1980 અને 1990ના દાયકામાં તો દલિતો એટલે કોંગ્રેસના કંઠીધારી એવી જ માન્યતા હતી. ભાજપને અનુસૂચિત જાતિ (એસસી) માટે અનામત બેઠકો પર ઉમેદવારો શોધવાનાં પણ ફાંફાં પડે ને છેવટે ગમે તેને ઊભા કરવા પડે એવી સ્થિતી હતી. આ સ્થિતિ બદલીને દલિતોને ભાજપ તરફ વાળવામાં જે ગણતરીના નેતાઓએ યોગદાન આપ્યું તેમાં એક મહેશ કનોડિયા પણ હતા. પોતાના સ્ટાર પાવરના કારણે એ બધે સ્વીકૃત હતા ને તેનો ઉપયોગ તેમણે ભાજપ અને દલિતો વચ્ચે ખાઈ પૂરવા કર્યો.

મહેશ કનોડિયા નખશિખ સજ્જન હતા ને રાજકારણમાં આવ્યા પછી પણ એ સજજનતા તેમણે જાળવી. કનોડિયા રાજકીય દૂષણોથી સાવ અલિપ્ત રહ્યા. ભ્રષ્ટાચાર કે જૂથવાદનો રંગ તેમને નહોતો લાગ્યો. લાંબો સમય સુધી સાંસદ તરીકે રહેવા છતાં કદી કોઈ આક્ષેપ સુધ્ધાં તેમની સામે નહોતો થયો. સત્તાલાલસા પણ કદી ના બતાવી ને પોતાનું રાજકીય કદ વધારવા કે સ્થાન ટકાવવા કદી ફાંફાં ના માર્યાં. જે મળ્યું તેને માથે ચડાવ્યું ને ના મળ્યું ત્યારે તેનો સહજ રીતે સ્વીકાર કરીને ગૌરવભેર ખસી ગયા. રાજકારણમાં એક ગૌરવ સાથે આવેલા ને ગૌરવભેર જ નિવૃત્તિ થઈ ગયા. રાજકારણમાં બહુ ઓછા આવા લોકો જોવા મળે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.