લડાખ સરહદે ચીનાઓનો ઉપદ્રવ હજુ સતત ચાલુ જ રહેવાનો છે ?

પૂર્વીય લદાખમાં છેલ્લા એક વરસથી ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક અંકુશ રેખા – લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલને લઈને તણાવભરી સ્થિતિ પેદા થયેલી છે. ક્યારેક એ સમાચારોમાં ચમકે છે અને ક્યારેક એ નાની અથડામણો બ્લેક આઉટ થઈ જાય છે. ગયા વરસે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં બંને દેશોના સૈનિકો વચ્ચે તણખા ઝર્યા હતા પણ તેને અંકુશરેખા ઉપર ઘણીવખત થનારા ઘર્ષણોમાંનું એક માની લેવામાં આવ્યું હતું. ત્યાર પછી પણ ફરીથી ભારત અને ચીનના સૈનિકો વચ્ચે તકરાર થઈ હતી. મારપીટ અને પથ્થરબાજીને કારણે બંને દેશના સૈનિકો ઘાયલ થયા. એ ઘટના સામાન્ય ન હતી. એના પછી ચીનના સૈનિકોનો સામાનનો ભરાવો અને સંખ્યા વધવા લાગી. પાંચ હજારથી વધુ ચીની સૈનિકો એક જ મુકામે જમા થઈ ગયા. ભારતીય લશ્કરે પણ પોતાના જવાનોની સંખ્યામાં વધારો કર્યો. હવે આ એક સામાન્ય ક્રમ બની ગયો છે. જે રીતે કાશ્મીરમાં આતંકવાદીઓનો ઉપદ્રવ એ જ રીતે અરૂણાચલ અને લડાખની સરહદે ચીનાઓનો ઉપદ્રવ.
ઈ. સ. 2017 માં ડોકલામમાં તોંતેર દિવસો સુધી ઘર્ષણ ચાલ્યું હતું ત્યારે ભારતે દુનિયા સમક્ષ બતાવી દીધું હતું કે તે ચીનની દાદાગીરી સમક્ષ ઝૂકશે નહીં. ચીન એવા ભ્રમમાં હતું કે અંકુશ રેખા પાસે તેનું વજન વધારે છે અને રસ્તા તથા છાવણીઓનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તેનું મજબૂત છે. પણ છેલ્લા ત્રણ વર્ષમાં ભારતે પોતાની આ ખોટ ઘણું કામ કરીને પૂરી દીધી છે. ડોકલામ વિવાદ બાદ ચીને અંકુશરેખા પાસે પોતાની રણનીતિ બદલવી પડી છે. ચીની સેનાએ અંકુશરેખા પાસે રહેલા પોતાના સૈનિકોને અપાતી તાલીમમાં વધારો કર્યો છે. તેણે એવી તાલીમ આપવાનું શરૂ કર્યું છે જે એની પહેલા સૈનિકોને અપાતી ન હતી.
ભૂતકાળમાં ક્યારેય શાન્તિકાળ દરમિયાન અંકુશ રેખા પાસે ચીની સૈનિકોનો આવો જમાવડો થયો નથી અને હાલ ચાલે છે એવા પ્રકારના તાલીમના સેશન પણ યોજવામાં આવ્યા નથી. ડોકલામ વિવાદને કારણે ચીની લશ્કરે તાલીમ આપવામાં ઉગ્રતા ધારણ કરી છે. જે સૈનિકો તાલીમના સેશન દરમિયાન નિષ્ફળ જાય તેને આકરી સજા આપવામાં આવતી. ઘણાને તો ત્યાથી કાઢી મુકવામાં આવ્યા હતા. એવા વિસ્તારોમાં આ ટ્રેનિંગ યોજવામાં આવી જ્યાં બંને દેશના સૈનિકો એકબીજાને સહેલાઈથી જોઈ શકે. તેનાથી એ ખબર પડી કે આ મનોવૈજ્ઞાનિક રણનીતિ છે. ભારતીય સૈનિકોની પસંદગી અને તાલીમ હંમેશાથી અવ્વલ દરજ્જાના રહ્યા છે. ડોકલામ વિવાદ પછી ચીન જાણે ભારતને એવું દેખાડવા માંગે છે કે તેઓ પણ ચાઈનીઝ સૈનિકોની તાલીમ પાછળ મહેનત કરી રહ્યા છે, નાણાં વાપરી રહ્યા છે.
ચીને અંકુશ રેખાની પાસે જ અમુક ગામડાઓ વસાવ્યા છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી આ ગામડાઓને સરહદથી દૂર પણ વસાવી શકી હોત. ચીનની આર્મીએ ટેક્નિકલ લિંકિંગ મજબૂત કરવા માટેની બધી સિસ્ટમ સ્થાપી દીધી છે. ઓબ્ઝર્વેશન ટાવર અને જુદા જુદા પ્રકારના થાંભલાની સંખ્યા વધી ગઈ છે. ચીન અજંપામાં છે કારણ કે ભારતીય લશ્કરમાં આવી નાટ્યાત્મક હિલચાલ નથી જોવા મળતી. ભારત કોઈ પ્રદર્શન કર્યા વિના સજાગ છે અને સશક્ત બની રહ્યું છે. ચીન પોતાનું પલ્લું ભારે હોવાનો જે આત્મવિશ્વાસ ધરાવતું હતું એ કદાચ ખોઈ બેઠું છે.
ચીનની બીજી બીક ભારત અને અમેરિકાના સુધરતા જતા સંબંધો છે. સૌથી પહેલીવાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને કારણે ચીનના પેટમાં તેલ રેડાયું હતું. હવે કંઇ નમસ્તે બાઈડન જેવો કોઈ કાર્યક્રમ તો નથી ચાલતો અને નાટકચેટકના વિરોધી બાઈડનને એવું કંઈ ગમે પણ નહિ પરંતુ અમેરિકી વહીવટી તંત્ર ભારત સરકાર સાથે ગાઢ સકારાત્મક સંબંધ ધરાવે છે. ભવિષ્યમાં જો સ્થિતિ વણસે તો અમેરિકા વિશ્વ સામે ભારતના પક્ષે ઉભું રહે તે સૌ કોઈ જાણે છે. ચિંતિત ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના સામયિક ’ગ્લોબલ ટાઈમ્સ’ના એક લેખમાં સ્પષ્ટ કહ્યું છે કે ભારતે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા કોલ્ડવોરમાં વચ્ચે ન આવવું જોઈએ અને ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. જો ભારત અમેરિકાનો પક્ષ લેશે તો ભારતને નુકસાન થશે. અંકુશરેખા ઉપર ચીનનો દબદબો ઓછો થયો એના સિવાય જે આર્થિક નુકસાન વેઠવાનું થાય તેની પણ ચિંતા છે. ચીન અંકુશરેખા ઉપર વ્યર્થ આક્રમકતાનો દંભ દાખવીને ભારતને દબાણમાં રાખવા ઈચ્છે છે.
પૂર્વીય લદાખમાં પેંગોગ તસો સરોવરના કિનારા સુધી આઠ પહાડો આવેલા છે. પહાડોના આકાર મુજબ ફિંગર-વનથી ફિંગર-એઇટ સુધી તેને નામ આપવામાં આવ્યા છે. ભારત કહે છે ફિંગર-વનથી ફિંગર-એઇટ સુધીનો વિસ્તાર એનો છે પણ ચીનનો દાવો ફિંગર-ટુથી લઈને ફિંગર-એઇટ સુધીનો છે. ફિંગર-ટુ અને ફિંગર-થ્રિની વચ્ચે ભારતીય સેનાના કેમ્પ છે તો ચીની સેનાના કેમ્પ ફિંગર-એઇટ પછી છે. ચીને ફિંગર-ફોર સુધી રસ્તાઓ બનાવ્યા છે. જ્યારે ભારતીય સૈનિકોએ ત્યાંથી આગળ પગપાળા જ જવું પડે છે. ભારતીય સૈનિકો ફિંગર-ફોર અને ફિંગર-ફાઈવથી આગળ પણ પેટ્રોલિંગ કરી શકે છે. અંકુશરેખા પર ચાલતા તણાવને કારણે ચીની લશ્કર વારંવાર ભારતીય સૈનિકોની કનડગત કરતા રહે છે. ચીની સૈનિકો પેટ્રોલિંગ કરે તો ભારતીય સૈનિકો પણ તેને રોકે છે. બંનેના પેટ્રોલિંગના સમય અલગ હોય તો વાંધો નથી આવતો પણ સામસામે મળી જાય તો અથડામણ થવી સ્વાભાવિક છે.
અત્યારે ચીની સૈનિકોએ ફિંગર-ફોર પાસે આવીને પોતાનો જમેલો નાખ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચીનના દાવાઓ અંકુશરેખા વિસ્તારવાના પ્રયાસરૂપે થઈ રહ્યા છે. ચીની ચાલ મુજબ ભારત ફિંગર-ફોરથી આગળ ન વધી શકે એવું પ્રયોજન છે. આ બધા વિવાદ રોકવા માટે ઘણી વખત બંને લશ્કરના અફસરોની મંત્રણા થઈ છે. થતી રહે છે. આ મહિનામાં પણ એક બેઠક થઈ પરંતુ એનું કોઈ પરિણામ આવતું નથી. ખંધા ચીનને ભારતને પોતાના દબાણ નીચે રાખવુ છે અને અમેરિકાથી દૂર રાખવું છે. હવે રાજદ્વારી સ્તર ઉપર જો કોઈ ઉકેલ આવે તો જ આ સમસ્યાનું નિરાકરણ આવી શકે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સરકાર કબજે કરીને રચી અને અશરફ ગની ભાગેડૂ થયા એના પછી ચીનના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. કારણ કે ચીન પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની જે નવી ધરી રચાઇ રહી છે એ સમગ્ર એશિયા માટે નવી આપત્તિઓનું મુખ્ય કારણ છે. તાલિબાનોએ જો કે એ સ્પષ્ટતા કરી દીધી છે કે અમે ભારતના કોઈ પણ આંતરિક મામલામાં દખલ દેવાના નથી. ઉપરાંત અફઘાનિસ્તાનનો ઉપયોગ ભારતના વિરોધમાં કોઈ કરી શકશે નહીં. પરંતુ આ બધી માત્ર વાતો છે અને તાલિબાનો પર કોઈ વિશ્વાસ કરતું નથી. આવનારા સમયમાં એ જોવાનું રહે છે કે તાલિબાનો કે જેઓ હવે આતંકવાદીમાંથી એક રાજકીય પક્ષ તરીકે અફઘાન સરકારનું સંચાલન કરવા લાગ્યા છે તેઓ કેટલી હદે પોતાની જાતને સમર્થ રાજનેતાઓમાં રૂપાંતરિત કરી શકે છે. અફઘાનિસ્તાનના સમગ્ર ઘટનાક્રમમાં પાકિસ્તાનની શતરંજની ચાલ હવે શરૂ થવાની છે. પાકિસ્તાન એક તો અફઘાનિસ્તાનની કુદરતી સંપદાને લૂંટવાનો ખ્યાલ ધરાવે છે અને બીજી તરફ તાલિબાનોના મિત્ર તરીકે તે દેખાવ કરે છે. ચીને આ સંયોગોમાંથી પોતાનો સ્વાર્થ સાધવો આસાન નહિ હોય કારણ કે પાકિસ્તાનમાં ચીનનું અબજો ડોલરનું રોકાણ છે.