લાઠીના ટોડા ગામમાં નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો: પોલીસે તપાસ હાથ ધરી

અમરેલી જિલ્લાના લાઠીના ટોડા ગામમાં નદીમાં મોડી સાંજે કોઇ યુવક ડૂબ્યો હોવાની ગ્રામજનોને આશંકા હતી. જેના પગલે નદીમાં મોડી સાંજથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આજે સવારે નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો છે. પોલીસે મોતનું કારણ જાણવા અને યુવકની ઓળખ કરવા તજવીજ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર લાઠી તાલુકાના ટોડા ગામની સ્થાનિક નદીના કાંઠેથી મોડી સાંજે પુરુષના કેટલાક વસ્ત્રો મળી આવ્યા હતા. જેથી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે નદીમાં કોઇ ડૂબ્યું છે. બનાવની જાણ સ્થાનિક પોલીસને કરતા પોલીસ અને ટીડીઓ સહિત તરવૈયાની ટીમ પહોંચી હતી અને ડૂબનારની શોધખોળ હાથ ધરાઈ હતી. જોકે મોડે સુધી કોઇ ભાળ મળી ન હતી. ત્યારે આજે સવારે શોધખોળ દરમિયાન તરવૈયાઓની ટીમને એક મૃતદેહ હાથ લાગ્યો હતો. પ્રાથમિક અનુમાન અનુસાર લાશ ટોડા ગામના રહેવાસી છે. પોલીસે એ દિશામાં કવાયદ હાથ ધરી છે.

ટોડા ગામની નદીમાંથી કોઇ યુવકની લાશ મળ્યાના સમચાર મળતા જ ગ્રામજનો નદી કાંઠે એકઠા તયા હતા. તરવૈયાઓ અને સ્થાનિક સેવાભાવીઓની મદદથી મૃતદેહને બહાર કઢાયો હતો અને પીએમ અર્થે મોકલવામાં આવ્યો હતો. પોલીસે યુવકે આત્મહત્યા કરી છેકે કેમ અને મૃત્યુનું કારણ જાણવા કાર્યવાહી આગળ ધપાવી છે.