‘બિગ બોસ ૧૪નો ખિતાબ રૂબીના દિલેકના નામે, મળશે ૩૬ લાખ રૂપિયા

રૂબીના દિલે કે ટીવીનો સૌથી પ્રખ્યાત રિયાલિટી શો ‘બિગ બોસ ૧૪’નો ખિતાબ જીત્યો છે. આ સાથે જ રાહુલ વૈદ્ય બીજા ક્રમે છે. આખરે તેના ફેન્સએ રૂબીના દિલેકને વિજેતા બનાવી જ દીધી. ઉલ્લેખનીય છે કે રૂબીનાની ફેન ફોલોઈંગ શરૂઆતથી જ વધતી જોવા મળી હતી. રૂબીના હંમેશાં ટ્વિટર પર ટ્રેન્ડ કરતી હતી. રાખી સાવંત, રૂબીના દિલેક, રાહુલ વૈદ્ય, નિક્કી તંબોલી અને અલી ગોની એ રીતે કુલ પાંચ ફાઇનલિસ્ટ હતા, પરંતુ રૂબીનાએ દરેકને હરાવીને જીત મેળવી હતી. ફિનાલેમાં રાખી સાવંત ૧૪ લાખ રૂપિયા લઈને શોમાંથી બહાર નીકળી ગઈ. પછી અલી ગોની અને નિક્કી તંબોલી શોમાંથી બહાર નીકળી ગયા.

છેલ્લે રાહુલ વૈદ્ય બીજા સ્થાને રહૃાો. આ સાથે જ રૂબીનાને ૩૬ લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા છે. ‘બિગ બોસ ૧૪માં રૂબીના દિલેકે પતિ અભિનવ શુક્લા સાથે એન્ટ્રી લીધી હતી અને આ તેમનો સૌથી મોટો ટેકો હતો. એટલું જ નહીં અંતિમ સમય સુધી અભિનવે તેને સપોર્ટ કર્યો હતો, ભલે તે ઘરની બહાર હતો એ છતાં ખુબ ટેકો આપ્યો હતો. તો બીજી તરફ વાત કરીએ તો ફિનાલેમાં ઘણી ધમાલ થતી પણ જોવા મળી હતી.

એક તરફ સ્પર્ધકોએ પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લીધું, તો બીજી તરફ ‘ગર્મી ગીત પર નોરા ફતેહી સાથે સલમાન ખાનના ડાન્સે ચાર ચાંદ લગાવી દીધા હતા. ફાઈનલમાં સૌથી મોટી એન્ટ્રી બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની હતી. ધર્મેન્દ્ર સાથે મળીને સલમાને ખૂબ ધમાલ કરી હતી. આ શો પર ફિલ્મ ‘શોલે નો સીન પણ રિક્રિએટ કરવામાં આવ્યો હતો, જેમાં સલમાને ગબ્બરનો રોલ કર્યો હતો અને રાખી સાવંતે બંસતીની ભૂમિકા ભજવી હતી.