રાવણના નકારાત્મક પાત્રને નિભાવવા છતાંય ભારે લોકપ્રિય અરવિંદ ત્રિવેદી

દશેરા પહેલા જ લંકેશે ચિરવિદાય લીધી છે. લોકપ્રિય ટીવી સિરિયલ “તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં નટુકાકાનો રોલ કરતા પીઢ ગુજરાતી કલાકાર ઘનશ્યામ નાયકના નિધનના સમાચાર હજુ તાજા છે ત્યાં બુધવારે વધુ એક પીઢ ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીએ કાયમી વિદાય લીધી. ઘનશ્યામ નાયકને કેન્સર થયું હતું ને એક લડવૈયા બનીને મોત સામે લાંબો જંગ ખેલ્યા પછી તેમણે વિદાય લીધી જ્યારે અરવિંદ ત્રિવેદી સાજાનરવા હતા પણ અચાનક આવેલા હાર્ટ એટેકે તેમનો ભોગ લીધો. તેમના છેલ્લા દિવસોના વીડિયો અને તસવીરો મીડિયા પર ફરી રહી છે તેમાં ત્રિવેદી સાવ સ્વસ્થ દેખાય છે. નખમાંય રોગ ના હોય એ રીતે વાતો કરતા અરવિંદભાઈના અચાનક નિધનના કારણે એટલે જ સૌને આંચકો લાગી ગયો. અરવિંદ ત્રિવેદીના મોટા ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પહેલાં જ આપણી વચ્ચેથી વિદાય થઈ ચૂક્યા છે ત્યારે હવે અરવિંદ ત્રિવેદીની પણ વિદાય થતાં ગુજરાતી ફિલ્મોનો એક યુગ પૂરો થઈ ગયો એમ કહી શકાય.
અરવિંદ ત્રિવેદી છેલ્લા બે દાયકાથી ફિલ્મોમાંથી નિવૃત્ત હતા તેથી નવી પેઢીને તેમના યોગદાન વિશે બહુ ખબર ન હોય પણ ગુજરાતી ફિલ્મોમાં ત્રિવેદી બંધુઓનું યોગદાન બહુ મોટું છે. ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી એ બે ભાઈઓએ માત્ર ગુજરાતી ફિલ્મોને જીવંત જ નહોતી રાખી પણ હજારો લોકોનાં ઘર પણ ચાલતાં રાખ્યાં હતાં. ગુજરાતીમાં એક જમાનામાં સામાજિક ફિલ્મો બનતી ને હિન્દી ફિલ્મોના ટોચના કલાકારો તેમાં કામ કરતા. બોલીવૂડમાં 1960ના દાયકામાં સામાજિક ફિલ્મોનાં વળતાં પાણી થવા માંડ્યાં અને તેનું સ્થાન રોમેન્ટિક, મ્યુઝિકલ ફિલ્મોએ લીધું તેની અસર ગુજરાતી ફિલ્મો પર પણ વર્તાઈ.
ગુજરાતીમાં પણ સામાજિક ફિલ્મો ઓછી બનવા માંડી ને તેનું સ્થાન ધાર્મિક તથા લોકકથાઓ આધારિત ફિલ્મોએ લઈ લીધું. 1970ના દાયકો શરૂ થતાં સુધીમાં ગુજરાતી ફિલ્મોની તરાહ સાવ બદલાઈ ગઈ હતી ને સૌરાષ્ટ્રની કહેવાતી લોકકથાઓ પર આધારિત ફિલ્મોનો ફાલ ઊતરવા માંડ્યો હતો. આ ફિલ્મો સાથે ત્રિવેદી બંધુઓનો યુગ શરૂ થયો એમ કહી શકાય. ઉપેન્દ્ર ત્રિવેદી હીરો, સ્નેહલતા હીરોઈન ને અરવિંદ ત્રિવેદી વિલન હોય એવી થોકબંધ ફિલ્મો બનવાનું શરૂ થયું. ઉપેન્દ્ર ત્રિવેદીએ આ ફિલ્મોના જોરે એકાદ દાયકા લગી સુપરસ્ટારપદ ભોગવ્યું ને ઉપેન્દ્રની દરેક ફિલ્મમાં અરવિંદ ત્રિવેદી પણ હોય જ તેથી બંનેના નામે ઢગલાબંધ સફળ ગુજરાતી ફિલ્મો બોલે છે.
“સંતુ રંગીલી’, “હોથલ પદમણી’, “કુંવરબાઈનું મામેરું’, “જેસલ-તોરલ’ જેવી જેવી અનેક સફળ ફિલ્મો તેમણે આપી. એ વખતે સિંગલ સ્ક્રીન થિયેટરનો જમાનો હતો ને ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે મનોરંજન કરમુક્તિનો લાભ અપાતો તેથી ગામડાંમાં આ ફિલ્મો ધૂમ મચાવતી. આ કારણે ગામડામાં મોટા પ્રમાણમાં લોકોને રોજગારી મળતી. લગભગ દોઢ દાયકા સુધી અરવિંદ ત્રિવેદીનો ગુજરાતી ફિલ્મોમાં દબદબો રહ્યો. આ ફિલ્મો ગુણવત્તાની રીતે કેવી બનતી તેની ચર્ચામાં પડવા જેવું નથી કેમ કે એ જમાનામાં હિન્દીમાં પણ આવી જ ફિલ્મો બનતી.
મુખ્ય વાત એ છે કે, ધૂમ પ્રમાણમાં ફિલ્મો બનતી ને તેના કારણે ગુજરાતના અર્થતંત્રને જોરદાર વેગ મળ્યો હતો. અરવિંદ ત્રિવેદીએ 300 જેટલી ફિલ્મો કરી હોવાનું કહેવાય છે. આ આંકડો થોડો વધારે છે કેમ કે ગુજરાતીમાં આટલા પ્રમાણમાં ફિલ્મો એ જમાનામાં પણ નહોતી બનતી પણ જેટલી ફિલ્મોમાં કામ કર્યું હોય, આ ફિલ્મોએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ, ગુજરાતના અર્થતંત્રને ધબકતું રાખ્યું. અરવિંદભાઈએ પરાયા ધન, જંગલ મેં મંગલ, ત્રિમૂર્તિ, આજ કી તાઝા ખબર વગેરે હિંદી ફિલ્મોમાં પણ કામ કરેલું પણ એ બધા યાદ રાખવા જેવા રોલ નથી.
જો કે અરવિંદ ત્રિવેદીને ગુજરાતી ફિલ્મોએ નહોતી અપાવી એટલી લોકપ્રિયતા “રામાયણ’ ટીવી સિરિયલે અપાવી. ત્રિવેદીએ પહેલાં રામાનંદ સાગરની જ બિક્રમ ઔર બૈતાલ સિરિયલમાં કામ કરેલું ને તેના કારણે તેમને આ રોલ મળેલો. આ સિરિયલના કારણે અરવિંદ ત્રિવેદીને રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી. ટીવી પર રામાયણ પર બનેલી બીજી સિરિયલો પણ પછી આવી પણ રાવણનો ઉલ્લેખ થાય ત્યારે અરવિંદ ત્રિવેદી જ યાદ આવે છે. અરવિંદ ત્રિવેદીની આ સફળતા હતી કે તેમણે લંકેશને અમર કરી દીધો, પોતાના નામ સાથે જોડી દીધા.
“રામાયણ’ અને “મહાભારત’ એ બે મહાકાવ્યોની કથાઓ ભારતીયો અને વિશેષ તો હિંદુઓના લોહીમાં છે. લોકોની શ્રદ્ધા અને આસ્થા પણ આ બે મહાકાવ્યો સાથે જોડાયેલી છે. તેનો લાભ લેવા માટે બંને મહાકાવ્યો પર ઘણી ફિલ્મો બની અને રામાનંદ સાગરે પણ એ જ ઉદ્દેશથી “રામાયણ’ પર ટીવી સીરિયલ બનાવી નાંખી હતી.
રામાનંદ સાગરની “રામાયણ’ ટીવી સિરિયલ ટેકનિકલી ને બીજી રીતે વખાણવા જેવી નહોતી પણ આ વિષય જ એવો હતો કે, સિરિયલ લોકપ્રિય થાય. બીજું એ કે, ફિલ્મોમાં ત્રણ કલાકમાં બધું પતાવવાનું હોય તેથી ઉપરછલ્લી ને મુખ્ય કથા કહી દેવાય જ્યારે સિરિયલમાં પૂરતો સમય હોય તેથી નિરાંતે આનુષાંગિક કથાઓને પણ આવરી લેવાય. આ કારણે “રામાયણ’ને અપાર લોકચાહના મળી. ભારતમાં “રામાયણ’ મહાકાવ્યને ટીવીના મોટા પડદે પહેલી વાર રજૂ કરાયેલું તેથી પણ લોકો મંત્રમુગ્ધ થઈ ગયેલા. “રામાયણ’ના કલાકારોને પણ કોઈએ કલ્પી ન હોય એવી લોકચાહના મળી હતી. ભગવાન રામ બનતા અરૂણ ગોવિલ અને માતા સીતા બનતાં દીપિકા ચિખલિયા તો સાચુકલાં રામ-સીતા હોય એ રીતે તેમનાં પગોમાં પડતાં. હનુમાન બનતા દારાસિંહને પણ લોકોની અપાર ચાહના મળી પણ સૌથી વધારે અરવિંદ ત્રિવેદી છવાઈ ગયા હતા. લંકાના રાજા “લંકેશ’ એટલે કે રાવણ “રામાયણ’માં ખલનાયક છે પણ અરવિંદ ત્રિવેદીએ જે અંદાજમાં “લંકેશ’ને રજૂ કર્યો એ જોઈને લોકો તેમના પર ફિદા થઈ ગયેલા. વિવેચકોના મતે, અરવિંદ ત્રિવેદીએ “લંકેશ’ તરીકે ઓવર એક્ટિંગની દુકાન જ ખોલી નાંખેલી.
કોરોના વખતે ઢગલો ચેનલો પર “રામાયણ’નું પ્રસારણ કરાયેલું. “લંકેશ’ તરીકે અરવિંદ ત્રિવેદીને જોયા પછી લાગે કે આ વાત કાઢી નાંખવા જેવી નથી પણ સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે, “લંકેશ’ તરીકે અરવિંદ ત્રિવેદી છવાઈ ગયેલા. કરડાકીભર્યા ચહેરા અને અહંકારથી તરબતર તેમના હુંકાર પર લોકો વારી વારી ગયેલાં. “રામાયણ’ ટીવી સિરિયલમાં બીજા કોઈ કલાકારને ના મળી હોય એવી લોકપ્રિયતા અરવિંદ ત્રિવેદીને મળેલી. એમાં પણ “લંકેશ’ના શિવ તાંડવ સ્ત્રોતે તો લોકોને મંત્રમુગ્ધ કરી દીધેલા. ત્રિવેદીનું શિવ તાંડવ સ્ત્રોત પણ છવાઈ ગયેલું.
આ લોકપ્રિયતાનો લાભ લેવા માટે ભાજપે 1991ની લોકસભા ચૂંટણીમાં ત્રિવેદીને ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારેલા. વડોદરામાંથી સીતા બનતાં દીપિકા ચિખલિયાને પણ ટિકિટ આપેલી ને બંને જીતી ગયેલાં. ત્રિવેદીની રાજકીય કારકિર્દી અલ્પજીવી હતી કેમ કે પાંચ વર્ષ પછી 1996માં નિશાબેન સામે ખરાબ રીતે હારી ગયેલા. નિશાબેન ગામેતી ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનાં પત્ની હતાં ને સાબરકાંઠા બેઠક પર સળંગ ત્રણ વાર જીતેલાં. એ જીવ્યાં ત્યાં સુધી તેમને કોઈ હરાવી નહોતું શક્યું. અરવિંદ ત્રિવેદી પછી સમજીને ચૂંટણી ના લડ્યા પણ ભાજપે તેમને યાદ રાખ્યા. કેન્દ્રમાં ભાજપની સરકાર આવી ત્યારે 2002માં તેમને સેન્સર બોર્ડના કાર્યકારી ચેરમેન બનાવાયેલા. લગભગ સવા વરસ સુધી ત્રિવેદી આ હોદ્દા પર રહેલા.
અરવિંદ ત્રિવેદીએ 1996ની લોકસભા ચૂંટણીમાં હાર્યા પછી ફરી પોતાની ફિલ્મી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરેલું ને ત્રિવેદીની બીજી ઈનિંગ્સ પણ ધમાકેદાર હતી. 1998માં આવેલી તેમની ફિલ્મ “દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા’એ ધમાલ મચાવી દીધેલી.. એ વખતે હજુ મલ્ટિપ્લેક્સ પ્રચલિત નહોતાં ને સિંગલ સ્ક્રીન થિયેટરનો જમાનો હતો. બહુ વરસો પછી કોઈ ગુજરાતી ફિલ્મ થિયેટરમાં છ મહિના લગી ચાલી હોય એવું બનેલું. ફિલ્મમાં દાદાજીનો રોલ કરતા ત્રિવેદી પર લોકો ફરી વારી ગયેલાં. ગુજરાતીમાં અનેક સફળ ફિલ્મો બનાવનારા ગોવિંદભાઈ પટેલની ફિલ્મમાં અરવિંદ ત્રિવેદીને જોઈને લોકો થિયેટરમાં રીતસર રડતાં ને વારંવાર ફિલ્મ જોવા જતાં.
એકદમ લાગણીવેડાથી ભરપૂર આ ફિલ્મે ગુજરાતી ફિલ્મોમાં કમાણીના બધા રેકોર્ડ તોડી નાંખેલા. ગુજરાતી ફિલ્મો 25 લાખ રૂપિયાની કમાણી કરે એ સમાચાર મોટા ગણાતા એ જમાનામાં ફિલ્મે 22 કરોડ રૂપિયાનો જંગી નફો કરેલો. આજના જમાના પ્રમાણે ગણીએ તો 200 કરોડ રૂપિયા થાય. અત્યારે હિન્દી ફિલ્મ 200 કરોડનો ધંધો કરે તો મોટી વાત ગણાય છે. ગુજરાતી ફિલ્મો આજે મોંઘીદાટ મલ્ટિપ્લેકસ થિયેટરોની ટિકિટના જમાનામાં પાંચ કરોડ રૂપિયાનો ધંધો કરી શકતી નથી ત્યારે અરવિંદ ત્રિવેદીની ફિલ્મે 23 વર્ષ પહેલાં 22 કરોડ રૂપિયાની કમાણી કરેલી. સાઉથની ફિલ્મોની વાત અલગ છે પણ એ સિવાય બીજી ભાષાની ફિલ્મો આજેય આટલી કમાણી કરી શકતી નથી ત્યારે બ્લોકબસ્ટર શબ્દ નાનો પડે એવી ધાંય ધાંય સફળતા “દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા’ને મળેલી ગુજરાતી ફિલ્મની સૌથી સફળ ફિલ્મ માટે પણ અરવિંદ ત્રિવેદીને યાદ કરાશે.