એલા હજુ તો એક જગ્યાને મોદીનું નામ આપ્યું એમાં આટલી બળતરા ?

એમાં તો એક જ નિયમ છે કે કામ કરે એના નામ હોય. અને સરદાર પટેલ પૂજનીય છે પણ વર્તમાન નેતાઓ પણ હોય ને? સરદાર મહાન હતા તો અમારા આજના નેતા અરધા મહાન તો હોય ને? દરેક જમાને જમાને નામ તો નવા આવવાના છે. દર વખતે જૂના મોટા માણસોના નામો આડા રાખીને વર્તમાનને સાવ ઘસી નાંખવાનું કામ થોડું કરાય ? અમદાવાદના મોટેરામાં બનેલા વિશ્ર્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું અંતે બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ઘાટન થઈ ગયું. આ સ્ટેડિયમ લાંબા સમયથી બનીને તૈયાર હતું પણ કોરોનાના કારણે લૉકડાઉન લદાઈ ગયું તેમાં ક્રિકેટ મેચો બંધ થઈ ગઈ એટલે તેનું ઉદ્ઘાટન લટકી ગયેલું. લૉકડાઉન હટાવાયું ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો શરૂ થઈ પછી મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવાયેલી. બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ)એ ઈંગ્લેન્ડ પ્રવાસનો કાર્યક્રમ ઘડ્યો તેમાં બે ટેસ્ટ ને પાંચ ટી-૨૦ મેચો મોટેરા સ્ટેડિયમમાં ફાળવી દીધી એ વખતે જ નક્કી થઈ ગયેલું કે, આ સ્ટેડિયમ બહુ જલદી ધમધમતું થઈ જશે. બુધવારે એ દિવસ પણ આવી ગયો ને ભારતની ધરતી પરની બીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ સાથે વિશ્ર્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પાછું એક્શનમાં આવી ગયું છે.

જો કે, અત્યારે ચર્ચા દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ધમધમતું થઈ ગયું તેની નથી, પણ આ સ્ટેડિયમના નામકરણની છે. આ સ્ટેડિયમ બંધાયુ ત્યારે તેનું નામ ગુજરાત સ્ટેડિયમ હતું. પછી દેશની એકતાના શિલ્પી ને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી તેનું નામ સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ કરાયેલું, અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં પહેલેથી જ સરદાર પટેલના નામે એક ક્રિકેટ સ્ટેડિયમ હતું જ. આ સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમમાં ૧૯૮૨માં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે વન ડે મેચ પણ રમાયેલી ને બીજી પણ થોડીક ફસ્ટ ક્લાસ ક્રિકેટ મેચો પણ રમાયેલી.

આ બંને સ્ટેડિયમનાં નામોમાં ગૂંચવાડો ન થાય એટલે નવા સ્ટેડિયમનું નામ સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ રખાયું હતું. ગુરૂવારે રામનાથ કોવિંદના હાથે ઉદ્ઘાટન પછી ત્રીજી વાર સ્ટેડિયમનું નામ બદલાયું ને આ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવાયું છે. સ્ટેડિયમના ઉદ્ઘાટન પહેલાં આ સ્ટેડિયમનું નામ બદલાશે એવા કોઈ અણસાર નહોતા. બલકે ઉદ્ઘાટનના એકાદ કલાક પહેલાં એક પત્રકારે નવા સ્ટેડિયમનું નામ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ પરથી કરાશે એવી ટ્વીટ કરી ત્યારે કોઈ આ વાત માનવા તૈયાર નહોતું. બલકે ઘણાંએ તો તેની મજાક પણ ઉડાવેલી પણ કલાક પછી એ વાત સાચી પડી ને સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ બદલાઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બની ગયું. બીસીસીઆઈની વેબસાઈટ પર પણ તાબડતોબ નામ બદલી દેવાયું ને સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવાયું. સ્ટેડિયમની વિગતોમાં અંદર હજુ તેનો ઉલ્લેખ સરદાર પટેલ સ્ટેડિયમ તરીકે જ છે પણ મથાળું બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવાયું છે. બીજી વેબસાઈટ્સ પર પણ એ પ્રમાણે ફેરફાર થઈ ગયો છે.

ગુજરાતમાં મંગળવારે છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનાં પરિણામો આવેલાં ને તેમાં કૉંગ્રેસ સાવ સાફ થઈ ગઈ છે. કૉંગ્રેસીઓ આ કારમી હારના આઘાતમાં હતા ત્યાં આ નવા નામકરણની વાત આવી તેમાં કૉંગ્રેસીઓ બધો આઘાત ખંખેરીને એકદમ એક્ટિવ થઈ ગયા. પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા ને હવે કૉંગ્રેસી નેતા હાર્દિક પટેલે સૌથી પહેલી આહલેક જગાવીને સવાલ કર્યો કે, સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું એ કાંઈ સરદાર પટેલનું અપમાન નથી.

હાર્દિકે તબલાં પર થાપ મારી એટલે બીજા કૉંગ્રેસી નેતા પણ મંજિરા, તબલાં કે પછી જે પણ હાથે ચડ્યું એ લઈને મચી પડ્યા. અમિત ચાવડા, ગજેરા પરાના પરેશ ધાનાણી સહિતના કૉંગ્રેસી નેતા કૂદી પડ્યા ને સરદાર પટેલનું અપમાન કરી નાખ્યું છે એવો દેકારો મચાવી દીધો. ગુજરાતમાં હજુ થોડા દિવસ પહેલાં જ અમદાવાદ ઍરપોર્ટનું નામ બદલવાના મામલે ડખો થયેલો. અમદાવાદ ઍરપોર્ટનું નામ સરદાર પટેલ ઍરપોર્ટ છે, પણ તેના મેન્ટનેન્સનો કોન્ટ્રાક્ટ અદાણી જૂથને અપાયો છે. અદાણી જૂથે ઍરપોર્ટ પર લાગેલા હોર્ડિંગ્સ પરથી સરદાર પટેલનું નામ હટાવીને પોતાનું નામ લગાવી દીધું એ મામલે કૉંગ્રેસે હોહા કરી નાખેલી ને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો બરાબર ચગેલો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી હોર્ડિંગ્સની તસવીરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટની જગ્યાએ અદાણી ઍરપોર્ટ લખવામાં આવ્યું છે એવું સ્પષ્ટ રીતે દેખાતું હતું તેથી મોદી સરકારના માથે બરાબરના માછલાં ધોવાયાં તેથી ફરી સરદાર પટેલના નામનાં હોર્ડિંગ્સ મૂકવાની અદાણી જૂથને ફરજ પડેલી. કૉંગ્રેસને એ વખતે મોકાનો બરાબર લાભ નહીં ઉઠાવી શક્યાનો અફસોસ થયો હશે એટલે આ વખતે કૉંગ્રેસીઓએ વેળાસર દેકારો શરૂ કરી દીધો.

મોકો મળતાં ભાજપ અને ખાસ તો નરેન્દ્ર મોદીના વિરોધીઓ પણ સોશિયલ મીડિયા પર મેદાનમાં આવી ગયા. તેમણે ટ્વિટ્સનો મારો ચલાવ્યો તેમાં મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ હેશ ટેગ ટ્રેન્ડ કરવા માંડ્યું હતું. મોટા ભાગની કોમેન્ટ્સમાં મોદીના માથે માછલાં ધોવાઈ રહ્યાં છે ને મોદીએ નામના મોહમાં સરદાર પટેલને કોરાણે મૂકી દીધા એવી ટીકાઓનો મારો ચાલ્યો છે. કેટલાક વળી આખી વાતને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર સરદાર પટેલે પ્રતિબંધ મૂકી દીધો તેની સાથે જોડીને સંઘને પણ વિવાદમાં ચગડોળે ચડાવે છે. કેટલાક વળી આ વાતમાં પણ મજા લઈ રહ્યા છે. સામે ભાજપ અને મોદીના સમર્થકો પણ બચાવમાં કૂદી પડ્યા. મોટેરા સ્ટેડિયમની બાજુમાં આવેલા સ્પોર્ટ્સ સંકુલનું નામ હજુ સરદારના નામે છે ને મોદીને સરદાર પટેલ કરતાં મોટા બતાવવાની વાત જ નથી એવી ચોખવટો ભાજપવાળા કરી રહ્યા છે. ભાજપવાળાના મતે નવું બનેલું સ્ટેડિયમ તો આખા કોમ્પ્લેક્સનો એક હિસ્સો છે ને તેનું નામ જ બદલાયું છે, બાકી આખું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તો સરદાર પટેલના નામે જ છે. એકંદરે મોટેરા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યું એ મુદ્દો દેશભરમાં છવાયેલો રહ્યો.

મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવાનો નિર્ણય યોગ્ય છે કે નહીં એ મુદ્દે વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ મત હોઈ શકે છે, પણ આ નિર્ણય આશ્ર્ચર્યજનક ચોક્કસ છે. સ્ટેડિયમના નામકરણનો નિર્ણય મોદી સરકારે નથી કરવાનો પણ ગુજરાત ક્રિકેટ એસોસિયેશને કરવાનો છે કેમ કે સ્ટેડિયમની માલિકી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની છે.

આ આશ્ર્ચર્યનું કારણ મોદી સરદાર પટેલ વિશે અત્યાર લગી જે અહોભાવ બતાવતા રહ્યા એ છે. કોંગ્રેસે સરદાર પટેલના યોગદાનને અવગણીને એ મોટા ન થાય એવા કારસા કર્યા હોવાના આક્ષેપો મોદી એકાદ દાયકાથી કર્યા કરે છે. સરદાર પટેલના યોગદાનને ભાજપે લોકો સુધી પહોંચાડ્યું એવો દાવો સતત મોદી કરતા રહ્યા છે. સરદાર પટેલ માટે પોતાને બહુ માન હોવાનો દાવો કરે છે.

કૉંગ્રેસ સરદાર પટેલના નામે કૂદી પડી છે એ હાસ્યાસ્પદ છે કેમ કે કૉંગ્રેસે તો કદી સરદાર પટેલના યોગદાનને ધ્યાનમાં લીધું જ નહીં. કૉંગ્રેસના શાસનમાં સરદાર પટેલના નામે કોઈ મોટી સંસ્થા કે બીજું કશું ઊભું જ ના થયું. કૉંગ્રેસ તો નહેરૂ-ગાંધી ખાનદાનની ભક્તિમાં જ લીન રહી તેથી જ્યાં પણ તખતીઓ લાગી ત્યાં નહેરૂ-ઈન્દિરા ને રાજીવના નામની જ લાગી. આ મુદ્દો બહુ મોટો નથી ને તેના કારણે સરદાર પટેલનું અપમાન થયું હોવાની વાતમાં પણ દમ નથી. સરદાર એટલા મોટા છે કે એક સ્ટેડિયમ સાથે તેમનું નામ ન જોડાયેલું હોય કે ન હોય કોઈ ફરક પડતો નથી. કૉંગ્રેસે વરસો લગી સરદારને અવગણ્યા તેના કારણે સરદાર ના ભૂલાયા તો આ રીતે ભૂલાઈ જશે એ વાતમાં માલ નથી. આ મુદ્દાની રાજકીય અસરો પડી શકે એવી પણ ચર્ચા છે, પણ એ વાતમાં પણ દમ નથી.