સુશાંત રાજપૂત જેવા મીડિયાના અભિનેતાને મીડિયાએ રાતોરાત એ ક્યાં ખોઈ નાંખ્યાં?

એક સમયે તપાસ એજન્સીઓએ જે મુદ્દે કૂદાકૂદ કરી મૂકેલી ને પછી સાવ કોરાણે મૂકી દીધેલો એ સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસની યાદ મુંબઈ હાઈ કોર્ટની એક ટિપ્પણીને કારણે પાછી તાજી થઈ છે. સુશાંત રાજપૂત કેસ દેશનો સૌથી મોટો કેસ હોય એ રીતે ચગેલો ને મીડિયામાં રોજ સવાર પડે ને કંઈક ને કંઈક મસાલેદાર સમાચાર આવ્યા કરતા. ટીવી ચેનલો તો એવી પાછળ પડેલી ને એવી એવી વાતો લઈ આવતી કે જે સાંભળીને નવાઈ લાગે. ટીવી ચેનલો માટે સુશાંતના અપમૃત્યુ સિવાય બીજો કોઈ મુદ્દો જ ન હોય એવી હાલત હતી. આ મીડિયા ટ્રાયલ સામે હાઈ કોર્ટમાં ઘણી અરજીઓ થયેલી.
મુંબઈ હાઈ કોર્ટે સોમવારે આ અરજીઓનો નિકાલ કરતાં ચુકાદો આપ્યો છે કે, સુશાંત કેસમાં મીડિયા ટ્રાયલ ચાલ્યો હતો એ વાત સાવ સાચી છે. ટીવી ચેનલો પર શું ચલાવવું ને ન ચલાવવું એ માટે આપણે ત્યાં કેબલ ટીવી નેટવર્ક રેગ્યુલેશન એક્ટ હેઠળ એક આચારસંહિતા અમલમાં છે. કેટલીક ટીવી ચેનલોએ આ આચારસંહિતાની ઐસીતૈસી કરી નાંખેલી એવું હાઈ કોર્ટે કહ્યું છે. આપણે કોઈનાં નામ નથી લેતા પણ હાઈ કોર્ટે તો બે ટીવી ચેનલોના નામજોગ વાત કરી છે ને તેમણે કઈ રીતે આચારસંહિતાની ઐસીતૈસી કરી નાંખેલી એ પણ કહ્યું છે.
ચેનલોએ આ કેસના રીપોર્ટિંગમાં મુંબઈ પોલીસની ઈજ્જતનો કચરો કરવા માટે જે કંઈ ઉધામા કર્યા તેની પણ હાઈ કોર્ટે ઝાટકણી કાઢી છે. મુંબઈ પોલીસ સુશાંતના કેસમાં ચોક્કસ રાજકારણીને બચાવવા માટે ઉધામા કરી રહી હોવાના આક્ષેપોનો મારો ચલાવીને ટીવી ચેનલોએ ભારે દેકારો મચાવી દીધેલો. આઠ ભૂતપૂર્વ આઈપીએસ અધિકારીઓએ તેની સામે હાઈ કોર્ટમાં જાહેરહિતની અરજી કરેલી. હાઈ કોર્ટે પોલીસની બદનામી કરાઈ હોવાની વાત સ્વીકારી છે.
આ બદલ હાઈ કોર્ટ કોઈ પગલાં નથી લેવાની પણ આ રીતનું રીપોર્ટિંગ કોઈ પણ કેસની તપાસને અસર કરી શકે છે એવું હાઈ કોર્ટે સ્વીકાર્યું છે. હાઈ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, પીડિતને નબળો દર્શાવવાથી તપાસને અસર થાય છે. આ રીતે ચલાવાતા મીડિયા ટ્રાયલ ન્યાયની પ્રક્રિયામાં દખલગીરીને અવરોધે છે ને આ મીડિયા ટ્રાયલ કોર્ટની અવમાનના પણ છે. મતલબ કે આ રીતે મીડિયા ટ્રાયલ ચલાવનારા સામે અદાલતની અવમાનના એટલે કે ક્ન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ થઈ શકે છે.
હાઈ કોર્ટે ભવિષ્યમાં ટીવી ચેનલો સુશાંતના કેસની જેમ બેફામ બનીને વર્તે નહીં એટલે મીડિયાએ આપઘાત અને મોતના કેસમાં કઈ રીતે રિપોર્ટિંગ કરવું તેની ગાઈડલાઈન પણ બહાર પાડી છે. આ ગાઈડલાઈન પ્રમાણે હવે પછી ક્રાઈમ સીનનું રિક્ન્સ્ટ્રક્શન નહીં કરી શકાય કે સૂત્રોના નામે સંવેદનશીલ માહિતી પણ લીક નહી કરી શકાય. મીડિયાને યોગ્ય માહિતી મળે એટલા માટે તપાસ કરનારી એજન્સી કોઈ અધિકારીની નિમણૂક કરે એવું સૂચન પણ હાઈ કોર્ટે કર્યું છે. આ અધિકારી મીડિયાને થતા તમામ સવાલોના જવાબ આપે કે જેથી ગપગોળા ના ચાલે એવો હાઈ કોર્ટનો ઉદ્દેશ છે.
હાઈ કોર્ટે બીજી ઘણી ટિપ્પણી કરી છે. એ બધી વાતો માંડી શકાય તેમ નથી પણ હાઈ કોર્ટે મીડિયા ટ્રાયલ ચાલ્યો એ વાત મોટી છે ને આ દેશના મીડિયા માટે શરમજનક પણ છે. આપણે ત્યાં રાજકારણીઓ કે અધિકારીઓ મીડિયા સ્વાતંત્ર્યમાં માનતા નથી ને તેનો ઉપયોગ પોતાના ફાયદા માટે કર્યા કરે છે. જરૂર પડે ત્યારે મીડિયાને લાડ લડાવે ને ગરજ પતે એટલે લાત મારીને હડધૂત કરી નાંખે. તેની સામે ન્યાયતંત્ર તટસ્થ રીતે વર્તે છે ને જ્યારે પણ મીડિયા મુશ્કેલીમાં આવ્યું છે ત્યારે ત્યારે તેની પડખે ઊભું રહ્યું છે. આ દેશમાં મીડિયાની આઝાદીને જાળવવામાં ન્યાયતંત્રનું મોટું યોગદાન છે એ સ્વીકારવું પડે.
આપણું ન્યાયતંત્ર જરૂર પડે ત્યારે મીડિયાનો કાન આમળે છે ને તેમાં કશું ખોટું નથી પણ મીડિયાને દબાવવાના કોઈ પણ પ્રયાસને સાંખી પણ લેતું નથી. મીડિયાને સંપૂર્ણ સ્વતંત્ર બનીને કામ કરવા દેવું જોઈએ એ મુદ્દે ન્યાયતંત્રનું વલણ સ્પષ્ટ છે. ન્યાયતંત્ર મીડિયા દ્વારા થતી પોતાની ટીકાને પણ સહન કરીને મીડિયાની આઝાદીની જાળવણી માટે સતર્ક રહ્યું છે એ કબૂલવું પડે. એ જ ન્યાયતંત્ર આજે સુશાંત કેસમાં મીડિયા ટ્રાયલ ચાલ્યો હોવાનું પોતાના ચુકાદામાં કહે તેનો અર્થ એ થાય કે, મીડિયા સાવ છાકટું બનીને વર્ત્યું છે. તમામ ટીવી ચેનલો કે અખબારો એ રીતે વર્ત્યાં છે એવું હાઈ કોર્ટે કહ્યું નથી. બલકે ચેનલોનાં નામ સાથે કહ્યું છે પણ વાત એકની એક છે. મીડિયાને ન્યાયતંત્રને ટપારવું પડે એ શરમજનક કહેવાય જ.
હાઈ કોર્ટની ટિપ્પણી ખોટી પણ નથી કેમ કે મીડિયા એ રીતે વર્ત્યું જ છે. સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસમાં રોજેરોજ મસાલેદાર વાતો પિરસીને મીડિયાએ આ મુદ્દાને ચગાવેલો તેમાં કોઈ શક નથી. મસાલો પિરસવાની લ્હાયમાં ચેનલોએ સાવ મોંમાથા વિનાની વાતો કરી ને સાવ ફાલતું મુદ્દાને પણ મોટા કરી કરીને ચગાવ્યા હતા તેમાં શંકા નથી. જે કેસ ક્લિયર કટ આપઘાતનો હતો તેને હત્યાનો કેસ બનાવવા ને સુશાંતના મૃત્યુના કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને ફિટ કરી દેવા રીતસરની ઝુંબેશ જ મીડિયાએ ચલાવી હતી.
સુશાંતના મૃત્યુના મહિના લગી મીડિયા શાંત હતું ને પછી અચાનક મીડિયા ટ્રાયલ ચાલુ થઈ ગયો હતો. સુશાંતનો પરિવાર પણ મહિના લગી શાંત હતો પણ તેના પિતાએ અરજી કરી તેમાં મીડિયા ટ્રાયલનાં મંડાણ થયાં. રિયા ચક્રવર્તી અને તેના પરિવારે સુશાંતને બરાબરનો ખંખેરી લીધો હતો, કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા એવા આક્ષેપ સાથે સુશાંતના પિતાએ કરેલી અરજીના આધારે તપાસ શરૂ થઈ ને સીબીઆઈને તપાસ સોંપાઈ. પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પણ મેદાનમાં ઉતારાયું ને છેલ્લા નાર્કોટિક્સવાળા પણ આવી ગયા.
આ એજન્સીઓ મેદાનમાં આવી પછી મીડિયાએ તેના નામે રીતસરનાં ધૂપ્પલ ચલાવ્યાં. સુશાંતના પિતાએ કરેલા મૂળ આક્ષેપના કોઈ પુરાવા મળ્યા નથી તેષથી આ કેસમાં પહેલેથી દમ નહોતો. રિયા કે તેના પરિવારે સુશાંતના પૈસા ઓહિયાં કર્યા નથી એવું ઈડીએ પ્રાથમિક તપાસમાં કહ્યું હતું પણ મીડિયાએ એ વાતને બાજુ પર મૂકીને રીયા ખલનાયિકા હોય એ રીતે દે ધનાધન શરૂ કરી દીધેલી. રિયા ડ્રગ્સ લેતી હતી સહિતની બધી મસાલેદાર વાતો જોરશોરથી ચાલવા માંડી. રિયાની વોટ્સએપ ચેટ, ફોન કોલ્સ ને સંબંધોના આધારે રિયા એકદમ નશેડી હોય ને છાકટી બનીને રહેતી હોય એ રીતનું ચિતરામણ કરી દેવાયું હતું. રિયાનો ભાઈ, તેની સાથે રહેનારાં બધાં ડ્રગ્સ લઈ લઈને મસ્ત રહેતાં હોય એવી વાતો પૂરજોશમાં ચાલી ને કંગના રાણાવત જેવી પોતે ડ્રગ્સ લઈને વગોવાયેલી બાઈના બેફામ લવારાને વધારે પડતું મહત્ત્વ આપીને ફિલ્મ ઈન્ડસ્ટ્રી ડ્રગ્સનો અડ્ડો હોય એ રીતનો પ્રચાર જ ચાલ્યો.
મજાની વાત એ છે કે, ટીવી ચેનલોએ કોઈ પણ પ્રકારના પુરાવા વિના સુશાંતને પણ સાવ હલકો ચિતરી માર્યો. પહેલાં સુશાંત પીડિત ને રિયા ચક્રવર્તી આણિ મંડળી વિલન ટોળી હોય એવું ચિત્ર ઊભું કરી દેવાયું હતું. સુશાંત જેવા ભોળા છોકરાને ફોસલાવીને આ ટોળીએ તેનો ગેરલાભ લીધો ને છેવટે પતાવી દીધો એવું ચિત્ર મીડિયા ટ્રાયલ દ્વારા ઉભું કરાયું ને પછી અચાનક સુશાંતનાં કપડાં કાઢવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો. સુશાંત ગુજરી ગયો છે તેથી તેના વિશે ખરાબ બોલવું યોગ્ય ન કહેવાય એટલું સૌજન્ય પણ ના બતાવાયું.સુશાંત પોતે ડ્રગ્સ લેતો હતો એવું પણ ટીવી ચેનલોના સ્ટિંગ ઓપરેશનમાં જ બતાવાયું ને સુશાંત લફરાબાજ હતો એવું પણ બતાવાયું. કેટલીય જાણીતી એક્ટ્રેસના સુશાંત સાથે સંબંધો હતા એવી મસાલેદાર વાતો પણ પિરસાઈ ને સુશાંતના જૂના બોડીગાર્ડના ઈન્ટરવ્યૂ ચેનલો પર ચલાવીને સુશાંત ગાંજો પીતો હતો ને ડ્રગ્સ લેતો હતો એવી વાતો પણ ચલાવાઈ. સુશાંત વિશે એવું જ ચિત્ર ઊભું કરી દેવાયું કે, સુશાંત ડ્રગ્સ ને બીજા ગોરખધંધાનો ભાગ જ હતો. સુશાંતની જેમ જ ડ્રગ્સ લેનારા બીજા બોલીવૂડ કલાકારો ગમે ત્યારે જેલભેગા થશે એવી વાતો પણ જોરશોરથી ચાલી.લગભગ બે મહિનાના આ મીડિયા ટ્રાયલ પછી ખોદ્યો ડુંગર ને નિકળ્યો ઉંદર જેવી હાલત થઈ. મીડિયા જેમની દલાલી કરવા આ મુદ્દો ચગાવતું હતું એ બધા ઘરે જઈને સૂઈ ગયા ને એજન્સીઓએ પણ સંકેલો કરી લીધો ને એ બધાને જોરે કૂદનારા મીડિયાને શું મળ્યું? બદનામી મીડિયાની થઈ ને વિશ્ર્વસનિયતા પણ મીડિયાની ખતમ થઈ. હાઈ કોર્ટ કેન્દ્રની એજન્સીઓ કે સત્તામાં બેઠેલા લોકોને કશું કહેતી નથી પણ મીડિયાને ઠમઠોરી રહી છે. સત્યનો જય થશે એવી દુહાઈ આપનારા પણ ક્યાંય ખોવાઈ ગયા છે ને મીડિયાએ ગાળો ખાવી પડી રહી છે. મીડિયા કોઈ બોધપાઠ લેશે એવી આશા તો રખાય એમ નથી પણ ભવિષ્યમાં થોડો સંયમ રાખે તો પણ ઘણું.