ડેરા સચ્ચાવાળા ખોટા સાધુ રામરહીમ સિંહ માટે હવે જેલ એ જ જિંદગી છે

ભારતમાં સૌથી વિવાદાસ્પદ ધર્મગુરૂઓ પૈકીના એક ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ ઈંશાંને વધુ એક કોર્ટમાં સજા થઈ ગઈ. રામ રહીમના મેનેજર રણજીતસિંહની ૨૦૦૨માં થયેલી હત્યાના કેસમાં રામ રહીમ ઉપરાંત બીજા ચાર લોકોને કોર્ટે સજા ફટકારી છે. પણ તેમાં રામ રહીમ જ મહત્ત્વનો અપરાધી છે. આ કેસમાં બાકીનાં બધાં તો રામ રહીમનાં પ્યાદાં હતાં ને તેમાંથી એક પ્યાદું તો ઉપર પણ પહોંચી ગયું છે.  કોર્ટે રામ રહીમને પંદરેક દાડા પહેલાં જ દોષિત ઠેરવી દીધેલો પણ સજા ફટકારવાની બાકી હતી. સોમવારે કોર્ટે સજાનું એલાન કરીને રામ રહીમને જન્મટીપ ફટકારી દીધી ને સાથે સાથે ૩૧ લાખનો દંડ વસૂલવા પણ ફરમાન કર્યું છે. બાકીના ચાર પાસેથી મળીને લગભગ પાંચેક લાખ રૂપિયા વસૂલાશે ને તેમાંથી અડધી રકમ રણજીતના પરિવારને અપાશે.

બાબા રામ રહીમ સિંહ ઈંશાં પહેલાં જ એક સાધ્વી પર બળાત્કાર કરવાના આરોપમાં જેલની હવા ખાઈ રહ્યા છે ને અત્યારે સુનારીયા જેલમાં બંધ છે. બળાત્કારના કેસમાં રામ રહીમને ૨૦ વર્ષની જેલની સજા થઈ હતી તેથી એ બહાર આવે એવી શક્યતા ઓછી જ હતી. એ પછી પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં જન્મટીપ થતાં રામ રહીમને જેલયોગ જ હતો ત્યાં હવે મેનેજરની હત્યાના આ કેસમાં પણ જન્મટીપ પડતાં હવે રામ રહીમનો બરાબરનો ફસાઈ ગયો છે. રામ રહીમ હવે જેલની બહાર આવે એવી શક્યતા મોટા ભાગે રહી નથી. આપણે ત્યાં ક્યારે શું બને એ કહેવાય નહીં એ જોતાં
રામ રહીમના દિવસો ફરે તો એ પણ બહાર આવી જાય પણ અત્યારે જે પરિસ્થિતિ છે એ જોતાં તેનું બાકી રહેલું આયખું જેલમાં જ પૂરું થાય એવી શક્યતા વધુ છે.

રામ રહીમને જેલની સજા થઈ એ સાથે જ આપણે ત્યાં ધર્મના નામે કેવાં ધતિંગ ચાલે છે તેની યાદ ફરી તાજી થઈ છે. સાથે સાથે રાજકારણીઓના આશીર્વાદ હોય તો રામ રહીમ જેવા લંપટોને પણ કશું થતું નથી ને વરસો લગી તેમની પાપલીલા ચાલ્યા જ કરે છે એ એ કડવી વાસ્તવિકતાની યાદ પણ તાજી થઈ ગઈ છે. આસારામથી માંડીને નિત્યાનંદ સુધીના ધર્મના નામે પૂજાતા પાખંડીઓ આ રીતે બચતા રહ્યા હતા.  ધર્મના નામે ધરાર અધર્મ લીલા ચલાવીને ભોળી સ્ત્રીઓનું શોષણ કરીને હવસનો ખેલ કરતા રહ્યા હતા. તેમની પાપલીલા સામે બોલનારને ઉપર પહોંચાડતાં પણ તેમનું રૂવાડું ફરકતું નથી. રામ રહીમને અત્યારે જન્મટીપ થઈ છે એ આવા જ કેસમાં થઈ છે.

રામ રહીમે પોતાનાં પાંચ પ્યાદાં સાથે મળીને જેની હત્યા કરી હતી એ રણજીતસિંહ રામ રહીમનો મેનેજર હતો. એ રામ રહીમની સાથે વરસોથી હતો તેથી રામ રહીમની પાપલીલા જોઈને તેનો અંતરાત્મા જાગી ગયો એવું તો ન કહેવાય પણ કંઈ વાંધો પડ્યો હશે કે ગમે તે પણ તેણે રામ રહીમ સામે બાંયો ચડાવી દીધેલી. ગુરમીત રામ રહીમ સિંહ સામે આક્ષેપો તો બહુ લાંબા સમયથી થાય છે પણ ૨૦૦૨માં અચાનક જ એક સાધ્વીએ હિંમત બતાવતાં રામ રહીમ છાપે ચડી ગયેલો. રામ રહીમ સામે આ  સાધ્વીએ બળાત્કારનો આક્ષેપ કરેલો. બાબાએ સાધ્વી પર બળાત્કાર વરસો પહેલાં કરેલો પણ સાધ્વી તેમનો અત્યાચાર સહન કર્યા કરતી હતી. સાધ્વી વરસોથી રામ રહીમના આશ્રમમાં રહેતી હતી. રામ રહીમે એક રાત્રે તેને પોતાના રૂમમાં બોલાવીને પરાણે તેની સાથે શારીરિક સંબંધ બાંધીને આખી રાત તેને ભોગવી હતી. યુવતીના વિરોધને ગણકાર્યા વિના યુવતી સાથે શારીરિક સંબંધ ભોગવનારા રામ રહીમે યુવતીને કહેલું કે, મારી સાથે સંબંધ બાંધીને તું પવિત્ર થઈ ગઈ છે.

રામ રહીમે એ પછી પણ યુવતીને વારંવાર પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ સાધ્વી શરૂઆતમાં બધું સહન કરતી રહી પણ રામ રહીમના જાતીય અત્યાચારો વધતાં કંટાળેલી ડેરાની સાધ્વીએ હરિયાણા અને પંજાબ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો.  તેનાથી કંઈ ન થતાં છેવટે ૨૦૦૨માં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને પત્ર લખી રામ રહીમ સિંહ સામે જાતીય શોષણની ફરિયાદ કરી હતી. આ કેસની તપાસ ૨૦૦૨ના સપ્ટેમ્બરમાં સીબીઆઇને સોંપવામાં આવી હતી પણ સીબીઆઈએ કશું ન કર્યું. યુવતીએ આક્ષેપ કર્યો હતો કે, રામ રહીમ પોતાના આશ્રમમાં હવસલીલા ચલાવે છે અને તે પોતાના આશ્રમની સાધ્વીઓને પોતાનો શિકાર બનાવે છે તેવો આક્ષેપ પણ યુવતીએ કર્યો હતો.
રામ રહીમ વગદાર હતો તેથી પોલીસ કે સીબીઆઈ તેને કશું કરતી નહોતી પણ રામચંદ્ર છત્રપતિ નામનો સ્થાનિક પત્રકાર રામ રહીમ સામે લખ્યા કરતો હતો.

રામ રહીમને શંકા હતી કે, રણજીતસિંહ તેને મસાલો આપે છે ને આશ્રમની વાતો તેના સુધી પહોંચાડે છે. દરમિયાનમાં આશ્રમમાં યુવતીઓ સાથે કેવી કેવી કામલીલા કરાય છે તેને લગતી એ પત્રિકા ફરતી થઈ. છત્રપતિએ આ પત્રિકાના આધારે રામ રહીમની હાલત ખરાબ કરવા માંડી એટલે રામ રહીમ ભડક્યા. ૨૦૦૨માં રામ રહીમ સિંહના ઈશારે પહેલાં તેમની સામે  લખનાર પત્રકાર રામચંદ્ર છત્રપતિની ગોળી મારીને હત્યા કરી દેવાઈ ને પછી ડેરા સચ્ચા સોદાના મેનેજર રણજીતસિંહને પણ પતાવી દેવાયો. આ કેસમાં પણ ફરિયાદ તો નોંધવામાં આવી હતી પણ કશું ન થયું. સીબીઆઈ રામ રહીમ સામેના બળાત્કારના કેસની તપાસ કરતી જ હતી તેથી આ કેસની તપાસ પણ તેને સોંપી દેવાઈ. સીબીઆઈએ વરસો લગી રગશિયા ગાડાની જેમ તપાસ કરીને ૨૦૦૮માં રિપોર્ટ આપ્યો અને રામ રહીમ સામે ૨૦૧૦માં આરોપનામું દાખલ કરાયું હતું .

જો કે રામ રહીમનો પ્રભાવ અને રાજકીય વગ જોરદાર હોવાથી તેની સામે કોઈ પગલાં નહોતાં લઈ શકાયાં. કેસ ધીમી ગતિએ ચાલ્યા કરતો હતો પણ પંજાબ અને હરિયાણામાં થયેલા સત્તાપલટા અને બદલાયેલાં રાજકીય સમીકરણોના કારણે રામ રહીમનો રાજકીય રીતે પ્રભાવ ઘટ્યો તેમાં તેની વાટ લાગી ગઈ. ૨૦૧૭માં બળાત્કારના કેસમાં રામ રહીમ દોષિત ઠર્યો ને ૨૦ વર્ષની સજા થઈ ત્યારે જ નક્કી થઈ ગયેલું કે, રામ રહીમ લાંબો જવાનો છે ને આ વાત સાચી સાબિત થઈ રહી છે.  રામ રહીમ કેટલો લંપટ છે તેનો ખ્યાલ એ વાત પરથી આવે કે, રામ રહીમને કહેવાતી દીકરી હનીપ્રીત ઈન્સાન સાથે શારીરિક સંબધો હોવાનો દાવો હનીપ્રીતના ભૂતપૂર્વ પતિ વિશ્વાસ ગુપ્તાએ જ કર્યો હતો.

રામ રહીમ સિંહને તેનાં પાપોની સજા મળી રહી છે પણ અફસોસ એ જ વાતનો થાય કે, આ સજા તેને બહુ મોડી મળી છે. તેનું કારણ રાજકારણીઓ છે. રામ રહીમ સિંહનો અનુયાયી વર્ગ હરિયાણા-પંજાબમાં બહુ વધારે છે. દલિતો પર તેમનો ભારે પ્રભાવ હતો તેના કારણે બધા રાજકીય પક્ષો તેમના પગમાં આળોટતા. રામ રહીમ સિંહના અનુયાયીઓ એવા દલિત અને પછાત વર્ગની જંગી મતબેંકને કારણે કોઈ તેમને છંછેડવાની હિંમત નહોતું કરતું. રામ રહીમ સિંહે તેનો ભરપૂર ફાયદો લીધો.  કૉંગ્રેસ તથા ભાજપને બંનેને તેમણે વરસો સુધી રમાડ્યા ને પોતાનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે એ રીતે બાજી ગોઠવ્યા કરી.

રામ રહીમ સિંહ વારે ઘડીએ વફાદારી બદલતા. એ ક્યારેક કૉંગ્રેસ તો ક્યારેક ભાજપને ટેકો આપીને પોતાનો પ્રભાવ ઊભો કર્યા કરતા. અલબત્ત રામ રહીમ કૉંગ્રેસની વધારે નજીક હતા. કૉંગ્રેસના નેતાઓ સાથે તેમને અંગત સંબંધો  પણ છે. રામ રહીમ સિંહ પરિણીત છે અને ત્રણ સંતાનના પિતા છે. રામ રહીમ સિંહના એક માત્ર દીકરાનાં લગ્ન પંજાબ કૉંગ્રેસના નેતા હરમિંદરસિંહ જસ્સીની દીકરી સાથે થયાં છે. આ કારણે તે કૉંગ્રેસ તરફ વધારે ઢળેલા હતા પણ કેન્દ્રમાં ભાજપની સરકાર આવી પછી તે સમજી ગયેલા કે ભાજપનો યુગ શરૂ થયો છે તેથી ભાજપના પડખામાં બેસી ગયેલા. ઈ. સ. ૨૦૧૭ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં રામ રહીમ સિંહે ભાજપ-અકાલીદળનાં ગઠબંધનને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. એ પહેલાં હરિયાણાની ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમણે ભાજપને ટેકો આપ્યો હતો અને પોતાના ભક્તોને ભાજપને મત આપવાની અપીલ કરી હતી.