કાશ્મીરમાંથી હિન્દુઓ ને શીખોને ખાલસા કરવાની ખતરનાક ઝુંબેશ

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના દીકરા આશિષ મિશ્રાએ ચાર ખેડૂતોને જીપથી કચડીને મારી નાખ્યા તેનો મુદ્દો ધાર્યા કરતાં મોટો થઈ ગયો છે. આ મુદ્દાના કારણે આખા દેશનું ધ્યાન અત્યારે ઉત્તર પ્રદેશ પર મંડાયેલું છે ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં હિંસાની હોળી સળગી છે. કાશ્મીરમાં ગુરૂવારે આતંકવાદીઓએ  શ્રીનગર પાસેના સંગમ ઈજગાહ વિસ્તારમાં આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં ઘૂસીને બે શિક્ષકોને ગોળીએ દીધા. સ્કૂલનાં પ્રિન્સિપાલ સતિન્દર કૌર અને એક શિક્ષક દીપકચંદ આતંકવાદીઓનો શિકાર બન્યા. દીપકચંદ જમ્મુના હતા ને નોકરી કરવા શ્રીનગર આવેલા જ્યારે સતિન્દર કૌર શ્રીનગરના જ હતા. સતિન્દર કૌર અને દીપકચંદ બંને શ્રીનગરમાં બાકી રહી ગયેલા ગણ્યાગાંઠ્યા હિંદુ અને શીખો રહે છે એ અલોચીબાગ વિસ્તારમાં રહેતા હતા.

જમ્મુ અને કાશ્મીરમાં હજુ સ્કૂલો શરૂ થઈ નથી ને ઓનલાઈન ક્લાસીસ જ ચાલે છે તેથી આતંકવાદીઓ સવારે લગભગ સવા અગિયાર વાગ્યાની આસપાસ સ્કૂલમાં ઘૂસ્યા ત્યારે વિદ્યાર્થીઓ નહોતા પણ શિક્ષકો જ હાજર હતા. આતંકવાદીઓએ આ શિક્ષકોમાંથી પ્રિન્સિપાલ સતિન્દર કૌર અને દીપકચંદને અલગ તારવીને તેમની હત્યા કરી નાખી જ્યારે મુસ્લિમ શિક્ષકોને કાંઈ ના કર્યું. પોલીસે આ આતંકવાદી હુમલો પાકિસ્તાનમાં રહીને કામ કરતા ધ રેઝિસ્ટન્સ ફોર્સ નામના આતંકવાદી સંગઠને કરાવ્યો હોવાનો દાવો કર્યો છે. સાથે સાથે આખા વિસ્તારને કોર્ડન કરી લેવાયો હોવાની ને એ કોઈ પણ આતંકવાદી હુમલા પછી સરકારી રાહે પિરસાતું જ્ઞાન પણ પિરસ્યું છે.

આ ઘટનામાં બે જ લોકોનાં મોત થયાં તેથી કોઈને બહુ મોટી ઘટના ના લાગે પણ આ બહુ મોટી ઘટના છે કેમ કે આતંકવાદીઓએ સ્કૂલમાંથી શીખ અને હિંદુ શિક્ષકને અલગ કરીને પછી ગોળીએ દીધા છે. ત્રણ દિવસમાં આ બીજી એવી ઘટના છે કે જેમાં હિંદુ કે શીખને નિશાન બનાવીને હુમલા કરાયા હોય ને હત્યા કરાઈ હોય. આ પહેલાં મંગળવારે આ રીતે જ શ્રીનગરમાં બે હિંદુની હત્યા કરી હતી. શ્રીનગરમાં મંગળવારે આતંકવાદીઓનો ભોગ બનેલા પહેલા હિંદુ માખનલાલ બિંદ્રુ હતા. ૭૦ વર્ષના માખનલાલ બિંદ્રુ શ્રીનગરના જાણીતા બિઝનેસમેન હતા ને ઈકબાલ પાર્ક વિસ્તારમાં ફાર્મસી ડીલરશિપ ચલાવતા હતા.

સાંજે લગભગ સાત વાગ્યે બે આતંકવાદી તેમની ફાર્મસી પર આવ્યા ને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને છૂ થઈ ગયા. કાશ્મીરમાં આતંકવાદીઓએ ૧૯૯૦ના દાયકામાં હિંદુઓને નિશાન બનાવીને હુમલા કરવા માંડ્યા ત્યારે મોટા ભાગના હિંદુઓ ડરીને ભાગી ગયેલા. બિંદ્રુ એ વખતે મરદ સાબિત થયેલા ને ભાગી જવાના બદલે શ્રીનગર જ રહ્યા હતા. બિંદ્રુને આતંકવાદી સંગઠનો તરફથી વારંવાર ધમકીઓ પણ મળતી હતી પણ બિંદ્રુ મચક નહોતા આપતા. આતંકવાદીઓથી ડર્યા વિના કાશ્મીરમાં જ રહેવાનો તેમનો નિર્ધાર હતો તેથી આતંકવાદીઓએ તેમની હત્યા કરી નાખી.

આ ઘટનાની થોડી મિનિટો પછી આતંકવાદીઓએ હવાલ ચોક પાસે રોડ પર બેસીને ફેરી લગાવતા વિરેન્દ્ર પાસવાનની હત્યા કરી નાખી. પાસવાન મૂળ બિહારના ભાગલપુરનો હતો પણ પેટનો ખાડો પૂરવા કાશ્મીર આવેલો. આતંકવાદીઓએ તેના પેટમાં ગોળીઓ ધરબી દઈને તેને કાયમ માટે સૂવાડી દીધો.  આતંકવાદીઓએ એ પછી બાંદીપોરાના નૈદખાઈમાં મોહમ્મદ શફી લોન નામના ટેક્સી ડ્રાઈવરની હત્યા કરી નાખી. મોહમ્મદ શફી લોન મુસ્લિમ હતા પણ આતંકવાદીઓની ધમકીને અવગણીને હિંદુ અને શીખોને પોતાની ટેક્સીમાં લઈ જતા હતા તેથી પતાવી દેવાયા. આ અઠવાડિયામાં જ પહેલા પણ બે ઘટના એવી બની છે કે જેમાં આતંકવાદીઓએ હિંદુઓને શોધીને તેમની હત્યા કરી હોય.

આ ઘટનાઓ પરથી સ્પષ્ટ છે કે, આતંકવાદીઓએ બિન મુસ્લિમ એટલે કે હિંદુ અને શીખોને નિશાન બનાવીને હુમલા શરૂ કર્યા છે ને તેમનો સફાયો કરી નાખવાનો બદઈરાદો છે. આ વાત કોઈને ટાઢા પહોરનું ગપ્પુ લાગશે પણ સાચી છે. શ્રીનગરમાં બે શિક્ષકોની હત્યા પછી ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પોતે આ વાત કહી છે. ઉમરે આ હત્યાઓને વખોડતી ટ્વીટ કરી તેમાં સ્પષ્ટ કહ્યું છે કે, કોઈને ટાર્ગેટ બનાવીને કરાતા હુમલાની વધુ એક શરમજનક ઘટના બની છે. ઉમરે હિંદુ-શીખ એવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી પણ એવા ઉલ્લેખની જરૂર જ નથી. જમ્મુ અને કાશ્મીરના પોલીસ વડા દિલબાગસિંહે પણ કહ્યું છે કે, કાશ્મીરમાં સ્થાનિક મુસ્લિમોને બદનામ કરવા અને કોમી સંવાદિતાનું વાતાવરણ ડહોળવા માટે હત્યાઓ કરાઈ રહી છે. બીજા ઘણાએ પણ આ વાત કરી જ છે. તેના પરથી સ્પષ્ટ છે કે, આતંકવાદીઓના બદઈરાદા શું છે તેની બધાને ખબર પડે જ છે ને આતંકવાદીઓ પણ એવું જ ઈચ્છે છે.

આ વાત એકદમ ગંભીર કહેવાય ને તેના વિશે વિચારવાની જરૂર છે. આ ઘટનાક્રમનો સીધો અર્થ એ થાય કે વાસ્તવિકતા બદલાઈ નથી. કાશ્મીર મુદ્દે પહેલાંની સરકારોએ કશું નહોતું કર્યું ને આ મુદ્દાને લટકતો રાખ્યો. મોદી સરકારે બંધારણની કલમ ૩૭૦ અને કલમ ૩૫ને નાબૂદ કરીને ઐતિહાસિક નિર્ણય લીધો. જમ્મુ અને કાશ્મીરનું વિભાજન કરીને વધુ એક ઐતિહાસિક  નિર્ણય લીધો પણ અત્યારે હાલત એ જ થઈને ઊભી રહી ગઈ કાશ્મીરમાં આતંકવાદની સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી.

આ ઘટનાઓએ કાશ્મીરમાં ફરી હિંદુઓને વસાવવાની વાતો સામે પણ સવાલ પેદા કર્યો છે. મોદી સરકારે બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરી ત્યારે એવી વાતો કરેલી કે, હવે કાશ્મીરી પંડિતો સહિત હિંદુઓને ફરી પોતાના વતનમાં વસાવવાની દિશામાં નક્કર કામગીરી કરાશે, બેઘર થયેલા હિંદુ ફરી કાશ્મીર ખીણમાં વસી શકશે. હિંદુવાદી સંગઠનો પણ એ વખતે કાશ્મીરી પંડિતોની સમસ્યા ઉકેલાઈ જ ગઈ હોય એવી કૂદાકૂદ કરતા હતા. અત્યારે સ્થિતિ એ છે કે, હિંદુવાદી સંગઠનોના નેતા પણ ઘરે જઈને સૂઈ ગયા છે ને કાશ્મીરી હિંદુઓ બિચારા કોઈ દેવદૂત આવીને પોતાનું ભાવિ બદલશે તેની આશામાં દિવસ વીતાવી રહ્યા છે.

આ માહોલમાં હવે આતંકવાદીઓએ નવેસરથી હિંદુ-શીખોને નિશાન બનાવીને હુમલા શરૂ કર્યા છે ત્યારે સવાલ એ જ થાય કે, જે થોડાઘણા હિંદુ બાકી રહ્યા છે તેમને તો આપણે બચાવી શકતા નથી ત્યારે નવા હિંદુઓને લાવીશું તો કઈ રીતે તેમની સુરક્ષા કઈ રીતે કરી શકીશું ?
આ પ્રકારની ઘટનાઓ બન્યા કરે ને હિંદુ-શીખોને નિશાન બનાવીને થતા હુમલા ચાલુ રહે તો શું થાય એ પણ વિચારવા જેવું છે. કાશ્મીરમાં ૧૯૮૦ના દાયકાના અંતમાં આતંકવાદ ચરમસીમા પર હતો. ૧૯૮૯ની ચૂંટણીમાં જીતીને વિશ્વવનાથ પ્રતાપસિંહ વડા પ્રધાન બન્યા પછી તેમણે મુફતી મોહમ્મદ સઈદને ગૃહ પ્રધાન બનાવ્યા હતા. સઈદ ગૃહ પ્રધાન બનતાં જ આતંકવાદીઓને મોકળું મેદાન મળ્યું. સઈદ કાશ્મીરી હતા ને આતંકવાદીઓના જોરે તેમનું રાજકારણ ચાલતું હતું તેથી આતંકવાદીઓ માટે સૈયાં ભયે કોટવાલ તો ફિર ડર કાહે કા જેવો ઘાટ થયો. આતંકવાદીઓ બેફામ બન્યા ને રીતસરની ખૂનામરકી જ શરૂ થઈ ગઈ. એ વખતે કાશ્મીર ખીણમાં નોંધપાત્ર પ્રમાણમાં હિંદુઓ રહેતા હતા.

હિંદુઓને ભગાડવા માટે આતંકવાદીઓએ તેમને નિશાન બનાવવા માંડ્યા. હિંદુઓ સાવ ઓછી સંખ્યામાં નહોતા ને ઘણાં ઠેકાણે તો હિંદુઓનાં આખેઆખાં ગામ હતાં. તેમને ભગાડવા  કાશ્મીરની મસ્જિદોમાંથી એલાન થયું કે પછી આતંકવાદીઓ તૂટી પડ્યા ને હિંદુઓને શોધી શોધીને ભગાડવા માંડ્યા. હિંદુઓને પહેરેલાં લૂગડે કાશ્મીર ખીણ છોડવાની ફરજ પડાઈ હતી. આ હિંદુઓમાં પંડિતો વધારે હતા. આતંકવાદના કારણે લાખો હિંદુઓ બેઘર થઈ ગયા. જમ્મુ અને દિલ્હીની નિરાશ્રિત છાવણીઓમાં આ હિંદુઓ સાવ દયનિય દશામાં જીવે છે. તેમનામાં એટલો ડર છે કે, પાછા કાશ્મીર આવવા પણ તૈયાર નથી. અત્યારે તો કાશ્મીર ખીણમાં મુઠ્ઠીભર હિંદુ અને શીખો બચ્યા છે. આતંકવાદીઓ આ રીતે તેમને નિશાન બનાવીને મારવા માંડે ને બીજા ફફડીને ભાગવા માંડે તો કાશ્મીર ખીણમાં હિંદુ-શીખો જ ના રહે ને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો મુસ્લિમો સિવાય કોઈ ન બચે. આ સ્થિતિ આવે એ પહેલાં સરકાર જાગે તો સારું.