કેપ્ટન અમરિન્દરને ભાજપે ન રાખતા હવે નવો પક્ષ રચવાની વેતરણમાં છે

રાજકારણમાં સત્તાની સહુથી વધુ વાસના ઘરડા નેતાઓમાં છે. અમરિન્દર પણ એનો જ નમૂનો છે. પંજાબ કૉંગ્રેસનું કમઠાણ હજુ ચાલુ છે ને નવજોત સિદ્ધુને મનાવવાની મથામણ ચાલુ છે. મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ સિદ્ધુને સાંજે પોતાના ઘેર નોંતરીને તેના મનમાં જે પણ કડવાશ છે તે દૂર કરવાની મથામણ ચાલુ કરી છે ને તેના શું પરિણામ આવશે તેના પર સૌની નજર છે ત્યાં સિદ્ધુને કારણે નવરા થઈ ગયેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે કૉંગ્રેસ છોડવાનો ધડાકો કરી નાંખ્યો. સાથે સાથે એ ચોખવટ પણ કરી કે પોતે કૉંગ્રેસ છોડશે પણ ભાજપમાં નથી જોડાવાના. કેપ્ટને પોતે ક્યાં જશે ને શું કરશે તેનો ફોડ નથી પાડ્યો પણ ભાજપમાં નથી જવાના એવું ભારપૂર્વક કહ્યું છે. કેપ્ટનની ઈચ્છા ભાજપમાં જવાની હતી પણ ભાજપે ન સંઘરતા હવે આજકાલમાં નવા પક્ષની જાહેરાત કરશે.

કેપ્ટન અમરિન્દર બુધવારે દિલ્હીમાં અમિત શાહને મળ્યા તેમાં તો કેપ્ટન ભાજપમાં જોડાશે એવી વાતો વહેતી થઈ ગયેલી. રાજકારણમાં ગમે તે બની શકે એ જોતાં કેપ્ટન ભાજપમાં ન જ જોડાય એવું કોઈ છાતી ઠોકીને કહી શકે એમ નહોતું પણ હવે કેપ્ટને જ પોતે ભાજપમાં નહીં જોડાય એવું કહી દીધું છે. રાજકારણીઓ પોતે બોલે એ બધું પાળતા હોય એવું બનતું નથી. આ સંજોગોમાં કેપ્ટન કાલે ગુલાંટ લગાવીને ભાજપની પંગતમાં બેસી જાય એવું બને પણ આજે તો તેમણે પોતે ભાજપમાં નહીં જોડાય એવું કહ્યું જ છે ને આજ પૂરતો તેમની વાત પર ભરોસો કરી લઈએ.

કેપ્ટને પોતે જાતે ભાજપમાં નહીં જોડાવાનો નિર્ણય લીધો કે પછી ભાજપે તેમને લીલા તોરણે પોંખવાની ઘસીને ના પાડી દીધી તેમાં કેપ્ટનને દ્રાક્ષ ખાટી લાગી એ કેપ્ટન જાણે ને ભાજપવાળા જાણે પણ કેપ્ટનને લઈને ભાજપે કંઈ કાઢી લેવાનું નથી. કેપ્ટન પંજાબના રાજકારણમાં પતી ગયેલી પાર્ટી છે ને તેમના કારણે ભાજપે રાજકીય રીતે મોટો લાડવો લઈ લેવાનો નથી. વાસ્તવમાં તો પંજાબના રાજકારણમાં ભાજપ ક્યાંય ચિત્રમાં જ નથી. પંજાબમાં કૉંગ્રેસ સત્તામાં છે ને આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ છે. શિરોમણી અકાલી દળ ત્રીજો મોટો પક્ષ છે ને ફરી સત્તામાં આવવા ફાંફાં મારે છે. ભાજપ તો છેક ચોથા નંબરે છે ને કેપ્ટનને પડખામાં લેવાથી રાતોરાત કંઈ ભાજપ પહેલા નંબરે આવી જવાનો નથી. પંજાબમાં ભાજપને પડખે હિંદુ મતબેંક છે ને એ એટલી મોટી નથી કે ભાજપને સત્તામાં લાવી દે.

પંજાબ વિધાનસભામાં કુલ ૧૧૭ બેઠકો છે ને કેપ્ટન પાસે એ તાકાત નથી કે એ એકલા હાથે ભાજપને ૬૦ બેઠકો જીતાડીને સત્તામાં લાવી દે. કેપ્ટનનો અત્યાર સુધીનો રેકોર્ડ જોતાં એ બહુ બહુ તો બે-ચાર બેઠકો જીતાડી શકે ને વિધાનભાની બે-ચાર બેઠકો માટે થઈને કેપ્ટનનો ભાર ઊંચકવો ડહાપણ નથી જ. બીજું એ પણ ખરૂં કે, ભાજપ પોતાના પંચોતેર વરસથી વધારે વયના ઘૈડિયાઓને ઉઠાવી ઉઠાવીને વખારમાં નાંખે છે ત્યારે કૉંગ્રેસે જેમને વખારમાં નાંખ્યા છે એવા એંસી વરસના કેપ્ટનને લે તો ભાજપ પણ વરવો લાગે. ભાજપને ઘર કી મુર્ગી દાલ બરાબર લાગે છે ને બહારની દાલ ચિકન બટર લાગે તેમાં ભાજપની ઈજ્જતનો ફાલુદો થાય. ભાજપ રાજકીય ફાયદા માટે બેવડાં ધોરણ અપનાવે છે એવું કહેવાની વિપક્ષોને તક મળે. ભાજપને બહુ ફાયદો થતો હોય તો એવા બેવડાં ધોરણો બતાવવામાં પણ વાંધો નથી પણ કેપ્ટન જેવી ફૂટેલ કારતૂસ માટે ભાજપે ઈજ્જતના ધજાગરા કરાવવા જેવા નથી.

આ સંજોગોમાં ભાજપે કેપ્ટનને પોંખવાની ના પાડી હોય તો ભાજપે શાણપણ બતાવ્યું કહેવાય. ભાજપ કેપ્ટનને પોંખવા થનગનતો હોય ને કેપ્ટને ન પાડી હોય તો આ શાણપણ માટે કેપ્ટનને શાબાશી આપવી પડે. કેપ્ટન ભાજપમાં જોડાય તો એ તેમના માટે રાજકીય આપઘાત જ કહેવાય. કેપ્ટને રાજકીય આપઘાત કરવાનું ટાળીને શાણપણ બતાવ્યું કહેવાય. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેની અસર દેખાઈ જ છે. કેપ્ટન પોતે કૃષિ કાયદાના ઘોર વિરોધી છે ને કૉંગ્રેસમાં હતા ત્યારે મોદી સરકાર સામે તેમણે બહુ બખાળા કાઢ્યા છે. પોતાને ખેડૂતોના હિતેચ્છુ ને ભાજપને ખેડૂતોનો દુશ્મન ચિતરવામાં તેમણે કોઈ કસર છોડી નહોતી.

હવે કૉંગ્રેસે લાત મારીને તગેડી મૂક્યા એટલે ભાજપના પડખામાં ભરાઈ જાય તો પછી કોણ તેમને મત આપે? ખેડૂતો પંજાબમાં કેપ્ટનને ઊભા ના રહેવા દે ને તેમની રાજકીય કારકિર્દીનું અચ્યુતમ્ કેશવમ્ થઈ જાય. કેપ્ટન ચાર દાયકાથી રાજકારણમાં છે તે આ વાત ન સમજે એટલા નાદાન નથી જ. આ સંજોગોમાં ભાજપની બધી લાલચોને ફગાવીને તેમણે પોતે જ ભાજપથી આઘા રહેવાનું પસંદ કર્યું હોય એ શક્ય છે.કૉંગ્રેસ ભાજપની પંગતમાં નથી બેસવાના તો કૉંગ્રેસમાં પણ નથી રહેવાના. કમ સે કમ અત્યારે તો કેપ્ટન એવું જ કહી રહ્યા છે ને પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી તેમણે કૉંગ્રેસનો એકડો કાઢી નાંખીને પોતે આ વાતમાં ગંભીર છે એવું બતાવવા પ્રયત્ન કર્યો છે. કેપ્ટન આ વાતને પણ વળગી રહેશે કે નહીં એ ખબર નથી પણ કેપ્ટન કૉંગ્રેસમાં ન રહે તેના કારણે કૉંગ્રેસને ઝાઝો ફરક પડવાનો નથી.

તેનું કારણ એ કે, કેપ્ટનનો રાજકીય રીતે બહુ મોટા વર્ગ પર પ્રભાવ નથી. કેપ્ટન પતિયાળાના છેલ્લા મહારાજાના પુત્ર છે ને ખાધે-પીધે સુખી પરિવારના છે. એ રાજીવ ગાંધીની સાથે દૂન સ્કૂલમાં ભણતા હતા તેના કારણે રાજકારણમાં સરળતાથી આવી ગયા, બાકી બીજા નેતાઓની જેમ લોકો વચ્ચે જઈને તેમણે પરસેવો પાડ્યો નથી કે આકરી મહેનત પણ કરી નથી. પતિયાળા પંજાબમાં સૌથી મહત્ત્વના માલવા વિસ્તારમાં આવે છે પણ આ વિસ્તારમાં કેપ્ટનનો પ્રભાવ નથી. માલવાના ધારાસભ્યોએ જ કેપ્ટન સામે બળવો કરેલો તેના પરથી જ તેમનો કેવો રાજકીય પ્રભાવ છે એ સ્પષ્ટ થઈ જાય. એ બહુ બહુ તો પતિયાળાની થોડીક બેઠકો પર અસર કરી શકે પણ કૉંગ્રેસને મોટો ફટકો ન મારી શકે.
બીજું એ કે, કેપ્ટન પંજાબના રાજકારણમાં મુખ્ય પક્ષ એવા કૉંગ્રેસ ને અકાલી દળથી અલગ થઈને પોતાની રાજકીય તાકાતનાં પારખાં પહેલાં પણ કરી ચૂક્યા છે ને તેમાં ભૂંડી રીતે પછડાયા છે.

કેપ્ટન પહેલી વાર ૧૯૮૦માં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભામાં ચૂંટાયા હતા પણ ઈન્દિરા ગાંધીએ અમૃતસરના સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલ્યું તેના વિરોધમાં તેમણે કૉંગ્રેસ છોડી દીધી હતી. કેપ્ટન એ પછી અકાલી દળમાં જોડાયા હતા ને અકાલી દળના નેતા તરીકે બે વાર વિધાનસભામાં ચૂંટાયા હતા. કેપ્ટન તલવંડી સાબો બેઠક પરથી ચૂંટાયા હતા. કેપ્ટનને ૧૯૯૨માં અકાલી દળના નેતાઓ સાથે ડખો થતાં તેમણે રાજીનામું ધરી દીધેલું. કેપ્ટનને પોતાની રાજકીય તાકાત પર બહુ ભરોસો હશે એટલે તેમણે શિરોમણી અકાલી દળ (પંથિક) નામે પ્રાદેશિક પક્ષ રચેલો. ૧૯૯૨ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કેપ્ટનનો પક્ષ તો ભૂંડી રીતે હારેલો જ પણ કેપ્ટન પોતે પણ બહુ ખરાબ રીતે પછડાયેલા. કેપ્ટન પોતે જે બેઠક પરથી ધારાસભ્ય હતા એ બેઠક પરથી ડિપોઝિટ ગુમાવી હતી ને તેમને માત્ર ૮૫૬ મત મળેલા. આટલી બેઈજ્જતી બહુ ઓછા ધારાસભ્યોની થાય.

કેપ્ટન આ હાર પછી પોતાની હેસિયત સમજી ગયા ને કૉંગ્રેસમાં પાછા આવવાની મથામણ શરૂ કરી દીધી. એ વખતે કૉંગ્રેસમાં બિયંતસિંહનો દબદબો હતો. બિયંતસિંહે આતંકવાદનો સફાયો કરીને સોપો પાડી દીધેલો. બિયંતને કેપ્ટનમાં રસ નહોતો તેથી કેપ્ટને જખ મારીને પોતાનો પ્રાદેશિક પક્ષનો તંબૂ ચાલુ રાખવો પડેલો. બિયંતસિંહની ૧૯૯૫માં આતંકવાદી હુમલામાં હત્યા થઈ પછી કેપ્ટનને કૉંગ્રેસમાં પ્રવેશની આશા જાગેલી પણ રાજિન્દર કૌર ભટ્ટલે આ આશા ફળવા નહોતી દીધી. બીજા પણ નેતા કેપ્ટનની વિરુદ્ધ હતા તેથી કેપ્ટને લાંબો સમય રાહ જોવી પડી. સોનિયા ગાંધી કૉંગ્રેસ પ્રમુખ બન્યાં ત્યારે રાજીવ સાથેની દોસ્તીની દુહાઈ આપી ત્યારે સોનિયા પિગળ્યાં ને કેપ્ટનને કૉંગ્રેસમાં લીધા. જો કે કૉંગ્રેસમાં આવ્યા પછી પણ પહેલી ચૂંટણીમાં તો અકાલી દળના પ્રેમસિંહ ચંદુમાંજરા સામે ૩૫ હજાર મતે હારી જ ગયેલા.

સોનિયાએ એ છતાં તેમનામાં ભરોસો મૂક્યો તેમાં એ ૨૦૦૨માં કૉંગ્રેસને બહુમતી મળી ત્યારે પહેલી વાર મુખ્યમંત્રી બન્યા ને પછી દસ વરસના વનવાસ પછી ફરી ૨૦૧૭માં કૉંગ્રેસને સત્તા મળી ત્યારે ફરી ગાદી પર બેઠા.
ટૂંકમાં કેપ્ટનને જે કંઈ મળ્યું છે એ સોનિયા ગાંધીની મહેરબાનીથી જ મળ્યું છે. ૨૦૧૪માં મોદી લહેર વખતે કેપ્ટને ભાજપનો ગઢ મનાતી અમૃતસર બેઠક પર મોદીના ખાસ ગણાતા અરૂણ જેટલીને હરાવેલા. કેપ્ટનની રાજકીય કારકિર્દીમાં તેને બાદ કરો તો બીજી કોઈ મોટી મોમેન્ટ પણ નથી. આ સંજોગોમાં કેપ્ટન કૉંગ્રેસને કોઈ નુકસાન કરે એવી શક્યતા નહિવત્ છે. કેપ્ટનના જવાથી કૉંગ્રેસ માટે ઝાડ પડ્યું ને જગ્યા થઈ જેવી હાલત થશે.