રિઝર્વ બેન્કના ગવર્નર શશિકાન્ત પણ વાસ્તવિક રીતે અર્થતંત્ર પર ચિંતિત છે

કોરોના પાછો વકર્યો છે ને તેના કારણે પાછું લોકડાઉન લદાશે કે શું તેના ફફડાટમાં લોકો જીવી રહ્યાં છે ત્યારે રિઝર્વ બેંકે બુધવારે રેપો રેટ સહિતના વ્યાજદરો જાહેર કર્યા. કોરોનાના કારણે બહુ કપરું સાબિત થયેલું 2020-21નું નાણાંકીય વરસ પૂરું થયું ને નવું નાણાંકીય વરસ 2021-22 શરૂ થયું એ પછી રિઝર્વ બેંક પહેલી વાર નાણાં નીતિની સમીક્ષા કરીને રેપો રેટ સહિતના વ્યાજદર જાહેર કરવાની હતી તેથી સૌની નજર તેના પર મંડાયેલી હતી. રિઝર્વ બેંકે લાંબા સમયથી રેપો રેટ સહિતના વ્યાજદરમાં ફેરફાર કર્યો નથી. છેલ્લે 2020ના મે મહિનામાં વ્યાજદરો ઘટાડેલા ને ત્યારથી એ જ વ્યાજ દરો ચાલે છે. રિઝર્વ બેંક નવા વરસમાં કશુંક નવું કરશે કે શું તેની પણ સૌને ઉત્સુકતા હતી પણ રિઝર્વ બેંકે રેપો રેટ સહિતના વ્યાજ દર નથી બદલ્યા. રેપો રેટ 4 ટકા જ રખાયો છે જ્યારે રીવર્સ રેપો રેટ 3.35 ટકા યથાવત્ રાખ્યો છે.
રિઝર્વ બેંકે વ્યાજ દર યથાવત્ રાખ્યા તેમાં આશ્ચર્ય નથી કેમ કે રેપો રેટ સહિતના વ્યાજ દર સાવ તળિયે જ છે. રિઝર્વ બેંક દેશની ચલણી નોટો છાપે છે તેથી તેની પાસે જંગી પ્રમાણમાં રોકડ હોય છે. રિઝર્વ બેંક આખા દેશની રાષ્ટ્રીયકૃત, કોમર્શિયલ બેંકો, સહકારી સહિતની બેંકોને લોન આપવા માટે આ રકમ આપે છે. બેંકો રિઝર્વ બેંક પાસેથી જે નાણાં લે તેના પર વ્યાજ ચૂકવે તેને રેપો રેટ કહેવાય રિઝર્વ બેંકે રેપો રેટ ચાર ટકા કર્યો તેનો અર્થ એ કે, બેંકો રિઝર્વ બેંક પાસેથી જે પણ ફંડ લે તેના પર તેમણે વાર્ષિક ચાર ટકા વ્યાજ ચૂકવું પડે.
અત્યારે આર્થિક રીતે માહોલ સારો નથી પણ ચાર ટકા વ્યાજે રૂપિયા ક્યાંથી મળે ? આ સંજોગોમાં રેપો રેટ સાવ ઓછો જ છે ને એવી જ હાલત રીવર્સ રેપો રેટમાં છે. અત્યારે રીવર્સ રેપો રેટ માત્ર 3.35 ટકા જ છે. દેશની દરેક બેંકે ચોક્કસ રોકડ રકમ સિક્યુરિટીના રૂપમાં રિઝર્વ બેંકમાં ફરજિયાતપણે મૂકવી પડે છે. આ કાયદાકીય જોગવાઈ છે અને ફરજિયાતપણે દરેક બેંકે પોતાના ટર્નઓવરના પ્રમાણમાં રકમ મૂકવી પડે છે. રિઝર્વ બેંકમાં બીજી બેંકો દ્વારા મુકાતાં આ નાણાં પર રિઝર્વ બેંક દ્વારા ચૂકવાતા વ્યાજને રીવર્સ રેપો રેટ કહેવાય છે. રીવર્સ રેપો રેટ 3.35 ટકા છે તેનો અર્થ એ થાય કે, બેંકો રિઝર્વ બેંકમાં જે ફંડ મૂકશે તેના પર 3.35 ટકા વ્યાજ મળે છે ને એ ચાલુ રહેશે.
રિઝર્વ બેંકે રેપો રેટ ને રીવર્સ રેપો રેટમાં કોઈ આશ્ર્ચર્ય નથી આપ્યું પણ આર્થિક વિકાસદરમાં પણ કોઈ ફેરફાર નહી કરીને આશ્ર્ચર્ય સર્જ્યું. રિઝર્વ બેંકે છેલ્લે નાણાં નીતિની જાહેરાત કરી ત્યારે ચાલુ નાણાંકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 10.50 ટકા રહેશે એવી આગાહી કરેલી. આ વખતે પણ રિઝર્વ બેંકે એ જ આર્થિક વિકાસ દરની આગાહી કરી છે. કોરોનાના કેસો ધડાધડ વધી રહ્યા છે ને આર્થિક પ્રવૃત્તિ પાછી ખોટકાય એવા અણસાર છે ને છતાં રિઝર્વ બેંકે ચાલુ વર્ષે આપણું અર્થતંત્ર સાડા દસ ટકાના દરે વિકાસ કરશે એવી આગાહી કરી નાખી છે.
મજાની વાત એ છે કે, રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાન્ત દાસે પોતે કબૂલ્યું છે કે, કોરોના કેસો વધી રહ્યા છે તેના કારણે આર્થિક પ્રવૃત્તિઓને ફટકો પડી શકે છે. આ કારણે આર્થિક મોરચે ફરી બેઠા થવામાં તકલીફ પડશે ને પહેલા જેવી આર્થિક સ્થિતિ થાય એવી આશા નથી. શક્તિકાન્ત દાસનો આ અભિપ્રાય એકદમ વાસ્તવવાદી છે એ કબૂલ પણ સાથે સાથે રિઝર્વ બેંકના આર્થિક વિકાસદરનો અંદાજ તેમની વાતો સાથે મેળ ખાતો નથી એ પણ કબૂલવું પડે.
શક્તિકાન્ત દાસે આ પ્રકારની વાતો પહેલી વાર નથી કરી. છેલ્લે 2020ના મે મહિનામાં તેમણે રેપો રેટ ને રીવર રેપો રેટમાં ઘટાડો કર્યો ત્યારે આ રીતે વાસ્તવવાદી વાતો જ કરેલી. બીજા પ્રધાનોની જેમ જેમ મોટી મોટી વાતો કરવાના બદલે દાસે અર્થતંત્રની હાલત ખરેખર શું છે તેની વાત શબ્દો ચોર્યા વિના કરી હતી. તેમણે સાફ શબ્દોમાં કહેલું કે, લોકડાઉનના કારણે લોકો પાસે પૈસો નથી તેથી લોકોનો વપરાશ સાવ ઘટી ગયો છે ને તમામ ચીજોની માગ સાવ ઘટી ગઈ છે. લોકડાઉને લોકોને કરકસર કરતા કરી દીધા છે તેથી લોકોની આવક ના વધે ત્યાં લગી માગ ફરી ઊભી નહીં થાય ને માંગ ન ઊભી થાય તો અર્થતંત્ર ન સુધરે.
દાસે તો એ વખતે ખાદ્ય ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે એવી વાત પણ કરેલી ને એ બદલ આશ્ચર્ય દર્શાવેલું. માગ ઘટે તો ભાવ ઘટે તેના બદલે અહીં ભાવ ઉંચકાયા છે ને આ સ્થિતિ વિચિત્ર કહેવાય ને તેમાંથી બહાર કઈ રીતે નિકળવું એ વિશે સરકારે વિચારવાની જરૂર છે એવું તેમણે કહેલું. દાસની વાત એ રીતે સાચી હતી ને અત્યારે પણ તેમણે સાચી વાત જ કરી છે પણ આર્થિક વિકાસદરનો આંકડો તેમની વાત સાથે મેળ ખાતો નથી. દાસ ગવર્નર છે પણ રીઝર્વ બેંક નથી. રિઝર્વ બેંકની આર્થિક વિકાસદર નક્કી કરવાની પોતાની સિસ્ટમ છે ને આ સિસ્ટમ દ્વારા આ દર નક્કી થયો હશે તેથી દાસને ચોક્કસપણે તેના માટે દોષિત ના ઠેરવી શકાય. બીજી શક્યતા એ પણ છે કે, સરકારનું દબાણ હોય ને તેના કાણે રિઝર્વ બેંકે સાડા દસ ટકાની આસપાસ વિકાસ દર રહેશે એવું કહેવું પડ્યું હોય.
જો કે કારણ ગમે તે હોય પણ આ વિકાસદર ખરેખર મોટો છે ને આ દરે આપણું અર્થતંત્ર વિકાસ કરે તો તેનાથી મોટો ચમત્કાર બીજો કોઈ ન કહેવાય. આ દેશને અત્યારે આર્થિક મોરચે બહુ મોટા ચમત્કારની જરૂર છે જ એ જોતાં આપણે તો આશા રાખીએ કે આ ચમત્કાર થાય, દેશનું અર્થતંત્ર સાડા દસ ટકા શું કરવા, સાડા અગિયાર ટકાના દરે વિકાસ કરે એવી આશા આપણે તો રાખીએ. આપણાં નાણાં મંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કર્યું તેના આગલા દિવસે રજૂ કરેલા આર્થિક સર્વેમાં 11 ટકાના વિકાસદરની શક્યતા વ્યક્ત કરેલી જ છે. નિર્મલા સીતારામને 2021-22ના નાણાંકીય વરસમાં જીડીપી 11 ટકાના દરે વિકાસ કરશે એવો અંદાજ મૂક્યો હતો ને તેમાં આપણે લટકાનો અડધો ટકો ઉમેરીને સાડા અગિયાર ટકાના દરે આર્થિક વિકાસ થાય એવી આશા રાખીએ.
નિર્મલા સીતારામન બજેટ રજૂ કરાયું એ પહેલાં લાંબા સમયથી કહ્યા કરતાં હતાં કે, આ વખતનું બજેટ લોકોએ કલ્પના નહીં કર્યું હોય એવું ને પહેલાં કદી રજૂ ન થયું હોય એવું હશે. તેના કારણે લોકોમાં ભારે ઉત્સુકતા હતી. નિર્મલાનું બજેટ અભૂતપૂર્વ હતું પણ એ જે અર્થમાં કહેતાં હતાં એ અર્થમાં અભૂતપૂર્વ નહોતું. નિર્મલાના બજેટમાં વખાણવા જેવું ખરેખર કશું જ નહોતું. આશા રાખીએ કે આર્થિક વિકાસ દરમાં એવું ન થાય ને આર્થિક સર્વેમાં મૂકાયેલા અંદાજ પ્રમાણે 11 ટકાના દરે આપણું અર્થતંત્ર પ્રગતિ કરે.
નિર્મલાએ ભલે કહી દીધું પણ અત્યારે જે હાલત છે એ જોતાં 11 ટકાનો વિકાસ દર હાંસલ કરવો કપરો છે. આપણે આપણા જન્મારામાં આટલો ઊંચો આર્થિક વિકાસ જોયો નથી. છેલ્લાં ત્રીસ વરસથી હાલની પદ્ધતિ પ્રમાણે વિકાસ દર ગણાય છે ને આ 30 વર્ષમાં કદી 11 ટકાનો વિકાસ દર હાંસલ કર્યો નથી. નરસિંહરાવ વડા પ્રધાન બન્યા ને મનમોહનસિંહ નાણાં પ્રધાન હતા ત્યારે અર્થતંત્રમાં ઉદારીકરણ અપનાવાયેલું. તેના કારણે આપણા અર્થતંત્રમાં એકદમ ફાટફાટ થતી તેજી આવી ગયેલી. વિદેશી કંપનીઓ ભારતમાં આવશે ને ભારતમાં સાહ્યબી સાહ્યબી થઈ જશે એવી આશામાં જબરદસ્ત તેજી આવેલી. એ પહેલાં ચંદ્રશેખરની સરકારે દેશના અર્થતંત્રની બુંદ બેસાડી દીધેલી ને દેશનું સોનું વેચવાનો વારો આવેલો. ટૂંકમાં અર્થતંત્ર સાવ તળિયે હતું તેથી અચાનક ઊભા થયેલા આશાવાદે જીડીપીમાં વધારો કરેલો છતાં 11 ટકાનો વિકાસ દર નહોતો નોંધાયો.
આપણે ત્યાં સૌથી ઊંચો આર્થિક વિકાસદર 2006-07માં મનમોહનસિહંની સરકાર વખતે 10.08 નોંધાયેલો. એ પછી કદી એવો વિકાસદર નોંધાયો નથી. મોદી સરકારને છ વરસ થઈ ગયાં પણ એક પણ વાર 11 ટકાનો વિકાસ દર નોંધાયો નથી. પહેલાં સ્થિતિ ખરેખર સારી હતી છતાં જો જીડીપી વિકાસ દર 11 ટકા ના થયો હોય તો અત્યારે તો સ્થિતિ એટલી સારી પણ નથી. આ સંજોગોમાં 11 ટકાના વિકાસ દરની વાત વધારે પડતી છે પણ આશા રાખીએ કે રિઝર્વ બેંક સાચી પડે. સાડા દસ ટકા નહીં પણ દસ ટકા વિકાસદર નોંધાય તો પણ ભયો ભયો.