પેટ્રોલિયમ પેદાશોના વિકલ્પરૂપે હવે ગડકરી નવી દુનિયા વસાવી રહ્યા છે

દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સો રૂપિયાને પાર થઈ ગયા હતા ને કરવેરામાં ઘટાડા પછી એ સો રૂપિયાની અંદર આવી ગયા છે પણ નેવું રૂપિયાથી સો રૂપિયાની વચ્ચે તો છે જ. આ ભાવ પણ ઊંચો જ કહેવાય ને હજુય સામાન્ય માણસની કમર તૂટી જાય એટલા ઊંચા તો છે જ. આ ભાવવધારાથી કઈ રીતે બચવું તેની પળોજણમાં સામાન્ય માણસ લાગેલો છે ત્યારે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ ભવિષ્યમાં આ ભાવવધારાના મારથી બચવાની આશા જાગે એવી વાત કરી છે. નીતિન ગડકરીની દૃષ્ટિ પહેલેથી જ ભવિષ્યગામી છે. એનડીએ સરકારમાં કેટલાક જ જૂજ પ્રધાનો એવા છે જેને વડાપ્રધાન મોદીએ સ્વતંત્ર રીતે નિર્ણયો લેવાની સત્તા આપેલી છે. આજે મોદીના સૌથી વિશ્વસનીય સાથીઓમાં ગડકરી પહેલી પંગતમાં છે.

ગડકરીએ એલાન કર્યું છે કે, પોતે બે-ત્રણ દિવસમાં કાર ઉત્પાદક કંપનીઓએ ફરજિયાતપણે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનનું ઉત્પાદન કરવું પડે એવા આદેશ પર સહી કરશે. ગડકરીનું કહેવું છે કે, આપણે અત્યારે વરસે ૮ લાખ કરોડ રૂપિયાનું આંધણ ક્રૂડ ઓઈલ ખરીદવા માટે કરીએ છીએ ને હવે નહીં જાગીએ તો સાવ લાંબા થઈ જઈશું. ભવિષ્યમાં આપણું ક્રૂડ ઓઈલ આયાતનું બિલ ૨૫ લાખ કરોડજને આંબી જશે ને ટેક્સમાંથી જે કંઈ કમાણી થાય છે એ બધી ક્રૂડ ઓઈલની આયાતમાં ખર્ચાશે. મતલબ કે, ગાયને દોહીને કૂતરાંને પાવા જેવું થશે ને આપણાં છોકરાં રઝળશે. આ દાડા આવે એ પહેલાં આપણે જાગવું જરૂરી છે ને ક્રૂડ ઓઈલની આયાતનું બિલ ઘટાડવું પડે. આ બિલ ઘટાડવા પેટ્રોલ-ડીઝલના બદલે બીજાં બળતણ પર ચાલતાં વાહનો વધારવાં પડે કે જેથી પેટ્રોલ-ડીઝલની ખપત ઘટે. એ માટેના ઓર્ડર પર હું બે-ત્રણ દાડામાં સહી કરવાનો છું.

ગડકરીનું એલાન બહુ મોટું છે ને તેના કારણે દેશને બહુ મોટો ફાયદો થશે. આ ફાયદાની વાત કરતા પહેલાં ફ્લેક્સ-ફ્યુઅલ શું છે એ સમજવું જરૂરી છે. બે બળતણ પર ચાલતી કારને ફ્લેક્સ-ફ્યુઅલ કાર કહે છે. ફ્લેક્સ શબ્દ ફ્લેકિસબલ પરથી લેવાયો છે. ફ્લેક્સિબલ એટલે જરૂર પ્રમાણે વળી શકે એવું. ભારતમાં સીએનજી પર ચાલતી કાર્સ પ્રચલિત છે ને એ કારને ફ્લેક્સ-ફ્યુઅલ કાર જ કહેવાય. આ રીતે બે બળતણ પરની ફલેક્સ-ફ્યુઅલ  કારને સરળ ભાષામાં ડ્યુઅલ ફ્યુઅલ કાર પણ કહે છે. ઘણાં ઠેકાણે તેને હાઈબ્રિડ કાર પણ કહે છે.

અત્યારે દુનિયામાં અલગ અલગ પ્રકારની ફ્લેક્સ-ફ્યુઅલ કાર મળે છે પણ મોટા ભાગની કારમાં થોડા પ્રમાણમાં પેટ્રોલનો વપરાશ થાય જ છે. આપણે ત્યાં સીએનજી પર ચાલતી કારને સ્ટાર્ટ કરવા પેટ્રોલ જરૂરી હોય છે. સીએનજી કારની ફ્યુઅલ ટેંકમાં પેટ્રોલ ના હોય તો કાર સ્ટાર્ટ ના થાય. સીએનજી પતી જાય ત્યારે કારને પેટ્રોલ મોડ પર મૂકી દો તો સીએનજી કાર પેટ્રોલ પર પણ ચલાવી શકાય.  એ રીતે દુનિયાના બીજા દેશોમાં ને ખાસ તો અમેરિકા-યુરોપના વિકસિત દેશોમાં પેટ્રોલથી શરૂ થતાં ને અલગ અલગ બળતણ પર ચાલતાં વાહનો ચાલે જ છે. હાઈબ્રિડ વ્હિકલ્સ, સોલર સેલ, હાઈડ્રોજન સેલ વગેરે સેક્ધડ ફ્યુઅલ પર ચાલતાં વાહનો દુનિયાના બીજા દેશોમં ધૂમ વેચાય છે ને વપરાય પણ છે.

અમેરિકા સહિતનાં દેશોમાં હાઈબ્રિડ કહેવાતી કારો પણ ડ્યુઅલ-ફ્યુઅલ એટલે કે ફ્લેક્સ ફ્યુઅલ કાર જ છે. પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનમાં બેટરી હોય કે જે સતત ચાર્જ થતી રહે ને ફુલ ચાર્જ થઈ જાય એટલે પેટ્રોલ-ડીઝલના બદલે આપોઆપ વાહન એ બેટરી પર ચાલવા માંડે. અમેરિકામાં આવાં વાહનો મોટા પ્રમાણમાં વપરાય છે. આવાં વાહનો યુરોપમાં પણ મોટા પ્રમાણમાં વપરાય છે. ફ્રાન્સ જેવા દેશોમાં તો સોલર સેલ પર ચાલતાં વાહનો તરફ લોકો વધુ ને વધુ પ્રમાણમાં વળી રહ્યા છે.
ફ્લેક્સ ફ્યુઅલ વ્હીકલ્સમાં એક વિકલ્પ ઈથેનોલ પર ચાલતાં વાહનોનો છે. અમેરિકામાં ઈથેનોલ અને પેટ્રોલ પર ચાલતી કારનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. ઈથેનોલ ઘણા બધા પાકમાંથી બને પણ વિશ્ર્વમાં મકાઈ અને શેરડી બે પાકમાંથી ઈથેનોલ બનાવવાનું પ્રમાણ વધારે છે. અમેરિકામાં મકાઈ અને શેરડી મોટા પ્રમાણમાં પાકે છે તેથી ઈથેનોલનું ઉત્પાદન સારું થાય છે.

તેના કારણે ઈથેનોલથી ચાલતાં વાહનોનું પ્રમાણ મોટું છે. અમેરિકામાં ઈથેનોલનો ઉપયોગ સ્પેસ સાયન્સ સહિતની બીજી ટેકનોલોજીમાં વધારે થાય છે પણ સાથે સાથે ફ્લેક્સ-ફ્યુઅલ કાર પણ નોંધપાત્ર સંખ્યામાં જોવા મળે છે. આ કારમાં સો ટકા ઈથેનોલ ના  વપરાતું હોય પણ ૮૫ ટકા સુધી ઈથેનોલ ને ૧૫ ટકા પેટ્રોલનો ઉપયોગ કરી શકાય છે.જો કે ઈથેનોલ આધારિત ફ્લેક્સ ફ્યુઅલ પ્રકારની કારમાં બ્રાઝિલ વર્લ્ડમાં ટોપ પર છે. બ્રાઝિલમાં ફ્લેક્સ-ફ્યુઅલ કાર એ પ્રકારની હોય છે કે માત્ર ઈથેનોલ પર ચાલે, ઈથેનોલ ના હોય તો માત્ર ગેસોલિન એટલે કે પેટ્રોલ પર ચાલે ને ડ્રાઈવર ઈચ્છે તો થોડો સમય ઈથેનોલ ને થોડો સમય પેટ્રોલ પર પણ ચાલે.

બ્રાઝિલ વિશ્ર્વમાં ઈથેનોલના ઉત્પાદનમાં નંબર વન છે કે કેમ કે બ્રાઝિલમાં શેરડી અને મકાઈ બંને મોટા પ્રમાણમાં થાય છે પણ શેરડીમાંથી બનતું ઈથેનોલ વધારે સારું હોય છે તેથી બ્રાઝિલમાં મોટા ભાગનું ઈથેનોલ શેરડીમાંથી બને છે. બ્રાઝિલ જંગી પ્રમાણમાં ઈથેનોલ પેદા કરે છે તેથી બ્રાઝિલમાં કારમાં બળતણ તરીકે ૧૦૦ ટકા ઈથેનોલનો ઉપયોગ થાય છે. બ્રાઝિલમાં રસ્તા પર દોડતી કારમાંથી અત્યારે ૨૦ ટકા કાર એવી છે કે જેમાં બળતણ તરીકે માત્ર ને માત્ર ઈથેનોલનો ઉપયોગ થાય છે.

ભારતમાં ગડકરીનો વિચાર કેવા ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સના ઉત્પાદનનો છે તે ખબર નથી પણ ભારતમાં આ વિચાર સો ટકા અમલી બનાવી શકાય એવો છે. ભારતમાં ભારતમાં શેરડી અને મકાઈ બંનેનું જંગી પ્રમાણમાં ઉત્પાદન થાય છે તેથી ઈથેનોલ આધારિત ફ્લેક્સ-ફ્યુઅલ ચાલી શકે. બીજો વિકલ્પ બાયોફ્યુઅલનો છે. આપણે ખેતી પ્રધાન દેશ છીએ અને પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિ થાય છે. બધી વનસ્પતિમાંથી બાયોફ્યુઅલ ના બને પણ બાયોફ્યુઅલ બનાવી શકાય તેવી વનસ્પતિઓ પણ ભારતમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. આ વનસ્પતિઓને અલગ તારવવામાં આવે ને તેનો ઉપયોગ કરાય તો આપણા માટે જંગી પ્રમાણમાં બાયોફ્યુઅલનું ઉત્પાદન સરળ છે.