વારંવાર મોસમ પલટો મારે છે એનું મૂળ વૈજ્ઞાનિક કારણ ખરેખર શું છે?

સમગ્ર સૌરાષ્ટ્રમાં મોસમ બદલાઈ ગઈ છે. આ વખતે દેશમાં શિયાળો શરૂ થયો ત્યારથી માવઠાઓ એક પછી એક આવ્યા કરે છે. પૂર્વોત્તર ભારતમાં તો ઝંઝાવાત પણ આવી ગયા. ઉત્તર ભારતે પણ વરસાદ જોઈ લીધો. હવે હવામાન ખાતાની આગાહી છે કે ગુજરાતમાં આજકાલ ક્યાંક ક્યાંક ફરી વરસાદ થશે. મોસમ બદલતી રહેવાના કારણો બહુ ગંભીર જે. મનુષ્ય મૂળભૂત રીતે શાંતિપ્રિય છે. કોઈ પણ પ્રકારની અશાંતિ એને અપ્રિય છે જે એના જીવન પ્રવાહને અવરોધે છે. બહુ બારીક રીતે જુઓ તો શાંતિ સ્થાપવાની ઉતાવળમાં જ અશાંતિ સર્જાયેલી છે. પ્રાચીનકાળમાં વન-ઉપવનમાં રાજાઓ લતામંડપ નીચે મધ્યાહન પસાર કરતા.
રાતે ચન્દ્ર દર્શન માટે દરેક દિશામાં અટારીઓ હતી. યથા રાજા તથા પ્રજા. સામાન્ય નાગરિકો પણ સમી સાંજે કે પૂનમની રાતે સરોવરમાં નૌકા વિહાર કરવા જતાં. ધર્મ કે અધ્યાત્મનો આશ્રય પણ માણસ જાતે ખરેખર તો શાંતિની શોધમાંથી જ લીધો છે. એ બહુ વગોવાઈ ગયેલા તથ્યો છે કે ધર્મને કારણે જ અધર્મ આચરવામાં આવે છે. અફઘાનિસ્તાન એનું છેલ્લું દ્રષ્ટાન્ત છે. ધર્મમાંથી મનુષ્ય ક્યારે ધર્માન્ધતામાં સરી પડે છે એનું એને ખુદને પણ ભાન રહેતું નથી. આવનારા દાયકાઓમાં માણસજાતે શુદ્ધ હવા અને નિર્મળ વાતાવરણની શોધ કરવાની રહેશે. ભટકતી વણઝારની જેમ લાખો લોકો શહેરો છોડતા જોવા મળશે.
પૃથ્વી પર હવામાનનું સંચાલન આપણે માનીએ છીએ કે આપણી ઉપરના આકાશ અને એમાં વહેતા પવન ઉપરથી થાય છે પરંતુ ખરેખર એવું નથી. બહુ દૂર દૂરથી આપણા હવામાનનું સંચાલન થાય છે. એને કારણે વાતાવરણ જ્યારે બદલાય છે ત્યારે ખ્યાલ નથી આવતો કે એકાએક આ પરિવર્તન કેમ થયું ? પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર અનેક પ્રકારના હવામાન સંજોગો આકાર લેતા હોય છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ બંનેની ઉપર અંદાજે એક-એક હજાર કિલોમીટરના ઘેરાવામાં હવાના હળવા દબાણ રચાયેલા હોય છે. આમ તો એ એક પ્રકારનું વાતાવરણ હોય છે. આપણે ત્યાં દર ચોમાસે બંગાળના અખાતમાં જ્યારે હવાનું હળવું દબાણ સર્જાય ત્યારે એનું સ્વરૂપ ઝંઝાવાતનું હોતું નથી, પરંતુ જ્યારે ’લોક’ થયેલો હવાના હળવા દબાણનો એ આખો પટ કોઈ એક છેડેથી તૂટે ત્યારે તેમાં રહેલા શૂન્યાવકાશની પરિપૂર્તિ કરવા ચારેબાજુથી વાદળોનો જે ધસારો થાય છે એ જ ઝંઝાવાત બની જાય છે. નવા સંશોધનો કે જે ધ્રુવ પ્રદેશોમાં ધામા નાંખીને પડ્યા રહેતા વૈજ્ઞાનિકોએ જાહેર કર્યા છે તે તો આવનારા અનેક નવા ઝંઝાવાતોનો સંકેત આપે છે.
એ વૈજ્ઞાનિકો ધ્રુવ પ્રદેશો પરના તપસ્વીઓ છે જે વૈજ્ઞાનિક રીતે પૃથ્વી પર આવનારી આપત્તિઓની આગાહી કરે છે. દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ પર જે હજાર કિલોમીટરના ઘેરાવામાં હવાનું હળવું દબાણ હોય છે તે ચક્રાવર્તિત હોવાથી સ્વયં એક ઝંઝાવાત જ હોય છે જેને પોલર વોરટેક્સ કહેવામાં આવે છે. પોલર વોરટેક્સની અનિયંત્રિત અને સતત ચક્રાવર્તિત ગતિને કારણે હિમવર્તી પવનોએ વાતાવરણ પર કબજો જમાવી દીધો છે. જે રીતે આખું ઉત્તર ભારત હિમાલયની તળેટીમાં હોય એવો આભાસ ગયા શિયાળાએ કરાવ્યો તેવો જ ભાસ સમગ્ર ઉત્તર ગોળાર્ધના દેશોને ઉત્તર ધ્રુવની તળેટીમાં હોવાનો થયો હતો.
ગત ગ્રીષ્મકાળમાં બચી ગયેલો દેશ અત્યારે ઓસ્ટ્રેલિયા છે. ગત ગ્રીષ્મકાળે 40 થી 50 ડિગ્રી વચ્ચેનું ઉષ્ણતામાન એ દેશના નાગરિકોએ સહન કર્યું છે. આમ પણ એ તો જાણીતી વાત છે કે ઓઝોનના ગાબડાંને કારણે સૂર્યકિરણો સદાય ઓસિઝ પર કોપાયમાન રહે છે. ઓઝોનભેદને કારણે ઓસ્ટ્રેલિયા સમગ્ર જગતથી અલગ થયેલું માનવામાં આવે છે. ભૂગોળના નકશાઓ અને હવામાનની ઓળખ વચ્ચે ભેદ છે. તબીબી વિજ્ઞાાનનું પ્રાચીન સૂત્ર છે કે ઠંડક મૃત્યુ નજીક લઈ જાય છે અને ઉષ્ણતા તો જિંદગીનો ખરો ધબકાર છે. વધારે પડતી ઠંડી જીવસૃષ્ટિ અને વનસ્પતિઓ માટે હાનિકારક છે.
દેશમાં કેટલી સરકારો આવી અને ગઈ. હજુ પણ જશે અને આવશે. પરંતુ હવામાન ખાતું પાટે ચડયું નથી. કેન્દ્ર સરકારે કદી પણ હવામાન અને કૃષિ વચ્ચેનું લિંકિંગ કર્યું નથી. એને કારણે કિસાનો તમામ નિર્ણયોમાં અથડાતા રહે છે. વળી ખુદ કિસાનો જાણે છે કે વરસાદ કે સિંચાઈ ઉપરાંત ફસલની ગુણવત્તા અને પાકના ઉતાર-પ્રમાણમાં વાતાવરણની પ્રમુખ ભૂમિકા હોય છે. છતાં કિસાનો હવામાન સંબંધિત જ્ઞાનની ઝંખના રાખતા નથી. હજુ આજેય ભારતીય કિસાનો પરંપરિત પદ્ધતિથી જ અંદાજ લગાવે છે. તુવિજ્ઞાન ખરેખર તો વાયુમંડળનું વિજ્ઞાન છે. કોમ્પ્યુટરના આવિષ્કાર પછી હવામાનની આગાહીઓના ક્ષેત્રે ક્રાન્તિ થઈ છે પરંતુ આપણા દેશનો અનુભવ પૂર્વાનુમાન બાબતમાં બહુ સારો નથી.
ખેતીવાડીના જે કાર્યક્રમો આકાશવાણી અને દૂરદર્શન દ્વારા પ્રસારિત થાય છે તે બહુ અરસિક અને ક્યારેક તો હાસ્યાસ્પદ પણ હોય છે. જેમણે કદી ખેતી કરી જ નથી એવા અધિકારીઓ અને અધ્યાપકો મગફળીમાં જંતુઓના ઉપદ્રવના નિયંત્રણ વિશે એવી સરકારી શૈલીમાં વાત કરતા હોય છે કે તેમની વાત પરથી જ કોઈને પણ ખ્યાલ આવી જાય કે તેઓ ખેડૂતોને શું માને છે ! જેમને કિસાન અને કૃષિ પરત્વે રજમાત્ર પણ સન્માન નથી તેવા લોકોથી સહકારી અને કૃષિ ખાતાના ટેબલો અને ખુરશીઓ ભરાયેલા છે. અત્યારે ખરીફ પાકની મોસમ પુરબહારે ખિલી છે. આવનારા રવિપાકમાં ઘઉંની મીઠાશ પણ અલગ જ પ્રકારની હશે. કારણ કે ધીમી ધારના વરસાદથી તળના જળ ઊંચે આવી રહ્યા છે.
આપણા દેશમાં જે ખેડૂતો આત્મસૂઝથી ખેતી કરે છે તેઓ જ ખેતીમાં સોના ઉગલે ઉગલે હીરે મોતી પામી શકે છે. તેમને ખરેખર જ દેશના દિલ્હી તખ્તા પરથી જે વારતાઓ થાય છે એવી આધુનિક ટેકનોલોજી અને પૂર્વાનુમાનનો લાભ મળતો થાય તો તેમની ખેતીવાડીમાં કમાલ થઈ જાય. આ વરસે પૃથ્વીના સ્વયમેવ માલિક બની બેઠેલા મનુષ્યને કુદરતે ઘણા સમય પછી વિભૂતિ આપી છે. આ એક ઘણા લાંબા સમયથી ચાલુ થયેલો સિલસિલો છે પરંતુ એના પ્રચ્છન્ન અનુભવો એકીકૃત થઈને ભાગ્યે જ માનવજાતનું ધ્યાન આકર્ષિત કરી શક્યા છે. પ્રજાજનોમાંથી કોઈ પર્યાવરણીય ચિંતાને પોતાનો વિષય ક્યાં માને છે ? પરંતુ હવે હવામાનની ગતિ એવી છે કે માનવજાતે પર્યાવરણમાં જ વધુમાં વધુ ધ્યાન આપવું પડશે.
ભારતનો દક્ષિણ ભાગ ત્રિકોણાકાર છે. ત્રણ બાજુ સમુદ્ર ઘૂઘવે છે. આવતા પચાસ કે સો વર્ષની અંદર મુંબઇ, કેરળ, બંગાળ, ઓરિસ્સા જેવા ઘણા દરિયાકાંઠાના પ્રદેશો ઉપર પાણી ફરી વળશે એ નક્કી છે. ભારતથી નજીક આવેલા માલદીવ જેવા દ્વીપસમૂહધારી દેશોના ઘણા ટાપુઓ ઓલરેડી પાણીમાં ગરક થઈ ગયા છે. વર્તમાન સમયમાં જે સ્તર પર જાપાન ત્સુનામીના ભયના ઓથાર નીચે જીવે છે એવી દહેશત ભૂતકાળમાં ક્યારેય ન હતી. પેસિફિક મહાસાગરના સેંકડો ટાપુઓને સેટેલાઇટ જોઈ શકતા નથી. બધે પાણી ફરી વળ્યું છે. ઇન્ડોનેશિયાની હાલત પણ નાજુક છે અને આફ્રિકા પણ ભયમુકત નથી. બદલાતા વાતાવરણને દેશની સરહદો નડતી નથી. આખા વિશ્વમાં તેની અસર એકસાથે થાય છે. ઠંડી, ગરમી અને વરસાદનું ચક્ર ફરી જાય છે. પાઠ્યપુસ્તકમાં લખેલી મોસમનો ક્રમ આખો ઉલટો થઈ જાય છે. કુદરતના રૌદ્ર સ્વરૂપનો અવારનવાર સાક્ષાત્કાર થતો રહે છે.
રાજકારણીઓ અને નેતાઓની આંખ બહુ મોડી ખુલી છે. ભારત સહિત ઘણા દેશોએ 2030 સુધીમાં પેટ્રોલ-ડિઝલથી વેચાતા વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. પરંપરાગત ઇંધણનો ભાવ ખૂબ વધ્યો હોવા છતાં તેનો ઉપાડ અભૂતપૂર્વ વિક્રમો સર્જી રહ્યો છે. પૃથ્વીની વસ્તી આઠ અબજથી વધી ગઈ છે. બધા જ મનુષ્યોને સરખી રીતે કુદરતી સ્રોતો મળી રહે એવી આદર્શ વ્યવસ્થા સ્થાપવી હોય તો માનવ વસ્તી દસ અબજ કરતા વધવી ન જોઈએ. આઠ અબજમાંથી દસ અબજ થતા બહુ વાર નહીં લાગે. પૃથ્વીની ટોટલ કેપેસીટી મહત્તમ દસ અબજ મનુષ્યોનો જીવનનિર્વાહ કરવાની છે. દસ અબજથી વસ્તી વધશે પછી શું થશે? તુચક્રમાં ભયંકર ફેરફારો થશે અને આબોહવામાં જબરદસ્ત પલટો આવે તેની તૈયારી ભાવિ પેઢીએ રાખવાની છે.