સાધુના સ્વાંગમાં આઠ – આઠ હત્યાનો આરોપી રાજુલામાં છુપાયેલ

  • હત્યારો સંજીવ સ્વામી ઓમાનંદગીરી બાપુના નામથી રાજુલાના છતડીયા આશ્રમમાં રણીધણી થઇને રહેતો હતો : આગેવાનોની ઉપસ્થિતીમાં રાષ્ટ્ર સેવાના કાર્યક્રમો યોજેલ 
  • અમરેલી પોલીસ દ્વારા આ સાધુને આશરો આપનાર તેમજ તેને મદદ કરનારની ઝીણવટપૂર્વક તપાસ : માહિતી આપનારના નામ ગુપ્ત રાખવા ખાત્રી આપતા એસપી

અમરેલી,રાજુલા,
ઉતરપ્રદેશના સહારનપુરના વતની અને હરીયાણાના હિસ્સારમાં પોતાના સસરા એવા પુર્વ ધારાસભ્ય અને તેના પરિવારના સાત મળી આઠ આઠ લોકોને નિર્દયતાથી પત્નીની સાથે મળી રહેંસી નાખવાના ગુનામાં ફાંસીની સજા અને તેમાંથી ઉમરકેદની સજા પામેલ અને જેલમાંથી પેરોલ ઉપર ફરાર થઇ નાશી છુટેલ સંજીવ નામનો ગુનેગાર અમરેલી જિલ્લાના રાજુલાના છતડીયા આશ્રમમાં ઓમઆનંદગીરી નામ ધારણ કરી રહેતો હોવાનું અને તે રવિવારે મેરઠ નેશનલ હાઇવે પાસે પોલીસના હાથમાં સપડાઇ જતા રાજુલા અને અમરેલી જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, રાજુલાના છતડીયા આશ્રમમાં રણી ધણી થઇને પેરોલ પરથી ભાગેલ સંજીવ સ્વામી ઓમઆનંદગીરીના નામથી સાધુ બની રહેતો હતો અને નવાઇની બાબત એ છે કે આ આશ્રમમાં તેમણે રાષ્ટ્ર સેવાના કાર્યક્રમો રાજકીય આગેવાનો, પદાધિકારીઓની ઉપસ્થિતીમાં યોજયા હતા પરંતુ કોઇને તેની ઉપર શંકા ગઇ ન હતી પરંતુ અંબાલાની પોલીસ ટુકડીએ તેમને પકડી પાડતા તેનો પર્દાફાશ થયો હતો આ ઘટના અંગે અમરેલીના એસપી શ્રી નિર્લિપ્ત રાયએ જણાવ્યુ છે કે આ સાધુ રાજુલા વિસ્તારમાં આવેલ આશ્રમમાં આશરો લઈને રહેતો હતો અને અમરેલી પોલીસ દ્વારા આ સાધુને આશરો આપનાર તેમજ તેને મદદ કરનારની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે તથા આ બાબત જાણકારી/માહિતી આપવા માંગતા વ્યક્તિએ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, અમરેલી ખાતે રૂબરૂ મળીને માહિતી આપી શકશે અને માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

સુપ્રિમ કોર્ટે ફાંસીની સજાને આજીવન સજામાં તબદીલ કરેલી

પંજાબ અને હરીયાણા હાઇકોર્ટમાં સંજીવ અને સોનીયા તરફથી મુક્તી અરજી દાખલ કરી હતી જો કે મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો અને સુપ્રિમ કોર્ટે ફાંસીની સજાને આજીવન કેદમાં તબદીલ કરી હતી સંજીવન કહેવા અનુસાર તેમણે આ સજા અંબાલા યમુનાનગર, કુરૂક્ષેત્ર, ઇજ્જાર, રોહતક અને ફરીદાબાદમાં કાટી જિલ્લા અંબાલામાં રહેતા કેદીઓ સાથે મળીને અંબાલા જેલમાં વર્ષ 2018 માં જેલમાં સુરંગ બનાવવા કોશીશ કરી હતી જો કે તેને સફળતા મળી ન હતી ત્યારબાદ તેને કુરૂક્ષેત્ર જેલમાં સીફટ કરવામાં આવેલ ત્યાંથી વર્ષ 2018 માં યમુનાનગરના ચંગનોલીના ફર્ઝી પેરોલ પર આવેલ પરંતુ પેરોલ પરથી ફરી જેલમાં હાજર ન થઇને ફરાર થઇ ગયેલ તે અંગે બિલાસપુર, પોલીસ થાણામાં કેસ પણ દાખલ કરવામાં આવેલ છે.

યુપી, પંજાબ અને ગુજરાતમાં સાધુ બની છુપાયો હતો

પેરોલમાં ફરાર સંજીવને મેરઠથી પકડવામાં આવેલ છે તે પોતાનું નામ બદલાવી ઓમાનંદગીરી ઉર્ફે ઓમકારના નામથી સાધુ બની ગુજરાત પંજાબ અને ઉતરપ્રદેશમાં રહીને પોલીસને ગુમરાહ કરી રહયો હતો રેલુરામ પુનીયા હત્યા કાંડમાં સંજીવ અને તેની પત્ની સોનીયાને ફાંસીની સજા થઇ હતી તે આરોપી ઝડપાઇ જતા પોલીસે પુછપરછ હાથ ધર્યાનું અંબાલાના એમપીએફ ડીએસપી શ્રી કુલભુષણે જણાવ્યુ હતુ