આઇપીએલની નવી સીઝન પહેલાં જ આઇપીએલની ઇકોસિસ્ટમ વેલ્યૂમાં ૩.૬ ટકાનો ઘટાડો

કોરોના વાયરસને કારણે પાછળું વર્ષ રમત જગત માટે ખૂબ જ પડકારજનક રહૃાું. કોવિડ ૧૯ને કારણે જ આઈપીએલની ૧૩મી સીઝનનું આયોજન સમય કરતાં ૬ મહિના વિલંબથી થયું. આ વર્ષે પણ મહામારીને કારણે આઈપીએલને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આઈપીએલની બ્રાન્ડ વેલ્યૂ વિતેલા ૬ વર્ષમાં પ્રથમ વખત ઘટી છે. ડફ એન્ડ ફેલપ્સના અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે આઈપીએલની ઇકોસિસ્ટમ વેલ્યૂમાં ૨૦૨૦માં ૩.૬ ટકાનો ઘટાડો નોંધાયો છે.

એક અભ્યાસ અનુસાર વિતેલા વર્ષે આઈપીએલની ઇકોસિસ્ટમ વેલ્યૂ ૨૦૧૯માં ૪૭૫૦૦ કરોડ રૂપિયાની તુલનામાં આ વખતે ૪૫,૮૦૦ કરોડ રૂપિયા રહી છે, જેમાં અંદાજે ૩.૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. નુકસાનનો સામનો કરવામાં આઈપીએલની તમામ ટીમ સામેલ છે. એવું કહેવાય છે કે કોરોનાને કારણે ટીમોને મળનારી સ્પોન્સરશિપ પણ ઘટી છે.

નુકસાન થવાં છતાં મુંબઈ ઇન્ડિયન્સ સતત પાંચમાં વર્ષે ફ્રેન્ચાઈઝી બ્રાન્ડ રેકિંગમાં ટોચના સ્થાન પર રહી. જોકે ૨૦૧૯ની તુલનામાં ૨૦૨૦માં મુંબઈની બ્રાન્ડ વેલ્યૂ ૫.૯ ટકા ઘટી છે. મુંબઈની બ્રાન્ડ વેલ્યૂ ૨૦૧૯માં ૮૦૯ કરોડ રૂપિયા હતી જે ૨૦૨૦માં ઘટીને ૭૬૧ કરોડ રૂપિયા રહી છે.

ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની બ્રાન્ડ વેલ્યૂમાં ક્રમશ: ૧૬.૫ ટકા અને ૧૩.૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ચેન્નઈની બ્રાન્ડ વેલ્યૂ ૨૦૧૯માં ૭૩૨ કરોડ રૂપિયા હતી જે ૨૦૨૦માં ઘટીને ૬૧૧ કરોડ રૂપિયા રહી છે. કોલકાતાની બ્રાન્ડ વેલ્યૂ ૨૦૧૯માં ૬૨૯ કરોડ રૂપિયા હતી જે ૨૦૨૦માં ઘટીને ૫૪૩ કરોડ રૂપિયા રહી છે. ફ્રેન્ચાઈઝી બ્રાન્ડ વેલ્યૂમાં ચેન્નઈ બીજા અને કોલકાતા ત્રીજા સ્થાન પર છે.

બીજી બાજુ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની બ્રાન્ડ વેલ્યૂ ૯.૯ ટકા, સનરાઈઝર્સ હૈદ્રાબાદની ૮.૫ ટકા, દિલ્હી કેપિટલ્સની ૧.૦ ટકા, પંજાબ કિંગ્સની ૧૧.૩ ટકા અને રાજસ્થાન રોયલ્સની બ્રાન્ડ વેલ્યૂ ૨૦૨૦માં ૮.૧ ટકા ઘટી છે.