નીતિશ સામે અનેક ભુવાઓ ધૂણે છે પણ એ ભાજપની દોસ્તી નહિ છોડે

આખરે નવા કેલેન્ડર વરસની શરૂઆત થઈ ગઈ છે. અનેક આશાઓ સાથે આપણે 2021 માં આપણે પગલા માંડી રહ્યા છીએ. આજે બિહારમાં નીતીશ કુમારે ભાજપે અરૂણાચલ પ્રદેશમાં કરેલી અવળચંડાઈથી ગિન્નાઈને રાજીનામું આપી દેવાનું એલાન કર્યું એ મામલે વિવાદ ચકરાવે ચડ્યો છે. રવિવારે પટણામાં જેડીયુની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં નીતીશે જેડીયુનું રાષ્ટ્રીય પ્રમુખપદ છોડીને રાજ્યસભામાં જેડીયુના નેતા રામચંદ્ર પ્રસાદ સિંહ ઉર્ફે આર.સી.પી. સિંહને રાષ્ટ્રીય પ્રમુખ બનાવી દીધા પછી એલાન કરેલું કે, મને મુખ્યમંત્રીપદે બેસી રહેવામાં કોઈ રસ નથી. ભાજપને પોતાના માણસને ગાદીએ બેસાડવો હોય તો તેને બેસાડે ને બીજા કોઈને બેસાડવો હોય તો તેને બેસાડે પણ મારે હવે મુખ્યમંત્રી રહેવું નથી.
નીતીશે એ વખતે એવું પણ કહેલું કે, મારે મુખ્યમંત્રી બનવું જ નહોતું પણ હું તો ભાજપના આગ્રહથી ગાદી પર બેઠેલો. હવે મને ગાદી જોઈતી નથી ને પદનો કોઈ મોહ નથી તેથી ભાજપે જે કરવું હોય એ કરે પણ આપણને હવે સરકાર ચલાવવામાં રસ નથી. ભાજપે અરૂણાચલ પ્રદેશમાં જેડીયુના સાત ધારાસભ્યોમાંથી છ ધારાસભ્યોને તોડીને પોતાની પાર્ટીમાં લઈ લીધા ને જેડીયુ પાસે સમ ખાવા પૂરતો એક ધારાસભ્ય રહેવા દીધો તેનાથી અકળાઈને નીતીશે આ એલાન કરેલું એ કહેવાની જરૂર નથી. નીતીશની પાર્ટીના બીજા નેતાઓએ ભાજપ પર આક્ષેપ મૂક્યા ને ભાજપને ગઠબંધન ધર્મની યાદ અપાવી તેના પરથી જ સ્પષ્ટ હતું કે, આ અરૂણાચલ પ્રદેશમાં જે કંઈ બન્યું તેની અકળામણ બહાર આવી રહી છે. હકીકતમાં ભાજપે જેડીયુના એ ધારાસભ્યોને એનડીએના ઘટક પક્ષના સભ્ય તરીકે પોતાના માનીને લીધા છે અને મહત્ત્વની વાત એ છે કે ભાજપ પાસે ત્યાં પૂરેપૂરી બહુમતી છે એટલે કોઈ ધારાસભ્ય તોડવાનો તો સવાલ જ નથી. આ તો સામે ચાલીને ભાજપમાં આવેલા ધારાસભ્યો છે જેના સ્વાગતમાં ભાજપે એક વાક્ય પણ ઉચ્ચાર્યું નથી. છતાં નીતીશ કુમાર રિસાઈ ગયા છે એ નવાઈની વાત છે.
નીતીશની આ જાહેરાતે ખળભળાટ મચાવી દીધેલો ને જાત જાતની અટકળો વહેતી થઈ ગયેલી. નીતિશ હવે શું કરશે ને સામે ભાજપ શું કરશે તેની ચોવટ ચાલુ થઈ ગયેલી. આ વાતને ચાર દિવસ થયા પણ નથી એ પછી નથી નીતીશે કશું કર્યું કે નથી ભાજપે કાંઈ કર્યું. નીતીશે મોટા ઉપાડે ગાદી પર નથી બેસવું એવું કહી તો દીધું પણ રાજ્યપાલને રાજીનામું આપીને ગાદી છોડવાની દિશામાં કશું નથી કર્યું. રાજ્યપાલને મળવાની વાત તો છોડો પણ ભાજપને સત્તાવાર રીતે કાગળ લખીને પણ નીતીશે કાંઈ કહ્યું નથી. તેના પરથી એવું જ લાગે કે નીતીશે ભાજપને ખાલી ધમકી આપવા આ બધી વાતો કરેલી. જેડીયુની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આ મુદ્દે ધમાધમી થઈ હશે એટલે નીતીશે પોતાની ઈમેજ બચાવવા એલાન તો કરી દીધું પણ ખરેખર ગાદી છોડવાનો તેમનો કોઈ ઈરાદો નથી.
ભાજપે પણ નીતીશની આ ધમકી સામે કશું કર્યું નથી. નીતીશને મનાવવાની વાત તો છોડો પણ નીતીશના એલાન સામે ભાજપે રીએક્શન સુધ્ધાં નથી આપ્યું. નીતીશના જૂના ગોઠિયા સુશીલ કુમાર મોદી હમણાં ભાજપથી દૂભાયેલા છે તેથી તેમણે નીતીશની વાતમાં સંમતિ પૂરાવી કે, નીતીશ ભાજપના કહેવાથી જ આ વખતે ગાદી પર બેઠા છે એ વાત સાચી છે પણ નીતીશના રાજીનામા કે અરૂણાચલ પ્રદેશના મુદ્દે ડખા મામલે મગનું નામ મરી પાડ્યું નથી. ભાજપના બીજા નેતા તો જાણે કાંઈ બન્યું જ ન હોય એ રીતે વર્તી રહ્યા છે તેના કારણે નીતીશના નાટકમાં હાલ તો એક પરદો પડ્યો છે.
ભાજપ અને નીતિશના આ ડખા વચ્ચે તેજસ્વી યાદવની આરજેડીએ મમરો મૂક્યો છે કે, નીતીશ કુમાર આ રીતે ભાજપના હાથે છાસવારે હડધૂત થવાના બદલે ભાજપને કોરાણે મૂકીને આરજેડી સાથે હાથ મિલાવીને તેજસ્વી યાદવને ગાદીએ બેસવામાં મદદ કરે. આરજેડીની આ વાતમાં નવું કશું નથી કેમ કે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાંથી આરજેડી નીતીશને પોતાની સાથે બેસવા માટે નોતરાં મોકલ્યા કરે છે ને નીતીશ ના પાડ્યા કરે છે. ચૂંટણી પહેલાં જ નીતીશે ઘસીને ના પાડી દીધેલી. ચૂંટણી પછી પણ નીતીશે ના પાડી જ છે ને એક વાર તો નીતીશે તેજસ્વી સામે જે રીતે બળાપો કાઢ્યો એ જોતાં એવું જ લાગે કે બંને હવે કદી સાથે નહીં બેસી શકે.
ટૂંકમાં આરજેડી સાથે બેસવાની વાત નવી નથી ને તેજસ્વીને નીતીશના આશીર્વાદથી ગાદીએ બેસાડવાની વાત પણ નવી નથી પણ આરજેડીએ બીજી જે વાત કરી છે એ રસપ્રદ છે. આરજેડીનું કહેવું છે કે, નીતીશે બિહારમાં બહુ સત્તા ભોગવી લીધી, હવે તેમણે રાષ્ટ્રીય રાજકારણમાં આવવું જોઈએ ને ભાજપ વિરોધી પક્ષોના નેતા તરીકે વડા પ્રધાનપદ પર નજર ઠેરવવી જોઈએ. બિહાર તેજસ્વીને સોંપીને નીતીશ દિલ્હીના તખ્ત પર નજર ઠેરવવી જોઈએ. આરજેડીએ તો કહ્યું છે કે, નીતીશ મહાગઠબંધનના નેતા થવા તૈયાર થતા હોય તો કોંગ્રેસને પણ પોતે મનાવી લેશે ને બધા ભાજપ વિરોધી પક્ષોને એક થઈને 2024ની લોકસભા ચૂંટણીમાં નીતીશ કુમારની પાલખી ઊંચકવા તૈયાર કરી દેશે.
દેશના તમામ ભાજપ વિરોધી પક્ષોને એક કરવાની વાત પણ આમ તો નવી નથી, પણ નીતીશ કુમારને મહાગઠબંધનના નેતા બનાવીને ચૂંટણી લડવાની વાત બિલકુલ નવી છે ને રસપ્રદ પણ છે. આ પહેલાં મમતા બેનરજીથી માંડીને ચંદ્રશેખ રાવ સુધીના નેતા ભાજપ વિરોધી પક્ષોને એક કરીને મોરચો બનાવવાની વાતો કરી ચૂક્યા છે પણ એ વાતો વાતો જ રહી ગઈ. કદી વાસ્તવિકતામાં ના પરિણમી. આમ તો દરેક ચૂંટણી વખતે આ તુક્કો રમતો કરાય જ છે ને ફરક તુક્કો રમતો મૂકનારા માણસનો હોય છે. લોકસભાની 2019ની ચૂંટણી પહેલાં તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખ રાવે આ તુક્કો રમતો મૂકેલો. રાવે લોકસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થવાનાં હતાં તેના ચાર દિન પહેલાં જ ભાજપ વિરોધી ને કોંગ્રેસ વિરોધી ત્રીજો મોરચો બનાવવાનો તુક્કો રમતો કરેલો પણ ભાજપે જંગી બહુમતીથી જીત મેળવી તેમાં આ તુક્કાનું સૂરસૂરિયું થઈ ગયેલું.
હવે આરજેડીએ ફરી આ વાત વહેતી કરી છે ને ફરી આ મુદ્દો ચર્ચામાં છે ત્યારે એક વાત કબૂલવી પડે કે, અત્યાર સુધીની બીજી બધી યોજનાઓ કે તુક્કા કરતાં આ યોજના વધારે નક્કર છે ને નીતીશ હિંમત કરે તો એ વાસ્તવિકતામાં ફેરવાઈ શકે છે. તેનું કારણ એ કે, અત્યાર સુધી આ બધી વતો કરનારા નેતાઓને પોતાનું રજવાડું છોડવું નહોતું ને ભાજપ સામે મોરચો બનાવવો હતો. ચંદ્રશેખર રાવ હોય, મમતા બેનરજી હોય કે નવીન પટનાઈક હોય, આ બધા મુખ્યમંત્રીઓ પોતાની ગાદી છોડ્યા વિના કે મહેનત કર્યા વિના ભાજપ વિરોધી મોરચો બનાવીને સત્તાનાં સપનાં જોતા હતા. એ લોકોની માનસિકતા હસવું ને લોટ પણ ફાકવો એવી હતી. બંને સાથે ન થાય એ જોતાં તેમની ભાજપ વિરોધી, કોંગ્રેસ વિરોધી મોરચાની વાતો હવામાં જ રહી ગઈ.
આરજેડીએ જે દરખાસ્ત મૂકી છે તેમાં નીતીશ બિહાર છોડીને નિકળી પડે એ વાત મુખ્ય છે. નીતીશ બિહારને બાજુ પર મૂકીને માત્ર રાષ્ટ્રીય રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરે ને બીજા પ્રાદેશિક પક્ષો તેને ટેકો આપે એવી તેમાં વાત છે. આ પહેલાં આ પ્રકારના જે પણ મોરચાની વાતો આવતી તેમાં કોંગ્રેસને પણ સાથે રાખવાની વાતો આવતી ને તેના કારણે પણ ડખો પડતો. તાકાતવાન પ્રાદેશિક પક્ષો કોંગ્રેસની સાથે બેસવા તૈયાર નથી કેમ કે તેમના રાજ્યોમાં કોંગ્રેસ સામે તેમની સીધી ટક્કર છે. આ કારણે એ યોજના પાર નહોતી પડતી. આ યોજનામાં કોંગ્રેસ ક્યાંય છે જ નહીં તેથી નીતીશ માની જાય ને હા પાડે તો ભાજપ સામે ચોક્કસ પડકાર ઊભો થાય. પણ નીતીશ એવા મૂરખરાજ નથી કે હા પાડે. તેઓ એ વાત સારી રીતે જાણે છે કે મોદીનો જાદુ હજુ ચાલે જ છે ને મોદી હજુ આજે પણ એટલા જ લોકપ્રિય છે. એટલે નીતીશ બાવો કે ફકીર બનીને નીકળી પડે એવી કોઈ શક્યતા નથી.
ભાજપ અત્યારે તાકાતવાન છે પણ તેને પ્રાદેશિક પક્ષો જ સામે સંઘર્ષ કરવો પડે છે. વાસ્તવમાં ભાજપનો મુકાબલો કોંગ્રેસ કરતાં વધારે પ્રાદેશિક પક્ષો સામે છે. ભાજપનો જે રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો સાથે સીધો મુકાબલો છે ત્યાં પ્રાદેશિક પક્ષો ભાજપને બરાબર ટક્કર આપે છે. ઉત્તર પ્રદેશને બાદ કરતાં બધે ભાજપ સામે પ્રાદેશિક પક્ષો મોટો પડકાર છે. બિહારમાં લાલુ પ્રસાદ યાદવની આરજેડીએ નીતીશ ભાજપની સાથે હોવા છતાં ભાજપને તકલીફ તો આપી છે.
મહારાષ્ટ્રમાં શરદ પવારની એનસીપીએ શિવસેના અને કોંગ્રેસ સાથે હાથ મિલાવીને ભાજપને હાંસિયામાં મૂક્યું છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે ભાજપને એકલા હાથે હરાવ્યો છે. ઓડિશામાં નવીન પટનાઈક, આંધ્રમાં જગન મોહન રેડ્ડી, તમિલનાડુમાં ડીએમકે, કેરળમાં ડાબેરી મોરચો, તેલંગાણામાં ચંદ્રશેખર રાવ વગેરે સામે તો ભાજપનો હજુ કોઇ ગજ વાગતો નથી. હવે નીતીશ ભાજપ સામે પડે ને આરજેડી-જેડીયુ એક થાય તો બિહારમાં પણ ભાજપ સામે પડકાર ઊભો થાય જ એ જોતાં આ મોરચો જીતે કે ના જીતે એ અલગ વાત છે પણ ભાજપને હંફાવી તો શકે જ. આવી માન્યતાનો નીતીશ પર કોઈ પ્રભાવ એટલે નથી કે બિહાર હિન્દી પટ્ટાનું રાજ્ય છે અને ભાજપની બેઠકો અગાઉની તુલનામાં વધતી જ જાય છે. ઝારખંડમાં જેએમએમ, જમ્મુ-કાશ્મીરના મેહબૂબા-અબ્દુલ્લા દોડી આવવા તૈયાર હોય તો પણ નીતિશ રાજકીય આત્મઘાતક પગલું લે નહિ કારણ કે ભાજપની તાકાતને એ સારી રીતે ઓળખે છે.