લોકડાઉનનો નિર્ણય લેવો અઘરો છે. આપણે ત્યાં ડો. કાનાબાર સહિતના કેટલાક તબીબોએ લોકડાઉનની તરફેણ કરી છે પણ એમ ઝડપથી નિર્ણય લઈ શકાય એવી સ્થિતિ નથી કારણ કે આ એક જ નિર્ણયના અનેક ડાયમેન્શન હોય છે. મહારાષ્ટ્રમાં લોકડાઉન લાદવાનો તખતો તૈયાર છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કોવિડ ટાસ્ક ફોર્સ સાથે બેઠક કરી એ પહેલાં જ એલાન કરી દેવાયેલું કે, લોકડાઉન લદાવા અંગે આજે નિર્ણય લેવાઈ જશે. આ લોકડાઉન કેટલા દિવસનું હશે એ સવાલ હતો ને અત્યારે જે વાત બહાર આવી છે એ પ્રમાણે નિષ્ણાતો પંદર દિવસના લોકડાઉનની તરફેણમાં છે જ્યારે ઉદ્ધવ આઠ દિવસના લોકડાઉનની તરફેણમાં છે. તો પણ આખા દેશનું વ્યાપાર અને વાણિજ્ય ક્ષેત્ર લોકડાઉનની લટકતી તલવારને કારણે ફફડાટ અનુભવે છે.
મહારાષ્ટ્રમાં આ નિર્ણય લેવા તરફ વળવુ પડ્યું છે કેમ કે કોરોનાની સ્થિતિ ગંભીર છે ને રોજ ઢગલો કેસ આવે છે. આમ તો કોરોનાના કેસો દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં વધી જ રહ્યા છે પણ મહારાષ્ટ્રની હાલત વધારે ખરાબ છે કેમ કે મોટા ભાગના કેસો મહારાષ્ટ્રમાંથી નોંધાય છે. અલબત્ત પંદર દિવસ પહેલાં હતી તેના કરતાં સ્થિતિ થોડીક સુધરી છે. પંદર દિવસ પહેલાં દેશમાં કોરોનાના નવા કેસો આવતા હતા તેમાંથી 60 ટકા કેસ મહારાષ્ટ્રમાંથી નોંધાતા હતા. હવે તેમાં સુધારો થયો છે ને અત્યારે દેશના કુલ કેસોમાં મહારાષ્ટ્રનો હિસ્સો લગભગ 40 ટકા છે. ભારતમાં શનિવારે કોરોનાના નવા કેસોનો આંકડો પહેલી વાર દોઢ લાખને પાર થયો ને તેમાં મહારાષ્ટ્રના એકલાના જ 58 હજાર કેસ હતા. શનિવાર સાંજ સુધીમાં મહારાષ્ટ્રમાં 33 લાખથી વધારે કોરોના કેસ નોંધાઈ ચૂક્યા હતા ને એક્ટિવ કેસની સંખ્યા સાડા પાંચ લાખની આસપાસ હતી. મહારાષ્ટ્રમાં અંદાજે 65 હજાર કરતાં વધારે લોકોનો ભોગ કોરોનાએ લઈ લીધો છે.
મહારાષ્ટ્રનો દેશના કુલ કેસોમાં હિસ્સો ઘટ્યો છે તેમાં હરખાવા જેવું નથી કેમ કે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો ઘટ્યા તેના કારણે હિસ્સો નથી ઘટ્યો પણ દેશના બીજા રાજ્યોમાં કોરોનાના કેસ વધવા માંડ્યા તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. મહારાષ્ટ્રએ આશ્વાસન લેવું હોય તો એવું લઈ શકે કે બીજાં રાજ્યોમાં જે પ્રમાણમાં કેસો વધે છે તે પ્રમાણમાં મહારાષ્ટ્રમાં નથી વધ્યા ને એકંદરે તો મહારાષ્ટ્રમાં કેસોનો આંકડો સ્થિર છે. છેલ્લાં ઘણા સમયથી મહારાષ્ટ્રમાં પંચાવન હજારથી સાંઈઠ હજારની આસપાસ દૈનિક નવા કેસોનો આંકડો રમ્યા કરે છે ને અત્યારે પણ આ જ આંકડો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધતાં હાલત બેકાબૂ બની જશે એવી આગાહીઓ થવા માંડેલી. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે આ સ્થિતિ ન સર્જાય ને જે કંઈ થાય તેને પહોંચી વળવા માટે પહેલાં જ ઢગલાબંધ નિયંત્રણો લાદીને મૂકી દીધાં હતાં પણ મેળ નહોતો પડ્યો. ઉદ્ધવ ઠાકરે સરકારે લોકડાઉન નહોતું લાદ્યું પણ લોકડાઉનનો તખ્તો તૈયાર કરીને મિનિ લોકડાઉન તો લાદી જ દીધું હતું. ઉધ્ધવ ઠાકરે સરકારે રવિવારે હોળીના દિવસે થોકબંધ નિયંત્રણો લાદી દીધેલાં. હોળીના દિવસથી 15 એપ્રિલ સુધી રાતના 8 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી એટલે કે 11 કલાકનો નાઈટ કરફ્યૂ લાદીને રાતની અવરજવર તો બંધ જ કરી દીધેલી. મુંબઈ જેવા મોટા શહેરમાં રાતની રોનક અલગ હોય છે ને રાત્રે જ શહેર ધબકવા માંડે છે ત્યારે નાઈટ કરફ્યૂના કારણે મિનિ લોકડાઉન જેવો માહોલ જ થઈ ગયેલો. ઉધ્ધવ ઠાકરે સરકારે મોલ, બાર, રેસ્ટોરન્ટ, મલ્ટિપ્લેક્સ, ઉદ્યાન-પાર્ક-બાગ-બગીચા, સિંગલ સ્ક્રીન થિયેટર, બીચ સહિતનાં તમામ જાહેર સ્થળો આ 11 કલાક માટે સંપૂર્ણ બંધ રાખવાનું એલાન કરી દીધેલું.
આ સિવાય આખા મહારાષ્ટ્રમાં સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમો પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો. લગ્નમાં પણ 50 લોકોથી વધારે હાજર નહીં રહી શકે ને અંતિમ સંસ્કારમાં પણ 20 લોકોથી વધારે હાજર નહીં રહી શકે એવાં નિયંત્રણો મૂકી દેવાયેલાં, નાટ્યગૃહ અને ઓડિટોરીયમને પણ તાળાં મારીને કોઈ કાર્યક્રમ નહીં કરી શકાય એવું ફરમાન બહાર પાડી દીધેલું. આ સિવાય બીજાં પણ ઘણાં પગલાં સરકારે લીધેલાં ને એક રીતે મહારાષ્ટ્રની પ્રજાને લોકડાઉન માટે માનસિક રીતે તૈયાર કરવા જ માંડેલી. એ વખતે ઉદ્ધવ લોકડાઉન લાદવું ન પડે એ માટે લોકોને સુધરી જવાની ચીમકીઓ આપ્યા કરતા હતા પણ સ્થિતિ ન સુધરતાં છેવટે લોકડાઉનનો આશરો લેવો પડે એવી સ્થિતિ છે.
આ માહોલમાં શિવસેનાના સંજય રાઉતે મમરો મૂક્યો છે કે, મોદી બંગાળની ચૂંટણી પતે તેની જ રાહ જોઈ રહ્યા છે. જેવી બંગાળની ચૂંટણી પતશે કે તરત જ આખા દેશમાં લોકડાઉન આવી જ જવાનું છે કેમ કે દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં મહારાષ્ટ્ર જેવી જ હાલત છે. રાઉતની વાતોમાં ઝાઝો દમ હોતો નથી ને એ બોલબોલ કરવા માટે જાણીતા છે તેથી તેમની વાતોને કોઈ ગંભીરતાથી લેતું નથી. લોકો લોકડાઉન ઈચ્છતા નથી પણ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારે મહદંશે લોકડાઉન લાદી દીધું છે તેથી પોતાની સરકારનો બચાવ કરવા રાઉત આ બધી વાતો કરે એ સમજી શકાય પણ તેમની વાતોને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી શકાય તેમ નથી. ઘણી વાર સાવ અડસટ્ટે લગાવેલો તુક્કો પણ સાચો પડી જતો હોય છે ને રાઉતના કિસ્સામાં પણ એવું બને.
મોદી લોકડાઉન લાદવાની ના પાડ્યા કરે છે પણ છતાં લોકડાઉન લાદી શકે. તેનું કારણ એ કે, કોરોનાની સ્થિતિ આખા દેશમાં ગંભીર છે જ. રાઉત કહે છે તેમ દેશમાં મોટા ભાગનાં રાજ્યોમાં મહારાષ્ટ્રની જેમ સાવ બધું હાથથી ગયું નથી પણ મોટા ભાગનાં રાજ્યોમાં કેસો વધી જ રહ્યા છે ને લોકો ટપોટપ મરી જ રહ્યાં છે. ગુજરાતમાં મહિના પહેલા રોજના બસો-ત્રણસો કેસ નોંધાતા હતા ને મૃત્યુઆંક તો સાવ એક-બે રહેતો હવે અહીં આપણા રાજ્યમાં અત્યારે પાંચસો કેસ નોંધાય છે ને મૃત્યુઆંક રોજના પચાસની નજીક છે. આ જ હાલત મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, દિલ્હી વગેરે રાજ્યોમાં છે.
અત્યારે પણ કેન્દ્ર સરકાર એક વાત કબૂલે જ છે કે, દેશમાં 11 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. આ તમામ રાજ્યો દેશમાં મોટાં રાજ્યો છે. ઉત્તર પ્રદેશ ને બિહાર એ બે રાજ્યોને બાદ કરતાં દેશનાં બાકીનાં તમામ મોટાં ને મધ્યમ કક્ષાના રાજ્યોમાં કોરોનાની હાલત ગંભીર છે જ. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ એ ચાર રાજ્યોમાં ચૂંટણીનાં કારણે શું હાલત છે તેની કોઈને ખબર નથી પડવા દેવાતી પણ એક વાર ચૂંટણી પતે પછી ત્યાં પણ કોરોનાના થોકબંધ કેસ હોવાનું જાહેર કરી દેવાય તો કોરોના જ્વાળામુખી સક્રિય છે એવા રાજ્યોની સંખ્યા વધીને પંદર થઈ જાય. આ રાજ્યોમાં દેશની પચાસ ટકાની આસપાસ વસતી રહે છે. પચાસ ટકા વસતી કોરોનાની લપેટમાં હોય તો બાકીનાં પચાસ ટકા લપેટમાં આવવાનો ખતરો રહે જ. આ ખતરો ટાળવા માટે મોદી લોકડાઉન લાદી જ શકે.
જો કે આપણે આશા રાખીએ કે રાઉતની વાત સાચી ન પડે. ઉદ્ધવ ઠાકરેએ બહુ પહેલાં જ હથિયાર હેઠાં મૂકીને લોકડાઉન લાદવા સિવાય બીજો કોઈ આરો નથી એવી વાતો કરવા માંડેલી. રાઉત આણિ મંડળી ચિઠ્ઠીના ચાકર છે ને તેમના સાહેબ કહે તેમ કરવાનું હોય. પોતાના સાહેબના તુક્કાને સાચો ઠેરવવા માટે જે જીભે ચડે એ બોલી દેવાનું એ તેમનું કામ છે. રાઉત પણ પોતાની ફરજ બજાવતા હોય ને પોતાની સરકારનો વાંક ઢાંકવા માટે આ બધી વાતો કરતા હોય એવું બને એમ આપણે ઈચ્છીએ. મહારાષ્ટ્રમાં પણ અત્યારે ભલે રાત્રિ લોકડાઉન લદાયું પણ એ લાંબે ન ટકે એવું પણ આપણે ઈચ્છીએ કેમ કે લોકડાઉન કોઈને પરવડે તેમ નથી, કોઈના હિતમાં નથી.