આખરે ચોતરફ પુનઃ ભાજપનો ભગવો લહેરાતા વિપક્ષોમાં સન્નાટો છવાઈ ગયો

બિહારની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે અને બપોરે સાડાબાર વાગ્યે મહાગઠબંધનથી એનડીએ ત્રીસેક બેઠક આગળ હતું. મતગણતરી આ વખતે લાંબી ચાલે તેમ હોવાથી આખરી પરિણામો આવતા મોડી રાત ૫ડશે, પરંતુ સરવાળે અનેક બેઠકો પર એનડીએ આગળ હતું. બીજી તરફ ગુજરાત પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર બપોરે ભાજપે વિજયની વરમાળા પહેરી લીધી છે. પરંતુ કરજણ બેઠક પર કોંગ્રેસે ચારેક હજારની લીડ કાપી હતી. પરંતુ છેવટે ભાજપની જ જીત થઈ છે. એકંદરે ગુજરાતની પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો અને કોંગ્રેસનો પરાજય થયો છે, તેમ કહી શકાય. બિહારમાં તેજસ્વી યાદવનો પનો ટૂંકો પડ્યો છે.

આ ચૂંટણીઓના પરિણામો આવ્યા પછી તેના પ્રત્યાઘાતો આવશે, પરંતુ સાંજે મધ્યપ્રદેશમાં વીસેક બેઠક પર ભાજપ આગળ હોવાથી જ્યોતિરાદિત્ય સિંધિયા ફેક્ટર અસરકારક જણાયું હતું. જો કે, બિહાર વિધાનસભાના અંતિમ પરિણામો આવે, તે પછી જ કાંઈ કહી શકાય, પંરતુ એક્ઝિટ પોલમાં લગભગ તમામ અંદાજોથી જો વિપરીત પરિણામો આવે તો ઈવીએમ અથવા ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠી શકે. જો કે, રાતે હજુ મતગણતરી ચાલી રહી હોવાથી કોઈ પ્રત્યાઘાતો મળ્યા નથી. બિહારની મતગણતરી શરૂ થયા પછી સવારે સાડા નવ વાગ્યા સુધીનો ટ્રેન્ડ એકતરફી મહાગઠબંધન તરફી રહ્યો અને તે પછી એનડીએ નજીક આવવા લાગ્યું, પરંતુ બપોર થતા સુધી ઉતાર-ચઢાવ ચાલતો રહ્યો, જ્યારે ગુજરાતમાં પેટા ચૂંટણીમાં પહેલેથી ભાજપની સાત બેઠકો પર લીડ રહી હતી, અને કેટલીક બેઠકો પર ઉતાર-ચઢાવ થતો રહ્યો હતો. મોડેથી તમામ આઠ બેઠકો ભાજપે જીતી લીધી હતી.

ચૂંટણી પહેલાના ઓપિનિયન પોલમાં પણ નીતિશકુમાર માટે કપરાં ચઢાણ હોવાનું અનુમાન થયું હતું, અને તે પછી એક્ઝીટ પોલમાં પણ મહાગઠબંધનને સત્તા મળશે, તેવા અંદાજો કરાયા હતાં. મોટાભાગના એક્ઝિટ પોલના અનુમાનો આ વખતે નીતિશકુમારની વિદાય નિશ્ચિત હોવાનો સંકેત આપતા હતા, જ્યારે બે-ત્રણ એક્ઝિટ પોલ “નેક-ટુ-નેક” ફાઈટ પણ બતાવી રહ્યાં હતાં, હવે ભારતના મતદારો એટલા પરિપકવ થઈ ગયા છે કે, તેમનું મન કળવું મુશ્કેલ હોય છે, તેથી ઘણી વખત એક્ઝિટ પોલના તારણો ખોટા પણ પડતા હોય છે, પરંતુ મોટા ભાગે એક્ઝિટ પોલના પરિણામોને અનુરૂપ આવતા હોય છે. સાચા પરિણામો મતગણતરી થયા પછી ના જ ગણાય.

બિહારના આજના ૫રિણામો હવે રાષ્ટ્રીય રાજનીતિ પર પણ વ્યાપક અસરો કરવાના છે. નીતિશકુમારને પાઠ ભણાવવા અને જેડીયુને હટાવવા મેદાને પડેલા ચિરાગ પાસવાનની એલજેપી હવે રાષ્ટ્રીય કક્ષાએ એનડીએમાં રહે છે કે પછી પ્રાદેશિક રાજનીતિને પ્રાધાન્ય આપે છે તે જોવાનું રહે છે. ચિરાગે તેજસ્વી યાદવને જન્મદિવસના અભિનંદન આપ્યા અને તેજસ્વીને મીઠો જવાબ આપ્યો, તેના રાજકીય અર્થઘટનો પણ થવા લાગ્યા હતા. કેન્દ્રમાં એલજેપી અને જેડીયુ બંને પાર્ટી સામેલ રહે, તો એક મ્યાનમાં બે તલવાર જેવું થશે, તો બીજી તરફ ભાજપ દ્વારા ભાંગફોડની આશંકાથી કોંગ્રેસે પહેલેથી જ રાષ્ટ્રીય નેતાઓને બિહારની જવાબદારી સોંપી અને મોકલી દીધા તે શાણપણભર્યું કદમ ગણાય.

પેટાચૂંટણીઓના પરિણામો પણ અપેક્ષિત જ હતા. પેટાચૂંટણીઓમાં મોટા ભાગે તો જે રાજ્યમાં જે પક્ષ સત્તા પર હોય, તેની તરફેણમાં વિધાનસભાની બેઠકો પર જનાદેશ મળતો હોય અને લોકસભામાં ક્યારેક કેન્દ્રમાં શાસકપક્ષ હોય, તેની વિરૃદ્ધમાં પરિણામ આવતું હોય છે. મધ્યપ્રદેશની પેટાચૂંટણીઓ પર સમગ્ર દેશની નજર હતી. કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતા અને રાજવીકૂળના વંશજ જ્યોતિરાદિત્ય ચિંધિયાએ કોંગ્રેસ છોડી અને તેની સાથે જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા તે વિધાનસભા બેઠકો પર શું થાય છે, તેના પર દેશના રાજકીય પંડિતોની નજર હતી, અને સિંધિયાનું રાજનૈતિક ભવિષ્ય પણ તેમાં જ છુપાયેલું હતું, કારણકે પેટાચૂંટણીમાં જેટલી બેઠકો સિંધિયા ભાજપને અપાવે, તેટલું તેનું કદ વધે તેમ હતું.

લાલુ પ્રસાદ 1990માં બિહારના મુખ્યમંત્રી બન્યા પછી સળંગ 15 વર્ષ સુધી બિહારમાં એકહથ્થુ સત્તા ભોગવી હતી. તેનો ઉપયોગ કરીને તેમણે બેફામ ભ્રષ્ટાચાર કરીને ઘર ભર્યું છે. તેમણે 1990ના દાયકામાં ઘાસચારા કૌભાંડ કરેલું ને અબજો રૂપિયા ઘરભેગા કરી દીધેલા. લાલુ 1990માં પહેલી વાર બિહારના મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ તેમણે આ લીલા શરૂ કરી દીધેલી ને વરસો લગી તો કોઈને ગંધ પણ ના આવે એ રીતે તેમની પાપલીલા ગૂપચૂપ ચાલતી રહી હતી પણ 1996માં તેમનાં પાપ છાપરે ચડીને પોકાર્યાં પછી તેમણે બિહારની ગાદી છોડવી પડેલી. તેનાથી લાલુને ઝાઝો ફરક પડ્યો નથી કેમ કે પોતે ઘરભેગા થયા તો પોતાની સાવ અભણ બૈરી રાબડી દેવીને ગાદી પર બેસાડીને તેમણે બિહાર પર રાજ કરેલું. એ રીતે તેમણે બીજાં આઠ વરસ ખેંચી કાઢેલાં. ભાજપ અને નીતીશકુમારે બહુ મહેનત કરીને 2005માં આરજેડીને પરાજય આપ્યો પણ લાલુનું વર્ચસ્વ નહોતા તોડી શક્યા. બલ્કે નીતીશે પણ ભાજપ સાથે બગડ્યું ત્યારે સત્તા ટકાવવા લાલુના પગ પકડવા પડ્યા હતા.

લાલુએ બિહારમાં સત્તા ગઈ એ પહેલાં જ કોંગ્રેસ સાથે ગોઠવણ કરી નાંખેલી તેથી કેન્દ્રમાં રેલવે પ્રધાન તરીકે ગોઠવાઈ ગયેલા. લાલુએ રેલવે પ્રધાન તરીકે પણ બેફામ ભ્રષ્ટાચાર કર્યો હતો. લાલુ કેન્દ્રમાં પ્રધાન હતા ત્યારે કોંગ્રેસ સરકારે સીબીઆઈનો દુરૂપયોગ કરીને તેમની સામેના કેસોમાં કુલડીમાં ગોળ ભાંગીને ક્લીન ચીટ મેળવેલી પણ આપણે ત્યાં ન્યાયતંત્ર સાબૂત છે તેથી લાલુની એ ચાલ સફળ નહોતી થઈ તેથી તેમની સામેના કેસો ચાલ્યા કરતા હતા પણ લાલુ તેનાથી વિરક્ત થઈને ભ્રષ્ટાચાર કર્યા કરતા હતા.

લાલુ 2004થી 2009 સુધી રેલવે પ્રધાન હતા એ દરમિયાન રેલવે મંત્રાલયની જગન્નાથ પુરી અને રાંચીમાં આવેલી બે હોટલો આઈઆરસીટીસીને સોંપાયેલી. તેના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પટણાની સુજાતા હોટલ્સ નામની કંપનીને અપાયેલો. આ કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડરમાં ઘાલમેલ કરાયેલી. તેના બદલામાં કંપનીએ પટણામાં સોનાની લગડી જેવી ત્રણ એકર જમીન ડીલાઈટ માર્કેટિંગ નામની કંપનીને માત્ર રૂપિયા 32 લાખમાં આપેલી. આ જમીનની કિંમત એક હજાર કરોડ રૂપિયાથી વધારે છે. આ તો એક કૌભાંડની વાત કરી પણ એ સિવાય લાલુએ બીજાં તો કેટલાય ગોરખધંધા કરેલા છે. મોદી સરકાર સત્તામાં આવી પછી આવકવેરા વિભાગે લાલુની દીકરી મિસા અને દીકરા તેજસ્વીની 50 કરોડ રૂપિયાની સંપત્તિ ને 12 પ્લોટ ટાંચમાં લીધા છે. આ બધા પ્લોટની કિંમત કાગળ પર પચાસેક કરોડ બતાવાયેલી પણ તેની બજાર કિંમત એક હજાર કરોડ રૂપિયાથી વધારે છે. આ બધી સંપત્તિ લાલુએ રેલ્વે પ્રધાન તરીકે જમાવેલી છે.