સભાઓ કરતા નેતાને પણ કોરોના તો થાય એનો નમૂનો હવે કેજરીવાલ છે

ભારતમાં કોરોનાનો વાયરો નવેસરથી શરૂ થયો છે ને એક પછી એક રાજ્યોએ પ્રતિબંધો લગાવવા માંડ્યા છે. દેશનાં ઢગલાબંધ રાજ્યોમાં સ્કૂલ-કોલેજો બંધ કરી દેવી પડી છે ને નાઈટ કરફ્યુ સહિતનાં નિયંત્રણો લગાવવાં પડ્યાં છે.  નવી દિલ્હીમાં તો લોકડાઉન જેવાં નિયંત્રણો લગાવી દેવાં પડ્યાં છે. કોરોનાના કેસો ધડાધડ વધી રહ્યા છે ને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે એ જોતાં રાજ્યો પાસે નિયંત્રણો લગાવવા સિવાય આરો જ રહ્યો નથી.
કોરોનાના કકળાટ વચ્ચે મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના થયો હોવાનું જાહેર થયું. કેજરીવાલે પોતે પોતે ટ્વિટ કરીને આ માહિતી આપીને લોકોનું જનરલ નોલેજ વધાર્યું છે. કેજરીવાલે ટ્વિટમાં સૂફિયાણી સલાહ આપતાં પાછું લખ્યું છે કે, મારા સંપર્કમાં આવ્યા છે એ બધાં લોકોએ પોતપોતાનો કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ કે જેથી કોરોના થવાનો ખતરો ન રહે ને કોરોના થયો હોય તો સમયસર સારવાર લઈ શકાય.

કેજરીવાલની આ ટ્વિટ પછી લોકો તૂટી પડ્યા છે ને તેમના માથે બરાબર માછલાં ધોઈ રહ્યા છે. કેજરીવાલ ટ્વિટર પર જોરદાર ટ્રોલ થઈ રહ્યા છે ને લોકો કેજરીવાલે જુદાં જુદાં ઠેકાણે કરેલી સભા ને રેલીઓની તસવીરો મૂકીને કેજરીવાલને ભરપેટ ગાળો આપી રહ્યા છે. આ તસવીરો બધી બહુ જૂની નથી પણ છેલ્લાં પાંચેક દિવસની જ છે.
પંજાબના ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો ત્યારે એટલે કે 30 ડિસેમ્બરે ચંડીગઢમાં આપની વિજયયાત્રા યોજાઈ હતી. આ વિજયયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડેલા ને કેજરીવાલ પણ તેમાં જોડાયા હતા. એ વખતે કેજરીવાલ માસ્ક વિના દેખાય છે.

અરવિંદ કેજરીવાલ એ પછી 31 ડિસેમ્બરે પંજાબના પટિયાલામાં શાંતિ માર્ચમાં જોડાયા હતા. એ વખતની તસવીરમાં પણ કેજરીવાલે ચહેરા પર માસ્ક પહેરેલું નથી. તેમની આસપાસ હજારો લોકોની ભીડ જોવા મળી રહી છે અને આઘાત લાગે એવી વાત એ છે કે, આ ભીડમાં એક-બે લોકો સિવાય  કોઈના ચહેરા પર માસ્ક નથી. એ પછી 1 જાન્યુઆરીએ ફરી પંજાબના અમૃતસરમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને મોટી સંખ્યામાં ભીડ એકઠી કરેલી. એ વખતે પણ માસ્કનો બધાંએ ત્યાગ કરેલો એ કહેવાની જરૂર નથી. ઉત્તર પ્રદેશના લખનઊમાં કેજરીવાલે ૨ જાન્યુઆરીના રોજ વિશાળ સભાને સંબોધન કર્યું ત્યારે પણ હજારોની વસતી હતી. ન કેજરીવાલે માસ્ક પહેરેલું કે ન હાજર લોકોએ માસ્ક પહેરેલા. છેલ્લે અરવિંદ કેજરીવાલે કોરોના થયાની જાહેરાત કરી તેના એક દિવસ પહેલાં જ એટલે કે સોમવારે ઉત્તરાખંડના દેહરાદૂનમાં હજારો લોકોની હાજરીમાં સભા કરી હતી.

કેજરીવાલે જાન્યુઆરીએ દેહરાદૂનમાં ‘નવ પરિવર્તન સભા’ કરી ત્યારે પણ માસ્ક પહેર્યા વિના ભાષણ ઠોકેલું ને લોકો પણ માસ્ક પહેર્યા વિના જ ઉમટી પડેલાં. આ કેજરીવાલ સાહેબે છેલ્લાં પાંચ દિવસમાં બતાવેલી કાર્યનિષ્ઠા છે ને આ કાર્યનિષ્ઠા તેમણે માસ્ક પહેર્યા વિના બતાવી છે, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કર્યા વિના બતાવી છે એ આ તસવીરો પરથી સ્પષ્ટ છે.
આ સંજોગોમાં લોકો કેજરીવાલને ગાળો આપે કે ટ્રોલ કરે તો એ તેને લાયક જ છે તેમાં શંકા નથી. કેજરીવાલ એક રાજ્યના મુખ્યમંત્રી છે ને લોકો સામે એક આદર્શ પૂરો પાડવાની તેમની જવાબદારી છે. લોકો માસ્ક પહેરે, લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે એ માટે તેમને કેજરીવાલે પ્રેરણા આપવી જોઈએ. તેના બદલે આ સાહેબ પોતે જ માસ્ક વિના હાલી નિકળ્યા છે ને સોશિયલ ડિસ્ટન્સિંગની અવગણના કરી રહ્યા છે ત્યારે લોકોની ગાળો ના ખાય તો બીજું શું ખાય?

આ તો આપણે કેજરીવાલના હોદ્દાની ગરિમાનો ખ્યાલ રાખીએ છીએ, બાકી ખરેખર તો આવા માણસને જૂતાં જ મારવાં જોઈએ. જે માણસ સાવ બેજવાબદારીપૂર્વક વર્તીને લોકોના જીવને જોખમમાં મૂકે તેના માટે બીજું શું કહીએ? ટૂંકમાં કેજરીવાલને ગાળો અપાય તેમાં કશું ખોટું નથી. કમનસીબી એ છે કે આપણે ત્યાં મોટા ભાગના રાજકારણી કેજરીવાલની જેમ જ વર્તી રહ્યા છે. કેજરીવાલ તો છીંડે ચડેલા ચોર છે પણ બીજા રાજકારણીઓ પણ  તેમનાથી કમ નથી. કેજરીવાલને કોરોના થઈ ગયો તેથી એ નજરે ચડી ગયા ને તેમને ગાળો આપવાનો લોકોને મોકો મળી ગયો, બાકી તમામ પક્ષના રાજકારણીઓ કેજરીવાલની જેમ જ ભીડ એકઠી કરીને કોરોનાને ખુલ્લું નિમંત્રણ જ આપી રહ્યા છે. આઘાત તો એ જોઈને લાગે કે બધા નેતા પોતે લોકોને સૂફિયાણી સલાહો આપ્યા કરે છે પણ પોતે એ રીતે વર્તતા નથી. માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, સતર્ક રહો એવી ડાહી ડાહી વાતો એ કર્યા કરે છે પણ પોતે અલગ રીતે વર્તે છે.  આ સૂચનાઓનું પાલન કરવાની જવાબદારી માત્ર લોકોની જ હોય એવો માહોલ છે.

આવતા વરસની શરૂઆતમાં યુપી સહિત જે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે ત્યાં બધે નેતા બેફામ બનીને વર્તી રહ્યા છે. લોકોની ભીડ એકઠી કરીને કોરોના વકરે એવો ધંધો માંડીને બેઠા છે. ભાજપ, આમ આદમી પાર્ટી, કૉંગ્રેસ, અકાલી દળ, સમાજવાદી પાર્ટી ને બીજા ફાસફૂસિયા પક્ષો પણ આ જ ધંધો માંડીને બેઠા છે. કેજરીવાલ જ નહીં પણ યોગી આદિત્યનાથ, અખિલેશ યાદવ, પ્રિયંકા ગાંધી વગેરે જેટલાં પણ નામ લઈ શકો એ લેતા જાઓ. આ બધા જ કેજરીવાલની જેમ જ વર્તી રહ્યાં છે ને લોકોની ભીડ ભેગી કરે છે. કેજરીવાલને કોરોના થઈ ગયો, આ બધાં હજુ બચેલાં છે એટલો ફરક છે. આ લોકોને પણ કોરોના થાય એવી વાત આપણે કરી શકતા નથી કેમ કે રાજકારણીઓની જેમ આપણે સાવ સ્વાર્થી બનીને કોઈનું બુરૂં ઈચ્છી શકતા નથી. બાકી નેતાઓ જે ધંધો માંડીને બેઠા છે એ જોતાં એ લોકોને કોરોના થાય તેનાથી પણ બદતર હાલતને લાયક જ છે.

આ નેતાઓ સત્તાલાલસામાં લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે એ જોઈને તો આઘાત લાગે જ પણ વધારે આઘાત તેમની સત્તાલાલસાની પ્રબળતા જોઈને લાગે. ઉત્તર પ્રદેશમાં બે મહિના પછી વિધાનસભાની ચૂંટણી છે ને મોદી દર બીજા દાડે ઉત્તર પ્રદેશ દોડી જાય છે. લોકોપયોગી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના બહાને  લાખોની મેદની એકઠી કરીને સભાઓ કરે છે ને ભાજપનો ચૂંટણી પ્રચાર કરે છે. આ ચૂંટણી સભાઓમાં નથી સોશિયલ ડિસ્ટન્સિગં જળવાતું કે નથી કોરોનાના પ્રોટોકલના બીજા કોઈ નિયમો પળાતા. લોકો માસ્ક પહેર્યા વિના બાપાના બગીચામં ફરવા નિકળ્યા હોય એ રીતે હાલ્યા આવે છે ને એવી હકડેઠઠ ભીડ હોય છે કે એક માણસ શ્ર્વાસ બહાર કાઢે એ સીધો બાજુવાળાના નાકમાં જતો રહે.

મોદીની ઉત્તર પ્રદેશની સભાઓ જોયા પછી અલાહાબાદ હાઈ કોર્ટે પણ કહેવું પડ્યું કે, આ રીતે ભીડ એકઠી કરીને લોકોના જીવ જોખમમાં ન મૂકો. રેલીઓ બંધ કરો ને ચૂંટણી પાછી ઠેલો એવી વિનંતી હાઈ કોર્ટે કરવી પડી પણ બધાએ આ વાતને સાંભળી નાસાંભળી કરીને એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખી. હાઈ કોર્ટે મોદીને ટકોર કરી તેનો અર્થ ફક્ત મોદીને કહ્યું એવો નહોતો. બધા નેતાઓને આ ટકોર કરાયેલી પણ કોઈએ વાત સાંભળી જ નહીં. આપણા નેતા હાઈ કોર્ટની હકારાત્મક વાતને પણ ગણકારતા નથી એ જોઈને વધારે આઘાત લાગે છે. ખેર, આ બળાપાનો કોઈ અર્થ નથી કેમ કે રાજકારણીઓ તો સુધરવાના નથી જ. કોરોના આવ્યો ત્યારથી આપણે તેમના આ ધંધા જોયા કરીએ છીએ. એ લોકોને ચૂંટણી કરાવીને સત્તા કબજે કરવા સિવાય બીજા કશામાં રસ જ નથી તેથી આ જમાત નહીં જ સુધરે ને તેની કિંમત સામાન્ય લોકોએ ચૂકવવી પડશે. જે લોકોને મોદી કે કેજરીવાલ તે બીજા તેમના નેતા વધારે વહાલા લાગતા હોય એ બધા તેમના રવાડે ચડીને સભાઓમાં જવાના જ ને તેમાંથી કોરોના લઈ આવશે. આ કોરોનાનો ચેપ જેમને ચૂંટણી કે સભાઓ સાથે કંઈ લેવાદેવા જ નથી તેમને પણ લાગશે. જે લોકો સભાઓમાં જાય તેમને કોરોના લાગે તો તેમના ભોગ પણ જેમને કંઈ લેવાદેવા નથી તેમને પણ લાગશે. લીલા ભેગું સૂકું પણ બળે એવી હાલત થશે ને આપણે એ રોકી શકીએ તેમ નથી.