- ઇંગ્લેન્ડ સામેની સીરિઝ પહેલાં સ્ટેડિયમ માટે ડ્રેસ રિહર્સલ સાબિત થશે
અમદાવાદમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ૨૦૨૦-૨૧ની નોકઆઉટ મેચો રમવામાં આવશે. જ્યારે આ ટૂર્નામેન્ટની ગ્રુપ મેચો બેંગલુરુ, કોલકાતા, વડોદરા, ઇન્દોર, મુંબઈ અને ચેન્નાઈ ખાતે રમવામાં આવશે. આ દરેક સ્થળોએ ટીમ બાયો-બબલમાં રહેશે. ૩૮ ટીમોને ૫ એલાઇટ ગ્રુપ અને એક પ્લેટ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ કર્ણાટક એલાઇટ ગ્રુપ-છમાં સ્થાન મળ્યું છે અને તે પોતાની ગ્રુપ મેચીસ બેંગલુરુમાં રમશે. બધી ટીમો પોતપોતાની હોસ્ટ સિટીમાં ૨ જાન્યુઆરી સુધીમાં પહોંચી જશે.
ખેલાડીઓના ત્રણ વખત- ૨, ૪ અને ૬ જાન્યુઆરીના રોજ કોરોના ટેસ્ટ થશે. ટ્રેિંનગની શરૂઆત ૮ જાન્યુઆરીએ થશે. નોકઆઉટ મેચીસ ૨૬ જાન્યુઆરીથી રમાશે. તે પહેલાં ૨૦ અને ૨૨ જાન્યુઆરીએ ફરીથી બે વાર કોરોના ટેસ્ટ થશે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે છેલ્લી ઇન્ટરનેશનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે નવેમ્બર ૨૦૧૪ના રોજ રમાઈ હતી. જ્યારે છેલ્લી ડોમેસ્ટિક મેચની વાત કરીએ તો ૨૦૧૫માં આઈપીએલની રાજસ્થાન-બેંગલોરની મેચ રમાઈ હતી. સૈયદ મુસ્તાક અલીની નોકઆઉટ મેચ ઇન્ડિયા-ઇંગ્લેન્ડ સીરિઝ પહેલાં સ્ટેડિયમની ડ્રેસ રિહર્સલ સાબિત થશે.
સૈયદ મુસ્તાક અલી ટૂર્નામેન્ટની શરૂઆત ૧૦ જાન્યુઆરીએ થશે. ૨૬ અને ૨૭ જાન્યુઆરીએ ક્વૉર્ટર-ફાઇનલ, ૨૯ જાન્યુઆરીએ સેમી-ફાઇનલ અને ૩૧ જાન્યુઆરીએ ફાઇનલ રમવામાં આવશે. મુખ્ય ટીમોની વાત કરીએ તો- બંગાળની ટીમ કોલકાતામાં; ગુજરાત અને વડોદરાની ટીમ વડોદરામાં; સૌરાષ્ટ્ર, વિદર્ભ અને મધ્યપ્રદેશની ટીમ ઇન્દોર; મુંબઈની ટીમ મુંબઈમાં પોતાની ગ્રુપ રાઉન્ડની મેચો રમશે.