ભારતીય ટીમ સ્લેજિંગ અને શોર્ટ પિચ બોલિંગનો સામનો કરવા માટે તૈયાર: શુભમન ગિલ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારા ચાર ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલાં બંને ટીમોના ખેલાડીઓએ માઇન્ડ ગેમ શરૂ કરી દીધી છે. યુવા ભારતીય બેટ્સમેન શુભમન ગિલનું માનવું છે કે ઓસ્ટ્રેલિયામાં કોઇ પણ પ્રકારનું ક્રિકેટ રમવું તે અત્યંત મુશ્કેલ હોય છે પરંતુ ૧૭મી ડિસેમ્બરથી એડિલેડ ખાતેથી શરૂ થઇ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમ સ્લેજિંગ અને શોર્ટ પિચ બોલિંગનો સામનો કરવા માટે તૈયાર છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની વન-ડે ટીમના સુકાની એરોન ફિન્ચે પોતાના સાથી ખેલાડીઓને હરીફ ટીમના સુકાની વિરાટ કોહલી સામે સ્લેજિંગ નહીં કરવાની ચેતવણી આપી છે.

એરોન ફિન્ચે જણાવ્યું હતું કે એડિલેડ ખાતેની ડે-નાઇટ ટેસ્ટમાં વિરાટ કોહલીનો સામનો કરતી વખતે યજમાન ખેલાડીઓએ મેદાનમાં પોતાની આક્રમક સ્લેજિંગને અંકુશમાં રાખવી પડશે કારણે તે વધારે પડતી સ્લેજિંગના કારણે કોહલી હરીફ ટીમ માટે ખતરનાક સાબિત થાય છે. મેચમાં ઘણી વખત તનાવપૂર્ણ માહોલ સર્જાતો હોય છે ત્યારે ખેલાડીઓએ બેલેન્સ જાળવવાની જરૂર છે. વિરાટ કોહલી પહેલાં કરતાં હવે વધારે પરિપક્વ બની ગયો છે અને તે મેચની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રમતો હોય છે.

નોંધનીય છે કે ૨૦૧૮-૧૯માં રમાયેલી બંને ટીમો વચ્ચેની શ્રેણી દરમિયાન કોહલી અને ટિમ પેઇને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. બંને ટીમો વચ્ચે સ્લેજિંગ, બોલાચાલી અને વિવાદ સર્જાતા રહે છે. આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે કોહલીના નેતૃત્વમાં રમી ચૂકેલા ફિન્ચે જણાવ્યું હતું કે પ્રત્યેક મેચ માટે કોહલી પોતાને અલગ રીતે તૈયાર કરે છે પરંતુ તે પોતાની ટીમથી વધારે હરીફ ટીમ ઉપર ક્યારેય ધ્યાન આપતો નથી. તે ખેલાડી અને સુકાની તરીકે અલગ સ્તર ધરાવે છે. તે ઘણી વખત આક્રમક બની જાય છે ત્યારે તેની બેટિંગ જોવાની મજા અલગ જ હોય છે.