મોદી સરકાર કૃષિ સુધારણા કાયદાનો અમલ મોકૂફ રાખે એનો રસ્તો ખુલ્યો

ગઈ કાલે વડાપ્રધાને મધ્યપ્રદેશમાં જે વાત કરી એને આધારે એમ લાગે છે કે કિસાન આંદોલનને સમેટાતા વાર લાગશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના કૃષિ કાયદાઓ સામેના ખેડૂતોના આંદોલનનો સુપ્રીમ કોર્ટના સમજદારીભર્યા વલણના કારણે અંત આવવાની આશા ઊભી થઈ છે. દિલ્હીમાં ધામા નાખીને પડેલા ખેડૂતોને હટાવવાને મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે એક તરફ ખેડૂતોનો અહિંસક વિરોધ કરવાનો અધિકાર માન્ય રાખ્યો છે તો બીજી તરફ ખેડૂતોને આ કાયદાઓ સામે જે પણ વાંધા છે તેનો ઉકેલ લાવવા માટે નિષ્પક્ષ અને સ્વતંત્ર પેનલ નિમવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. આ પેનલમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ અને ખેડૂત સંગઠનોના આગેવાનોની સાથે સાથે પી. સાઈનાથ જેવા કૃષિ નિષ્ણાતો પણ હશે એવું પણ સુપ્રીમ કોર્ટે કહી દીધું છે.

જો કે, સુપ્રીમ કોર્ટનું સૌથી મહત્ત્વનું અને સમજદારીભર્યું પગલું એ છે કે તેમણે કેન્દ્ર સરકાર પાસે હાલમાં આ કૃષિ કાયદાઓનો અમલ મોકૂફ રાખવાની ખાતરી માગી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આ મુદ્દે પોતે કોઈ અંતિમ નિર્ણય ન લે ત્યાં સુધી મોદી સરકાર આ કાયદાઓનો અમલ ના કરે એવું અમે ઈચ્છીએ છીએ. કેન્દ્ર સરકારને કાયદા બનાવવાનો અને તેનો અમલ કરાવવાનો સંપૂર્ણ અધિકાર છે તેથી સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને કૃષિ કાયદાઓનો અમલ મોકૂફ રાખવા આદેશ ના આપી શકે પણ તેણે સૂચન કર્યું છે. કેન્દ્ર સરકાર વતી હાજર થયેલા એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે આ સૂચન અંગે શું કરવું એ મુદ્દે પોતે કોર્ટને પછી જણાવશે એવું કહ્યું છે એ જોતાં હવે મોદી સરકાર શું નક્કી કરે છે તેના પર સૌની નજર છે.

મોદી સરકારના નિર્ણયની ટૂંકમાં ખબર પડી જ જશે કેમ કે કોર્ટમાં ફરી સુનાવણી ચાલુ થઈ છે. આ નિર્ણય શું હશે એ કળવું મુશ્કેલ છે, પણ મોદી સરકાર સુપ્રીમ કોર્ટના આ સૂચનને સ્વીકારે એ દેશના હિતમાં છે. અત્યારે ખેડૂતો અને સરકારની મંત્રણામાં મડાગાંઠ પડી ગઈ છે. ખેડૂતો કૃષિ કાયદા સંપૂર્ણપણે પાછા ખેંચાય એવી મમત લઈને બેઠા છે ને સરકાર કોઈ પણ કાળે કૃષિ કાયદા પાછા તો નહીં જ ખેંચાય એ વાત ઝાલીને બેઠી છે. આ કારણે એક અઠવાડિયા કરતાં વધારે સમયથી મંત્રણા જ થઈ નથી. આ જ રીતે ચાલ્યા કરે તો બીજો મહિનો ખેંચાઈ જાય ને બે મહિના પણ ખેંચાઈ જાય. તેના કારણે કોને કેટલું નુકસાન થાય તેની ચોવટમાં આપણે પડતા નથી, પણ સરકારને નુકસાન જાય કે ખેડૂતોને નુકસાન જાય, સરવાળે નુકસાન તો દેશને જ થવાનું ને ? એવો ધંધો કરવાની ક્યાં જરૂર છે ?

સુપ્રીમ કોર્ટની વાત માનીને મોદી સરકાર ત્રણેય કાયદાનો અમલ મોકૂફ રાખે અને પછી સુપ્રીમ કોર્ટે બનાવેલી પેનલ નક્કી કરે એ પ્રમાણે કૃષિ કાયદામાં સુધારો કરે એ શ્રેષ્ઠ સ્થિતિ છે. તેમાં ખેડૂતો અને સરકાર બંનેનાં હિતો પણ સચવાઈ જશે ને બંનેનાં ગૌરવ પણ સચવાઈ જશે. મોદી સરકાર ખેડૂતોને મનાવવા તો માગે જ છે. તેના માટે કૃષિ કાયદામાં સુધારા કરવાની પણ મોદી સરકારે તૈયારી બતાવી જ છે. મોદી સરકાર જેના માટે સામેથી તૈયાર થઈ છે એ જ કામ કરવાનું સુપ્રીમ કોર્ટ કહી રહી છે તેથી મોદી સરકાર માટે આ રસ્તો ગૌરવપૂર્ણ છે.

સુપ્રીમ કોર્ટે હાલ પૂરતો કૃષિ કાયદાનો અમલ મોકૂફ રાખવાનો વિકલ્પ અમલમાં મૂકવા કહ્યું છે ને તેમાં કશું ખોટું નથી. સરકારે કાયદા બનાવી દીધા પણ ખેડૂતોના આંદોલનના કારણે આમ પણ તેનો અમલ તો થતો નથી. કાયદો હોવા છતાં તેનો અમલ ન થતો હોય તો એ કાયદા નહીં હોવા બરાબર જ કહેવાય. આ સંજોગોમાં મોદી સરકાર કાયદાનો અમલ મોકૂફ રાખવાનું એલાન કરે તેના કારણે તેને કોઈ નુકસાન નથી. બલકે તેના કારણે તેને ઘણા ફાયદા છે. માનો કે મોદી સરકાર અત્યારે ત્રણ મહિના કે છ મહિના માટે કૃષિ કાયદાનો અમલ મોકૂફ રાખવાની જાહેરાત કરે તો સૌથી પહેલાં તો ખેડૂતોને તેના તરફ સહાનુભૂતિ પેદા થશે. આ સરકાર ખાલી વાતો કરતી નથી પણ ખેડૂતોના વાંધા માન્ય રાખીને તેનો ઉકેલ લાવવા માટે ગંભીર છે એવો મેસેજ જશે. ખેડૂતોમાં આ મેસેજ જાય તેમાં અડધો જંગ સરકાર જીતી જશે.

બીજું એ કે, સરકારને ખેડૂતોને સમજાવવા માટે પૂરતો સમય મળી જશે. અત્યારે ખેડૂતો મમતે ચડેલા છે તેથી કૃષિ કાયદા રદ થવા સિવાય બીજી કોઈ વાત ન જોઈએ એ વાત ઝાલીને બેસી ગયા છે. સરકારની કોઈ વાત સાંભળવા તેઓ તૈયાર નથી પણ એક વાર મોદી સરકાર કાયદાનો અમલ મોકૂફ રાખવાની જાહેરાત કરે તો આપોઆપ ખેડૂતો ટાઢા પડી જાય. ત્રીજું એ કે, આ જાહેરાતના કારણે ખેડૂતોનું આંદોલન શાંત થઈ જાય. ખેડૂતોમાં પણ કેટલાક જડસુ એવા છે કે જે ઝાલેલું છોડવા તૈયાર નથી પણ એક વાર સરકાર મંત્રણા માટે આગળ આવે એટલે આપોઆપ એ ઢીલા પડે જ.

મોદી સરકાર માટે આ વિકલ્પનો મોટો ફાયદો એ પણ છે કે, સુપ્રીમ કોર્ટ મધ્યસ્થી બની રહી છે. સુપ્રીમ કોર્ટ મધ્યસ્થી બને એટલે ખેડૂતો પણ અક્કડ વલણ નહીં રાખી શકે. તેમને રાજકારણીઓ પર ભરોસો નથી પણ સુપ્રીમ કોર્ટ પર ભરોસો કરવો પડે. ને માનો કે ખેડૂતો ભરોસો કરવા તૈયાર ન થાય તો પણ મોદી સરકાર પાસે કારણ રહે કે અમે સુપ્રીમ કોર્ટની વાત માની પણ ખેડૂતો અક્કડ છે તો પછી અમે શું કરી શકીએ ? ખેડૂતો આડા ફાટે તો સુપ્રીમ કોર્ટની સહાનુભૂતિ ગુમાવે ને તેનો લાભ મોદી સરકારને ભવિષ્યમાં મળે.

આ વિકલ્પ ખેડૂતો માટે પણ ફાયદાકારક છે કેમ કે જે કંઈ નક્કી થશે તેનો અમલ સુપ્રીમ કોર્ટે કરાવવાનો રહેશે. રાજકારણીઓએ ફરી જઈ શકે પણ સુપ્રીમ કોર્ટ વચ્ચે હોય એટલે ફરી ન જાય. મોદી સરકારે સૌથી પહેલાં જ ખેડૂતોની તકલીફો દૂર કરવા માટે પેનલ બનાવવાની જાહેરાત કરેલી ને ખેડૂતોએ એ વાતને ફગાવી દીધેલી. તેનું કારણ એ કે, એ પેનલ સરકાર બનાવવાની હતી ને તેમાં કુલડીમાં ગોળ ભાંગવાની વાત હતી. હવે જે પેનલ બનશે તે સુપ્રીમ કોર્ટ બનાવશે ને તેમાં ખેડૂતોનાં હિતોને સમજનારા કૃષિ નિષ્ણાતો પણ હશે તેની કુલડીમાં ગોળ નહીં ભાંગી શકાય. ખેડૂતો પોતાના અધિકારો માટે લડે છે એવું સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે તેનો અર્થ એ થાય કે સુપ્રીમ કોર્ટને ખેડૂતો તરફ સહાનુભૂતિ છે. આ સહાનુભૂતિ જળવાય એ માટે ખેડૂતો સુપ્રીમ કોર્ટની વાત માને તો સુપ્રીમ કોર્ટ તેમનાં હિતો જાળવશે જ. અત્યાર સુધી થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટનું વલણ ખેડૂતો તરફી રહ્યું છે ને એ જાળવવા પણ ખેડૂતોએ સુપ્રીમ કોર્ટની વાત માનવી જોઈએ.

ખેડૂતોએ આ વિકલ્પ સ્વીકારવામાં કશું ગુમાવવાનું નથી. ખેડૂત આગેવાનો મોદી સરકાર સાથે પણ મંત્રણા કરતા હતા. મોદી સરકાર હા પાડે તો તેમણે સુપ્રીમ કોર્ટે નિમેલી પેનલના માધ્યમથી એ કરવાનું છે. આ મંત્રણામાં કશું નક્કર ન થાય તો ફરી આંદોલન કરવાનો વિકલ્પ તેમની પાસે છે જ. સુપ્રીમ કોર્ટે તેમનો આ અધિકાર માન્ય રાખ્યો જ છે. ખેડૂતોએ બીજી પણ એક વાત સમજવા જેવી છે. આ કાયદો પસાર થઈ ગયો છે ને તેનો અમલ શરૂ પણ થઈ ગયો છે. બંધારણીય રીતે સુપ્રીમ કોર્ટ કે કોઈ પણ તેનો અમલ રોકી ન શકે એ જોતાં મોદી સરકાર કશું કર્યા વિના બેસી રહે તો તેને કોઈ ફરજ ન પાડી શકે.

ખેડૂતોના આંદોલનને કારણે સરકારને આવકનું નુકસાન જાય કે લોકો પરેશાન થાય પણ રાજકારણીઓને આવી બધી વાતો અસર કરતી નથી. એ લોકો નિંભર બનીને બેસી શકે ને મોદી સરકાર પણ એ વલણ અપનાવે તો ખેડૂતો પણ હાંફવા માંડે. અત્યારે ભલે બધા એમ કહેતા કે, છ મહિનાનું રેશન ભરીને આવ્યા છીએ પણ છ મહિના સુધી ટકવું ખરેખર અઘરું છે. ખેડૂતો અહિંસક આંદોલન કર્યા કરે ને ખેડૂતોની વાત મોદી સરકાર કાને જ ન ધરે તો અત્યારે તો નુકસાન ખેડૂતોને જ જાય. આ સંજોગોમાં જેટલો બને એટલો વહેલો ઉકેલ આવે એટલું સારું.

સુપ્રીમ કોર્ટે એક પહેલ કરી છે ને તેને બંને પક્ષ વધાવી લે એ દેશના હિતમાં છે. આંદોલનોના કારણે કોઈ પણ દેશનું ભલું થતું નથી એ ઐતિહાસિક તથ્ય છે. આપણે તો કોરોનાના કારણે પહેલાં જ અધમૂઆ થયેલા છીએ ત્યારે આ આંદોલનના કારણે આપણને વધારે ફટકો પડે. દેશને અત્યારે આર્થિક સધ્ધરતાની જરૂર છે એ જોતાં આ આંદોલન જલદી સમેટાય ને આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થાય એ જરૂરી છે.