ગુજરાતની મહાપાલિકાઓમાં ભાજપે ધારણા પ્રમાણે જ ડંકો વગાડી દીધો છે

ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ છ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પરિણામ આવી ગયાં ને ધારણા પ્રમાણે જ ભાજપનો જયજયકાર થઈ ગયો. સાથે સાથે કૉંગ્રેસનો સફાયો પણ ધારણા પ્રમાણે થઈ ગયો. આ છ કોર્પોરેશન માટે રવિવારે મતદાન થયેલું ને ટકાવારી માંડ ચાલીસેક ટકાની આસપાસ રહેતાં ઓછું મતદાન કોને ફળશે તેની ચર્ચા શરૂ થઈ ગયેલી. કૉંગ્રેસવાળા તો એવું કહેતા થઈ ગયેલા કે, આ ઓછું મતદાન ભાજપના કુશાસન ને ગેરવહીવટ સામે છે ને પરિણામ આવશે ત્યારે ભાજપનો સફાયો થઈ ગયો હશે. ગુજરાતમાં મતદારોની માનસિકતા જોતાં આ વાત ગળે ઊતરે એવી નહોતી પણ મતદારોનું કશું નક્કી નહીં તેથી સૌ ચૂપ રહેલા ને પરિણામોએ સાબિત કર્યું છે કે, કૉંગ્રેસની વાત ધડ વિનાની હતી. જે લોકોએ કૉંગ્રેસની વાત માની એ બધા પસ્તાય એવાં પરિણામ આવ્યાં છે.

ભાજપે તમામ છ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી કબજે કરીને સાબિત કર્યું છે કે, શહેરી વિસ્તારો હજુય ભાજપનો ગઢ છે ને કમ સે કમ શહેરોમાં તો કૉંગ્રેસનું તો ભાજપને હરાવવાનું ગજું જ નથી. કૉંગ્રેસ માટે શરમજનક વાત તો એ છે કે છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી પાંચ કોર્પોરેશનમાં તો કૉંગ્રેસની બેઠકોની સંખ્યા બે આંકડે પણ નથી પહોંચી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 192 બેઠકો છે ને તેમાં કૉંગ્રેસ બે આંકડે પહોંચી છે. જો કે આ આંકડો પણ બહુ હરખાવા જેવો નથી કેમ કે કુલ બેઠકોમાં કૉંગ્રેસની બેઠકોની સંખ્યા વીસ ટકા પણ નથી. અમદાવાદમાં પણ ભાજપે બે તૃતિયાંશ કરતાં વધારે બેઠકો જીતીને કૉંગ્રેસને સાવ સાફ કરી દીધી છે.

કૉંગ્રેસની સૌથી શરમજનક હાલત તો રાજકોટમાં થઈ છે. રાજકોટ કોર્પોરેશનની કુલ 72 બેઠકો છે ને તેમાંથી કૉંગ્રેસે સમ ખાવા પૂરતી ચાર બેઠક જીતી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેરમાં ભાજપે રોલર ફેરવીને કૉંગ્રેસના ભુક્કા કાઢી નાખ્યા છે. ગુજરાતમાં છેલ્લે 2015માં આ છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ ત્યારે રાજકોટ જ એવું શહેર હતું કે જ્યાં કૉંગ્રેસે ભાજપને ફીણ લાવી દીધેલા. એક તબક્કે બંને પક્ષે 34-34 બેઠકો જીતેલી ને છેલ્લા વોર્ડનું પરિણામ વિજેતા નક્કી કરે એવી રસાકસી જામેલી. ભાજપે છેલ્લો વોર્ડ જીતીને પોતાની બેઠકોનો આંકડો 38 પર પહોંચાડ્યો તેમાં ભાજપ જીતી ગયો ને આબરૂ બચી ગયેલી. બાકી ભાજપનો આ ગઢ ધરાશાયી થવાના આરે આવી ગયેલો.

કૉંગ્રેસે રાજકોટમાં જે લડત આપી તેના પર સૌ વારી ગયેલા પણ પાંચ વર્ષમાં જ કૉંગ્રેસ લડ્યા વિના શરણાગતિ સ્વીકારવાની હાલતમાં આવી ગઈ છે એ શરમજનક તો કહેવાય જ પણ દયનિય પણ કહેવાય. આ દયનિય સ્થિતિ એટલા માટે છે કે, કૉંગ્રેસે પાટીદારોને ન સાચવ્યા. 2015માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે પાટીદાર અનામત આંદોલનની જોરદાર અસર હતી. પાટીદારો ભાજપ પર ભડકેલા હતા તેથી તેમણે કચકચાવીને ભાજપ સામે મતદાન કરેલું તેમાં ભાજપને તકલીફ પડી ગયેલી. પાટીદારોએ કૉંગ્રેસને સાથ આપીને 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને કષ્ટ દીધેલું પણ કૉંગ્રેસ પોતાના ધારાસભ્યોને ન સાચવી શકી ને પાટીદારોને પણ ન સાચવી શકી તેમાં રાજ્ય સ્તરે પણ કૉંગ્રેસની હાલત ખરાબ છે ને રાજકોટમાં તો એ સાવ પતી જ ગઈ છે.

જો કે ભાજપની જીત ને કૉંગ્રેસે દેવાળું ફૂંક્યું એ બંને વાતો અપેક્ષિત છે ને તેનાથી કોઈને આશ્ચર્ય થયું નથી કે કોઈ દંગ થયું નથી પણ આમ આદમી પાર્ટી (આપ) અને અસદુદ્દીન ઓવૈસીને બોલતાં પણ જીભનો ગોટો વળી જાય. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ એ મુસલિમીન (એઆઈએમઆઈએમ)એ કરેલા દેખાવે સૌને ચોક્કસ દંગ કરી દીધા છે. આપ પહેલી વાર પૂરી તાકાતથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કૂદ્યું હતું ને પહેલા પ્રયત્ને જ ‘આપ’એ સૌને પ્રભાવિત કર્યા છે તેમાં કોઈ શંકા નથી. ‘આપ’ની બેઠકોનો આંકડો એટલો મોટો નથી ને છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ચાર કોર્પોરેશનમાં તો ‘આપ’નું ખાતું પણ નથી ખૂલ્યું.

એઆઈએમઆઈએમએ તો અમદાવાદમાં અણધાર્યો ચમકારો બતાવી દીધો છે. આ બંને પક્ષે અમદાવાદ અને સુરત એ બે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે દેખાવ કર્યો તેના કારણે ગુજરાતના રાજકારણમાં સમીકરણો બદલાઈ રહ્યાં છે તેનો સ્પષ્ટ સંકેત મળે છે. વળી એ પણ મહત્ત્વની વાત છે કે એઆઈએમઆઈએમએ અમદાવાદમાં કૉંગ્રેસ ચિંતામાં પડી જાય એવો દેખાવ કર્યો છે ને ‘આપ’એ સુરતમાં ભાજપ ને કૉંગ્રેસ બંને ચિંતામાં પડી જાય એવો દેખાવ કર્યો છે એ કબૂલવું પડે. બલકે ‘આપ’એ તો સુરતમાં કૉંગ્રેસને સાવ સાફ જ કરી નાંખી છે એમ કહીએ તો ચાલે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સરળતાથી જીત્યો છે પણ આ જીત ભાજપ ધારતો હતો એવી ભવ્ય નથી. સુરત કોર્પોરેશનની 120 બેઠકો છે ને તેમાંથી 110 બેઠકો જીતવાની ભાજપ વાતો કરતો હતો. ‘આપ’ ક્યાંય ચિત્રમાં જ નથી એવું પણ ભાજપ કહેતો હતો ને એ જ આપ’ સુરતમાં બીજા નંબરે આવ્યો છે. ‘આપ’એ સુરતમાં જીતી તો 27 જ બેઠકો છે પણ પહેલી વાર ચૂંટણી લડી રહેલો પક્ષ આટલી બેઠકો જીતી લાવે એ પણ મોટી વાત છે. તેમાં પણ સુરત તો ભાજપનો ગઢ છે ને ‘આપ’એ આ ગઢમાં પ્રવેશ કર્યો છે.

‘આપ’એ ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે એવું ન કહી શકાય કેમ કે ‘આપ’એ કૉંગ્રેસના ભોગે પોતાની જગ્યા બનાવી છે. ‘આપ’એ જીતેલી મોટા ભાગની બેઠકો કૉંગ્રેસે 2015માં પાટીદારોના જોરે જીતેલી ને ‘આપ’એ આ બેઠકો કૉંગ્રેસ પાસેથી આંચકીને પોતાની જગ્યા બનાવી છે તેથી ભાજપને સીધું નુકસાન થયું નથી પણ ‘આપ’નો દેખાવ ભાજપ માટે ચિંતાનો વિષય છે જ કેમ કે ‘આપ’એ ભાજપના વરસોથી ગઢ મનાતા શહેરી વિસ્તારોમાં પ્રવેશ કર્યો છે. ભાજપ શહેરી વિસ્તારની પાર્ટી ગણાય છે ને ‘આપ’ પણ શહેરી વિસ્તારની પાર્ટી છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારનું શાસન આવ્યું પછી દિલ્હી શહેરની કેવી કાયાપલટ કરી દેવાઈ તેનો જોરદાર પ્રચાર ‘આપ’ કરે છે. આ પ્રચારથી દેશમાં ગ્રામીણ મતદારો બહુ પ્રભાવિત નથી પણ શહેરી મતદારો ચોક્કસ પ્રભાવિત થાય છે કેમ કે ‘આપ’ સસ્તું શિક્ષણ અને આરોગ્ય સેવા એ બે બાબતો પર બહુ ભાર મૂકે છે. ભાજપ શાસનમાં મધ્યમ વર્ગનો મરો શિક્ષણ અને સ્વાસ્થ્યના અધધધ ખર્ચના કારણે જ થયો છે તેથી ‘આપ’ લોકોને આકર્ષે એ ભાજપ માટે ખતરો કહેવાય જ.

ભાજપે બીજી રીતે પણ ચેતવા જેવું છે. સુરતમાં ‘આપ’એ સારો દેખાવ પાટીદારોના જોરે કર્યો છે ને સુરતમાં સૌરાષ્ટ્રના પાટીદારોના વિસ્તારોમાં ‘આપ’ જીત્યો છે તેથી તેમના સહારે ‘આપ’ સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરી શકે છે. ગુજરાતમાં પોણા બે વરસ પછી વિધાનસભાની ચૂંટણી છે ને ત્યાં સુધીમાં ‘આપ’ વાયા સુરત ઘૂસ મારે તો ભાજપને નુકસાન કરી શકે. ભાજપ માટે ‘આપ’નો સુરતમાં પ્રવેશ શરમજનક પણ કહેવાય કેમ કે સુરત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું હોમ ટાઉન છે. પાટીલ પ્રમુખ બન્યા પછીની આ પહેલી ચૂંટણીમાં જ તેમના માટે નવો પડકાર ઉભો થાય એ સારું ના જ કહેવાય. 2017ની વિધાનસભા ચૂંટણી વખતે કૉંગ્રેસે પાટીદારોના જોરે ભાજપને બીજે બધે હંફાવી દીધેલો ને એ વખતે સુરત ભાજપની પડખે રહેલું તેમાં ભાજપની આબરૂ સચવાયેલી. ‘આપ’ આ દેખાવના જોરે 2022ની ચૂંટણીમાં સુરતમાં બે-ચાર બેઠકો આંચકી લે એ પણ ખતરો ઊભો થયો જ છે.

જો કે ભાજપ હારમાંથી બોધપાઠ લેનારો પક્ષ છે તેથી પોણા બે વર્ષમાં એ કદાચ ‘આપ’નો તોડ શોધીને નુકસાન ન થવા દે એવું બને પણ કૉંગ્રેસમાં એ તાકાત નથી તેથી ‘આપ’ની આંધીમાં કૉંગ્રેસ સાફ થઈ જાય એવો પૂરો ખતરો છે. દિલ્હીમાં જે રીતે ‘આપ’ના કારણે પંદર વર્ષ સત્તા ભોગવનારાં શીલા દિક્ષીત જેવાં ધુરંધર નેતા સાફ થઈ ગયેલાં એ રીતે ગુજરાતમાં પણ ‘આપ’ કૉંગ્રેસને સાવ ડૂબાડી દે એવી પ્રબળ શક્યતા છે. કૉંગ્રેસ માટે ચિંતાનો વિષય એ છે કે, ‘આપ’એ જ નહીં પણ ઓવૈસીની પાર્ટીએ પણ કૉંગ્રેસની હાલત બગાડી શકે છે. ઓવૈસીની પાર્ટી મુસ્લિમ મતદારોનો પ્રભાવ છે એવા વિસ્તારોમાં તો કૉંગ્રેસને પતાવી જ દેશે તેમાં શંકા નથી. કૉંગ્રેસનો મુસ્લિમ મતબેંકનો ગરાસ લૂંટાય પછી તેની પાસે કંઈ ન રહે એ જોતાં કૉંગ્રેસ માટે હવે કપરો કાળ છે. અમદાવાદમાં ઔવેસીએ ચમક બતાવી છે. ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપનું એકચક્રી શાસન છે ને આ વર્ચસ્વ જળવાયું છે પણ આ પરિણામોએ ગુજરાતમાં લાંબે ગાળે પરિવર્તનની શક્યતા છે તેનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે.