ભારત વિરુદ્ધ શ્રેણી માટે શ્રીલંકાની ૨૫ ખેલાડીઓની ટીમ જાહેર

ભારત અને શ્રીલંકા વિરુદ્ધ આગામી સપ્તાહે ત્રણ-ત્રણ મેચોની વન-ડે તેમજ ટી૨૦ સીરિઝનો પ્રારંભ થશે. આ સીરિઝ માટે યજમાન શ્રીલંકાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં કુલ ૨૫ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ ટીમને શ્રીલંકાના રમત મંત્રી તરફથી સત્તાવાર મંજૂરી મળવાની બાકી છે. આટલું જ નહીં મર્યાદિત ઓવરોની સીરિઝ માટે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કેપ્ટન પણ બદલ્યો છે.

ભારત વિરુદ્ધ ૧૩ જુલાઈથી શરૂ થનાર વન-ડે સીરિઝ પૂર્વે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કુસલ પરેરા પાસેથી કેપ્ટનશિપ છીનવી લીધી છે. કુસલ પરેરાના સ્થાને દસુન શનાકાને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. દસુન શનાકા ૨૫ ખેલાડીઓના ટીમનું સુકાન સંભાળશે. શ્રીલંકાની ટીમ ભારતની બી ટીમ સામે ૩-૩ મેચોની વન-ડે અને ટી૨૦ સીરિઝ રમશે. સારી બાબત એ છે કે આ સીરિઝ પૂર્વે શ્રીલંકાની ટીમના મોટાભાગના ખેલાડીઓએ વાર્ષિક કરાર પર હસ્તાક્ષર કરી દીધા છે. બોર્ડે કોન્ટ્રાક્ટ પર સહી કરવા માટે ૮ જુલાઈ અંતિમ તારીખ નિર્ધારિત કરી હતી.

શ્રીલંકાની ૨૫ ખેલાડીઓની ટીમમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. બીજીતરફ ઈંગ્લેન્ડ પ્રવાસમાં બાયો બબલનું ઉલ્લંઘન કરવા બદલ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કુશલ મેન્ડિસ, નિરોશન ડિકવેલા અને દનુષ્કા ગુણાતિલકા પર એક-એક વર્ષનો પ્રતિબંધ મુક્યો છે. ઈંગ્લેન્ડના પ્રવાસ વખતે આ ખેલાડીઓએ બાયો બબલ તોડ્યું હતું.

ભારત સામેની શ્રેણી માટે શ્રીલંકાની ક્રિકેટ ટીમ:

દસુન શનાકા (કેપ્ટન), ધનંજય ડિસિલ્વા (વાઈ સકેપ્ટન), કુસલ પરેરા, અવિષ્કા ફર્નાંડો, પથુમ નિસંકા, ચરિત અસલંકા, વિંનદુ હસરંગા, રમેશ મેંડિસ, ચમિકા કરુણારત્ને, ધનંજય લક્ષન, ઈશાન જયરત્ને, દુશમાંતા ચમીરા, ઈસુરુ ઉડાના, અસિતા ફર્નાંડો, બિનૂરા ફર્નાંડો, શિરન ફર્નાંડો, લક્ષન સંદૃાકન, અકિલા ધનંજય, પ્રવીણ જયવિક્રમા, અશેન બનદૃારા, લાહિરુ ઉડારા, મિનોદ ભાનુકા, લાહિરુ કમારા, કસુન રજીતા અને ભાનુકા રાજપક્ષે.