ઓમિક્રોન બધે ફેલાઈ જવાનો છે કારણ કે આપણે નિયમો પાળીએ છીએ ક્યાં ?

આપણે ત્યાં કોરોના જતો રહ્યો હોય એવો માહોલ છે ને લોકો બગીચામાં ફરતાં હોય એ રીતે જાહેર સ્થળોએ મહાલી રહ્યાં છે. કોરોના ભૂતકાળની વાત હોય ને હવે ફરી કદી કોરોનાનો ક પણ સાંભળવા ન મળવાનો હોય એ રીતે લોકો વર્તી રહ્યાં છે. મોટાં શહેરોમાં મોટા ભાગનાં લોકો હજુય માસ્ક પહેરે છે પણ ગામડાંમાં તો લોકો માસ્કનો પણ ત્યાગ કરીને બિનધાસ્ત ફરી રહ્યાં છે. કોરોનાના કેસ ઘટી ગયા છે ને કોરોનાના કારણે થઈ રહેલાં મોતનો આંકડો તો સાવ ગગડી ગયો છે તેથી લોકો સાવ નિર્ભિક બની ગયાં છે. દિવાળીના તહેવારો પહેલાંથી જ આ માહોલ છે ને કેસ ઘટી રહ્યા છે તેમ તેમ લોકોની નિડરતા વધતી જ જાય છે.
લોકોના મનમાંથી કોરોનાનો ડર નિકળી ગયો તેના માટે આપણી સરકારો અને રાજકીય પક્ષો પણ જવાબદાર છે. રાજકીય પક્ષો પોતાના રાજકીય ફાયદા માટે જાતજાતના ને ભાતભાતના કાર્યક્રમો કરી રહ્યા છે. દેશના વિવિધ રાજ્યોમાં વિધાનસભા ને લોકસભાની પેટાચૂંટણીઓ થતી રહેતી હોય છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીઓ તો બંધ થતી જ નથી. ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ ચાલુ જ હોય છે. રાજ્ય સરકાર પણ કોરોનાને લગતાં નિયંત્રણો હળવાં કરી નાખ્યાં છે ને લોકોની ભીડ એકઠી થાય એવા કાર્યક્રમોની છૂટ આપી દેવાઈ છે. મોટા ભાગનાં રાજ્યોમાં પ્રાથમિક શાળાઓ પણ ખોલી દેવાઈ છે ને કોરોનાનો ડર રાજ્ય સરકારોએ પણ છોડી દીધો છે તેનો આનાથી મોટો બીજો ક્યો પુરાવો હોઈ શકે ? ટૂંકમાં આપણે ત્યાં બધા લેવલે કોરોના જતો રહ્યો એ રીતેનું વર્તન જ થઈ રહ્યું છે.
આ માહોલમાં કોરોનાનો “ઓમિક્રોન’ નામનો નવો વાઈરસ આવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોના વાઇરસના નવા વેરિયેન્ટે આખી દુનિયાને ફફડાવી નાંખી છે ને દોડતી કરી દીધી છે એમ કહીએ તો ચાલે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)એ કોરોનાના આ નવા વેરિયેન્ટને “ઓમિક્રોન’ નામ આપ્યું છે. કોરોના વાઇરસને ગ્રીક આલ્ફાબેટ મુજબ નામ અપાય છે તેથી કોરોનાના પહેલા વેરિયેન્ટને આલ્ફા, બીજા વેરિયેન્ટને બીટા, ત્રીજા વેરિયેન્ટને ગામા અને ચોથા વેરિયેન્ટને ડેલ્ટા નામ આપવામાં આવ્યું હતું. સમય જતાં નવા નવા વાઈરસ ઉમેરાતા ગયા ને આ શ્રેણીમાં અનેક વેરિયેન્ટ ઉમેરાતા ગયા. હવે જેના કારણે ફફડાટ છે એ કોરોના વાઈરસનો 15મો વેરિયેન્ટ છે. ગ્રીક આલ્ફાબેટ્સમાં પંદરમા સ્થાને ઓમિક્રોન છે તેથી આખા વેરિયેન્ટને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ઓમિક્રોન નામ આપવામાં આવ્યું છે.
આ “ઓમિક્રોન’નો ફેલાવો ઝડપથી વધી રહ્યો છે ને ભારતમાં પણ તેના કેસ આવી ગયાનું કહેવાય છે. “ઓમિક્રોન’ વેરિયેન્ટનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ પહેલી વાર 24 નવેમ્બરના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને પોતાને ત્યાં નોંધાયેલા “ઓમિક્રોન’ વાઈરસના કારણે થયેલા કોરોનાના પહેલાં કેસની જાણકારી આપી હતી. ડબલ્યુએચઓએ નવા વેરિયેન્ટની ઘાતકતાન ધ્યાને લઈને દક્ષિણ એશિયાઈ દેશોને વિશેષ સતર્કતા રાખવા માટેની સૂચના આપી પછી બધા સફાળા જાગ્યા પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. વિદેશી પ્રવાસીઓના કારણે એ ફેલાવા માંડ્યો ને હવે “ઓમિક્રોન’ વાઈરસના યુરોપના 10થી વધારે દેશોમાં ફેલાયો છે. બ્રિટનમાં પણ પહોંચી ગયો છે ને એશિયાના હોંગકોંગ સહિતના દેશોમાં પણ પહોંચી ગયો છે.
મોડે મોડે જાગેલી મોટા ભાગના દેશોની સરકારોએ માસ્ક પહેરવાનું અને આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસીઓનું ટેસ્ટિંગ કડક બનાવવાનો આદેશ આપ્યો છે.
આપણે સૌથી છેલ્લા જાગ્યા છીએ ને રવિવારે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને કાગળ લખીને નવા વેરિયેન્ટ સામે ચેતવા કહ્યું છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આકરા ક્ન્ટેઈનમેન્ટ નિયમોનો અમલ કરવા કહ્યું છે, માસ્ક ફરજિયાત કરવા કહ્યું છે ને બધા જરૂરી જે પણ લાગે તે પગલાં લેવા પણ કહ્યું છે. આ સૂચના આપવી પડી તેનું કારણ એ છે કે, બહારથી ભલે બધું સમુંસુતરું લાગે પણ અંદરખાને કેટલા કેસ થઈ ગયા તે ખબર નથી.
“ઓમિક્રોન’ વાઈરસના કારણે કોરોનાના કેસો વધશે કે નહીં એ ખબર નથી પણ “ઓમિક્રોન’ વાઈરસના કારણે બધા ફફડાટમાં છે જ તેમાં મીનમેખ નથી. આ ફફડાટનું કારણ એ છે કે, “ઓમિક્રોન’ વાઈરસ કોરોનાનો અત્યાર સુધીનો સૌથી ખતરનાક વાઈરસ કહેવાય છે. “ઓમિક્રોન’ વાઈરસ ખતરનાક કેમ છે એ પણ સમજવા જેવું છે.
વિશ્વમાં કોરોનાની બીજી લહેર માટે કોરોના વાઈરસનો ડેલ્ટા વેરિયેન્ટ જવાબદાર હતો. આ ઓમિક્રોન વેરિયેન્ટ ડેલ્ટા વેરિયેન્ટ કરતા પણ 7 ગણો વધુ ખતરનાક છે. આ વેરિયેન્ટ ડેલ્ટા વેરિયેન્ટ કરતાં વધારે ઝડપથી માનવીઓમાં ફેલાય છે તેના કારણે પણ વધારે ખતરનાક મનાય છે.
બીજા દેશોમાં “ઓમિક્રોન’ વાઈરસના બહુ કેસ હજુ આવ્યા નથી તેથી કશું પણ કહેવું વહેલું છે પણ દક્ષિણ આફ્રિકામાં મળતા 90 ટકા કેસ ઓમિક્રોન વેરિયેન્ટના છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં આશરે 210% નો વધારો થયો છે તેના પરથી જ “ઓમિક્રોન’ વાઈરસ કેટલો ખતરનાક છે તેની ખબર પડી જાય. કેટલાક વૈજ્ઞાનિકોની દલીલ છે કે, દક્ષિણ આફ્રિકામાં વેક્સિનેશન ઓછું થયું હોવાથી ત્યાં તે ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ વાત સાચી છે કે નહીં એ ખબર નથી. કેટલાક વૈજ્ઞાનિકો કહી રહ્યાં છે કે, ઓમિક્રોન વાઈરસનું મ્યૂટેશન ઝડપથી થતું હોવાથી વેક્સિન પણ તેના પર વધુ અસરકારક નથી. આ વાત પણ કેટલી સાચી છે તે ખબર નથી પણ આ વાતો કરનારા વિજ્ઞાનીઓ જ છે તેથી તેમને ગંભીરતાથી લેવી પડે. આ વાતો એ વાતનો પુરાવો છે કે, આ વાઈરસ ખતરનાક છે જ.
જો કે ગમે તેવો ખતરનાક વાઈરસ હોય પણ તેનાથી બચી તો શકાય જ ને ઓમિક્રોન વાઈરસથી પણ બચી તો શકાય છે જ. કોરોનાના નવા વેરિયેન્ટનાં મોટા ભાગનાં લક્ષણો અગાઉના કોરોના વાઈરસ જેવાં જ છે. ઉધરસ, તાવ, શ્ર્વાસ લેવામાં તકલીફ વગેરે તેનાં પ્રાથમિક લક્ષણો છે. ઓમિક્રોન વેરિયેન્ટ પણ ફેફસાં પર અસર કરે છે ને શ્ર્વાસો શ્ર્વાસની બીમારીથી પિડાતા દર્દીઓ પર વધુ અસર કરે છે. ઓછી રોગપ્રતિકારક શક્તિવાળા લોકોમાં પણ તે ઝડપથી ફેલાય છે. ટૂંકમાં ઓમિક્રોન વાઈરસનો ચેપ લાગે ત્યારે તે બહુ ખતરનાક બની જાય છે પણ ચેપ ના લાગે તો બહુ ચિંતા કરવા જેવું નથી. સ્થિતિ એ પેદા કરવી જોઈએ કે ચેપ ના લાગે ને એ માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને વેક્સિન શ્રેષ્ઠ ઉપાય છે. આ સંજોગોમાં લોકો અત્યંત સાવચેત રહે અને માસ્ક પહેરવાનું ચાલુ રાખે એ ખૂબ જ મહત્ત્વનું છે.
કમનસીબે આપણે ત્યાં લોકો આ જ વાત સમજતાં નથી. લોકોની વાત છોડો પણ જે લોકોની જવાબદારી કોરોનાને રોકવાની છે એ લોકો પણ ક્યાં સમજે છે ? આપણા વડા પ્રધાન લોકોની સૂફિયાણી સલાહો આપ્યા કરે છે. માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, સતર્ક રહો એવી ડાહી ડાહી વાતો એ કર્યા કરે છે પણ પોતે જ અલગ રીતે વર્તે છે. કોરોનાની પહેલી લહેર વખતે બિહાર સહિતનાં રાજ્યોમાં લાખોની મેદની એકઠી કરીને ચૂંટણી સભાઓ કરી. બીજી લહેર વખતે બંગાળ સહિતનાં રાજ્યોમાં એ જ ખેલ કર્યો ને અત્યારે ઉત્તર પ્રદેશમાં એ જ ધંધો માંડીને બેઠા છે. મોદી અઠવાડિયામાં બે દાડા ઉત્તર પ્રદેશ જાય છે ને લાખોની મેદની એકઠી કરીને સભાઓ કરે છે. આવતા વરસની શરૂઆતમાં યુપી સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે તેથી આ પ્રમાણ વધશે. હવે મોદી પોતે ભીડ એકઠી કરતા હોય તો તમે બીજા નેતાઓ પાસેથી શું અપેક્ષા રાખવાના ? લોકોને સુરક્ષિત રાખવાની, લોકો સામે એક ઉદાહરણ રજૂ કરવાની જવાબદારી જેમની સૌથી વધારે છે તેમને જ ભીડ ભેગી કરીને પોરસાવાના શોખ હોય ત્યાં બીજાં પાસેથી શું તમે અપેક્ષા રાખી શકો ? મોદીના રસ્તે બીજા નેતા પણ ચાલવાના ને આ ધંધો પૂરબહારમાં ચાલવાનો એ નક્કી છે.