ક્રિપ્ટો કરન્સીની વકીલાત કરનારાઓની સામે સરકાર ડિજિટલ કરન્સીની આગ્રહી

ભારતમાં ક્રિપ્ટો કરન્સીને માન્યતા મળશે કે નહીં તેના કમઠાણ વચ્ચે સોમવારે ક્રિપ્ટો કરન્સી મુદ્દે બે મોટા સમાચાર આવ્યા. સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું છે ને સત્રના પહેલા જ દિવસે નાણાં મંત્રાલયે ચોખવટ કરી કે, ભારતમાં બિટકોઈનને ચલણ તરીકે માન્યતા આપવાની કોઈ દરખાસ્ત નથી ને કેન્દ્ર સરકાર બિટકોઈનના સોદાના આંકડા એકઠા કરી રહી હોવાની વાત પણ સાવ ખોટી છે. ક્રિપ્ટોકરન્સી મુદ્દે લોકસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં લેખિતમાં મોદી સરકારે આ ચોખવટ કરી છે. ભારતમાં બિટકોઈન્સને મંજૂરી અપાશે એવા ગપગોળા લાંબા સમયથી ચાલ્યા કરે છે. નાણાં મંત્રાલયના જવાબ પછી આ ગપગોળો ઓગળી જશે એવી આશા છે.

ક્રિપ્ટો કરન્સી મુદ્દે બીજા મોટા સમાચાર એ છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સરકાર પાસે પોતાની ડિજિટલ કરન્સી શરૂ કરવાની મંજૂરી માંગી છે. નાણાં મંત્રાલયે લોકસભામાં લેખિત જવાબમાં કહ્યું છે કે, રિઝર્વ બેંકે ગયા મહિને એટલે કે ઓક્ટોબરમાં જ અરજી આપીને ‘બેંક નોટ’ની વ્યાખ્યામાં સુધારો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, ૧૯૩૪માં સુધારો કરવાની અરજી આપી છે. રિઝર્વ બેંક એક્ટ હેઠળ અત્યારે ‘બેંક નોટ’ની વ્યાખ્યામાં કાગળ પર છપાયેલી ચલમી નોટો જ આવે છે. રિઝર્વ બેંકે અરજી કરીને ‘બેંક નોટ’ની વ્યાખ્યામાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીડીબીસી)ને પણ આવરી લેવા વિનંતી કરી છે. ‘બેંક નોટ’ની વ્યાખ્યાનો વ્યાપ વધારીને ડિજિટલ સ્વરૂપની કરન્સીને પણ ‘બેંક નોટ’ ગણવાની રિઝર્વ બેંકની માગ છે. રિઝર્વ બેંકની દલીલ એ છે કે, ‘બેંક નોટ’ની વ્યાખ્યામાં ડિજિટલ કરન્સીને પણ આવરી લેવાથી ઘણ બધા ફાયદા થશે. સૌથી મોટો ફાયદો એ થશે કે, રોકડ પરનું અવલંબન ઘટશે અને આર્થિક વ્યવહારો સરળ થશે.

આ બંને સમાચાર મોટા છે કેમ કે બિટકોઈન્સને ભારતમાં મંજૂરી મુદ્દે લાંબા સમયથી ખેંચતાણ ચાલતી હતી. મોદી સરકારમાં એક વર્ગ બિટકોઈન્સને મંજૂરીની તરફેણમાં હતો પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ મંજૂરીની વિરૂદ્ધ સૂર કાઢેલો. વાસ્તવમાં રિઝર્વ બેંક પહેલાંથી બિટકોઈન્સ સહિતની ક્રિપ્ટો કરન્સીની વિરૂદ્ધ જ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૬ એપ્રિલ, ૨૦૧૮ના રોજ પરિપત્ર બહાર પાડીને તમામ વર્ચ્યુઅલ કરન્સી પર પ્રતિબંધ મૂકી દીધેલો. રિઝર્વ બેંકે વર્ચ્યુઅલ કરન્સીને ગેરકાયદેસર જાહેર કરીને તેનો સોદો કરનારી બેંકો પર પણ પ્રતિબંધ મૂકવાનું એલાન કરેલું.

રિઝર્વ બેંકનું વલણ યોગ્ય હતું પણ કમનસીબે આ પ્રતિબંધ ટકેલો નહીં. ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (આઈએએનએઆઈ)એ આ પ્રતિબંધને સુપ્રીમ કોર્ટમાં પડકારેલો. સુપ્રીમ કોર્ટે એ અરજીને માન્ય રાખીને વર્ચ્યુઅલ કરન્સી પરના પ્રતિબંધને અને તેના સોદા કરતી બેંકો પરના પ્રતિબંધને પણ ગેરબંધારણીય ગણાવતો ચુકાદો આપ્યો તેના કારણે પ્રતિબંધ હટી ગયો પણ રિઝર્વ બેકનું વલણ ના બદલાયું. રિઝર્વ બેંકની દલીલ એ છે કે, બિટકોઈન કે બીજી કોઈ પણ ક્રિપ્ટો કરન્સીને ચલણ તરીકે માન્યતા આપો તો દેશમાં એક સમાંતર અર્થતંત્ર ઊભું થાય. ભવિષ્યમાં આ ક્રિપ્ટો કરન્સીનો ફેલાવો અને ઉપયોગ સત્તાવાર ચલણથી વધી જાય એવું બને. તેના કારણે ક્રિપ્ટો કરન્સીનું સમાંતર અર્થતંત્ર આપણા  સત્તાવાર અર્થતંત્ર કરતાં મોટું થઈ જાય ને દેશ જ પતી જાય.

રિઝર્વ બેંકની દલીલ સો ટકા સાચી છે. આ તો ક્રિપ્ટો કરન્સીને માન્યતાના મુખ્ય ખતરાની વાત કરી પણ બીજા ખતરા પણ નાના નથી. આ બધા ખતરા દેશની સુરક્ષા, સલામતી, એકતા ને અખંડિતતા સામે ખતરો ઊભો કરે એવા છે. તેનું કારણ એ કે, આતંકવાદીઓથી માંડીને ડ્રગ્સનો ધંધો કરનારા સુધીના બધા ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરીને આર્થિક વ્યવહારો કરે છે. આ બધા તાકાતવર થાય તો દેશનું શું થાય એ કહેવાની જરૂર નથી. આ સંજોગોમાં બિટકોઈન્સને મંજૂરી ન જ મળવી જોઈએ ને મોદી સરકારે શાણપણ વાપરીને એ જ નિર્ણય લીધો છે.

રિઝર્વ બેંકની સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીડીબીસી) શરૂ કરવાની યોજના પણ એક સારો નિર્ણય છે. આ યોજનામાં ઘણાં બધાં જોખમ રહેલાં છે પણ સામે ફાયદો પણ બહુ મોટો છે. મોદી સરકારે અત્યારે આપેલી મહિતી પ્રમાણે રીઝર્વ બેંકે બેંક નોટ’ની વ્યાખ્યામાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીડીબીસી)ને સામેલ કરવા અરજી કરી છે. તેના કારણે એવી છાપ પડે કે, હજુ બધું પ્રારંભિક તબક્કે છે ને સરકાર મંજૂરી આપે પછીની બધી વાત છે. જો કે મોદી સરકારે જે જવાબ આપ્યો છે તેના પરથી લાગે કે, ‘બેંક નોટ’ની વ્યાખ્યામાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીડીબીસી)નો સમાવેશ કરવાની રિઝર્વ બેંકની અરજી ઔપચારિકતા જ છે ને અંદરખાને બધું નક્કી જ છે.

નાણાં મંત્રાલયે લેખિત જવાબમાં જે ઉત્સાહથી સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીડીબીસી)ના ફાયદા ગણાવ્યા છે તેના પરથી લાગે જ કે, રિઝર્વ બેંક કરતાં વધારે ઉતાવળ ને ઉત્સાહ બંને સરકારને છે. સરકારે લેખિત જવાબમાં કહ્યું છે કે, કોઈ પણ પ્રકારના કે સાવ ઓછા અવરોધ વિના સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીડીબીસી) દાખલ કરી શકાય એ માટેના તબક્કા નક્કી કરવા પર રિઝર્વ બેંકે કામ કરી રહી છે અને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીડીબીસી)નો ઉપયોગ કઈ કઈ રીતે કરી શકાય તેની શક્યતા પણ ચકાસી રહી છે. આ વાતનો મતલબ શો? એ જ કે ડિજિટલ કરન્સી અમલમાં મૂકવાનું નક્કી જ છે ને રિઝર્વ બેંક પહેલેથી એ કામમાં લાગેલી જ છે. સવાલ સમયનો છે, રિઝર્વ બેંક પ્રાથમિક વિધિઓ પતાવી દે તેની જ રાહ જોવાય છે.

નાણાં મંત્રાલયે ડિજિટલ કરન્સીના ફાયદા પણ ગણાવ્યા છે. રોકડ પરનું અવલંબન ઘટશે અને આર્થિક વ્યવહારો સરળ થશે એ ફાયદો તો રિઝર્વ બેંકે તેની અરજીમાં જ ગણાવી દીધો છે ને બાકીના ફાયદા સરકારે લેખિત જવાબમાં ગણાવી દીધા છે. બીજો ફાયદો એ છે કે, ટ્રાન્ઝેક્સન ખર્ચ એકદમ ઓછો હોવાથી વધારે પ્રમાણમાં વપરાશ, સેટલમેન્ટનું રિસ્ક ઓછું વગેરે ફાયદા પણ ગણાવાયા છે. સરકારે લેખિત જવાબમાં એમ પણ કહ્યું છે કે, સીડીબીસીના કારણે વધારે ચૂકવણીનો વધારે મજબૂત, કાર્યક્ષમ, ભરોસાપાત્ર, નિયંત્રિત અને કાનૂની વિકલ્પ ઉપલબ્ધ થશે. મોદી સરકાર જે રીતે સીડીબીસીને વખાણી રહી છે તેના પરથી સ્પષ્ટ છે કે, સરકાર સીબીડીસી લાવવાનું નક્કી કરીને બેઠી છે ને ઔપચારિકતા જ બાકી છે.

સીબીડીસીનો સૌથી મોટો ફાયદો એ ગણાવાય છે કે, સીબીડીસીના કારણે રોકડ પર અવલંબન ઘટશે ને આર્થિક વ્યવહારો સરળ થશે. આ ફાયદો ચોક્કસ છે પણ એ ફાયદા માટે તો બીજા વિકલ્પો પણ ઉપલબ્ધ છે જ. નેટબેકિંગ, ક્રેડિટ કાર્ડ, મની ટ્રાન્સફર એપ્સ સહિતના ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે જ.  લોકો અત્યારે એ વિકલ્પ અજમાવીને રોકડ પરનું અવલંબન ઓછું કરી જ રહ્યા છે તેથી આ ફાયદો બહુ મોટો નથી. સરકારે બીજા જે પણ ફાયદા ગણાવ્યા એ પણ એવા જોરદાર નથી કે જેના પર વારી જવાય એ જોતાં પહેલી નજરે આ યોજના બહુ જોરદાર ના લાગે પણ તેના કારણે અર્થતંત્રને બહુ મોટો ફાયદો થઈ શકે છે.

રિઝર્વ બેંક સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીડીબીસી)ને કયા સ્વરૂપમાં માન્યતા આપશે એ ખબર નથી પણ કરન્સી તરીકે ને રોકાણના વિકલ્પ એમ બંને તરીકે માન્યતા આપે એવી શક્યતા છે. મતલબ કે, કોઈની પાસે રિઝર્વ બેંકની ડિજિટલ કરન્સી હોય તો તે શેર, ગોલ્ડ કે બોન્ડની જેમ રોકાણ જ ગણાશે. બિટકોઈન સહિતની ક્રિપ્ટો કરન્સીના ભાવમાં વધઘટ થાય છે એ રીતે સીબીડીસીના ભાવમાં પણ વધઘટ થશે. ટૂંકમાં સીબીડીસી કમાણીનું સાધન બની શકે છે તેથી આખી દુનિયામાંથી રોકાણ આપણે ત્યાં ઠલવાઈ શકે.
વેનેઝુએલાને બાદ કરતાં દુનિયાના બીજા કોઈ દેશે ડિજિટલ કરન્સી બહાર પાડી નથી ને આપણે પહેલો દેશ બનીએ તેનો ફાયદો આપણને મળે.

બહારનું રોકાણ આવે તેના કારણે આપણા અર્થતંત્રમાં રોકડ ફરતી થાય ને તેનો ફાયદો મોટો છે. અત્યારે આપણે સીધું વિદેશી રોકાણ લાવવા માટે વિદેશી રોકાણકારોના પગ પકડવા પડે છે. તેના બદલે ક્રિપ્ટોમાં સીધું વિદેશી રોકાણ આવે. ક્રિપ્ટો ખરીદવા પહેલી વાર રૂપિયામાં ચૂકવણી કરવી પડે ને એ રકમ પછી રીઝર્વ બેંકે પાછી આપવાની નથી તેથી આ રકમ આપણી જ કહેવાય. આ રકમમાંથી આપણે મોટા મોટા ઈન્ફ્રા પ્રોજેક્ટ પાર પાડી શકીએ એ જોતાં સીબીડીસીનો વિચાર ખોટો નથી. સીબીડીસીના કારણે કેટલાંક જોખમો પણ છે. સીબીડીસીમાં આવતું રોકાણ કેવું છે તે ખબરપડતી નથી. તેના કારણે હવાલાથી માંડીને બીજા ખરાબ ધંધાને પ્રોત્સાહન મળે એ ખતરો સૌથી મોટો છે. સરકારે તેને માટે આકરી નાકાબંધી કરવી પડે.