ઇંગ્લેન્ડ સામે બીજી વન-ડેમાં રોહિત શર્મા અને શ્રેયસ ઐયરનું રમવું શંકાસ્પદ

ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાને ૨ મોટા આંચકા લાગ્યા છે. સ્ટાર ઓપનર રોહિત શર્મા અને મિડલ ઓર્ડરના ખેલાડી શ્રેયસ ઐયર બંને ઈજાગ્રસ્ત થયા છે. પહેલા વન-ડેમાં ભારતની ઇનિંગ દરમ્યાન પાંચમા ઓવરમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડની બોલથી રોહિતને કોણીમાં ઇજા થઇ હતી. બોલ વાગતાની સાથે જ રોહિતના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ઇજા થવા છતાં રોહિતે મેદાન ન છોડ્યું અને સતત બેટિંગ કરતો રહૃાો. ત્યારબાદ, રોહિત શર્મા ફિલ્ડિંગ માટે નહોતો આવ્યો. રોહિત શર્મા ઉપરાંત મિડલ ઓર્ડર ખેલાડી શ્રેયસ ઐયરના ડાબા ખભામાં ફિલ્ડિંગ દરમ્યાન ઇજા થઇ હતી. જેને કારણે તેમનું આ વર્ષે આઇપીએલ રમવું પણ લગભગ અશક્ય લાગે છે. જો, વન ડે સિરીઝના બાકીની બે મેચમાં રોહિત શર્મા અને શ્રેયસ ઐયર નથી રમતા તો બંને ૨ ભારતીય ખેલાડીઓ તેમને રિપ્લેસ કરશે. જો રોહિત શર્મા ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની બાકીને બે મેચોમાં નથી રમી શકતો તો તેમની જગ્યાએ શુભમન ગિલને ઓપિંનગ બેટ્સમેન તરીકે ટીમ ૧૧માં સ્થાન આપવામાં આવશે. જોકે, શુભમન ગિલનું ફોર્મ સારું નથી. છતાં ટીમ મેનેજમેન્ટ તેમને વધુ એક તક આપી શકે છે, શુભમન ગિલ ભારત માટે અત્યાર સુધી ૩ વનડે મેચ રમ્યો છે. જેમાં તેણે ૪૯ રન બનાવ્યા છે.
સુર્યકુમાર યાદવે ઇંગ્લેન્ડ સામેની ટી-૨૦ સિરીઝમાં વિસ્ફોટક બેટિંગ કરી બધાને પોતાના ફેન બનાવી લીધા હતા. શ્રેયસ ઐયર ના ન રમવા પર સુર્યકુમાર યાદવને નંબર ૪ બેટિંગ ઓર્ડર પર પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન પસંદ કરવામાં આવી શકે છે. સુર્યકુમાર યાદવ પાસે મેદાનમાં ચારે બાજુ શોટ્સ મારવાની આવડત છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે મેચ ૨૪ માર્ચના રોજ પુણેમાં રમાશે. ભારતે પહેલી મેચ જીતીને સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. પહેલી વનડેમાં ભારતે ઇંગ્લેન્ડને ૬૬ રને હરાવ્યું હતું.