સર્વોચ્ચ અદાલતના હસ્તક્ષેપ પછી ખેડૂતોની નજર હવે સરકાર તરફ છે

એક તરફ મોદી સરકાર ખેડૂત આંદોલનનું કોકડું ઉકેલવા માટે મથ્યા કરે છે ત્યારે બીજી તરફ દિલ્હીમાં ધામા નાખીને પડેલા ખેડૂતોને હટાવવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ખેડૂત આંદોલન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ઢગલો અરજીઓ થઈ છે ને તેમાંથી એક અરજદારે આજીજી કરી છે કે, ખેડૂતો મોટી સંખ્યામાં ખડકાયેલા છે તેના કારણે કોરોના વાઈરસ ફેલાવાનો ખતરો છે તેથી ખેડૂતોને તાત્કાલિક ઘરભેગા કરીને દિલ્હીની સરહદને આસપાસ ખાલી કરાવી દો. બીજી એક અરજીમાં ખેડૂતો પર થયેલા અત્યાચારોની માનવાધિકાર પંચ દ્વારા તપાસ કરાવવાની માગ થયેલી છે. એક અરજીમાં ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી અપાય ને જંતર મંતર ખાતે દેખાવો કરવાની મંજૂરી અપાય એ માટે મોદી સરકારને આદેશ અપાય એવી વિનંતી પણ કરાઈ છે. સુપ્રીમ કોર્ટે સોમવારે આ અરજીઓની સુનાવણી હાથ ધરીને કેન્દ્ર સરકાર તથા દરેક અરજીમાં લાગતાવળગતાઓને નોટિસો ફટકારીને મુદત પાડી દીધી છે.

જો કે મહત્ત્વની બાબત સુપ્રીમ કોર્ટે કરેલી ટિપ્પણી અને ખેડૂતોની સમસ્યા ઉકેલવા માટે મધ્યસ્થી કરવા માટે બતાવેલી તત્પરતા છે. ચીફ જસ્ટિસ શરદ બોબડેના વડપણ હેઠળની બેંચે સંકેત આપ્યો છે કે, ખેડૂતોના આંદોલનનો નિવેડો આવે એ માટે સુપ્રીમ કોર્ટ એક કમિટી બનાવી શકે છે. આ કમિટીમાં ખેડૂતો અને સરકાર બંનેના પ્રતિનિધિ હશે. ખેડૂતોના વાંધાજનક લાગતી બાબતો અંગે સમાધાન શોધવા માટે આ કમિટી પ્રયત્ન કરશે. સુપ્રીમ કોર્ટે એવી ટિપ્પણી પણ કરી છે કે, ખેડૂતો જે રીતે આંદોલન કરી રહ્યા છે એ જોતાં આ બહુ જલદી રાષ્ટ્રીય મુદ્દો બની જશે. સુપ્રીમે એમ પણ કહ્યું છે કે, કે કોર્ટ પોતે કમિટી બનાવીને ઉકેલ લાવવાની વાત કરે એ વધારે પડતું કહેવાય કેમ કે આ કામ સરકારનું છે, સુપ્રીમ કોર્ટનું નહીં.

મોદી સરકાર હવે શું કરે છે તેના પર સૌની નજર છે ત્યારે એક વાત એવી વહેતી થઈ છે કે, મોદી સરકાર પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ એ ત્રણ રાજ્યોને કૃષિ કાયદાના અમલમાંથી મુક્તિ આપી શકે છે. મતલબ કે, દેશનાં બાકીનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોદી સરકારે બનાવેલા ત્રણેય કૃષિ કાયદાનો અમલ કરાશે પણ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ એ ત્રણ રાજ્યોમાં નહીં કરાય. કૃષિ કાયદા સામે સૌથી વધારે વિરોધ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ એ ત્રણ રાજ્યોમાં છે. દિલ્હીમાં ખડકાયેલા ખેડૂતોમાંથી મોટા ભાગના ખેડૂતો આ ત્રણ રાજ્યોના છે ને આ ત્રણ રાજ્યોમાં જ સૌથી ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે.

આ ત્રણ રાજ્યોમાં કૃષિ કાયદાનો અમલ ન કરાય તો આંદોલન આપોઆપ ટાઢું પડી જાય એ ગણતરીએ મોદી સરકાર આ વિકલ્પ વિચારી રહી હોવાની વાતો ચાલી રહી છે. ખેડૂત આંદોલનથી મોદી સરકાર ચિંતામાં છે ને ખેડૂતોને ટાઢા પાડવા બધા વિકલ્પો વિશે વિચારી રહી છે. જેને જે તુક્કો સૂઝે એ પ્રમાણે ખેડૂતો સામે વિકલ્પ મૂકી દેવાય છે તેથી આ વિકલ્પ વિશે સરકાર વિચારતી હોય એવી શક્યતા નકારી ના શકાય. બુધવારે મોદી કેબિનેટની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હોવાની વાતો પણ ચાલી રહી છે.

આ વાતોમાં સાચું શું ને ખોટું શું એ આપણને ખબર નથી કેમ કે મોદી સરકારે સત્તાવાર રીતે આ મુદ્દે કશું કહ્યું નથી પણ આ વિકલ્પ અમલમાં મૂકવાની વાત તો છોડો પણ આ વિકલ્પ વિચારવા જેવો પણ નથી. એક જ દેશમાં બે કાયદા કઈ રીતે હોઈ શકે? અમુક રાજ્યોમાં એક કાયદો લાગુ પડે ને બીજાં રાજ્યોમાં લાગુ ના પડે એવું કઈ રીતે બની શકે? આપણા દેશનું બંધારણ દેશનાં તમામ લોકોને સમાન ગણવાની વાતો કરે છે પણ વાસ્તવમાં બંધારણ વિસંગતતાઓથી ભરેલું છે. ઘણા બધા કાયદા એવા છે કે જેનો અમલ અમુક રાજ્યોમાં થાય છે ને અમુક રાજ્યોમાં નથી થતો. આ વિસંગતતા દૂર કરવાના બદલે મોદી સરકાર એવા કાયદામાં ઉમેરો કરે એ પછાતપણા તરફની ગતિ કરે એવી કોઈ શક્યતા નથી.

દેશનાં ત્રણ રાજ્યોને કૃષિ કાયદાના અમલમાંથી મુક્તિ અપાય તેનો અર્થ એ થાય કે, કેન્દ્ર સરકાર આ દેશનાં લોકોમાં ભેદભાવ કરી રહી છે. કેન્દ્ર સરકારે પસાર કરેલા કાયદાનો અમલ આખા દેશમાં કરવાનો જ હોય. માનો કે એ કાયદાનો અમલ મોકૂફ રખાય કે રદ કરાય તો આખા દેશમાં મોકૂફ રખાય કે રદ કરાય. સરકાર જમ્મુ અને કાશ્મીર અંગેની બંધારણની કલમ 370 મુદ્દે ગાઈવગાડીને એક વાત કહ્યા કરતી હતો કે, એક દેશમાં બે કાયદા ન ચાલે. દેશનાં ત્રણ રાજ્યોમાં કૃષિ કાયદાનો અમલ ન થાય ને બીજે બધે થાય તેનો અર્થ એક દેશમાં બે કાયદા જ થાય. ભાજપે વિચારધારાને મુદ્દે બહુ બાંધછોડ કરવાની ભાજપની નીતિ નથી.

બંધારણીય રીતે તો આ વિકલ્પનો અમલ ખોટો જ છે પણ સૌથી મોટું જોખમ તેની ભવિષ્યમાં પડનારી અસરો છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ એ ત્રણ રાજ્યોના ખેડૂતો આંદોલન કરીને કૃષિ કાયદાનો અમલ પોતાનાં રાજ્યોમાં મોકૂફ રખાવે તેનો અર્થ એ થાય કે ટોળાશાહીની જીત થઈ. તેના કારણે એવો મેસેજ જશે કે, તમારામાં ટોળું ભેગું કરીને સરકારના નાકમાં દમ કરવાની તાકાત હોય તો તમે ધાર્યું કરાવી શકો છે. પરિણામે ભવિષ્યમાં કોઈ પણ કાયદા કે બીજા મુદ્દે કોઈને વાંધો પડશે તો આ રીતે ટોળાશાહી દ્વારા ધાર્યું કરાવવા માટે જેમનાં હિતો સંકળાયેલાં હશે એવા લોકો મેદાનમાં આવી જશે.

ભારતમાં તો લોકોને નાની નાની વાતમાં વાંધા પડી જતા હોય છે તેથી ટોળાશાહીનું પ્રદર્શન કરવા માટે મુદ્દા કે કારણની જરૂર જ નથી. કૃષિ કાયદા મુદ્દે ખેડૂતોના વાંધા  વાજબી ન હોય છતાં એવા મુદ્દે પણ આ ખેલ ચાલશે જ. રાજકીય પક્ષો આવા મુદ્દાઓનો ફાયદો લેવા માટે ઊંચાનીચા થતા જ હોય છે. રાજકારણીઓ એ જ ધંધો માંડી દેશે ને કોઈ પણ મુદ્દે ધમાધમી કરી નાખશે. પ્રાદેશિક પક્ષો માટે તો એ કામ બહુ સરળ છે. ટૂંકમાં મોદી સરકાર આ વિકલ્પ અમલમાં મૂકે તેના કારણે ડોશી મરી જાય તેનો તો ભય છે જ પણ જમ ઘર ભાળી જાય તેનો પણ ભય છે.

મોદી સરકારે હાલ પૂરતો કૃષિ કાયદાનો અમલ મોકૂફ રાખવાનો વિકલ્પ અમલમાં મૂકવો જોઈએ. ત્રણ મહિના કે છ મહિના માટે કૃષિ કાયદાનો અમલ મોકૂફ રાખવાની જાહેરાત કરીને એ સમયનો ઉપયોગ ખેડૂતો સાથે ચર્ચા માટે કરવો જોઈએ. અત્યારે ખેડૂતો મમતે ચડેલા છે તેથી કૃષિ કાયદા રદ થવા સિવાય બીજી કોઈ વાત ન જોઈએ એવું પૂછડું ઝાલીને બેસી ગયા છે પણ એક વાત મોદી સરકાર કાયદાનો અમલ મોકૂફ રાખવાની જાહેરાત કરે તો એ આપોઆપ ટાઢા પડી જાય.

કાયદાનો અમલ મોકૂફ રખાય પછી તાત્કાલિક તેમને મંત્રણાના ટેબલ પર બેસાડાય ને બંને પક્ષ સામસામે બેસીને કાયદામાં જે પણ નડતું હોય તેનો નિકાલ થાય એવું વલણ અપનાવે તો ચોક્કસ ઉકેલ આવે. એ માટે મોદી સરકારે પણ થોડું જતું કરવું પડે ને ખેડૂતોએ પણ થોડું જતું કરવું પડે. કૃષિ કાયદામાં ઘણી બાબતો સારી છે. આ સંજોગોમાં આખો કાયદો રદ કરવો જરૂરી નથી. મોદી સરકાર દેશની પ્રજાએ ચૂંટેલી સરકાર છે ને તેણે આ કાયદો બનાવ્યો છે. આ કાયદો રદ થાય તો મોદી સરકાર માટે પણ નાલેશી કહેવાય. દેશનું સાવ અહિત થઈ જતું હોય એ સંજોગોમાં કાયદો રદ કરવાની વાત બરાબર છે પણ આ કાયદો એવો નથી. આ સંજોગોમાં કૃષિ કાયદો રદ કરાવીને મોદી સરકારને એવી નાલેશીભરી સ્થિતિમાં મૂકવી જરૂરી નથી. બીજી તરફ મોદી સરકાર પણ ખેડૂતોની ચિંતાઓનો ઉકેલ લાવવા માટે દિલથી પ્રયત્ન કરે એ જરૂરી છે. કેટલાક બકબક કરતા નેતાઓને પણ મોં બંધ રાખવાની સૂચના આપવી પડે. વળી ખુદ ખેડૂતો જાણે છે કે ભાજપે એને માટે ઘણા કામ કર્યા છે.