આજથી અમરેલી જિલ્લામાં માસ્કની કડક અમલવારીનો પ્રારંભ

  • સંક્રમણને અટકાવવા માસ્ક પહેરી પોતે તથા અન્યોને સુરક્ષીત કરવા જનતાને એસપીશ્રી નિર્લિપ્ત રાયનો અનુરોધ 
  • ઓમિક્રોન સામે સજજ થતુ તંત્ર : આજથી અમરેલી જિલ્લામાં જાહેર જગ્યાએ માસ્ક
    ન પહેરનારાઓની સામે કડક પગલા લેવાનો નિર્દેશ આપતા એસપીશ્રી નિર્લિપ્ત રાય 

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાના નવા વેરિયન્ટ એમિક્રોન સામે તંત્ર સાબદુ બન્યુ છે અને સૌ પ્રથમ પોલીસ તંત્ર દ્વારા તકેદારીના પગલાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગયા વખતે કોરોના સામે અમરેલી જિલ્લાને લાંબા સમય સુધી સુરક્ષીત રાખનાર એસપીશ્રી નિર્લિપ્ત રાય ફરી મેદાનમાં આવ્યા છે.
એસપીશ્રી નિર્લિપ્ત રાયએ જણાવ્યુ છે કે દેશ ઉપર હાલ કોરોના મહામારીના નવા વેરિયન્ટ એમિક્રોનનું જોખમ તોળાઇ રહ્યું છે. આ મહામારીથી આપની અને આપના પરિવારની સુરક્ષા માટે ફરજિયાત માસ્ક પહેરવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે અને આજથી જાહેર સ્થળે જો કોઇ પણ વ્યક્તિ માસ્ક પહેર્યા વગર મળી આવશે તો તેના વિરૂધ્ધ રોકડ દંડની કાર્યવાહી કરવામાં આવશે કોરોના મહામારી અંગે સરકારશ્રી અને આરોગ્ય વિભાગ દ્વારા વખતો-વખત નિયમો જાહેર કરવામાં આવેલ છે. આ નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવા સુચના આપવામાં આવે છે. કોરોના મહામારી અંગેના નિયમોનું ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ એપિડેમિક એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, જેની તમામે નોંધ લેવી.
બીજી તરફ આરોગ્ય તંત્ર પણ સાબદુ હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરૂણ સિંઘે અવધ ટાઇમ્સને જણાવ્યુ હતુ તેમણે જણાવેલ કે વિદેશથી આવનાર 36 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરાયા છે અને તેમાં 35 નેગેટીવ આવ્યા છે તથા આજે બપોરે આવનાર એક મુસાફરનું પરિણામ પેન્ડીંગ છે.