અમરેલીમાં બળાત્કારના આરોપીને 20 વર્ષની સખ્ત કેદ

  • પીએસઆઇ શ્રી મહેશ મોરી ઇન્વેસ્ટીગેશન અને સરકારી વકીલશ્રી જે.બી. રાજગોરની ધારદાર દલીલથી 
  • જુદી જુદી કલમો હેઠળ 20 વર્ષની સજા અને રૂા.12 હજારનો દંડ : સગીરાને રૂા.6 લાખનું વળતર ચુકવવાનો હુકમ

અમરેલી,અમરેલીમાં બળાત્કારનો કેસ સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતા આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને 12 હજારનો દંડ અને વળતર ચુકવવા હુકમ થયો છે. અમરેલી અજમેરા સ્કુલ પાસે તા.13-3-19 ના સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદ ઇરાદે અપહરણ કરી બળાત્કાર ગુજાર્યાની અજાણ્યા શખ્સ સામે સીટી પોલીસ મથકમાં ફરિયાદ થયેલ હતી.
અમરેલી શહેરના તત્કાલીન પીએસઆઇ શ્રી મહેશ મોરીએ આ બનાવમાં મોટા ગોખરવાળા ગામના સંજય ઉર્ફે સુધીર પ્રવીણભાઇ બગડાને ઝડપી લેતા આ કેસ અમરેલી સ્પેશ્યલ પોકસો જજ આર.આર.દવેની કોર્ટમાં ચાલી જતા સરકારી પી.પી. જે.બી. રાજગોરની ધારદાર દલીલોને ધ્યાને લઇ કોર્ટે આરોપીને 363, 366 તેમજ 376 (3) સાથે કુલ 20 વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.12 હજારનો દંડ ફટકારેલ છે. ધી પોકસો એક્ટ 2012 કલમ 33 (8) અને 2020 ના રૂલ 9 (2)હેઠળ ભોગ બનનારને રૂા.6 લાખનું વળતર ચુકવવા કોર્ટે હુકમ કર્યો હતો.