કોરોના નિયંત્રણ માટેના એ નિયમોનું પાલન કરવાની તાકાત આપણી છે?

દેશભરમાં કોરોનાના ઓમિક્રોન વૅરિયન્ટના કેસ વધી રહ્યા છે ને મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. કોરોનાના વધી રહેલા કેસોમાં નવા વૅરિયન્ટ ઓમિક્રોનનો આતંક સૌથી વધારે છે ને ઓમિક્રોનના કેસો ધડાધડ વધી રહ્યા છે. કોરોનાના વધી રહેલા કેસોના કારણે રાજ્ય સરકારોએ જાત જાતના પ્રતિબંધો મૂકવ માંડ્યા છે. 2021નું વર્ષ સમાપ્ત થવામાં છે ને નવા વર્ષના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. આપણે ત્યાં છેલ્લાં કેટલાંક વરસોમાં 31 ડિસેમ્બર એટલે કે થર્ટી ફસ્ટની નાઈટની ઉજવણીનો ક્રેઝ વધ્યો છે. આ વખતે એવી ભીડ ન જામે એટલે થર્ટી ફસ્ટની નાઈટની ઉજવણી પહેલાં રાજ્ય સરકારો ભીડ પર પ્રતિબંધ માટેનાં ધડાધડ પગલાં લઈ રહી છે. દેશનાં સંખ્યાબંધ રાજ્યોમાં થર્ટી ફસ્ટની નાઈટની ઉજવણીના બહાને લોકોની ભીડ ન જામે એટલે નાઈટ કરફ્યુ હુકમ ફટકારી દેવાયો છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને હરિયાણા જેવાં રાજ્યોમાં અત્યારે નાઇટ કરફ્યુ અમલમાં છે જ.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારથી દિલ્હીમાં પણ નાઈટ કરફ્યુ લાદીને વધારે એક રાજ્યનો ઉમેરો કરી દીધેલો. હવે અરવિંદ કેજરીવાલ એક કદમ આગળ વધ્યા છે ને મંગળવારે ઢગલાબંધ પ્રતિબંધો લાદી દીધા. કેજરીવાલે મંગળવારે  કોરોના અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી ને એ પછી દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરએપી)ને લાગુ કરી દેવાનું એલાન કરી દીધું. કોરોના પ્રોટોકલની ગાઈડલાઈનમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરએપી) યલો કેટેગરીમાં આવે છે તેથી કેજરીવાલે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરએપી)ના અમલની જાહેરાત કરી તેનો અર્થ એ થાય કે, દિલ્હીમાં યલો એલર્ટનો અમલ શરૂ થઈ ગયો છે. સામાન્ય લોકો માટે રેડ એલર્ટ કે યલો એલર્ટ એ બધા શબ્દો બહુ મહત્ત્વના નથી. તેમના માટે રેડ એલર્ટ કે યલો એલર્ટથી તેમને શું ફરક પડશે ને કેવા પ્રતિબંધો આવશે એ વધારે મહત્ત્વનું છે. કોરોના નિયંત્રણ માટેના નિયમો માત્ર બોલવામાં જ સહેલા છે પણ એનું પાલન કરવાની તાકાત ભારતીય પ્રજાની નથી.

દિલ્હીમાં યલો એલર્ટ લદાયું તેનો અર્થ એ થયો કે, ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરએપી) અંતર્ગત ઘણાં પ્રતિબંધો અમલમાં આવી ગયા છે.  દિલ્હીમાં નાઈટ કરફ્યુ અમલમાં હતો જ પણ  રાતના 10 થી સવારના પાંચ વાગ્યા સુધી તેનો અમલ થતો હતો. હવે યલો એલર્ટ અપાયા છતાં તેમાં ફેરફાર કરાયો નથી તેથી રાતના 10 વાગ્યાથી જ કરફ્યુનો અમલ શરૂ થઈ જશે. આ પ્રતિબંધો પ્રમાણે દિલ્હી મેટ્રો, રેસ્ટોરાં અને બાર  પચાસ ટકા કેપેસિટી સાથે ખુલ્લાં રહેશે. જો કે આ બધું પણ સવારના આઠ થી રાતના દસ વાગ્યા સુધી જ ખુલ્લું રખાશે. સિનેમાઘરો, મલ્ટિપ્લેક્સ, સ્પા, જિમ, યોગાની સંસ્થાઓ, મનોરંજન પાર્ક, ભોજન સમારોહ માટેના હોલ, ઓડિટોરિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સંપૂર્ણપણે બંધ થશે. એ જ રીતે સ્કૂલ-કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓ પણ સંપૂર્ણ બંધ રહેશે. સામાજિક, રાજકીય, ધાર્મિક સમારોહ તથા મેળાવડા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ સિવાય બીજા પણ ઘણાં પ્રતિબંધો મુકાયાં છે ને બધાંની વાત કરી શકાય તેમ નથી પણ ટૂંકમાં વાત એટલી જ છે કે, દિલ્હીમાં હવે લોકો મનફાવે તેમ ફરી નહીં શકે કે ઈચ્છે ત્યાં જઈ નહીં શકે.

કેજરીવાલે આ નિર્ણય લેવો પડ્યો છે તેનું કારણ કોરોનાના વધી રહેલા કેસ ને તેમાં પણ ઓમિક્રોનના વધી રહેલા કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં 3.47 કરોડ કોરોનાના કેસ નોંધાયા છે. કોરોનાના કારણે દેશમાં મૃત્યુઆંક વધીને પાંચ લાખ નજીક પહોંચી ગયો છે. કોરોનાની બીજી લહેર વખતે મોટા પ્રમાણમાં મોત થયેલાં તેના કારણે આ મૃત્યુ આંક વધ્યો છે. વચ્ચે થોડોક સમય નિરાંત રહી હતી પણ હવે પાછી કોરોનાના કેસે ગતિ પકડી છે. સોમવારે દેશમાં કોરોનાના 6358 નવા કેસ નોંધાયા હતા અને  293 સંક્રમિત લોકોના મોત થયાં. તેની સામે  6450 દર્દીઓ સાજા થયા હતા એવો સરકારનો દાવો છે. સરકારી દાવા પ્રમાણે કોરોનામાં  રિકવરી રેટ વધીને 98.40 ટકા થઈ ગયો છે. દેશમાં હજુ પણ પંચોતેર હજારથી વધુ કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે એ વાત ચિંતાજનક કહેવાય પણ વધારે ચિંતાજનક વાત દેશમાં કોરોના વાઇરસના ઓમિક્રોન વૅરિયન્ટે પકડેલી ગતિ છે.

સોમવારે  એક જ દિવસમાં ઓમાઇક્રોનનાં 135 કેસ નોંધાયા હતા અને આ આંકડો એક જ દિવસનો સૌથી મોટો આંકડો છે. સોમવાર સાંજ સુધીમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 700 થી વધી ગઈ છે. ધીરે ધીરે બધાં રાજ્યો તેની લપેટમાં આવી રહ્યાં છે. સોમવારે ગોવા અને મણિપુરમાં પણ ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાતાં  હવે ઓમિક્રોન દેશમાં 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચી ગયો છે. દિલ્હી માટે ચિંતાજનક વાત એ છે કે, દિલ્હીમાં સોમવારે ઓમિક્રોનનાં રેકોર્ડ 63 નવા કેસ મળ્યા હતા. દેશમાં એક જ દિવસમાં નોંધાયેલાં ઓમિક્રોનનાં કેસમાં દિલ્હી બધાંને ટપી ગયું. આ નવા 63 કેસ સાથે દિલ્હીમાં ઓમિક્રોનનાં કુલ કેસની સંખ્યા 165 થઈ ગઈ છે. હજુ પણ મહારાષ્ટ્ર ઓમિક્રોનથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે ને ઓમિક્રોનનાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે પણ ધીરે ધીરે દિલ્હી આગળ નીકળી ગયું છે. મહારાષ્ટ્રમાં  સોમવારે 26 નવા ઓમિક્રોન સંક્રમિત મળી આવ્યા હતા તેની સામે દિલ્હીમાં બમણા કરતાં પણ વધારે એટલે કે 63 કેસ મળ્યા.

સોમવાર સુધીમાં  મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વૅરિયન્ટના કુલ 167 કેસ થયા છે  જ્યારે દિલ્હીમાં 165 કેસ થઈ ગયા છે તેથી દિલ્હી બહુ પાછળ નથી. બલ્કે ટૂંકમાં જ દિલ્હી મહારાષ્ટ્રને ટપી ગયું હોય એવું બને. દેશના બીજાં જે રાજ્યોમાં ઓમિક્રોનનો ખતરો વધારે છે તેમાં કેરળ, તેલંગાણા, અને ગુજરાતનો સમાવેશ થાય છે એ જોતાં એ બધાં રાજ્યો બહુ પાછળ છે. ઓમિક્રોન કોરોનાના સૌથી ખતરનાક ગણાતા ડેલ્ટા વૅરીયન્ટ કરતાં ત્રણ ગણી ઝડપે ફેલાય છે એ જોતા દિલ્હીમાં જોતજોતામાં ઓમિક્રોનના કેસોનો રાફડો થઈ જાય. દિલ્હીમાં વસતીની ગીચતા વધારે છે તેથી ચેપ ફેલાવાનો ખતરો પણ વધારે છે એ જોતાં આ પ્રકારનાં નિયંત્રણો જરૂરી છે તેમાં સવાલ નથી.

જો કે સવાલ એ છે કે, આ નિયંત્રણો લોકો માટે જ કેમ? રાજકારણીઓ માટે કેમ નહીં?  જે રીતે વિવિધ પક્ષોના નેતાઓ લોકોને કોરોનાથી બચવા શું કરવું તેની સલાહો આપે છે ને પોતે લાખોની મેદની એકઠી કરીને સભાઓ કરે છે એ રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ વર્તી રહ્યા છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર એ પાંચ રાજ્યોમાં ત્રણ મહિના પછી વિધાનસભાની ચૂંટણી છે. આ પૈકી ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા એ ચાર રાજ્યોમાં આમ આદમી પાર્ટી પોતાની તાકાત વધારવા મથી રહી છે તેથી જાત જાતના કાર્યક્રમો કરે છે. અત્યારથી પ્રચારમાં પણ લાગી ગઈ છે. કેજરીવાલને ખરેખર લોકોની ચિંતા હોય તો તેમણે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોઆમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર બંધ કરાવવો જોઈએ.

કમનસીબે આમ આદમી પાર્ટી હોય, સમાજવાદી પાર્ટી હોય કે બીજો કોઈ પક્ષ હોય, બધાંને ચૂંટણી જીતવામાં રસ છે, સત્તા હાંસલ કરવામાં રસ છે તેથી સામાન્ય લોકો માટે જે નિયમો બનાવે છે તેનું પાલન પોતે જ કરતા નથી. આપણે ત્યાં કોરોનાની એક પછી એક લહેરો આવે છે તેના માટે રાજકારણીઓ વધારે જવાબદાર છે. રાજકારણીઓને ચૂંટણીઓ કરાવવી છે તેથી કશું ધ્યાનમાં રાખ્યા વિના સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા કરીને ભીડ એકઠી કર્યા કરે છે તેમાં વારંવાર કોરોના વકરી જાય છે. કોરોના વકરે છે તેના માટે લોકો જવાબદાર નથી એવું નથી પણ રાજકારણીઓ વધારે જવાબદાર છે. જે પણ રાજ્યોમાં કોરોનાનો કેર વર્તાયો હોય એ તમામ રાજ્યોમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણી આવી જ હોય છે. 2019 ના નવેમ્બરમાં આવેલી બિહારની ચૂંટણીથી તેની શરૂઆત થઈ ને પછી દરેક રાજ્યમાં એ ક્રમ ચાલુ રહ્યો છે. ચૂંટણી માત્ર કોરોનાને ફેલાવવામાં મોટો ભાગ ભજવે છે કેમ કે ચૂંટણીમાં ભીડ ભેગી થાય છે. માત્ર વિધાનસભાની ચૂંટણી નહીં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને પણ એ રીતે ધ્યાનમાં લેવી પડે.

મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે રાજ્યોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે કોરોના વકર્યો છે. ગયા વરસના અંતથી આ વરસના મધ્ય સુધી પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ ને આસામ એ ચારેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલ્યો હતો. છ મહિના સુધી જંગી રેલીઓ થઈ, લાખોની ભીડ ઉમટી ને રાજકારણીઓ શક્તિ પ્રદર્શન કરવા હોડ બકી રહ્યા હતા તેમાં આ રાજ્યોમાં કોરોના વકરી ગયો.હવે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર એ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલે છે. કોરોનાને રોકવો હોય તો આ તમાશા બંધ કરાવવા જોઈએ.