રાહુલની વિનાશકાળે વિપરીત બુદ્ધિ એટલે કન્હૈયા કુમારનો આખરે કોંગ્રેસમાં પ્રવેશ

પંજાબમાં નવજોત સિદ્ધુએ પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું ધરી દઈને ઊભા કરેલા કમઠાણના કારણે મંગળવારે કનૈયા કુમાર કૉંગ્રેસમાં જોડાયો એ સમાચાર દબાઈ ગયા. નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના સ્ટુડન્ટ યુનિયનનો ભૂતપૂર્વ પ્રમુખ કનૈયાકુમાર મંગળવાર બપોર લગી સામ્યવાદી પક્ષ (કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-સીપીઆઈ)નો સભ્ય હતો. મંગળવારે બપોરે રાહુલ ગાંધીની હાજરીમાં કનૈયાએ સીપીઆઈને ઝાઝા જુહાર કરીને કૉંગ્રેસની કંઠી બાંધી લીધી. કનૈયા કૉંગ્રેસમાં જોડાવાનો હતો એ પહેલાં ટીવી ચેનલો પાસે કોઈ સમાચાર નહોતા તેથી એક હવા જમાવાયેલી પણ કનૈયાકુમાર જોડાય એ પહેલાં સિદ્ધુએ ધડાકો કરી નાંખ્યો તેમાં ચેનલો કનૈયાને પડતા મૂકીને સિદ્ધુની ચોવટમાં લાગી ગઈ પણ કનૈયા કૉંગ્રેસમાં જોડાયો એ સમાચાર મોટા તો છે જ. તેનું કારણ એ કે, કનૈયા ભારતના સૌથી વિવાદાસ્પદ યુવા નેતાઓમાં એક છે ને તેનો નાનકડો પણ એક આગવો ચાહક વર્ગ છે.

કૉંગ્રેસ અત્યારે પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા હવાતિયાં મારી રહી છે ત્યારે કનૈયા જેવા યુવા નેતાને લેવાથી તેને ફાયદો થશે કે નહીં એ મુદ્દો પણ મહત્ત્વનો છે તેથી આ સમાચાર મહત્ત્વના છે જ. કનૈયાકુમાર ૩૪ વર્ષનો છે પણ એ લાઈમલાઈટમાં છેલ્લાં પાંચેક વરસથી આવેલો છે. ૨૦૧૬ના ફેબ્રુઆરીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં સંસદ પર આતંકવાદી હુમલાના ગુનેગાર અફઝલ ગુરૂને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો તેમાં કનૈયા આખા દેશની નજરે ચડી ગયેલો. જેએનયુના કેટલાક વિદ્યાર્થીઓએ કાશ્મીરી કવિ આગા શાહીદ અલીની કવિતાના નામે ‘ધ ક્ધટ્રી વિધાઉટ એ પોસ્ટ ઓફિસ’ નામે એક કાર્યક્રમ યોજેલો. કાર્યક્રમની મંજૂરી સાંસ્કૃતિક કાર્યક્રમના નામે લેવાયેલી પણ ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વાંધો લીધો એટલે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે કાર્યક્રમને અપાયેલી મંજૂરી રદ કરી દીધી હતી.

આયોજકોએ વાઈસ ચાન્સેલરની ઐસીતૈસી કરીને આ કાર્યક્રમ યોજ્યો ને ખુલ્લેઆમ કટ્ટરવાદી પરિબળોએ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા. અફઝલ ગુરૂ તથા ઈન્દિરા ગાંધીના શાસનમાં જેને ફાંસીએ લટકાવી દેવાયેલો તે કાશ્મીરી આતંકવાદી મકબૂલ ભટને અંજલિ આપવામાં આવી. અફઝલ-મકબૂલની ફાંસીને ન્યાયતંત્રનો દુરૂપયોગ કરીને કરાવાયેલી હત્યા ગણાવી બંનેને શહીદ ગણાવી કાશ્મીરની આઝાદીની લડતને ટેકો જાહેર કરાયો. કાર્યક્રમમાં ઈન્ડિયા કી બરબાદી તક જંગ લડેંગે તેવા નારા લગાવીને ખુલ્લેઆમ દેશદ્રોહ  કર્યો હતો. તેની સામે હોહા થતાં પ્રેસ ક્લબમાં બીજો એક કાર્યક્રમ યોજીને પ્રોફેસર એસ.આર. ગિલાનીને નોંતરાયા. અફઝલ ગુરૂની સાથે ગિલાનીની પણ ધરપકડ કરાયેલ પણ પુરાવા ન હોવાથી છૂટી ગયા હતા. ગિલાનીએ કરાંજી કરાંજીને ભારત સામે ઝેર ઓક્યું અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવાયા.

દિલ્હી પોલીસે આ કાર્યક્રમના આયોજકો તથા વક્તાઓ સામે રાજદ્રોહનો કેસ નોંધેલો. આ બે કાર્યક્રમોમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ તરીકે કનૈયાએ પણ પ્રવચન આપીને ઝેર ઓકેલું તેથી તેની સામે પણ રાજદ્રોહનો કેસ નોંધાયેલો. કનૈયાએ જેએનયુના કેમ્પસમાં પણ ઝેર ઓકતાં પ્રવચન કરેલાં. કનૈયા મૂળ સામ્યવાદ વિચારધારાની પેદાશ છે ને સામ્યવાદીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા ભાજપ સામે ભારે વિરોધ છે. કનૈયાને પણ સંઘ-ભાજપ સામે ખાર છે તેથી સંઘ-ભાજપ સામે ઝેર ઓક્યા કરતો હતો. જેએનયુના રાજદ્રોહના કેસમાં કનૈયાને જેલભેગો કરાયેલો પણ એ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરતો દેખાતો નથી એ મુદ્દે તેને જામીન મળતાં એ બહાર આવી ગયેલો.

કનૈયાએ જેલમાંથી બહાર આવીને ફરી સંઘ-ભાજપ સામે ઝેર ઓકવાનું શરૂ કરી દીધેલું. તેના કારણે હિંદુવાદીઓ કનૈયાને દેશદ્રોહી જ ગણે છે ને ગાળો આપે છે. કનૈયા પછી સીપીઆઈમા જોડાઈ ગયેલો. સીપીઆઈએ કનૈયાને લીલા તોરણે પોંખીને રાષ્ટ્રીય કારોબારીમાં સભ્ય બનાવેલો.
કનૈયા ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સીપીઆઈની ટિકિટ પર બિહારની બેગુસરાઈ લોકસભા બેઠક પરથી મોદી સરકારના મંત્રી ગિરિરાજ સિંહ સામે ચૂંટણી લડેલો પણ ભૂંડી રીતે હારી ગયેલો. ગિરિરાજે કનૈયાને ૪ લાખ કરતાં વધારે મતે હરાવેલો. આ હાર પછી કનૈયાના સમર્થકો ને સીપીઆઈના બેગુસરાઈના કાર્યકરો વચ્ચે મારામારી થયેલી તેમાં સીપીઆઈએ કનૈયાને જોરદાર ઠપકો પણ આપેલો. કનૈયાનું મન ત્યારથી જ સીપીઆઈ પરથી ઊઠી ગયેલું ને એ ઊંચોનીચો થયા કરતો હતો.

બિહારી હોવાના કારણે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સાથે એ સંપર્કમાં હતો. રાહુલ ગાંધી હમણાં પ્રશાંત કિશોરના દોરવાયા ચાલે છે તેથી પ્રશાંતના કહેવાથી કનૈયાને લાલ જાજમ પાથરીને પડખામાં લઈ લીધો. રાજકીય નિષ્ણાતો કનૈયાના આગમનથી કૉંગ્રેસને શું ફાયદો થશે તેની ચોવટમાં લાગેલા છે. કનૈયા બિહારમાં કૉંગ્રેસને ફાયદો કરાવશે ને ફલાણે ઠેકાણે ભાજપને પછડાટ આપવામાં મદદરૂપ થશે એવા અભિપ્રાયોની ફેંકાફેંક ચાલી રહી છે પણ વાસ્તવમાં કનૈયાને લઈને કૉંગ્રેસે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. કૉંગ્રેસ માટે કનૈયા નુકસાનીનો સોદો સાબિત થશે. કનૈયા યુવા નેતા છે અને મીડિયામાં ગાજતો રહે છે એ સાચું પણ તેનું કારણ તેની લોકપ્રિયતા નથી. કનૈયા ભાજપ-સંઘની વાટ્યા કરે છે તેથી એક વર્ગ રાજી થઈને તાળીઓ પાડ્યા કરે છે પણ તેનો એવો નક્કર જનાધાર નથી.

નક્કર જનાધાર હોત તો લોકસભાની ચૂંટણીમાં ભૂંડી રીતે હાર્યો જ ના હોત ને? કનૈયા બિહારી છે ને બિહારમાં મજબૂત જ્ઞાતિવાદી સમીકરણોમાં એ ક્યાંય ફિટ બેસતો નથી. આ સંજોગોમાં કનૈયા બિહારમાં જ કૉંગ્રેસને ફાયદો કરાવી શકે તેમ નથી ત્યારે બીજા રાજ્યોમાં તો શું કંકોડાં ફાયદો કરાવવાનો? કનૈયાની છાપ દેશવિરોધી નિવેદનબાજી કરનારા નેતાની છે તેથી એક વર્ગ તેનો કટ્ટર વિરોધી છે. કૉંગ્રેસની છાપ પણ મુસ્લિમ પાર્ટી તરીકેની થઈ ગઈ છે.  કનૈયા જેવા લોકોને લેવાથી કૉંગ્રેસની એ છાપ મજબૂત થશે ને સરવાળે ફાયદો ભાજપને થશે. કનૈયાને પડખામાં લઈને કૉંગ્રેસે ભાજપને એક મોટો મુદ્દો આપી દીધો છે. કૉંગ્રેસ દેશદ્રોહીઓને થાબડીને દેશનું નુકસાન કરે છે એવો પ્રચાર કરવાનો ભાજપને મોકો આપી દીધો છે.

કનૈયાની સાથે ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ કૉંગ્રેસમાં જોડાશે એવી જાહેરાત થયેલી પણ મેવાણી ટેક્નિકલ કારણસર કૉંગ્રેસમાં ના જોડાયા. મેવાણી બનાસકાંઠાની વડગામ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતેલા. હવે એ કૉંગ્રેસમાં જોડાય તો પક્ષપલટા વિરોધી ધારા હેઠળ ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરી શકે. લોકોને આ વાત વિચિત્ર લાગે છે પણ સાવ સાચી છે. તેનું કારણ એ કે, સામાન્ય રીતે અપક્ષ ધારાસભ્ય કોઈ પક્ષની કંઠી બાંધે તો ધારાસભ્યપદેથી ગેરલાયક ઠરતા નથી કેમ કે મોટા ભાગના કિસ્સામાં અપક્ષ ધારાસભ્ય શાસક પક્ષમાં જોડાતા હોય છે. પક્ષપલટા ધારા હેઠળ કોઈ પણ ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાની સત્તા વિધાનસભાના સ્પીકર પાસે હોય છે ને સ્પીકર સત્તાધારી પક્ષના હોય તેથી કુલડીમાં ગોળ ભાંગીને પક્ષનાં હિત સાચવી લેતા હોય છે.

મેવાણીના કિસ્સામાં સ્થિતિ વિપરીત છે કેમ કે મેવાણી કૉંગ્રેસમાં જોડાવાના છે ને ગુજરાતમાં ભાજપનું રાજ છે. ગુજરાતમાં વિધાનસભાના સ્પીકરપદે ભાજપનાં ડૉ. નિમાબેન આચાર્ય છે ને મેવાણી તરફ ભાજપના નેતાઓને ભારે હેત છે તેથી ડૉ. નિમાબેન મેવાણીને ગેરલાયક ઠેરવતાં પહેલાં એક પળ માટે વિચાર ન કરે. આ કારણે મેવાણી કૉંગ્રેસમાં જોડાવાનું જોખમ લઈ શકે તેમ નથી. ગુજરાતમાં વિધાનસભાની મુદત પૂરી થવા આડે માંડ ૧૩-૧૪ મહિના બચ્યા છે ને કૉંગ્રેસમાં જોડાઈને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠરીને પેન્શન સહિતના લાભો મેવાણી ન જ ગુમાવે એ જોતાં મેવાણીનો કૉંગ્રેસમાં નહીં જોડાવાનો નિર્ણય બરાબર જ છે. જો કે મેવાણી કૉંગ્રેસની સાથે જોડાય કે ના જોડાય, ઝાઝો ફરક નથી પડતો. મેવાણી પહેલેથી કૉંગ્રેસ સાથે જ છે. મેવાણી વિધાનસભાની ચૂંટણીમાં પણ કૉંગ્રેસની મહેરબાનીથી જ જીતેલો કેમ કે કૉંગ્રેસે તેની સામે ઉમેદવાર ઊભો નહોતો રાખ્યો.

મેવાણી હાડોહાડ ભાજપ વિરોધી છે તેથી રાજ્ય સરકાર સામે પડવામાં કૉંગ્રેસની સાથે જ હોય છે. આ સંજોગોમાં મેવાણી કૉંગ્રેસમાં જોડાય એ ઔપચારિકતા જ છે કેમ કે એ તનથી ભલે કૉંગ્રેસમાં ના હોય પણ મનથી કૉંગ્રેસ સાથે જ છે. મેવાણીને રાષ્ટ્રીય સ્તરે જોરદાર પબ્લિસિટી મળે છે પણ ગુજરાતમાં તેનો એવો જોરદાર પ્રભાવ નથી કે કૉંગ્રેસને બહુ મોટો લાડવો અપાવી શકે. દલિતોમાં યુવા વર્ગ પર તેની અસર છે પણ સમગ્ર દલિત સમાજ તેની પાછળ દોરવાય એવું નથી. અલબત્ત કનૈયાની જેમ તેની ઈમેજ રાષ્ટ્રવિરોધી તરીકેની પણ નથી તેથી તેને લઈને કૉંગ્રેસ ફાયદામાં જ રહેશે. માનો કે ફાયદામાં ન રહે તો કંઈ નહીં પણ નુકસાનમાં તો નહીં જ રહે. કનૈયાના કિસ્સામાં એક વર્ગ તેનું નામ સાંભળતાં જ ભડકે છે એવું મેવાણીના કિસ્સામાં નથી. મેવાણી આક્રમક છે પણ અંતિમવાદી નથી તેથી તેના માટે ગુજરાતમાં કોઈને સૂગ નથી. આ સંજોગોમાં મેવાણી જે પણ નફો કરાવે, કૉંગ્રેસ માટે વકરો એટલો નફો જ છે.