ખેડૂતોના આંદોલનમાં એકાએક ટપકી પડેલી કન્યા ગ્રેટાએ નવી ધમાલ આદરી

નરેન્દ્ર મોદી સરકારે બનાવેલા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને કેટલીક ઈન્ટરનેશનલ સેલિબ્રિટીઝે ટેકો આપ્યો એમાં આખો મુદ્દો ફંટાઈ ગયો છે. હોલીવુડ એક્ટ્રેસ અમાંડા, પોપ સિંગર રિહાના,પોર્ન સ્ટાર મિયાં ખલીફા, કમલા હેરિસની ભાણી મીના હેરિસ સહિતની ઘણી ઈન્ટરનેશનલ સેલિબ્રિટીઝે ખેડૂત આંદોલનને ટેકો આપેલો પણ આખી વાત નોર્વેની 18 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગની ટ્વિટ્સ પર કેન્દ્રિત થઈ છે.

ગ્રેટા થનબર્ગ આમ તો છેલ્લા ચાર દિવસથી ખેડૂત આંદોલનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર લખી રહી છે પણ સૌથી મોટો ડખો ગ્રેટાની ટૂલકિટ’ના કારણે થઈ છે. મંગળવારે મોડી રાત્રે થનબર્ગે સોશિયલ મીડિયામાં લખ્યું કે, અમે ભારતના ખેડૂત આંદોલનને સમર્થન આપીએ છીએ. ગ્રેટા બુધવારે મોડી રાત્રે સોશિયલ મીડિયામાં ટૂલકિટ નામનું એક ડોક્યુમેન્ટ શેર કર્યું ને થોડીવાર પછી તેને ડિલિટ કરીને અપડેટ ટૂલકિટ શેર કર્યું તેમાં બબાલ વધી છે.

સોશિયલ મીડિયા પર ટૂલકિટ’ ડોક્યુમેન્ટ શેર કરવા બદલ પહેલાં તો દિલ્હી પોલીસે ગ્રેટા થનબર્ગ સામે કેસ ફટકારી દીધો પણ ગ્રેટા ગાંજી જાય એમ નથી. દિલ્હી પોલીસની એફઆઈઆર પછી ગ્રેટાએ સોશિયલ મીડિયામાં હુંકાર કરીને લખ્યું કે, હું હજુ પણ ખેડૂતોની સાથે ઊભી છું અને કોઈ ડર કે ધમકીથી કોઈ ફરક પડતો નથી. ગ્રેટાના હુંકાર પછી દિલ્હી પોલીસ શું કરશે તેના પર બધાંની નજર હતી ત્યાં જ દિલ્હી પોલીસને ભાન થયું હશે કે, ગ્રેટા તો નોર્વેની છે ને ત્યાં લગી આપણા છેડા પહોંચતા જ નથી.

હિન્દી ફિલ્મોમાં ભલે કહેવાતું હોય કે, કાનૂન કે હાથ બહુ લંબે હોય પણ આપણે ત્યાં કાનૂના હાથ દેશમાં અપરાધ કરનારાનું કશું કરી શકતા નથી તો નોર્વે લગી તો કઈ રીતે પહોંચે ? દિલ્હી પોલીસને ખબર પડી ગઈ કે, આપણે કેસ કરતાં તો કરી દીધો પણ ગ્રેટાનું કશું નુકસાન શકીએ એમ નથી એટલે તેમણે ગ્રેટાને પડતી મૂકીને ટૂલકિટ’ ડોક્યુમેન્ટ બનાવનાર પર કેસ ઠપકારી દીધો. આ ટૂલકિટ’ ડોક્યુમેન્ટ બનાવનાર કોણ છે તેની હજુ સુધી તો પોલીસને ખબર નથી તેથી આખી વાત કાગળ પર જ છે. દિલ્હી પોલીસે ગુનાઈત ષડયંત્ર ને રાજદ્રોહનો કેસ નોંધ્યો છે પણ તેમાં કોઈનું નામ નથી. આ ટૂલકિટ’ ડોક્યુમેન્ટ કેનેડાના વાનકુંવરમાં રહીને પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવતા ધાલીવાલે બનાવ્યું હોવાનું કહેવાય છે પણ પોલીસ પાસે હજુ તેના પુરાવા નથી તેથી કોઈના નામજોગ ફરિયાદ થઈ નથી.

બીજી તરફ ખેડૂત આંદોલન ખાલિસ્તાનવાદીઓનું કારસ્તાન હોવાનું કોરસ પણ પાછું શરૂ થઈ ગયું. દિલ્હી પોલીસને મર્યાદા નડે છે તેથી તેણે ગ્રેટાને પડતી મૂકી પણ સોશિયલ મીડિયા પર ખેડૂત આંદોલનની ટીકા કરનારાને કોઈ મર્યાદા નડતી નથી તેથી ગ્રેટાને ભાંડવાનો કાર્યક્રમ પૂરજોશમાં શરૂ થઈ ગયો છે. ખેડૂતોનું આંદોલન ખાલિસ્તાનવાદી ને દેશવિરોધીઓના ઈશારે ચાલી રહ્યું છે એવી વાતોનો મારો પણ જોરશોરથી શરૂ થઈ ગયો છે.

યોગાનુયોગ સોશિયલ મીડિયા પર ધાલીવાલનો વીડિયો વાયરલ થયો છે. કેનેડાના વાનકુંવરમાં રહીને પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવતા ધાલીવાલે પ્રજાસત્તાક દિને કેનેડામાં ભારતીય દૂતાવાસની સામે કરેલા દેખાવોના આ વીડિયોમાં ધાલીવાલ એવુ કહે છે કે, મોદી સરકાર કૃષિ કાયદા રદ કરી દેશે તો પણ વાત પતી જવાની નથી પણ એ તો શરૂઆત હશે. ધાલીવાલ વીડિયોમાં બીજા પણ બકવાસ કરે છે ને તેની વાતનો સાર એ છે કે, ખેડૂત આંદોલન તો માત્ર દેખાવ છે, અસલી ઉદ્દેશ તો ખાલિસ્તાનની રચના માટેની ચળવળને પાછી ધમધમતી કરવાનો છે.

ધાલીવાલનો વીડિયો વાયરલ થયો પછી પોલીસનો દાવો છે કે, ટૂલકિટ’ ડોક્યુમેન્ટ ધાલીવાલે બનાવ્યા હોવા વિશે હવે કોઈ શંકા રહેતી નથી પણ હજુ સુધી ધાલીવાલની સામે કેસ નોંધાયો નથી. માનો કે ધાલીવાલના સામે કેસ નોંધાય તો પણ એ સવાલ તો આવીને ઉભો રહેવાનો જ છે કે જે ગ્રેટાના કેસમાં આવેલો. ધાલીવાલ કેનેડાનો નાગરિક છે ને આપણી પોલીસના હાથ કેનેડા સુધી પહોંચતા નથી તેથી ધાલીવાલને પણ આપણે કશું નુકસાન શકીએ એમ નથી.

જો કે ધાલીવાલ પ્યાદુ છે ને તેનો કોઈ પ્રભાવ નથી. અસલી ખેલાડી તો ગ્રેટા થનબર્ગ છે કેમ કે કોઈ પણ આંદોલનને ચગાવવામાં તેની માસ્ટરી છે. નાની ઉંમરે પણ તેણે વૈશ્વિક સ્તરે જોરદાર પ્રભાવ ઉભો કર્યો છે ને તેને અનુસરનારા લોકોની સંખ્યા મોટી છે તેથી આપણે ધ્યાન ગ્રેટા પર કેન્દ્રિત કરવાનું હોય તેના બદલે આપણે ખેડૂતોને ખાલિસ્તાનવાદીઓનો ટેકો છે તેની વારતા કરવા બેસી ગયા છીએ. આ માનસિકતા પલાયનવાદી છે ને તેના કારણે બહુ મોટું નુકસાન થઈ શકે. આ નુકસાનની આગળ વાત કરતાં પહેલાં ટૂલકિટ કઈ બલા છે એ સમજી લઈએ કે જેથી તેના કારણે થનારા નુકસાનનો અંદાજ આવી શકે.

ટૂલકિટ એક ડિજિટલ શસ્ત્ર છે, એક ડોક્યુમેન્ટ છે. આ ડોક્યુમેન્ટમાં આંદોલન દરમિયાન સોશિયલ મીડિયા પર કઈ રીતે હોહા કરવી ને બીજાંનો ટેકો કઈ રીતે મેળવવો, કઈ રીતે હેશટેગનો ઉપયોગ કરીને આંદોલનને ટ્રેન્ડ કરાવવું, વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ મુશ્કેલી આવે તો કોનો કોન્ટેક્ટ કરવો, આંદોલનને કઈ રીતે આગળ વધારવું, તેને કઈ રીતે અસરકારક બનાવવું, સોશિયલ મીડિયા પર કે વાસ્તવિક રીતે કોઈ મુશ્કેલી આવે તો શું કરાય અને શું કરવાથી બચી શકાય એ બધી વાતો લખેલી હોય છે.

આ બધાના કારણે શું નુકસાન થાય એવો સવાલ ઘણાં કરે છે કેમ કે તેમને સોશિયલ મીડિયાનો પાવર ખબર નથી ને આ પાવરનો દુરૂપયોગ કોઈને પણ પછાડવા કઈ રીતે કરી શકાય તેની ખબર નથી. આ ટૂલકિટ’ ડોક્યુમેન્ટના કારણે તો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ઘરભેગા થઈ ગયા. ટ્રમ્પની હાર માટે ઘણાં કારણો જવાબદાર છે પણ એક કારણ અમેરિકામાં જ્યોર્જ ફ્લોયડ નામના 46 વર્ષના પુરૂષની પોલીસ દ્વારા કરાયેલી હત્યા પણ હતી. આ હત્યાના કારણે અમેરિકામાં અશ્વેત લોકોમાં જોરદાર આક્રોશ પેદા થયો. અમેરિકાની સરકાર અશ્વેત લોકોને સુરક્ષા આપી શકતી નથી એવી લાગણી બળવત્તર બની તેના કારણે અશ્વેત લોકોએ સાગમટે ટ્રમ્પની વિરૂધ્ધ મતદાન કર્યું તેમાં ટ્રમ્પનો વરઘોડો લીલા તોરણે પાછો ઘરે આવ્યો. અશ્વેત લોકોમાં આ આક્રોશ પેદા કરવામાં ટૂલકિટ’ ડોક્યુમેન્ટની ભૂમિકા મહત્વની હતી.

ગયા વર્ષે અમેરિકામાં પોલીસે જ્યોર્જ ફ્લોયડ બ્લેક વ્યક્તિની રોડ પર હત્યા કરી નાખી પછી ’બ્લેક લાઈવ્સ મેટર’ અભિયાન જોરશોરથી શરૂ થયુ. આ અભિયાન 2013 થી ચાલતું હતું પણ એક ઘટનાએ તેમાં નવો પ્રાણ ફૂંક્યો. વિશ્વભરમાં લોકોએ ’બ્લેક લાઈવ્સ મેટર’ અભિયાનમાં જોડાઈને અશ્વેત લોકોના પક્ષમાં અવાજ ઉઠાવ્યો હતો. આ આંદોલનને ચલાવનારાંએ એક ટૂલકિટ તૈયાર કરી હતી અને તેમાં આયોજનબધ્ધ રીતે આંદોલન કઈ રીતે ચલાવવું તેની માહિતી અપાઈ હતી. આંદોલનમાં કઈ રીતે જોડાવું, કઈ જગ્યાએ વિરોધ કરવો, પોલીસ એક્શન લે તો શું કરવું, વિરોધ પ્રદર્શન દરમિયાન કેવાં કપડાં પહેરવે કે જેથી કશુંક આકસ્મિક બને તો સરળતાથી નિકળી શકાય, પોલીસ ધરપકડ કરે તો તમને ક્યા અધિકારો મળે ને તમારે શું કરવું સહિતના ઢગલાબંધ મુદ્દા ટુલકિટમાં હતા. આંદોલનમાં જોડાનારા આ ટૂલકિટને ડાઉનલોડ કરીને આંદોલનમાં જોડાયા ને ટ્રન્પ સરકારને હચમચાવી દીધી હતી.

ગ્રેટા પણ એ જ ખેલ કરવા મથી રહી છે ત્યારે આપણે લડાઈ ગ્રેટા સામે લડવાની હોય તેના બદલે આપણે ત્યાં લોકો ખેડૂતોને ખાલિસ્તાનવાદી ચિતરવા માટે મચી પડ્યા છે. ખેડૂતો પર આતંકવાદીઓનાં લેબલ લગાવવામાં પડ્યા છીએ. આ ખેલ પહેલાં પણ કરાયેલો. ભાજપવાળા પહેલાં પણ પ્રચાર કરતા જ હતા કે, ખેડૂતોના આંદોલનને ખાલિસ્તાનવાદીઓએ ભડકાવ્યું છે. આંદોલનકારીઓને વિદેશથી ભંડોળ મળી રહ્યું છે ને કેનેડામાં રહેતા ખાલિસ્તાનવાદીઓ પાસેથી થોકબંધ નાણાં આવી રહ્યાં છે.

ભાજપના નેતાઓએ સત્તાવાર રીતે ગૃહ મંત્રી અમિત શાહને આવેદનપત્ર આપીને આ રજૂઆત કરીને પંજાબના કલાકારોને પણ ખાલિસ્તાનવાદીઓના દલાલ ગણાવ્યા હતા. હરભજન માન, દીપ સંધુ, સિધુ મૂસેવાલા, એમ્મી વિર્ક, રણજીત બાવા, રેશમસિંહ અનમોલ વગેરેના નામજોગ ભાજપના નેતાઓએ ફરિયાદ કરી હતી. ભાજપના નેતાઓનો આક્ષેપ હતો કે આ કલાકારોને ખાલિસ્તાનવાદીઓ તરફથી ભારત વિરોધી લાગણી ભડકાવવા માટે નાણાં મળી રહ્યાં છે. હવે અત્યારે શું સ્થિતિ છે એ વિચારી જુઓ. અત્યારે ખેડૂત આંદોલન ખેડૂતોના હાથમાં જ નથી ને યુપીના રાકેશ ટિકૈત આ આંદોલનનો ચહેરો છે. સવાલ એ છે કે, ટિકૈત પણ ખાલિસ્તાનવાદી છે ? આપણે આ બધી વાતો કરીને ગ્રેટા જેવાં લોકો સામે લડવું જોઈએ ને તેમના એજન્ડાને સમજવાની જરૂર છે