બુમરાહે ઘાતક બોલિંગથી આઈપીએલમાં પર્પલ કેપ પર જમાવ્યો કબ્જો

મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટની ઘાતક બોલિંગ સામે દિલ્હી કેપિટલના બેટ્સમેનો ઘૂંટણીયે પડી ગયા હતા. બોલ્ટ અને બુમરાહે મળીને દિલ્હીની ટીમની વિકેટ ખેરવીને પ્રથમ ક્વાલીફાયર મેચમાં જીત અપાવીને મુંબઈને આઈપીએલ-૨૦૨૦ની ફાઈનલ મેચમાં પહોંચાડી દીધી છે. આ મેચમાં જસપ્રીત બુમરાહની બોલિંગ ખૂબ જ ઘાતક રહી અને તેણે પોતાની આઈપીએલ કેરિયરની શ્રેષ્ઠ બોલિંગ પણ કરી. બુમરાહે આ મેચમાં દિલ્હીની ટીમ વિરુદ્ધ પોતાની ૪ ઓવરના સ્પેલમાં ૧૪ રન આપીને ૪ વિકેટો ઝડપી હતી.
જેમાં એક મેઈડન ઓવર પણ ફેંકી હતી. બુમરાહે ફોર્મમાં ચાલી રહેલા શિખર ધવન અને ડેનિયલ સેમ્સને શૂન્ય રને આઉટ કર્યાં હતા. જ્યારે સારી બેટિંગકરી રહેલા અને મુંબઈની જીત માટે મુસિબત બની બેઠેલા સ્ટાઈનિસને ૬૫ રને પેવેલિયન પરત મોકલી દીધા હતા. બુમરાહે દિલ્હીની ટીમના કેપ્ટન શ્રેયસ ઐય્યરને પણ ૧૨ રનના સ્કોરે પોતાનો શિકાર બનાવ્યા હતા. બુમરાહ પોતાની આ ઘાતક બોલિંગના જોરે આઈપીએલની આ સિઝનમાં ભારતીય બોલર તરીકે સૌથી વધુ વિકેટો ઝડપનાર બોલર પણ બની ગયો છે. આઈપીએલની એક સિઝનમાં ભારતીય બોલર તરીકે સૌથી વધુ વિકેટ લેવાની કરામત વર્ષ ૨૦૧૭માં ભુવનેશ્ર્વર કુમારે કરી બતાવી હતી.
ભુવનેશ્ર્વર કુમારે તે સિઝનમાં ૨૬ વિકેટો ઝડપી હતી. હવે બુમરાહે તેને રેકોર્ડ તોડી નાંખ્યો છે અને આઈપીએલની ૧૩મીં સિઝનમાં અત્યાર સુધી ૨૭ વિકેટ ઝડપીને પ્રથમ ક્રમે આવી ગયો છે. દિલ્હી વિરુદ્ધની પ્રથમ ક્વાલીફાયર મેચમાં મુંબઈની ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૨૦૦ રનનો જંગી સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં દિલ્હીની ટીમનું પ્રદર્શન શરૂઆતથી જ નિરાશાજનક રહૃાું હતું. દિલ્હીની ટીમની ૩ વિકેટો શૂન્ય રન પર જ પડી ગઈ હતી.