કોરોનાથી સાજા થયેલા ૪૦ ટકા લોકોને ફરી ચેપનો ખતરો

  • એકવાર કોરોના થઈ ગયા બાદ ફરી તેનો ચેપ ના લાગે તેવો વ્હેમ મનમાં કાઢી તકેદારીમાં ચૂક ન કરવાની સલાહ

 

કોરોનાના કેસ છેલ્લા થોડા દિવસથી ઘટી રહૃાા છે, પરંતુ કોરોના હજુ ગયો નથી. તેમાંય જે લોકો કોરોનામાંથી સાજા થયા છે, તેમાંથી ઘણા એવું માની રહૃાા છે કે હવે તેમને કોરોના ફરી નહીં થાય. જોકે, આ માનસિકતા સામે કોર્પોરેશન દ્વારા કરાયેલો સીરો સર્વે લાલબત્તી ધરી રહૃાો છે. કારણકે, અમદાવાદમાં જ કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં ધીરે-ધીરે તેની સામેની પ્રતિકારક શક્તિ (એન્ટિબોડી) ઓછી થઈ રહી છે. હાલ કોરોનાથી બચવા માટે લોકો રસી પર મોટી આશા રાખીને બેઠા છે. તેવામાં એએમસી દ્વારા ઓક્ટોબરમાં કરવામાં આવેલા સીરો સર્વેમાં જાણવા મળ્યું છે કે, શહેરમાં કોરોનામાંથી સાજા થયેલા ૧૭૦૮ દર્દીમાંથી ૧૨ સપ્તાહના અંતે માંડ ૫૪.૫ ટકા લોકોમાં જ આ વાયરસ સામે લડી શકે તેવા એન્ટિબોડી મોજૂદ હતા. સર્વેમાં એ પણ જાણવા મળ્યું હતું કે પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં એન્ટિબોડી વધુ હતા. પુરુષોમાં આ પ્રમાણ ૫૪ ટકા હતું, જ્યારે મહિલાઓમાં આ પ્રમાણ એક ટકો વધારે એટલે કે ૫૫ ટકા જેટલું હતું. જે લોકો કોરોનામાંથી સાજા થયા હતા, તેમનામાં રિકવરીના ૧૨ સપ્તાહ બાદ એન્ટિબોડીનું પ્રમાણ ૪૦થી ૬૦ ટકા જેટલું થઈ ગયું હતું. સ્ટડીમાં એવો પણ દાવો કરાયો છે કે માર્ચથી મેના મધ્ય ભાગ સુધી અમદાવાદમાં પ્રમાણમાં ઘણા ઓછા કેસ હતા. તેવામાં ૨૦ સપ્તાહના અંતે કોરોનામાંથી રિકવર થયેલા દર્દીઓમાં એન્ટિબોડીમાં વધુ ઘટાડો નોંધાયો હોવાની પણ શક્યતા છે. કોરોનાનો ચેપ લાગ્યા બાદ શરીરમાં તેની સામે લડવા માટે સર્જાતી રોગપ્રતિકાર શક્તિ ચારેક મહિના સુધી ૫૦-૫૫ ટકા વચ્ચે સ્થિર રહેતી હોવાનું પણ આ સર્વેમાં જાણવા મળ્યું હતું.