રાજકીય રીતે નિષ્ક્રિય થઈ ગયા પછી પણ કેશુબાપાનું માન તો એટલું જ હતું

ગુજરાતમાં હમણાં કાળ ફરી વળ્યો હોય એમ સારા સારા માણસોને ઉઠાવી રહ્યો છે. પહેલાં મહેશ કનોડિયાને ઉઠાવી લીધા ને પછી તેમના નાના ભાઈ નરેશ કનોડિયાને લઈ લીધા. આ બંને સારા માણસોની વસમી વિદાયની કળ વળે એ પહેલાં ગુરુવારે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયું. મહેશ કનોડિયા ને નરેશ કનોડિયાની સરખામણી કેશુબાપા સાથે કરવાનો અહીં કોઈ આશય નથી કેમ કે ગુજરાતના રાજકારણમાં કેશુબાપા તો વટવૃક્ષ હતા. કેશુબાપા એવું વટવૃક્ષ હતા કે જેના છાંયડાનો લાભ કેટલીય પેઢીઓને મળ્યો. રાજકારણમાં માણસ ઉચ્ચ સ્તરે પહોંચે ને છતાં તેનામાં માણસાઈ જળવાઈ હોય, સારપ સચવાઈ હોય એવું બહુ ઓછું બને. કેશુબાપા એવા નોખા માણસ હતા કે જેમની સારપ કદી મરી પરવારી નહીં. એ સારા માણસ હતા ને આજીવન સારા માણસ રહ્યા.

કેશુબાપાનું ગુજરાતના રાજકીય જીવનમાં યોગદાન બહુ મોટું છે. ભાજપ આજે ગુજરાતમાં અજેય છે ને દેશમાં પણ અજેય જેવી જ સ્થિતિમાં છે. ગુજરાત અને દેશમાં બંને સ્થળે ભાજપને અજેય બનાવવાનું શ્રેય નરેન્દ્ર મોદીને જાય છે પણ તેના પાયામાં કેશુબાપા જેવા માણસો છે. ગુજરાતમાં તો કેશુબાપાને ભાજપના પાયાના પથ્થરોમાં સૌથી પહેલાં ગણવા પડે ને ભાજપ તેમના ખભા પર ઉભો થયો છે એ સ્વીકારવું પડે. ગુજરાતમાં ભાજપ પાટીદાર સહિતના સવર્ણોની તાકાત પર ઉભો થયો છે. સવર્ણોમાં પણ પાટીદારોનું યોગદાન વધારે છે કેમ કે પાટીદારોએ સાવ કડકીના જમાનામાં ભાજપના પૂર્વાવતાર જનસંઘ ને પછી ભાજપને પણ ધનથી મદદ કરીને તેને ટકાવી રાખ્યો. પાટીદારોને જનસંઘ-ભાજપ તરફ વાળનારા કેશુબાપા હતા. કેશુબાપાએ ભાજપનું પાટીદારો સાથેનું જોડાણ એવું મજબૂત કર્યું કે, એ કદી તૂટ્યું જ નહીં.

કેશુબાપાનું આ યોગદાન આજે કોઈને બહુ મોટું નહીં લાગે કેમ કે અત્યારે ભાજપના નામના સિક્કા પડે છે પણ
1960ના દાયકામાં કોંગ્રેસના નામના સિક્કા પડતા ત્યારે સ્થિતિ અલગ હતી. એ વખતે કોંગ્રેસ સિવાયની વાત કરનારા મૂરખ ગણાતા કેમ કે કોંગ્રેસ સિવાયનો બીજો પક્ષ કાઠું કાઢશે એવી કોઈને કલ્પના પણ નહોતી થતી. કેશુબાપા જેવા વિરલા બીજા પક્ષનો ભેખ ધરીને નીકળતા તો તેમને કાર્યકરો નહોતા મળતા. ચૂંટણી આવે ત્યારે ઉબા રહેતા પણ ડીપોઝિટ પણ જપ્ત થઈ જાય એટલા ઓછા મળતા. હતાશ થઈ જવાય એનો માહોલ હતો ને એ જમાનામાં કેશુબાપા ભાજપના પૂર્વાવતાર જનસંઘ માટે નીકળી પડેલા. રાત-દિવસ મહેનત કરીને, લોહી-પાણી એક કરીને કેશુબાપાએ જનસંઘને ઉભો કરેલો. હાર પછી હારને પચાવીને પણ વિચારધારાને વળગી રહીને તેમણે જનસંઘને સિંચ્યો હતો કે જે આજે ભાજપ નામના વટવૃક્ષ તરીકે આપણી નજર સામે છે.

કેશુબાપાના યોગદાન વિશે વાત કરવા એક લેખ નાનો પડે પણ ગુજરાતની કમનસીબી કહેવાય કે, કેશુબાપા જેવા સારા માણસ શાસક તરીકે લાંબો સમય ન રહ્યા. તેમાં કેશુબાપાનો પણ વાંક હતો કે એ સત્તાનાં સમીકરણોને ન સમજી શક્યા ને ભલમનસાઈના કારણે માણસોને ઓળખી ન શક્યા. પોતાની નજીકના માણસને કાબૂમાં ન રાખી શક્યા ને તેનું પરિણામ એ આવ્યું કે, ભાજપને ઉભો કરવા માટે સાડા ત્રણ દાયકા મહેનત કરનારા કેશુબાપા મુખ્યમંત્રીપદે સાડા ત્રણ વર્ષ પણ ન ટક્યા.

કેશુબાપા ગુજરાતમાં ભાજપનો પાયાનો પથ્થર હતા ને ભાજપના પહેલા મુખ્યમંત્રી હતા. કેશુભાઈએ ભાજપ માટે આખી જાત ઘસી નાંખેલી તેથી મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ ભાજપની પહેલી પસંદગી હતા. કમનસીબે કેશુબાપા મુખ્યમંત્રી તરીકે એટલા સફળ ન થયા. કદાચ તેમની સારપ જ તેમને ખાઈ ગઈ ને તેના કારણે કેશુબાપાનું રાજકારણ જલ્દી પૂરું થયું. કેશુબાપા 1995માં મુખ્યમંત્રી બન્યા ત્યારે ભાજપની સર્વમાન્ય પસંદગી હતા ને ગુજરાતની પ્રજાનો પણ તેમને ટેકો હતો. કેશુબાપાની એકદમ નજીક રહેલા શંકરસિંહ વાઘેલાને પણ મુખ્યમંત્રી બનવાના કોડ હતા પણ ગાદી ન મળી તેથી એ નારાજ હતા.

નરેન્દ્ર મોદી એ વખતે ગુજરાત ભાજપમાં સંગઠન મહામંત્રી હતા. ગુજરાતમાં ભાજપની સરકાર રચાઈ પછી તંત્ર પર મોદીએ અંકુશ જમાવી દીધેલો. તેના કારણે વાઘેલાને તક મળી ને તેમણે ધારાસભ્યોને ભડકાવીને ખજૂરીયા કાંડ કરી નાંખ્યો. આ ખજૂરીયા કાંડે પહેલી વાર કેશુબાપાનો ભોગ લીધો ને સમાધાનના ભાગરૂપે સાવ મોળા સુરેશ મહેતા ગાદી પર બેઠા. વાઘેલાને તો ગાદી જોઈતી હતી તેથી વરસ પછી તેમણે મહેતાને પણ ઉથલાવ્યા ને પોતે ગાદી પર ચડી બેઠા. વાઘેલાએ વાવ્યું એવું લણ્યું કેમ કે કોંગ્રેસે તેમની સાથે ગદ્દારી કરીને તેમને વરસ પછી ઘરભેગા કરી દીધેલા. વાઘેલાએ પોતાના પ્યાદા દિલીપ પરીખને બેસાડીને સત્તા ટકાવવા ફાંફાં મારી જોયાં પણ ન ફાવ્યા. 1998માં ફરી ચૂંટણી આવી ત્યારે પ્રજા ફરી કેશુબાપાને પડખે ઉભી રહી કેમ કે કેશુબાપા સાથે ગદ્દારી ને વિશ્વાસઘાત થયા તેની પ્રજા સાક્ષી હતી.

કેશુબાપા 1998માં ફરી મુખ્યમંત્રી બન્યા એ તેમને માટે સુવર્ણ તક હતી. કેશુભાઈ બીજી વાર મુખ્યમંત્રી બન્યા એ પહેલાં નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી વિદાય કરી દેવાયા હતા ને તેમની જગા કેશુબાપાના જમાઈરાજ મયૂર દેસાઈએ લઈ લીધેલી. મયૂર દેસાઈએ પણ જબ સૈયાં ભયે કોટવાલ તો ડર કાહે કા એમ સમજીને સસરા ગાદી પર બેઠા તેનો લાભ ઉઠાવીને બેઉ હાથે ઉસેટવાનો ખેલ શરૂ કરી દીધેલો. બાકી હતું તે પરમાણંદ ખટ્ટર જેવા પ્રધાનો મળ્યા તેમાં કેશુબાપાનું શાસન બ્રષ્ટાચારનો પર્યાય ગણાવા લાગ્યું હતું. ગુજરાતીઓ માટે તો વખાણેલી ખિચડી દાંઢે વળગી જેવો ઘાટ થઈ ગયેલો. સ્થિતિ એ થઈ ગઈ કે, કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા તેના બે વર્ષમાં તો ભાજપ ફનાફાતિયા થઈ ગયેલો.

ગુજરાતમાં 2000ની સાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી તેમાં ભાજપનો પરાજય સપાટી પર આવ્યો. ભાજપ એ હદે લોકોમાં અળખામણો થઈ ગયેલો કે વરસોથી જ્યાં ખિલા ઠોકીને બેઠેલો એવી અમદાવાદ ને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભાજપનું પડીકું થઈ ગયેલું. બાકી હતું તે સાબરમતી વિધાનસભા બેઠક ને સાબરકાંઠા લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ હાર્યો. આ ઓછું હોય તેમ કુદરત પણ બરાબર રૂઠી. પહેલાં કંડલા પર વાવાઝોડું ત્રાટક્યું ને પછી કચ્છમાં ભૂકંપ આવ્યો. કેશુભાઈ માટે 2001નો કચ્છનો ભૂકંપ રાજકીય કારકિર્દી ખતમ કરનારો ભૂકંપ સાબિત થયો.

કેશુબાપાએ એ પછી પણ આશા નહોતી છોડી ને તેમણે મોદીને હટાવીને ફરી ગાદી પર બેસવા પૂરા પ્રયત્નો કર્યા પણ એ ફળ્યા નહીં. તેનું કારણ એ કે કેશુબાપા ભાજપ સામે બગાવત કરવાની હિંમત ના બતાવી શક્યા. 2012માં તેમણે હિંમત બતાવીને નવી પાર્ટી બનાવી ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયેલું. મોદીને એ ઢૂંઢિયો રાક્ષસ કહેતા ને લપોડશંખની વાર્તાઓ સંભળવાતા પણ ત્યાં સુધીમાં મોદી બહુ મોટા થઈ ગયા હતા તેથી કેશુબાપા ફરી પુનરાગમન ન કરી શક્યા.

કેશુબાપાનાં પાછલાં વરસ રાજકીય નિષ્ક્રિયતામાં પસાર થયાં પણ એક વાત કબૂલવી પડે કે, તેમના માટે લોકોને જે માન હતું તે છેક સુધી જળવાયું. રાજકીય કે બીજા ભેદભાવને ભૂલીને લોકો કેશુબાપાને સન્માન આપતા હતા. તેમના શાસનમાં જે પણ થયું તેને માટે લોકો કેશુબાપાને જવાબદાર નહોતા ગણતા એ કેશુબાપામાં લોકોની શ્રદ્ધા કહેવાય. કેશુબાપાની પ્રમાણિકતામાં લોકોની શ્રદ્ધા ટકી રહી હતી એ બહુ મોટી વાત કહેવાય. કેશુબાપાની વિદાય સાથે મૂલ્યોને વરેલી ને પ્રમાણિકતામાં માનતી પેઢીનો એક મહાન માણસ વિદાય થયો છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે