નાગાલેન્ડમાં સામાન્ય નાગરિકોનેય સૈનિકૌએ આતંકવાદી માની લીધા ?

ભારતમાં લશ્કરી દળો સંયમથી વર્તવા માટે જાણીતાં છે ને તેમના હાથે કાચું કપાય એવું ભાગ્યે જ બને છે. નાગાલેન્ડમાં ભારત-મ્યાનમાર સરહદે આવેલા મોન જિલ્લામાં હમણાં આવી જ ઘટના બની ગઈ. આતંકવાદીઓના સફાયા માટે લશ્કરે હાથ ધરેલા ઓપરેશનમાં ભૂલથી 8 ગ્રામવાસીઓનાં મોત થયાં તેના કારણે ભડકેલાં લોકોએ લશ્કર પર હુમલો કરી દીધો. લશ્કરે સ્વબચાવમાં કરેલા ગોળીબારમાં વધુ પાંચ લોકોનાં મોત થતાં મૃત્યુનો આંક 13 પર પહોંચી ગયો છે. તેના કારણે આ વિસ્તારમાં ભયંકર તંગદિલી વ્યાપેલી છે. ભારતમાં લશ્કરી કાર્યવાહીના કારણે તંગદિલી વ્યાપી જાય એવું ભાગ્યે જ બને છે. શનિવારે આવી ઘટના બની ગઈ તેમાં આખી દુનિયાનું ધ્યાન આપણી તરફ ખેંચાયું છે.
શનિવારે બનેલી ઘટના સામાન્ય નથી. એક સાથે 13 નાગરિકોનાં મોત થાય એવી કોઈ પણ ઘટના સામાન્ય ના જ કહેવાય પણ લશ્કરે ઈરાદાપૂર્વક નાગરિકોને માર્યા હોય એવું પણ નથી.
લશ્કરી જવાનોની ભૂલના કારણે આ ઘટના બની છે ને યુદ્ધના મોરચે રહેલા સૈનિકોથી આ પ્રકારની ચૂક થતી હોય છે. આ ઘટનાનો ઘટનાક્રમ જોશો તો આ વાત સમજાશે. આ વિસ્તારમાં ઉલ્ફા અને એનએસસીએન (કે) જેવાં ઉગ્રવાદી સંગઠનો સક્રિય છે. આ સંગઠનો છમકલાં કરી કરીને લશ્કરને પરેશાન કર્યા કરે છે ને શાંતિને ડહોળ્યા કરે છે. લશ્કર તેમના સફાયા માટે મથ્યા કરે છે ને તેના ભાગરૂપે કાઉન્ટર-ઈમર્જન્સી ઓપરેશન્સ એટલે કે આતંકવાદ વિરોધી અભિયાનો નિયમિત રૂપે ચલાવ્યા કરે છે. આ વિસ્તારમાં લશ્કરના પોતાના બાતમીદારો છે ને એ લોકો આતંકવાદીઓની હિલચાલ વિશે બાતમી આપ્યા કરે છે.
શુક્રવારે પણ આપણા લશ્કરને આતંકવાદીઓની હિલચાલની બાતમી મળતાં લશ્કરે આતંકવાદીઓનો ઘડોલાડવો કરવા જાળ બિછાવેલી. મોન જિલ્લાના ઓટિંગ ગામ પાસે આપણા લશ્કરી જવાનો આતંકવાદીઓનો સફાયો કરવા શસ્ત્રસરંજામ સાથે ગોઠવાઈ ગયેલા. શનિવારે બપોર પછી તિરૂ-ઓટિંગ રોડ પરથી એક વાહન આવતું દેખાતાં બાતમીદારે તેમાં જ આતંકવાદી હોવાનું સિગ્નલ આપતાં જવાનો તૂટી પડ્યા. કમમસીબે આ વાહનમાં આતંકવાદી નહીં પણ ગ્રામવાસી હતા. જવાનોના ગોળીબારમાં છ લોકો સ્થળ પર જ મરી ગયા ને બીજા બેને હોસ્પિટલે લઈ જવાતા હતા ત્યારે મોત થયાં.
એકસાથે 8-8 લોકોનાં મોત થતાં ગ્રામવાસીઓ ભડકી ગયાં. આજુબાજુનાં ગામોમાં પણ સમાચાર ફેલાયા ને લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં. તેમણે લશ્કરી જવાનોને ઘેરી લીધા ને તેમનાં વાહનો સળગાવી દીધાં. ટોળાનાં હુમલામાં એક જવાનનું મોત થયું ને ત્રણ વાહનો બળીને રાખ થઈ ગયાં એટલે લશ્કરે સ્વબચાવમાં ગોળીબાર કરવાની ફરજ પડી. આ ગોળીબારમાં પાંચ ગ્રામજનોનાં મોત થયાં. જવાનોએ ગોળીઓ છોડવા માંડી એટલે લોકો ડરીને ભાગી તો ગયાં પણ કલાકોમાં 13 લોકોનાં મોત થયાં હતાં તેથી લોકોમાં આક્રોશ છે જ. આ આક્રોશ સોશિયલ મીડિયા પર દેખાઈ રહ્યો છે. લશ્કરે આ ઘટના માટે અફસોસ વ્યક્ત કરીને માફી માગી છે. સાથે સાથે લશ્કર દ્વારા આવી મોટી ચૂક કઈ રીતે થઈ તેની ઉચ્ચ સ્તરીય તપાસની જાહેરાત કરીને સધિયારો પણ આપ્યો છે કે, કાયદા પ્રમાણે જે પણ દોષિત હશે તેમની સામે પગલાં લેવાશે.
નાગાલેન્ડમાં ભાજપના સાથી નેઈફઉ રીયો મુખ્યમંત્રી છે. રીયો સરકારે પણ આ કમનસીબ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ) બનાવવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ખરખરો કરીને તપાસની ખાતરી આપી છે. આ ઘટનાને કારણે આતંકવાદીઓને સરકાર સામે પ્રચાર કરવાની તક ના મળે એટલે મોન જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. સરકારના મંત્રીઓને લોકોને સમજાવવા મેદાનમાં ઉતારી દેવાયા છે ને જેમ બને એમ જલદી શાંતિ સ્થપાય એ માટેની મથામણ પૂરજોશમાં ચાલી રહી છે.
આ મથામણ કેટલી સફળ થશે એ ખબર નથી કેમ કે લોકોમાં ભારે આક્રોશ છે. નાગાલેન્ડમાં સૌથી મોટો મનાતો હોર્નબિલ ઉત્સવ શરૂ થવા આડે ગણતરીના દિવસો બચ્યા છે ત્યારે જ બનેલી આ ઘટનાથી લોકો ભડકેલાં છે. આ વિસ્તાર આદિવાસીઓનો છે ને તેમના કબિલાઓએ હોર્નબિલ ઉત્સવ નહીં ઉજવવાનું એલાન કરી દીધું છે.
સાથે સાથે કોઈ પણ નેતાને આ વિસ્તારમાં ઘૂસવા નહીં દેવાનું પણ એલાન કર્યું છે. આ વિસ્તાર ઉલ્ફા અને એનએસસીએન (કે) એ બંને આતંકવાદી સંગઠનોનો ગઢ મનાય છે તેથી આ સંગઠનો પણ લાભ લેવા સક્રિય થઈ ગયાં છે. આ માહોલમાં નજીકના ભવિષ્યમાં બધું થાળે પડી જશે એવી આશા વધારે પડતી છે. આપણે આશા રાખીએ કે, નાગાલેન્ડમાં બધું ઝડપથી થાળે પડે ને લોકો શાંતિથી જીવતાં થાય. આ આશા ક્યારે ફળશે એ ખબર નથી પણ આ ઘટનાના કારણે ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં ઓલ ઈઝ વેલ નથી તેનો ફરી અહેસાસ થયો છે. આપણે ત્યાં એવી માન્યતા છે કે, જમ્મુ અને કાશ્મીરને બાદ કરતાં દેશમાં બીજે બધે સાવ શાંતિ જ છે. જમ્મુ અને કાશ્મીરમાં લશ્કર ઉતારવું પડ્યું છે, બાકી એ સિવાય બીજે બધે કાયદાનું રાજ છે ને રામરાજ છે. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા થાય છે ને નિર્દોષ લોકો પણ મરે છે ને આપણ જવાનો પણ શહીદ થાય છે.
એ સિવાય બીજે ક્યાંય આવું થતું નથી. શનિવારની ઘટનાએ આ ભ્રમ ભાંગ્યો છે ને લોકોને અહેસાસ કરાવ્યો છે કે, ઉત્તર-પૂર્વમાં પણ સ્થિતિ અલગ નથી. જમ્મુ અને કાશ્મીરની જેમ દરરોજ આતંકવાદી હુમલા નહીં થતા હોય પણ ગુજરાત કે મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં સાવ શાંતિ છે એવું નથી જ. અત્યારે નાગાલેન્ડની ઘટના બની તેથી સૌનું ધ્યાન નાગાલેન્ડ તરફ ખેંચાયું છે પણ વાસ્તવમાં ઉત્તર-પૂર્વનાં મોટા ભાગનાં રાજ્યોમાં થોડાવત્તા અંશે આતંકવાદ છે જ, અશાંતિ છે જ. સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા ને મણિપુર એ 7 સિસ્ટર સ્ટેટ્સ ને આસામ મળી 8 રાજ્યોમાં કંઈક ને કંઈક ડખા ચાલ્યા જ કરે છે.
આ ડખાના મૂળમાં આપણા રાજકારણીઓ છે ને તેમણે પેટ ચોળીને ઊભાં કરેલાં શૂળ છે. આઝાદી વખતે ઉત્તર-પૂર્વમાં આસામ મોટું રાજ્ય હતું જ્યારે મણિપુર, સિક્કિમ અને ત્રિપુરા રજવાડાં હતાં.
સેવન સિસ્ટર્સ સ્ટેટ ને આસામ એમ આઠ રાજ્યો આસામ રાજ્ય અને બે રજવાડાંમાંથી બન્યાં છે. નાગાલેન્ડ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમ 1963થી 1987 દરમિયાન આસામમાંથી અલગ થઈને નવાં રાજ્ય બન્યાં જ્યારે મણિપુર , સિક્કિમ ને ત્રિપુરાને રજવાડાંની સરહદમાં થોડાઘણા ફેરફાર કરીને બનાવી દેવાયાં. સિક્કિમ પણ રજવાડું હતું ને એ 1875માં ભારત સાથે જોડાયું હતું. આ બધાં રાજ્યો કુદરતી સૌંદર્ય ને જંગલ વિસ્તારો ધરાવે છે. મોટા ભાગની વસતી આદિવાસીઓની છે. દરેકનાં કલ્ચર અલગ અલગ છે ને એ કલ્ચર પર આક્રમણ થઈ રહ્યાં હોવાના નામે આતંકવાદી સંગઠનો ઉભા થયાં છે. આ આતંકવાદી સંગઠનો બહુ મોટાં નથી છતાં તેમનો સફાયો થઈ શકતો નથી કેમ કે પહાડી વિસ્તારો અને ગાઢ જંગલના કારણે આતંકવાદ વિરોધી અભિયાન અઘરાં છે. આ રાજ્યો મ્યાનમાર સરહદની નજીક છે તેથી આતંકવાદીઓ હુમલા કરીને મ્યાનમારમાં ઘૂસી જાય છે.
મોટા ભાગના આતંકવાદીઓનો આપણા લશ્કરે ઉંઘમાં જ મોક્ષ કરી નાખ્યો ને જે બચી ગયેલા એ આતંકવાદીઓ માટે જાગીને જોયું તો જગત દીસે નહીં જેવો ઘાટ થઈ ગયો. ચારે બાજુ લાશો જ લાશો પડેલી હતી એ જોઈને તેમના હોશ ઉડી ગયા ને તેમણે તો કશું કર્યા વિના જ શરણાગતિ સ્વીકારી લીધી. આવા છ આતંકવાદીને આપણ જવાનો પકડીને અહીં લઈ આવ્યા હતા. આ ઓપરેશન મોટું હતું પણ તેના કારણે પણ આતંકવાદ સાવ ખતમ થયો નથી. તેના કારણે આ વિસ્તારમાં આતંકવાદ વિરોધી અભિયાન ચાલુ રાખવાં પડે છે ને તેમાં ચૂક થતાં નાગાલેન્ડની કમનસીબ ઘટના બની ગઈ.