ભારત અને ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ: અંતિમ બે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર

ટીમ ઈન્ડિયા વિરુદ્ધ આગામી બે ટેસ્ટ માટે ડેવિડ વોર્નર અને વિલ પુકોવસ્કીની ઓસ્ટ્રેલિયન ટીમમાં વાપસી થઈ છે. ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા ઓપિંનગ બેટ્સમેન જો બર્ન્સને બહાર કરી દેવામાં આવ્યો છે. બર્ન્સ ચાર ઈનિંગમાં માત્ર એક અડધી સદી ફટકારી શક્યો હતો. એડિલેડમાં તેણે ૮ અને અણનમ ૫૧ રન બનાવ્યા હતા. જ્યારે મેલબોર્નમાં ૦ અને ૪ રન પર આઉટ થઈ ગયો હતો.

એડિલેડ ટેસ્ટ ગુમાવ્યા બાદ ભારતે મેલબોર્ન ટેસ્ટમાં વાપસી કરતા જીત મેળવી હતી. ગ્રોઇનની ઈજાને કારણે પ્રથમ બે ટેસ્ટથી બહાર રહેલ વોર્નર હવે ફિટ છે. તો બીજી પ્રેક્ટિસ મેચમાં માથામાં બોલ વાગ્યા બાદ પુકોવસ્કી પણ હવે સિડની ટેસ્ટ રમવા માટે ફિટ છે. ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર ટ્રેવર હોન્સે કહૃાુ, ’જો બર્ન્સને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે, જે બ્રિસ્બેન હીટ્સ માટે રમશે. તે પોતાની ક્ષમતા અનુરૂપ પ્રદર્શન કરી શક્યો નહીં. ડેવિડ વોર્નર, વિલ પુકોવસ્કી અને સીન એબોટ ગુરૂવારે મેલબોર્નમાં ટીમ સાથે જોડાશે.’ ત્રીજી ટેસ્ટ મેચ ૭ જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.

ઓસ્ટ્રેલિયન ટીમ: ટિમ પેન (કેપ્ટન), સીન એબોટ, પેટ કમિન્સ, કેમરન ગ્રીન, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મોઇઝેસ હેનરિક્સ, માર્નસ લાબુશેન, નાથન લાયન, માઇકલ નેસર, જેમ્સ પેટિન્સન, વિલ પુકોવસ્કી, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપસન, મેથ્યૂ વેડ, ડેવિડ વોર્નર.