ચાર દિવસ પહેલા રાજુલાનાં ખાખબાઇ ગામ પાસે સાધ્વીનું ખુન કરી નાસી જનાર આરોપી ઝડપાયો

અમરેલી,
રાજુલા તાલુકાના ખાખબાઇ ગામ પાસે ચામુંડા આશ્રમ આવેલ છે. આ આશ્રમમાં રેખાબેન ગોવિંદભાઇ મેર નામના સાધ્વી રહેતા હતાં. રેખાબેન છેલ્લા વીસ વર્ષથી સાધ્વી જીવન જીવતા હતાં અને આ આશ્રમમાં સેવાપુજા કરતા હતાં. આ આશ્રમમાં અરવિંદ ઉર્ફે નકો ગોબરભાઇ ડાભી નામનો સેવક પણ છેલ્લા ત્રણેક વર્ષથી રહેતો હતો. સેવક અરવિંદ ઉર્ફે નકો ગોબરભાઇ ડાભીના મનમાં આ આશ્રમની જમીન પચાવી પાડવાની લાલચ જાગતાં, તેણે સાધ્વી રેખાબેન પાસે આ જમીન માંગેલ હતી પરંતુ સાધ્વી રેખાબેને આશ્રમની જમીન આપવાની ના પાડતાં, બંને વચ્ચે આશ્રમની જમીનના પ્રશ્ને માથાકુટ પણ થયેલ હતી, જેથી અરવિંદ ઉર્ફે નકો આશ્રમ છોડીને જતો રહેલ હતો. ગઇ તા.21/11/2021 ના સાંજના સાતેક વાગ્યે સાધ્વી રેખાબેન તથા તેમના મોટા બહેન મધુબેન વા/ઓ ભાવેશભાઇ કાનાભાઇ મકવાણા, ઉ.વ.60, રહે.હાલ ખાખબાઇ, તા.રાજુલા, જિ.અમરેલી, મુળ રહે.વિસાવદર તા.વિસાવદર જિ.જુનાગઢનાઓ ચામુંડા આશ્રમના ફરજામાં ગાય દોહવા માટે જતાં, આશ્રમની જમીન બાબતે થયેલ માથાકુટનું મનદુ:ખ રાખી, અરવિંદ ઉર્ફે નકો ગોબરભાઇ ડાભીએ સાધ્વી રેખાબેનને છરા જેવા તિક્ષ્ણ હથિયાર વડે આડેધડ ઘા મારી, સાધ્વી રેખાબેનની હત્યા નિપજાવી, સાધ્વી રેખાબેનના મોટા બહેન મધુબેનને જાનથી મારી
નાંખવાની ધમકી આપી, ત્યાંથી નાસી છુટેલ હતો. ઉપરોક્ત હત્યાના બનાવ અંગે મરણ જનાર સાધ્વી રેખાબેનના મોટા બહેન મધુબેન વા/ઓ ભાવેશભાઇ કાનાભાઇ મકવાણાની ફરિયાદ પરથી રાજુલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ગુનો રજી. થયેલ હતો. અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ ખાખબાઇ આશ્રમના સાધ્વીની હત્યા કરી, નાસી છુટનાર અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપી અંગે માહિતી મેળવી, તેને પકડી પાડી, તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી., એસ.ઓ.જી. તથા રાજુલા પો.સ્ટે.ની અલગ અલગ ટીમો બનાવી, આરોપીને પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હતું. જે અન્વયે અમરેલી એલ.સી.બી ના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરીનાઓની રાહબરી નીચે અમરેલી એલ.સી.બી ટીમે ચોક્કસ બાતમી મેળવી, આ ગુનાના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપી અરવિંદ ઉર્ફે નકો ગોબરભાઇ ડાભી, ઉં.વ.30, રહે.મુળ ખાખબાઇ, ચામુંડા આશ્રમ, તા.રાજુલા, જિ.અમરેલી, મુળ રહે.વેળાવદર, તા.ગારીયાધાર, જિ.ભાવનગરને વોચ ગોઠવી, રાજુલા હિંડોરણા ચોકડી પાસેથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે. આરોપીને ઝડપી લઇ રાજુલા પોલીસ મથકને સોંપેલ છે.