રાફેલ ખરીદીના કૌભાંડમાં ફરી એક વાર કોંગ્રેસ જ બદનામ થવા તરફ છે

લાંબા સમયની શાંતિ પછી રાફેલ વિમાનોની ખરીદીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો પાછો ગાજ્યો છે. ભાજપ ને કોંગ્રેસ આ મુદ્દે લાંબા સમયથી ઝગડે જ છે ને ફ્રાન્સના “મીડિયાપાર્ટ’ મેગેઝિનમાં રાફેલ વિમાનોની ખરીદીમાં કટકી અપાઈ હોવાને લગતો રીપોર્ટ છપાયો તેમાં નવેસરથી ધમાધમી શરૂ થઈ છે. ફરક એટલો છે કે, આ વખતે કોંગ્રેેસ નિશાન પર છે ને ભાજપ હલ્લાબોલ કરી રહ્યો છે. તેનું કારણ એ છે કે, “મીડિયાપાર્ટ’ મેગેઝિનના રિપોર્ટમાં ધડાકો કરાયો છે કે, રાફેલ વિમાનોની ખરીદીમાં 65 કરોડ રૂપિયાની કટકી અપાઈ એ 2007થી 2012ની વચ્ચે અપાઈ હતી ને 2013 પહેલાં આ બે નંબરની લેવડદેવડનો વ્યવહાર પતી ગયેલો. એટલું જ નહીં પણ સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જેવી કેન્દ્ર સરકારની તાબેદાર એજન્સીઓ પાસે આ કટકીને લગતા દસ્તાવેજ પણ હતા છતાં સીબીઆઈ હાથ પર હાથ મૂકીને બેસી રહેલી.
મીડિયાપાર્ટ મેગેઝિનના રિપોર્ટ પ્રમાણે તો સુશેન ગુપ્તા નામના વચેટિયાને રાફેલ વિમાનોના સોદાની કટકી આપવા માટે રાફેલ વિમાન બનાવતી કંપની દસોં એવિએશન દ્વારા ખોટાં વાઉચર પણ બનાવાયેલાં. આ વાઉચરમાં ભળતા જ ખર્ચા બતાવાયેલા પણ વાસ્તવમાં આ રકમ સુશેન ગુપ્તાને અપાઈ હતી. મેગેઝિને આ કહેવાતાં ખોટાં ઈનવોઈસીસની નકલો પણ છાપી છે. મેગેઝિને કઈ રીતે કટકી અપાઈ તેની વિગતો પણ આપી છે. એ બધી ટેક્નિકલ બાબતો છે તેથી તેમાં બહુ ઊંડા નથી ઉતરતા પણ આપણે ત્યાં 2014 પહેલાં દેશમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએની સરકાર હતી તેથી “મીડિયાપાર્ટ’ મેગેઝિનના રિપોર્ટનું સીધું અર્થઘટન એ થાય કે, રાફેલ વિમાનોની ખરીદીમાં કટકી કોંગ્રેસના શાસનમાં જ અપાયેલી.
મીડિયાપાર્ટના રીપોર્ટના પગલે ભાજપ ને કોંગ્રેસ સામસામે આવી ગયાં છે. અત્યાર સુધી કોંગ્રેસ આક્ષેપ કરતી હતી કે, મોદી સરકાર રાફેલ સોદાના કટકીબાજોને છાવરે છે પણ “મીડિયાપાર્ટ’ના નવા રિપોર્ટ પ્રમાણે તો જે કંઈ લોચાલાપસી થયાં છે એ કોંગ્રેસના શાસનમાં જ થયા છે. સ્વાભાવિક રીતે જ ભાજપને આ રિપોર્ટના કારણે મોટો દારૂગોળો મળી ગયો છે તેથી ભાજપ કોંગ્રેસ પર તૂટી પડ્યો છે. કોંગ્રેસનું આખું નામ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કે આઈએનસી છે. ભાજપે “આઈએનસી’ એટલે આઈ નીડ કમિશન એવું કહીને કોંગ્રેસે કટકી ખાધી હોવાના આક્ષેપોનો મારો ચલાવી દીધો છે. રાહુલ ગાંધી લાંબા સમયથી મોદી સરકાર પર કટકીના આક્ષેપો કરે છે તેથી રાહુલ ગાંધી આ મુદ્દે માફી માગે એવી માગણી પણ કરી છે. કોંગ્રેસ વતી રાહુલ ને પ્રિયંકા બંને મેદાનમાં આવી ગયાં છે. કોંગ્રેસ ને ભાજપના આ સામસામા દાવાના કારણે રાજકીય રીતે ગરમીનો માહોલ છે.
કોંગ્રેસ જે બચાવ કરે છે એ ગળે ઉતરે એવો નથી ને વાસ્તવમાં તો કોંગ્રેસ બેવડાં ધોરણોનું પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસ અત્યાર સુધી “મીડિયાપાર્ટ’ સહિત ફ્રાન્સમાં બીજાં જે પણ મીડિયા છે તેમાં છપાતા અહેવાલોને આધારભૂત માનીને મોદી સરકાર પર પ્રહારો કરતી હતી. હવે “મીડિયાપાર્ટ’ દ્વારા કોંગ્રેસ સામે આંગળી ચીંધાઈ છે ત્યારે કોંગ્રેસ મોદી સરકારના કારસાની ને એવી બધી વાતો કરે એ ન ચાલે. “મીડિયાપાર્ટ’ના અહેવાલના કારણે કોંગ્રેસ શંકાના દાયરામાં આવી ગઈ છે તેમાં બેમત નથી.
કોંગ્રેસ સામે શંકા કરવા માટે બીજું પણ નક્કર કારણ છે. ઈન્ડિયન એરફોર્સે પોતાને મીડિયમ મલ્ટિ-રોલ કોમ્બેટ એરક્રાફ્ટની જરૂર છે એવું 2001માં જ સરકારને કહી દીધેલું. ઈન્ડિયન એરફોર્સે આ પ્રકારનાં 126 વિમાનોની જરૂર હોવાનું કહેલું. વિશ્વમાં ઘણી કંપનીઓ મીડિયમ મલ્ટિ-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવે છે તેથી કઈ કંપનીનાં વિમાન ખરીદવાં તેની પ્રક્રિયા ચાલુ થઈ ને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવી પછી રાફેલ પર કળશ ઢોળાયેલો. ડો. મનમોહનસિંહના સમયમાં પહેલાં અગસ્ટા વેસ્ટલેન્ડનો સોદો નક્કી થયો ને પછી 2008માં મીડિયમ મલ્ટિ-રોલ કોમ્બેટ એરક્રાફ્ટની ખરીદી માટે 55 હજાર કરોડ રૂપિયાની રકમ ફાળવાયેલી. આ રકમ હેઠળ જ રાફેલનો 2012માં સોદો નક્કી થયેલો એ જોતાં “મીડિયાપાર્ટ’ના રીપોર્ટમાં જે સમયગાળો બતાવાયો છે એ બંધબેસતો છે. મોદી સરકારે સત્તામાં આવ્યા પછી 2015માં રાફેલ સોદો કેન્સલ કર્યો એ પહેલાં આ સોદાની બધી ઔપચારિકતા પતી જ ગયેલી તેથી સુશેન ગુપ્તાને 2008થી 2012 દરમિયાન કટકી અપાયેલી એ વાત સાવ મોંમાથા વિનાની નથી જ.
કોંગ્રેસ સુશેન ગુપ્તાના કારણે પણ શંકાના દાયરામાં છે. રાફેલ સોદામાં કટકી ખાવા બદલ ડેફસિસ સોલ્યુશન્સ નામની જે કંપની સામે આંગળી ચીંધાઈ છે એ સુશેન ગુપ્તાની છે ને ગુપ્તા છાપેલું કાટલું છે. ભાજપે જે મુદ્દાને બહુ ચગાવેલો એ અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદી કૌભાંડમાં પણ ગુપ્તાનું નામ બહાર આવેલું. ડેફસિસ સોલ્યુશન્સ સામે આ કૌભાંડમાં તપાસ ચાલુ જ છે. અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં સુશેન ગુપ્તાની ધરપકડ થયેલી. અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં અહમદ પટેલ સહિતના કોંગ્રેસના ઘણા દિગ્ગજો સામે આંગળી ચીંધાયેલી. સુશેન ગુપ્તાનું એ રીતે કોંગ્રેસ કનેક્શન છે જ એ જોતાં મીડિયાપાર્ટનો રીપોર્ટ સાવ અધ્ધરતાલ નથી ને કોંગ્રેસ કહે છે એમ મોદી સરકારને બચાવવા માટે ઊભું કરાયેલું તૂત પણ નથી. ટૂંકમાં રાફેલ સોદામાં કોંગ્રેસની ભૂમિકા વરવી હતી એવું માનવાને પૂરતાં કારણ છે. હવે કોંગ્રેસ સામે જ શંકા ઊભી કરાઈ છે ત્યારે કોંગ્રેસ પાસે કોઈ સંતોષકારક જવાબ નથી.
અલબત્ત “મીડિયાપાર્ટ’ના રીપોર્ટમાં બીજા પણ કેટલાક ચોંકાવનારા ધડાકા છે ને આ ધડાકા મોદી સરકારને પણ શંકાના દાયરામાં મૂકી દે છે. મેગેઝિને દાવો કર્યો છે કે, છેક 2018ના ઓક્ટોબરથી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ પાસે સુશેન ગુપ્તાને અપાયેલી લાંચને લગતા પુરાવા છે છતાં હજુ સુધી આ કેસમાં કોઈ તપાસ શરૂ કરાઈ નથી કે કોઈ કેસ નોંધાયો નથી. “મીડિયાપાર્ટ’ના દાવા પ્રમાણે તો ભારતના વીવીઆઈપીઓ માટે ખરીદાયેલાં અગસ્ટા વેસ્ટલેન્ડનાં હેલિકોપ્ટરના સોદામાં પણ કટકી અપાયેલી. અગસ્ટા કટકી કેસના ખાનગી દસ્તાવેજો સીબીઆઈ ને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને અપાયા તેમાં સુશેન ગુપ્તાને અપાયેલી કટકીના પુરાવા પણ હતા છતાં ભારતની એજન્સીઓએ કશું ન કર્યું.