નવા મુખ્યમંત્રી બનતા અનેક સિનિયર મંત્રીઓ અને કાર્યકરોની આશાઓ પર પાણી ફરી ગયું

કમલમ ખાતે વિવિધ અવગઢ વચ્ચે નક્કી કરેલા નવા મુખ્યમંત્રી બન્યા બાદ સિનિયર મંત્રીઓ તેમજ કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો તેમને વિશ્ર્વાસ પણ ન હતો કે ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનાવાયા .વિધાનસભામાં ભાજપના નેતા એટલે કે નવા મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલથી કેટલાંક સાથી ધારાસભ્યોએ પણ અંતર કરી દીધું હતું. તેમાં આનંદીબેન જૂથના જ કેટલાંક ધારાસભ્યોનો સમાવેશ થાય છે. એક સમયે આ નેતાઓ એકબીજાની ગાડીમાં જ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આવનજાવન કરતા, સાથે જ બેસીને ટિફીન ખાતા હતા, પરંતુ ક્યાંક કોઇક લક્ષ્મણરેખા ખેંચાઇ ગઇ હોવાનું આ ઘટનાથી સામે આવ્યું હતું. આશ્ર્ચર્યજનકરીતે વિજય રૂપાણીના રાજકોટ અને સૌરાષ્ટ્રના નેતાઓ હરખઘેલા થઇ ભૂપેન્દ્ર પટેલને હાથ મિલાવીને શુભકામનાઓ આપતા હતા.કમલમ્ પર મળેલી ભાજપના વિધાનસભ્યોના દળની બેઠકમાં સૌના જીવ તાળવે ચોંટેલા હતાં કે કોના નામની મુખ્યમંત્રી પદ માટે જાહેરાત થશે. ત્યાં જ અચાનક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલની જાહેરાત કરી ત્યાં જ જાણે આખાંય હોલમાં આશ્ર્ચર્ય સાથે સન્નાટો વ્યાપી ગયો. આ નામની જાહેરાત થતાં જ ગુજરાત સરકારના ઘણાં મંત્રીઓના મોં સાવ પડી ગયા હતા. ક્યાંય સુધી આ મંત્રીઓને કળ ન વળી અને તેમણે નાનું સરખું સ્મિત પણ ન વેર્યું. આ તરફ હોલ બહાર સમાચાર આવ્યા કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા છે ત્યારે બહાર ઊભેલાં સંગઠનના ઘણાં નેતાઓએ સાંભળવામાં ભૂલ થઇ હોય તેમ ફરી ખરાઇ કરી કે ભૂપેન્દ્ર પટેલ કે ભૂપેન્દ્રિંસહ ચુડાસમા. અમુક નવાસવા સંગઠનમાં નેતા બનેલાં નેતાઓને તો ભૂપેન્દ્ર પટેલ કોણ અને ક્યાંના ધારાસભ્ય છે તે પણ ખ્યાલ ન હતો. તેમણે પત્રકારોને પૂછ્યું કે આ ભૂપેન્દ્ર પટેલ કઇ બેઠક પરથી ચૂંટાયા અને કોના વિશ્ર્વાસુ નેતા છે. જાહેરાત થયા બાદ પણ ભૂપેન્દ્ર પટેલ સાવ સ્થિતપ્રજ્ઞની માફક પોતાની બેઠકમાં બેસી રહૃાા. સિનિયર મંત્રીઓએ તેમને તેમના નામની જાહેરાત થવા બદલ શુભકામના આપવાનું પણ ટાળી દીધું. અમુક મંત્રીઓએ પોતાનો ચહેરો પરાણે હસતો રાખ્યો તો કેટલાંકે સ્મિત પણ ન ફરકવા દીધું. માંડમાંડ કેટલાંક મંત્રીઓ તેમને શુભેચ્છા આપવા માટે સ્ટેજ પર જવું પડ્યું, અને કેટલાંક તો તેમ કરવામાંથી દૂર રહી પોતાના સ્થાન પર બેસી જ રહૃાા. જાણે કશું બન્યું જ ન હોય તેમ આ મંત્રીઓએ હોલમાંથી ચાલતી પકડી. ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઇ ગઇ પણ પોતે સરકારના આ મોટા પદ માટેની રેસના પ્રબળ દાવેદાર હોવાનું માનતા નેતાઓ બે ઘડી રાહ જોઇ રહૃાા કે મુખ્યમંત્રી પદ નહીં તો નાયબ મુખ્યમંત્રી પદ માટેના નામની જાહેરાત થશે. પરંતુ એવી કોઇ જાહેરાત ન કરતાં તેમના સ્વપ્નો ત્યાં જ ચકનાચૂર થઇ ગયા હતા. ઘણાં માથા ખંજવાળીને એકબીજાને પૂછી રહૃાા હતા કે આ નામ માટે કયું પરિબળ જવાબદાર હશે. જ્યારે જુનિયર ધારાસભ્યો ગેલમાં આવીને ભૂપેન્દ્ર પટેલને શુભકામનાઓ આપવા તેમની સીટ પર દોડી આવ્યા હતા.