પ્રધાન આઠવલે ખડખડાટ હસાવે છે અને છબરડા થાય એવું બોલે પણ છે

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના મંત્રી રામદાસ આઠવલે સમયાંતરે વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે જાણીતાં છે. આઠવલેની મોટા ભાગની વાતો મોં-માથા વિનાની હોય છે પણ મીડિયા ને સામાન્ય લોકો બંનેને મજા આવે એવી હોય છે. આઠવલેની વાતોને કોઈ ગંભીરતાથી લેતું નથી પણ આઠવલે વચ્ચે વચ્ચે એવા મમરા ચોકક્સ મૂકી દે છે કે જેના કારણે તેમની વાતોની ચર્ચા ચોક્કસ થાય. આઠવલેએ સોમવારે એવો મમરો મૂકીને કહી દીધું કે, કેન્દ્રમાં ૨૦૦૪માં યુપીએની સરકાર આવી ત્યારે સોનિયા ગાંધીએ વડાં પ્રધાન બનવાની જરૂર હતી. આઠવલેએ એવી મોં-માથા વિનાની સરખામણી પણ કરી કે, અમેરિકામાં કમલા હેરિસ વાઈસ પ્રેસિડેન્ટ બની શકતાં હોય તો ભારતમાં સોનિયા ગાંધી કેમ વડાં પ્રધાન ના બની શકે?

આઠવલેના કહેવા પ્રમાણે સોનિયા ગાંધી ભારતીય નાગરિક છે. ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીનાં પત્ની છે ને લોકસભાનાં સભ્ય પણ હતાં. આ સંજોગોમાં સોનિયા વડાં પ્રધાન બની જ શકે. આઠવલેના કહેવા પ્રમાણે એ વખતે પોતે સોનિયા ગાંધી વડાં પ્રધાન બને એવી દરખાસ્ત મૂકેલી ને સોનિયાનાં વિદેશી કુળનો મુદ્દો મહત્ત્વનો છે જ નહીં એવું પણ કહેલું. આઠવલેની આ વાત સાચી છે કે સોનિયાનાં વિદેશી કુળનો મુદ્દો મહત્ત્વનો છે જ નહીં. આ દેશનાં લોકોએ આ મુદ્દાને નકારી કાઢેલો. બાકી એક જમાનામાં ભાજપ સહિતના પક્ષોએ આ મુદ્દાને બહુ ચગાવેલો. એક વિદેશી મહિલા કઈ રીતે દેશની ગાદી પર બેસી શકે એવા સવાલો એ લોકો કરતા હતા. આ દેશનાં લોકો આ કુપ્રચારની જાળમાં ના ફસાયા ને સોનિયાનાં નેતૃત્વ હેઠળની કોંગ્રેસને ૨૦૦૪માં સત્તા સોંપી પછી એ મુદ્દો અપ્રસ્તુત જ બની ગયેલો.

આઠવલે આ મુદ્દે સાચા છે પણ આઠવલેએ સોનિયા અને કમલા હેરિસની સરખામણી કરી એ ખોટી છે. તેનું કારણ એ કે, કમલા સોનિયાની જેમ જન્મે વિદેશી નથી પણ જન્મે અમેરિકન જ છે. કમલા હેરીસનાં મૂળિયાં તમિલનાડુમાં છે. હાલમાં કેલિફોર્નિયાનાં સેનેટર કમલા ઓકલેન્ડમાં જન્મેલાં. કેલિફોર્નિયામાં એટર્ની એટલે કે વકીલ તરીકે કામ કરનારાં કમલાનાં માતા તમિલ અને પિતા જમૈકન છે. તેમનાં માતા શ્યામલા ગોપાલન હેરિસ બ્રેસ્ટ કેન્સર સાયન્ટિસ્ટ હતાં ને ૧૯૬૦માં મદ્રાસથી અમેરિકા ગયાં હતાં. તેમના પતિ ડોનાલ્ડ હેરિસ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સના પ્રોફેસર છે.
ડોનાલ્ડ હેરિસ ૧૯૬૧માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ભણવા અમેરિકા આવેલા ને પછી અમેરિકા જ રહી ગયા. બંને કોલેજ કાળમાં નાગરિક અધિકારો માટે લડતાં હતાં ત્યારે પરિચયમાં આવેલાં ને પ્રેમમાં પડીને પરણી ગયાં. કમલાનાં નાના પી.વી. ગોપાલન ટોચના ભારતીય રાજદ્વારી હતા પણ કમલાનો જન્મ અમેરિકામાં થયો છે ને એ અમેરિકન તરીકે જ પેદા થયાં છે. સોનિયા રાજીવ ગાંધીને પરણ્યાં તેથી ભારતીય બન્યાં પણ ભારતીય તરીકે જન્મ્યાં નહોતાં. અલબત્ત એ ભારતીય નાગરિક છે એ પૂરતું છે ને બીજી કોઈ વાત મહત્ત્વની જ નથી પણ કમલા હેરિસ સાથે તેમની સરખામણી ના થઈ શકે.

આઠવલેએ સોનિયા વડાં પ્રધાનપદે ના બેઠાં એ પછી ડો. મનમોહનસિંહને વડા પ્રધાન બનાવ્યા એ મુદ્દે પણ રસપ્રદ વાત કરી છે. આઠવલેના કહેવા પ્રમાણે, સોનિયા ગાંધીએ ૨૦૦૪માં ડો. મનમોહનસિંહને વડા પ્રધાન બનાવ્યા તેની જગાએ શરદ પવારને વડા પ્રધાન બનાવવાની જરૂર હતી. પવાર ૨૦૦૪માં વડા પ્રધાન બન્યા હોત તો કૉંગ્રેસની અત્યારે જે અવદશા થઈ છે તે ના થઈ હોત, અત્યારે કૉંગ્રેસ વધારે મજબૂત સ્થિતિમાં હોત.  આઠવલેએ જે વાત કહી છે એ જ વાત ઘણા આ પહેલાં પ્રણબ મુખજીના સંદર્ભમાં પણ કરી ચૂક્યા છે. સોનિયાએ ૨૦૦૪માં મનમોહનના બદલે પ્રણબદાને પસંદ કર્યા હોત તો કૉંગ્રેસ ૨૦૧૪માં ખરાબ રીતે હારી ના હોત એવી વાતો લાંબા સમયથી ચાલે છે. હવે આઠવલેએ પવારનું નામ મૂકીને એ જ ચર્ચાને ફરી જીવંત કરી છે.

બધી વાતો જો અને તો પર આધારિત છે પણ કૉંગ્રેસની હાલત અત્યારે ખરાબ છે તેથી બધાંના ગળે ઊતરી જાય છે પણ પવાર કે પ્રણબદા ખરેખર મનમોહનસિંહ કરતાં સારા વડા પ્રધાન સાબિત થાયા હોત કે કેમ તેમાં શંકા છે. એ જ રીતે આ નેતાઓ કૉંગ્રેસને બચાવી શક્યા હોત કે કેમ તેમાં પણ શંકા છે. પવાર તો કૉંગ્રેસમાં જ નહોતા ને તેમનો પક્ષ જ અલગ હતો તેથી સોનિયા તેમને શું કરવા વડા પ્રધાન બનાવે એ જ સવાલ સૌથી પહેલાં તો પેદા થાય. સોનિયાએ કૉંગ્રેસમાં એન્ટ્રી કરી ત્યારે તેમની હાલત ખરાબ હતી ને પવારે જ મોરચો માંડેલો. સોનિયાનાં વિદેશી કુળના મુદ્દે શરદ પવાર, પૂર્ણો સંગમા ને તારીક અનવરની ત્રિપુટી આડી ફાટી હતી સોનિયાનાં વિદેશી કુળના મામલે તેમણે છેડો ફાડી નાંખીને એનસીપીની રચના કરી હતી. ૧૯૯૯ની ચૂંટણીમાં  કૉંગ્રેસને કારમી હાર મળી ત્યારે આ બધા સાચા લાગતા હતા પણ પછી સોનિયાએ એકલે હાથે કૉંગ્રેસને બેઠી કરી.

હવે જે માણસે સોનિયાને પતાવી દેવા આટલી મથામણ કરી હોઈ તેને સોનિયા શું કરવા વડા પ્રધાન બનાવે? માનો કે પવાર કૉંગ્રેસમાં ભળી જવા તૈયાર થયા હોત ને સોનિયાએ મોટું મન રાખીને તેમને માફ કરી દીધા હોત તો પણ પવાર ડો. મનમોહનસિંહ કરતાં બહેતર વડા પ્રધાન બની શક્યા ના હોત. પવારનો રેકોર્ડ એવો જોરદાર નથી ને એ પોતે મહારાષ્ટ્રમાં જ પોતાના પક્ષને અજેય નથી બનાવી શક્યા ત્યારે રાષ્ટ્રીય સ્તરે કૉંગ્રેસને કઈ રીતે અજેય બનાવી શકે? પવાર મહારાષ્ટ્રીયન છે ને આઠવલે પણ મહારાષ્ટ્રીયન છે તેથી એ ભલે પવારની તરફેણ કરે પણ પવાર રાષ્ટ્રીય નેતા તરીકેનો પ્રભાવ કદી ધરાવતા નહોતા ને આજેય ધરાવતા નથી. બીજું એ કે, સોનિયાએ વડા પ્રધાન બનાવ્યા પછી ડો. મનમોહનસિંહ પહેલી ટર્મમાં તો સફળ જ સાબિત થયા હતા. મનમોહનસિંહ આ દેશમાં એક બહુ મોટી ક્રાન્તિના મૂળમાં હતા. ૧૯૯૧માં નરસિંહરાવ વડા પ્રધાન બન્યા પછી તેમણે આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવીને દેશની કાયાપલટ કરી નાંખી. ભારત આજે વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર બન્યું તેનો યશ નરસિંહરાવ સરકારને જાય છે પણ એ નીતિના મૂળમાં મનમોહનસિંહ હતા.

નરસિંહરાવે ભારે હિંમત બતાવીને  મનમોહનસિંહ જેવા બિન રાજકારણીને તેમણે નાણાં પ્રધાન બનાવેલા ને મોટો જુગાર ખેલ્યો હતો. મનમોહનસિંહે આ દેશના અર્થતંત્રને એક નવી દિશા આપવાનું કામ કર્યું. ભારતમાં એ વખતે કશું જ નહોતું. મલ્ટિનેશનલ કંપનીઓને અહીં આવવાની છૂટ નહોતી ને અર્થતંત્ર સરકારી અધિકારીઓના ભરોસે ચાલતું. મનમોહનસિંહે એ સ્થિતિ બદલી અને તેની શરૂઆત તેમણે ટેલિકોમ કંપનીઓને લાવીને કરી. ભારતમાં ત્યાં સુધી સેલફોન જ નહોતા. મનમોહનસિંહે ટેલિકોમ કંપનીઓને ભારતમાં રોકાણની છૂટ આપીને એક નવી દિશા ખોલી દીધી. આજે ભારતમાં ટેલિકોમ ક્ષેત્ર સૌથી વધારે રોજગારી આપે છે.

એક સમયે નરસિંહરાવની નજીક ગણાતા મનમોહનસિંહ એટલી જ સહજતાથી સોનિયાનાં ખાસ પણ બની ગયા. નરસિંહરાવે નહેરૂ-ગાંધી ખાનદાનના પ્રભાવને ખતમ કરી નાંખવાનું કામ કરીને સોનિયાને નવરાં કરી દીધેલાં.  કમનસીબે કૉંગ્રેસ એટલી પાંગળી છે કે તે પોતાના પગ પર ઊભી જ ના થઈ શકી ને ફરી તેણે એ ખાનદાનની કાંખઘોડીનો સહારો લેવો જ પડ્યો. સોનિયા રાજકારણમાં આવ્યાં પછી તેમને સૌથી વધારે ભરોસો મનમોહનસિંહ પર હતો. આ જ કારણે સોનિયા એ હદે મનમોહનસિંહ પર ભરોસો મૂકતાં કે ૨૦૦૪માં કેન્દ્રમાં કૉંગ્રેસની વાપસી પછી સોનિયાએ પોતે વડાં પ્રધાન બનવાના બદલે મનમોહનસિંહને વડા પ્રધાન બનાવ્યા હતા. મનમોહનસિંહની પસંદગી પાછળ તેમની પ્રમાણિક નેતા તરીકેની ઈમેજ હતી.

મનમોહનસિંહે પોતાની પહેલી ટર્મમાં ધીમી ગતિએ કામ કર્યું પણ કોઈ વિવાદ ઉભા ના કર્યા. ૨૦૦૮ની વૈશ્ર્વિક મંદી વખતે તેમણે દેશના અર્થતંત્રની ગાડીને પાટા પરથી નહોતી ઊતરવા દીધી. આ  કારણે ૨૦૦૯માં તેમને ફરી તક મળી અને કૉંગ્રેસે ૨૦૦ કરતાં વધારે બેઠકો મેળવીને રાજકીય સ્થિતિ મજબૂત બનાવી હતી. મનમોહનસિંહે પહેલી ટર્મમાં કરેલી કામગીરીનું એ પરિણામ હતું એ જોતાં ૨૦૦૪માં સોનિયાએ મનમોહનસિંહની કરેલી પસંદગી સાચી સાબિત થઈ હતી. ડો. મનમોહનસિંહની બીજી ટર્મમાં થયેલા ભ્રષ્ટાચારે કૉંગ્રેસની હાલત બગાડી.  મનમોહનસિંહે પોતાના ભ્રષ્ટ અને બેઈમાન પ્રધાનોને છાવર્યા જ નહીં પણ તેમને છાકટા બનવા દીધા. આ સિવાય બીજાં પણ કારણો જવાબદાર હતાં કે જેના કારણે કૉંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો. એ હાર માટે મનમોહનસિંહને દોષિત ઠેરવી શકાય તેમ નથી. પવાર પણ એ વખતે કૉંગ્રેસને ના બચાવી શક્યાં હોત એ જોતાં આઠવલેની મનમોહનના બદલે પવારની પસંદગીની વાતમાં દમ નથી.