ટી-ટ્વેન્ટી વર્લ્ડકપમાંથી ભારતીય ક્રિકેટ ટીમે તો જથ્થાબંધ બોધપાઠ લેવાનો છે

યુએઈ અને ઓમાનમાં રમાઈ રહેલા ટી 20 વર્લ્ડ કપમાં અંતે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બની ગયું. જો કે આ વખતની ટી ટ્વેન્ટીમાં બીજી વારમાં બેટિંગ કરવા વાળા જ વધુ જીત્યા છે. રવિવારે રમાયેલી ન્યુઝીલેન્ડ સામેની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા બે દાયકા પહેલાં જેવી દાદાગીરીથી રમતું હતું એવી દાદાગીરીથી રમ્યું ને ન્યુઝીલેન્ડને દરેક બાબતમાં મહાત કરીને છેવટે ચેમ્પિયન બની ગયું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ટી-20 વર્લ્ડ કપ નહીં જીતવાનું કલંક પણ મિટાવ્યું. સાથે સાથે બે દાયકા પહેલાંના ઓસ્ટ્રેલિયાના સંપૂર્ણ પ્રભુત્વવાળા ક્રિકેટની યાદ પણ અપાવી દીધી. બે દાયકા પહેલાં ઓસ્ટ્રેલિયા વિશ્ર્વ ક્રિકેટમાં સંપૂર્ણપણે છવાયેલું હતું. 1990ના દાયકાની મધ્યથી ઓસ્ટ્રેલિયાની દાદાગીરીના દિવસો શરૂ થયા તે છેક 2000ના દાયકાના લગભગ અંત સુધી ઓસ્ટ્રેલિયાના નામના ડંકા વાગતા. એ વખતે ઓસ્ટ્રેલિયા સામે ટકરાય એ ટીમના ભુક્કા બોલી જતા. આપણે પણ ઓસ્ટ્રેલિયાની આ તાકાતનો સ્વાદ 2003ના વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ચાખેલો.
બીજા દેશોને પણ 1999થી 2007 દરમિયાન રમાયેલા ત્રણ વર્લ્ડ કપમાં આ દાદાગીરીનો સ્વાદ ચાખવા મળેલો જ. ઓસ્ટ્રેલિયાએ એ વખતે 1999, 2003 અને 2007ના સળંગ ત્રણ વર્લ્ડ કપ જીતીને છાકો પાડી દીધેલો. 1999ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનના ભુક્કા બોલાવી દીધેલા જ્યારે 2007ના વર્લ્ડ કપમાં શ્રીલંકાને રીતસર કચડી નાંખેલું. ક્રિકેટ રમતા દેશોમાં કોઈ દેશ સળંગ ત્રણ વાર વર્લ્ડ ચેમ્પિયન નથી બન્યું પણ ઓસ્ટ્રેલિયા એ પરાક્રમ કરી ચૂક્યું છે. ઓસ્ટ્રેલિયાનો એલન બોર્ડર કેપ્ટન હતો ત્યારે 1987માં ઓસ્ટ્રેલિયા ભારતમાં રમાયેલા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલું. 2011માં મહેન્દ્રસિંહ ધોનીની ટીમે ઓસ્ટ્રેલિયાની વિજયકૂચને રોકતાં 2011માં ઓસ્ટ્રેલિયા ક્વાર્ટર ફાઈનલમાં હારીને ફેંકાઈ ગયેલું પણ 2015માં ફરી ચેમ્પિયન બનેલું. એ રીતે ઓસ્ટ્રેલિયા વન ડે ક્રિકેટના પાંચ વર્લ્ડ કપ જીત્યું છે પણ ટી 20 વર્લ્ડ કપ જીત્યું નહોતું.
2007માં ટી-20 વર્લ્ડ કપ રમાડવાની શરૂઆત થઈ ત્યારે ઓસ્ટ્રેલિયા ક્રિકેટમાં સર્વોચ્ચ મનાતું. ઓસ્ટ્રેલિયા એ વખતે ચેમ્પિયન બનવા પ્રબળ દાવેદાર હતું પણ મહેન્દ્રસિંહ ધોનીની ટીમે સેમી ફાઈનલમાં રગદોળીને ઓસ્ટ્રેલિયાની આશા ધૂળમાં મેળવી દીધેલી. એ પછી નવી નવી ટીમો ચેમ્પિયન બનતી ગઈ ને ઓસ્ટ્રેલિયા રહી જતું. આ વખતે પણ શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાનો દેખાવ એટલો સારો નહોતો પણ પછીથી ટીમ ખિલી ને જોરદાર રમત રમીને સેમી ફાઈનલમાં પહોંચી. સેમી ફાઈનલમાં પાકિસ્તાન સામે મેથ્યુ વેડે હારની બાજીને જીતમાં ફેરવી પછી મોટો અવરોધ દૂર થયો. ઓસ્ટ્રેલિયાએ આ તકનો ભરપૂર લાભ ઉઠાવીને વર્લ્ડ કપ જીતી લીધો.
આ વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડે પણ જાનદાર રમત બતાવેલી. મૂળે ન્યુઝીલેન્ડ લડાયક ટીમ જ છે તેથી ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ રોમાંચક બનશે એવી આશા હતી પણ એ આશા ફળી નહીં. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચને ટોસ જીતવાથી સારા શકન થયા પછી આખી મેચમાં ઓસ્ટ્રેલિયા છવાયેલું રહ્યું.
ટી-20માં પહેલાં બેટિંગ કરનારી ટીમ પહેલો ઘા કેવો કરે છે એ મહત્ત્વનું છે. મતલબ કે, પાવર-પ્લેની છ ઓવરમાં ટીમ જોરદાર બેટિંગ કરે તો મોટા સ્કોરનો પાયો નંખાય ને સામેની ટીમ પર દબાણ ઉભું થાય. શરૂઆતની છ ઓવરમાં પચાસ કરતાં વધારે રન થાય તો બસો રનની આસપાસ સ્કોર થાય ને બસો રનના સ્કોરનું એક માનસિક દબાણ ઊભું થતું હોય છે. કમનસીબે ન્યુઝીલેન્ડ પહેલો ઘા ના કરી શક્યું ને એ માનસિક દબાણ ઊભું ના કરી શક્યું. ન્યુઝીલેન્ડ પાવર પ્લેની છ ઓવરમાં 31 જ રન કરી શક્યું તેમાં તેની વાટ લાગી ગઈ. કેન વિલિયમસને ફરી એક વાર મર્દાના બેટિંગ કરી તેમાં ન્યુઝીલેન્ડ પોણા બસ્સો રનની આસપાસ પહોંચ્યું ખરૂં પણ ઓસ્ટ્રેલિયાની બેટિંગ લાઈન અપ જોતાં આ સ્કોર પૂરતો નહોતો. ઓસ્ટ્રેલિયાએ જે રીતે બેટિંગ કરી તેના પરથી તો એવું પણ લાગે કે ન્યુઝીલેન્ડે અઢીસો રન ચેઝ કરવા આપ્યા હોત તો એ પણ થઈ જાત.
અલબત્ત બસો રનની આસપાસ સ્કોર થયો હોત તો ફરક પડ્યો હોત એવું માનનારો વર્ગ મોટો છે. જો કે જે થયું નથી તેની વાત કરવાનો મતલબ નથી ને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું છે એ હકીકત છે. આ હકીકતને નકારી શકાય તેમ નથી. ભારતીય બહુમતી ક્રિકેટ ચાહકોની સહાનુભૂતિ ન્યુઝીલેન્ડ તરફ હતી તેથી ન્યુઝીલેન્ડ હાર્યું તેના કારણે આપણે થોડા નિરાશ છીએ પણ વાસ્તવિક રીતે આપણને ઓસ્ટ્રેલિયા જીતે કે ન્યુઝીલેન્ડ કોઈ ફરક પડતો નથી. આપણા માટે તો ભારતની ટીમ સેમિ ફાઈનલમાં ના આવી એ વખતે જ વર્લ્ડ કપ પૂરો થઈ ગયેલો છતાં એક સારી ફાઈનલ જોવા મળી એ ફાયદો છે.
આ ફાઈનલ આપણા ક્રિકેટરોએ પણ જોઈ હશે. એ લોકો ફાઈનલમાંથી શું શીખ્યા એ આપણને ખબર નથી પણ એક ક્રિકેટર તરીકે ફાઈનલમાંથી ઘણી વાતો શીખવા જેવી છે. સૌથી વધારે શીખવા જેવું આપણા સિનિયર ક્રિકેટરોએ છે કે જેમનાં નામ બડે ને દર્શન ખોટે છે.
સૌથી મહત્ત્વની વાત તેમણે મોટી મેચમાં કઈ રીતે દબાણને ખાળવું એ શીખવું જોઈએ. ઓસ્ટ્રેલિયા ને ન્યુઝીલેન્ડ બંને માટે આ પહેલી જ ટી 20 વર્લ્ડ કપ ફાઈનલ હતી ને બંને ટીમો જોરદાર દબાણમાં હતી પણ બંને ટીમના ખેલાડીઓ આ દબાણમાં પણ પોતાની પૂરી તાકાત લગાવીને રમ્યા ને પોતાના દેશના ક્રિકેટ ચાહકોની અપેક્ષામાં ખરા ઊતર્યા. ન્યુઝીલેન્ડ ભલે હાર્યું પણ તેના ક્રિકેટરોને કોઈ ગાળો દઈ ના શકે એવી રમત તેમણે બતાવી. સામે ઓસ્ટ્રેલિયાના ટોચના ક્રિકેટરો પણ એ જ રીતે જીવ પર આવીને રમ્યા ને ચેમ્પિયન બન્યા.
ન્યુઝીલેન્ડ પાવર પ્લેમાં સાવ ધીમી ગતિના સમાચારની જેમ રમેલું. છ ઓવરમાં 31 રન કરીને ન્યુઝીલેન્ડે 1 વિકેટ ગુમાવી દીધેલી. એ વખતે ન્યુઝીલેન્ડ દોઢસો રન પણ કરી શકે તો ભયો ભયો એવું લાગતું હતું.
એ વખતે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને મોરચો સંભાળીને જે બેટિંગ કરી એ જોઈને આફરીન થઈ જવાય. વિલિયમસને સિસ્ટેમેટિકલી ઓસ્ટ્રેલિયાના ચોક્કસ બોલરોને ટાર્ગેટ કર્યા ને તેમની બેફામ ધોલાઈ કરી. કોઈ મોટું રિસ્ક ઉઠાવવાના બદલે નબળા બોલરોને ધોઈને સ્કોરબોર્ડને ફરતું રાખવાની જબરદસ્ત વ્યૂહરચના અપનાવી. આ વ્યૂહરચનાના કારણે જ ન્યુઝીલેન્ડ સન્માનજનક સ્કોર ખડકી શક્યું. એક કેપ્ટન તરીકે ખરાખરીની મેચ હોય ત્યારે એકદમ કૂલ રહીને કઈ રીતે રમવું જોઈએ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ વિલિયમસને પૂરું પાડ્યું. આપણા કેપ્ટન વિરાટ કોહલીને મોટી મેચમાં સાવ ફાલતુ શોટ મારીને આઉટ થતો આપણે વારંવાર જોયો છે. વિલિયમસને કેપ્ટન કેવો હોવો જોઈએ તેનું અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કોહલી તો પોતે શ્રેષ્ઠ છે એવા ફાંકામાં જ રહેતો તેથી તેને કદી આ વાત ના સમજાઈ પણ હવે નવો કેપ્ટન બનેલો રોહિત શર્મા આ વાત સમજે તો સારું. તમે સામાન્ય મેચોમાં ગમે તેટલો સ્કોર ખડકો પણ તેનું કોઈ મહત્ત્વ નથી. અસલી તાકાત મોટી મેચોમાં બતાવવાની હોય છે ને વિલિયમસને એ તાકાત બતાવીને કેપ્ટન તરીકે પોતાની મહાનતા સાબિત કરી છે. રોહિત પણ એ રસ્તે ચાલે એવી આશા રાખીએ. ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી હેઝલવુડે બોલિંગમાં આ જ વાત સાબિત કરી. બીજા બોલરો ઝૂડાતા હતા ત્યારે હેઝલવુડે મગજ ઠંડું રાખીને બોલિંગ કરી તેમાં વિલિયમસન આઉટ થયો ને એ વિકેટ ટર્નિગ પોઈન્ટ સાબિત થઈ. ઓસ્ટ્રેલિયાની બેટિંગ વખતે ડેવિડ વોર્નર અને ગ્લેનમ મેક્સવેલ જેવા ટોચના ખેલાડીઓએ અણીના સમયે રમવું જ ટીમ માટે જરૂરી છે એ વાત સાબિત કરી. ફિંચ જલદી આઉટ થયો હોવા છતાં વોર્નરે દબાણમાં આવ્યા વિના ધોલાઈનો કાર્યક્રમ ચાલુ રાખીને જીતનો પાયો નાંખ્યો. સામે ટ્રેન્ટ બોલ્ટે પણ બીજા બોલરોની ધોલાઈથી ડર્યા વિના જાનદાર બોલિંગ કરીને પોતાની ઉપયોગિતા સાબિત કરી.
આ ફાઈનલમાં મિશેલ માર્શનો ઉલ્લેખ ના કરીએ તો વાત અધૂરી ગણાય. મિશેલ માર્શે યુવા ખેલાડીઓ માટે ઉદાહરણ પૂરું પાડ્યું. જરાય દબાણમાં આવ્યા વિના પોતાની નેચરલ બેટિંગથી માર્શે ઓસ્ટ્રેલિયાની જીતમાં વોર્નર કરતાં પણ વધારે યોગદાન આપ્યું. ફિંચ આઉટ થયો ત્યારે ઓસ્ટ્રેલિયા દબાણમાં આવી જશે એવું લાગતું હતું પણ માર્શે વળતો હુમલો કરીને એ દબાણને દૂર કરી દીધું. આપણે કે.એલ. રાહુલ, ઈશાન કિશાન, રીષભ પંત, હાર્દિક પંડ્યા વગેરેને મોટી મેચોમાં રમતા જોયા છે. ખરા સમયે જ એ લોકો પાણીમાં બેસે છે તેનું કારણ પોતાની ક્ષમતાને સમજ્યા વિના ઠોકાઠોક કરીને હીરો બનવાના ધખારા છે. આશા રાખીએ કે આ નમૂના માર્શ પાસેથી કંઈક શીખે. ભારત માટે ટી-20 વર્લ્ડકપ નિરાશાજનક રહ્યો પણ આવતા વર્ષે ફરી ટી-20 વર્લ્ડકપ છે ને 2023માં વન ડેનો વર્લ્ડ કપ છે. આપણ ટીમ આ ફાઈનલમાંથી કંઈક શીખીને આ બંને વર્લ્ડ કપમાં તેનો ઉપયોગ કરે એવી આશા રાખીએ.