દિલ્હી જેવી હાલત થાય તો નાછૂટકે લોકડાઉનને સ્વીકારવું પણ પડે

બીજા રાઉન્ડમાં દેશભરમાં કોરોનાની નવી લહેરે કાળો કેર વર્તાવ્યો છે ને દેશનું કોઈ રાજ્ય બચ્યું નથી. મોટા ભાગના રાજ્યોમાં રોજ જ કોરોનાના થોકબંધ કેસો આવે છે ને એટલા જ પ્રમાણમાં લોકો પણ મરે છે. આ કાળા કેરને રોકવા માટે શું કરવું તેની ગડમથલ ચાલી રહી છે. લાંબા સમયથી એક વિચાર રમતો થયેલો જ છે કે, કોરોનાને નાથવા માટે લોકડાઉન લાદી દો. મોટા ભાગનાં રાજ્યો આ વાત સાથે સહમત છે પણ પહેલી વાર લોકડાઉન લદાયું તેના કારણે જે આર્થીક હાલત ખરાબ થઇ તેથી કોઈની હિંમત લોકડાઉન લાદવાની ચાલતી નથી. ઘણાં રાજ્યોએ લોકડાઉન જેવા જ આકરાં નિયંત્રણ લાદ્યાં છે પણ લોકડાઉન શબ્દથી બધા દૂર ભાગે છે ત્યારે સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એ હિંમત કરી નાંખી.
સોમવાર રાતના દસ વાગ્યાથી આવતા સોમવારે સવારે પાંચ વાગ્યા સુધીનું લોકડાઉન કેજરીવાલે લાદી દીધું છે. ગણતરી માંડીએ તો સાડા છ દિવસનું લોકડાઉન કહેવાય પણ સોમવારનો આખો દિવસ જતો રહ્યો ને આજે મંગળવાર પણ જતો રહયો આવતા સોમવારે સવારે તો બધું ખૂલી જશે એટલે અસરકારક રીતે કેજરીવાલે છ દાડાનું લોકડાઉન લાદ્યું છે. કેજરીવાલે કરેલા એલાન પ્રમાણે એક અઠવાડિયાના લોકડાઉન દરમિયાન દિલ્હીમાં કડક પ્રતિબંધો અમલમાં રહેશે ને જરૂર વગર કોઈને પણ ઘરની બહાર નિકળવાની મંજૂરી નહીં મળે. મેડિકલ સ્ટોર, વેક્સિન લેવા કે આવશ્યક સેવા માટે ફરજ બજાવનારને લોકડાઉનમાંથી મુક્તિ મળશે. રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન જનારાંને પણ છૂટ રહેશે પણ બાકીનાં બધાંએ ઘરોમાં જ પુરાઈ રહેવું પડશે.
લોકડાઉન કેમ લગાવવું પડ્યું તેના કારણો પણ કેજરીવાલે આપ્યાં છે. કેજરીવાલના કહેવા પ્રમાણે, દિલ્હીમાં દરરોજ લગભગ 25 હજાર કેસ નોંધાઈ રહ્યા છે ને લોકો ટપોટપ મરી રહ્યાં છે. દિલ્હીમાં હોસ્પિટલો ભરાવા માંડી છે ને હોસ્પિટલોમાં બેડની ભારે અછત છે. હોસ્પિટલોમાં દવાઓ ઉપલબ્ધ નથી, રેમડેસિવિર ઈંજેક્શન નથી ને ઓક્સિજન પણ નથી. કોરોનાને કારણે સ્થિતિ એટલી ખરાબ છે કે દિલ્હીની એક સ્કૂલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે અને ઓક્સિજનવાળાં 120 બેડ લગાવવા પડ્યા છે. કોરોનાનાં ઓછાં લક્ષણોવાળા દર્દીઓ અહીં લાવવામાં આવશે અને ડોકટરોની ટીમ અલગ-અલગ શિફ્ટમાં કામ કરશે પણ જેમને ગંભીર લક્ષણો છે તેમને ક્યાં રાખવા એ સવાલ છે.
આરોગ્ય વ્યવસ્થા વધુ દર્દીઓ સંભાળી શકે એમ નથી તેથી લોકડાઉન કરવું ખૂબ જ જરૂરી છે એવું કેજરીવાલે કબૂલ્યું છે. કેજરીવાલે એમ પણ કહ્યું છે કે મને ખબર છે કે લોકડાઉનના કારણે કોરોના જવાનો નથી. અમે કોરોનાને કાઢવા લોકડાઉન લાદ્યું નથી પણ તેના કેસો ના વધે એટલે આ નિર્ણય લેવો પડ્યો છે. કોરોનાની સ્પીડ પર બ્રેક લાગે એટલે આ ટૂંકું લોકડાઉન લગાવ્યું છે ને આ સમયગાળામાં અમે દિલ્હીમાં બેડની સંખ્યામાં વધારો કરીશું. ક્સિજન અને રેમડેસિવિરની અછત દૂર કરવા એક કંટ્રોલ રૂમ બનાવાશે. આ કંટ્રોલ રૂમમાં પુરવઠાનો ડેટા રખાશે અને આ માટે નોડલ અધિકારીની નિમણૂક કરાઈ છે.
પણ કેજરીવાલનો વાતનો સાર એ જ છે કે, દિલ્હીમાં સાત દાડાનું લોકડાઉન લાદવું પડ્યું એ અમારી મજબૂરી છે. કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે, દિલ્હીની પ્રજાએ મત આપીને તેમને સત્તા સોંપી છે તેથી દિલ્હીમાં લોકોના હિતમાં શું કરવું એ નક્કી કરવાનો તેમને અધિકાર છે. આ સંજોગોમાં તેમના નિર્ણય સામે સવાલ ઊભો ના કરી શકાય પણ લોકડાઉન લાદવાથી કોરોનાના કેસ ઘટાડવામાં કેટલી સફળતા મળશે તેમાં શંકા તો છે. સામે એ પણ વાસ્તવિકતા છે કે, દિલ્હીમાં સ્થિતિ કાબૂ બહાર જતી રહી છે ને સરકાર હવે કશું કરી શકે તેમ નથી.આ સ્થિતિ ખરેખર તો કેજરીવાલ સરકારની નિષ્ફળતા પણ કહેવાય કેમ કે કોરોનાની પહેલી લહેર પછી આખું વરસ મળ્યું છતાં એ લોકડાઉન ના લાદવા પડે એવા સંજોગો પેદા ના કરી શક્યા કે લોકો માટે પૂરતી આરોગ્ય સુવિધાઓ ઉભી ના કરી શક્યા.
લોકડાઉનનો આપણો અનુભવ જોયા પછી દેશવ્યાપી લોકડાઉન આપણને પરવડે તેમ નથી. કોઈ આખા રાજ્યમાં લોકડાઉન લદાય એ પણ પરવડે તેમ નથી પણ દિલ્હી જેવી હાલત થાય તો નાછૂટકે લોકડાઉનને સ્વીકારવું પણ પડે. દિલ્હી જેવી હાલત દેશનાં ઘણાં મોટાં શહેરોમાં છે જ. દિલ્હી સિવાય મુંબઈ, હૈદરાબાદ, કોલકાત્તા, ચેન્નાઈ, બેંગલુરૂ, પૂણે જેવાં તમામ મોટાં શહેરો આ કેટેગરીમાં આવે. દિલ્હીને રાજ્યનો દરજ્જો મળેલો છે ખરો પણ મૂળ તો એ એક મોટું શહેર છે. દિલ્હી રાજ્ય એટલે કે નેશનલ કેપિટલ રિજિયન (એનસીઆર)ની કુલ વસતી બે કરોડની આસપાસ છે ને તેમાંથી દોઢ કરોડની આસપાસ વસતી તો દિલ્હી શહેરમાં જ રહે છે. એ રીતે જોઈએ તો દિલ્હી એક મોટું શહેર જ છે.
દિલ્હી સહિતનાં આ તમામ શહેરોમાં કોરોનાના કેસ કેમ ધડાધડ વધી રહ્યા છે એ સમજવું અઘરું નથી. ગીચ વસતી ધરાવતાં આ શહેરોમાં નાના નાના વિસ્તારોમાં હજારોની સંખ્યામાં લોકો રહેતાં હોય છે. હાઈરાઈઝ ફ્લેટ્સ, ઝૂંપડપટ્ટીઓમાં સાવ નાના-નાના રૂમોમાં પાંચ-સાત લોકો રહેતાં હોય એ વાત આ શહેરોમાં સામાન્ય છે. આ રીતે ગીચ વસતી હોય તેથી સોશિયલ ડિસ્ટન્સિંગ ના જળવાય. લોકો એકબીજાના સંપર્કમાં સરળતાથી આવે ને તેના કારણે ચેપ લાગવાનો ખતરો વધી જ જાય. વસતી ગીચ હોય તેથી ગંદકી પણ વધારે હોય ને ગંદકી વધારે હોય એટલે રોગચાળો ઝડપથી વકરવાનો જ છે.
આ શહેરોમાં માત્ર શહેરની અંદર રહેનારાં લોકો નથી આવતાં પણ ઠેકઠેકાણેથી લોકો આવે છે. નોકરી-ધંધા, વેપાર, રોજગાર વગેરે માટે બહારથી રોજ હજારો ને ઘણાં શહેરોમાં તો લાખો લોકો આવે છે. આ લોકો કામ પતાવીને પાછાં પોતપોતાના વતન જતાં રહે છે. મોટા શહેરોમાં ગીચ વસતીમાં કે પછી ટ્રેન-મેટ્રો વગેરેમાં અથડાતાં કુટાતાં આખો દિવસ ફર્યા પછી એ લોકો પાછાં જાય ત્યારે તેમાંથી થોડાંક લોકોને પણ કોરોનાનો ચેપ લાગી ગયો હોય તો એ ચેપ બીજા વિસ્તારોમાં ફેલાય જ. દેશનાં મોટા ભાગનાં 25 લાખથી વધારે વસતી હોય એ શહેરોમાં આ જ હાલત છે. આ કારણે શહેરોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે.
બીજું એ કે, આ શહેરોમાં વસતીની ગીચતા પ્રમાણે સ્વાસ્થ્ય સેવાઓ નથી. કરોડોની વસતી હોવા છતાં ગણતરીની મોટી સરકારી હોસ્પિટલો હોય એ સ્થિતિ દરેક શહેરમાં છે. મોટી મોટી કોર્પોરેટ હોસ્પિટલો છે પણ એ સામાન્ય લોકોને પરવડે નહીં. આ હોસ્પિટલો ચિરી નાંખે એવાં બિલ આપતી હોય છે. માણસ એક વાર આ હોસ્પિટલમાં જાય પછી સાજો થઈને તો કદાચ આવી જાય પણ પછી આખી જિંદગી ખાવા તેની પાસે કંઈ ના રહે એવા તોતિંગ બિલ ફાટ્યાં હોય એટલે પોતે મુશ્કેલીમાં મુકાય જાય. સરકારી હોસ્પિટલોમાં સ્ટાફથી માંડીને સર્વિસ સુધીના બધે મામલે અછત જ અછત હોય તેથી સરખી સારવાર મળે નહીં. સતત કેસ વધતા હોય એ સંજોગોમાં આ હોસ્પિટલો બધાંને પહોંચી વળે પણ નહીં.
કેજરીવાલે જે વાતની નિખાલસતાથી કબૂલાત કરી એવી કબૂલાત બધા કરતા નથી પણ આ સ્થિતિ દરેક મોટા શહેરમાં છે. ગુજરાતમાં અમદાવાદ મુંબઈ કે દિલ્હીની સરખામણીમાં બચ્ચું કહેવાય પણ ત્યાંય સરકાર હાંફી તો ગઈ જ છે. આ શહેરોમાં સવલતો નથી એ જે તે સરકારની નિષ્ફળતાના પુરાવા છે.
જો કે આ બધી વાતો છતાં લોકડાઉન વિકલ્પ નથી જ એ સ્પષ્ટ છે. દિલ્હીમાં લોકડાઉન લદાય તેની રાષ્ટ્રીય સ્તરે બહુ મોટી અસર તાત્કાલિક ના પડે પણ લાંબા ગાળે તેના કારણે નુકસાન તો થાય જ. આ સંજોગોમાં આ લોકડાઉન અઠવાડિયાં પછી ના લંબાય એવી આશા રાખીએ.