કોરોનાનું કમ બેક : રાજકીય આગેવાનો હવે રહેમ કરજો

ભારતમાં કોરોનાએ ફરી કેર વર્તાવવા માંડ્યો છે ને કોરોનાના કેસોમાં જબરદસ્ત ઉછાળો આવી ગયો છે. કોરોનાના કેસો વધતાં રાજ્ય સરકારો પ્રતિબંધ પર પ્રતિબંધ લગાવી રહ્યી છે પણ રાજકારણીઓ પોતાની મસ્તીમાં મસ્ત છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર એ પાંચ રાજ્યોમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી છે. આ રાજ્યોમાં નેતા મચી પડ્યા છે ને નેતા બેફામ બનીને વર્તી રહ્યા છે. લોકોને માસ્ક પહેરવાની, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સુફિયાણી સલાહો આપતા આપણા રાજકારણીઓ આ પાંચેય રાજ્યોમાં તો ભીડ એકઠી કરીને કોરોના વકરે એવો ધંધો માંડીને બેઠા જ છે પણ જ્યાં ચૂંટણી નથી એવાં રાજ્યોમાં પણ જાત જાતના તાયફા કરીને કોરોનાને સીધું નોંતરૂ જ આપી રહ્યા છે.
રાજકારણીઓ જે રીતે વર્તી રહ્યા છે એ જોતા તેમને કોઈ રીતે વારી શકાય એવું લાગતું જ નથી. પોતાના સ્વાર્થમાં આ નમૂના સામાન્ય લોકોને સ્વાહા કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસે દેશભરમાં ચૂંટણી છે એ તમામ રાજ્યોમાં તમામ સભાઓ, રેલી ને બીજા જાહેર કાર્યક્રમો મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનાં પ્રભારી તરીકે પ્રિયંકા ગાંધી છે. યુવા મતદારોને આકર્ષવા પ્રિયંકા ગાંધીએ “લડકી હૂં, લડ સકતી હૂં’ નામે મેરેથોન રેલી યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. મંગળવારે બરેલીમાં “લડકી હૂં, લડ સકતી હૂં’ મેરેથોન યોજાયેલી ને તેમાં ભારે ભાગદોડ મચી ગયેલી. સદનસીબે કોઈ અનિચ્છનિય ઘટના ના બની પણ આ ઘટનાને કારણે કોંગ્રેસના માથે માછલાં બરાબરનાં ધોવાયાં.
કોંગ્રેસે તેમાંથી પ્રેરણા લઈને બુધવારે પહેલાં “લડકી હૂં, લડ સકતી હૂં’ મેરેથોન રેલી રદ કરી નાખી. બરેલી પછી નોઈડા, વારાણસી સહિત સાત ઠેકાણે “લડકી હૂં, લડ સકતી હૂં’ મેરેથોન રેલી યોજાવાની હતી પણ કોંગ્રેસે “લડકી હૂં, લડ સકતી હૂં’ મેરેથોન રેલીના વાવટા સંકેલી લેવાનું એલાન કરી દીધું. બુધવારે બપોરે કોંગ્રેસે યુપી સહિત વિધાનસભાની ચૂંટણી છે એ પાંચેય રાજ્યોમાં ક્યાંય રેલી, જાહેરસભા કે બીજા રાજકીય કાર્યક્રમ નહીં કરવાનું એલાન કરી દીધું. કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલે એલાન કર્યું છે કે, તમામ રાજ્યોમાં કોંગ્રેસ સંગઠનને કહી દેવાયું છે કે કોરોનાની સ્થિતની સમીક્ષા કરે ને એ પછી જ રેલી કે જાહેરસભા યોજવાનો નિર્ણય લે. કોંગ્રેસે તો ચૂંટણી પંચને પણ અરજ કરી છે કે, કોરોનાના કેસો વધી રહ્યા છે તેથી તમામ રાજકીય પક્ષોને હમણાં ખમૈયા કરવા ફરમાન કરો. ચૂંટણીલક્ષી કાર્યક્રમો થોડા દાડા પૂરતા મોકૂફ રખાવો કે જેથી કોરોના ફેલાવાનો ખતરો ઘટે.
યોગાનુયોગ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ગુરૂવારે નોઈડામાં યોજાનારી પોતાની જાહેરસભા મોકેફ રાખવાની જાહેરાત કરી નાખી. રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડામાં કોરોનાના કેસો ધડાધડ વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં અત્યારે કોરોનાના સૌથી વધારે કેસ નોઈડામાં જ છે તેથી યોગીએ યોગ્ય નિર્ણય લીધો છે એ કહેવાની જરૂર નથી. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબના ફિરોઝપુરમાં સભા હતી. આ સભા પણ રદ કરી દેવાઈ કેમ કે વાતાવરણ ખરાબ હતું તેથી પ્લેન ઉતારી શકાય તેમ નહોતું. મોદીએ રોડના રસ્તે જવાનું નક્કી કર્યું પણ ખેડૂત સંગઠનોએ ભટિંડાથી ફિરોઝપુરનો રસ્તો બ્લોક કરી દીધો હતો તેથી મોદીની સભા પણ રદ કરી દેવાઈ.
કોંગ્રેસને ચૂંટણી સભાઓ રદ કરવાનું આત્મજ્ઞાન બરેલીમાં “લડકી હૂં, લડ સકતી હૂં’ મેરેથોન રેલીમાં થયેલી ધક્કામુકીના કારણે લાદ્યું છે એ સાચું પણ કોંગ્રેસે તેમાંથી બોધપાઠ લઈને હાલ પૂરતી ચૂંટણી સભાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરી એ મહત્ત્વનું છે. કોંગ્રેસની જાહેરાત પછી એવી જોક પણ ચાલી રહી છે કે, કોંગ્રેસ ચૂંટણી સભાઓ રદ કરે કે ના કરે, ઝાઝો ફરક પડતો નથી કેમ કે કોંગ્રેસની ચૂંટણી સભાઓમાં આમ પણ ક્યાં કોઈ આવે છે? યુપી પૂરતી આ વાત કદાચ સાચી લાગે પણ બાકીનાં રાજ્યોમાં હજુ કોંગ્રેસનો દબદબો છે જ. પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં તો કોંગ્રેસ સરકાર રચવાની દાવેદાર મનાય છે એ જોતાં તેનો આ નિર્ણય મોટો કહેવાય. એક રાજકીય પક્ષ તરીકે આ નિર્ણય લેવા માટે બહુ હિંમત જોઈએ. બીજા બધા પક્ષો ચૂંટણી પ્રચારમાં મસ્ત હોય ત્યારે પોતે ખસી જવું એ મોટી વાત છે.
આશા રાખીએ કે, કોંગ્રેસ આ નિર્ણયને વળગી રહે અને પ્રમાણિકતાથી તેનો અમલ પણ કરે. સાથે સાથે એ પણ આશા રાખીએ કે, બીજા પક્ષો પણ કોંગ્રેસને અનુસરે અને વધારે નહીં તો કમ સે કમ પંદરેક દિવસ લગી તો પ્રચારમાં ઉપવાસ રાખે જ. તેમાં તેમને કાંઈ નુકસાન નથી કેમ કે હજુ ચૂંટણી તો જાહેર જ થઈ નથી. બધા રાજકીય પક્ષો એકસંપ થઈને ચૂંટણી પંચને મળીને રજૂઆત કરે તો પંચ પણ ચૂંટણી પંદર દિવસ કે મહિનો મોકૂફ રાખીને તેમાં મદદ કરી જ શકે. આ રાજકીય પક્ષોમાં ભાજપને સાથે રાખવો ખાસ જરૂરી છે કેમ કે ભાજપ દેશનો સૌથી મોટો પક્ષ છે. કેન્દ્રમાં ભાજપની સરકાર છે ને દેશનાં બહુમતી રાજ્યોમાં પણ ભાજપની સરકાર છે. આ કારણે સૌથી વધારે વજન ભાજપની વાતનું જ પડે. કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે ભીડ એકઠી કરવામાં મજા નથી જ એ વાત પંચવાળા ના સમજે એટલા ભોટ નથી જ પણ એ બધા ચિઠ્ઠીના ચાકર છે. સત્તાવાળા તેમના માઈ-બાપ છે તેથી ભાજપ કહે તો મહિનો શું બે મહિના માટે ચૂંટણી મોકૂફ રાખી દેવાય. રાજકીય પક્ષો આ કામ પણ કરે એવી આશા પણ રાખીએ.
રાજકીય પક્ષો ચૂંટણી મોકૂફ રખાવવા પ્રયત્ન કરે એ જરૂરી એટલા માટે છે કે, કોરોના બરાબરનો વકર્યો જ છે. તેમાં પણ કોરોનાનો નવો વેરિયન્ટ ઓમાઈક્રોન તો ઝડપથી ફેલાય છે. કોરોનાના ઓમાઈક્રોન વેરિયન્ટનું સંક્રમણ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુ.એચ.ઓ.)એ ચેતવણી આપી છે કે ઓમાઈક્રોન જેટલો ઝડપથી ફેલાશે એટલા જ ઝડપથી નવા વેરિયન્ટ આવવાની સંભાવના છે. આ નવા વેરિયન્ટ ખતરનાક સાબિત થઈ શકે છે અને જીવલેણ પણ બની શકે છે. અગાઉ મળેલા કોવિડ વેરિયન્ટ્સની તુલનામાં ઓમાઈક્રોન ઓછો ઘાતક છે પણ ઓમાઈક્રોનનું ઝડપી સંક્રમણ થતું હોય તો કેસોની સંખ્યા વધે. ભારત જેવા દેશમાં તો કેસ વધે તેની જ બધી મોંકાણ છે કેમ કે આપણી પાસે આરોગ્યની સવલતો જ નથી. કોરોનાની બીજી લહેર વખતે આપણે તેનો અનુભવ કરી જ લીધો છે. હવે ફરી એ અનુભવ કરવા જેવો નથી.
રાજકીય પક્ષો સમજદારી બતાવે એ એટલે પણ જરૂરી છે કે, આપણને કોરોનાની પહેલી બે લહેરોનો અનુભવ છે. 2019ના માર્ચથી કોરોનાની પહેલી લહેર આવેલી ને થોડા વિરામ પછી બીજી લહેર આવેલી. બંને લહેરો એ વખતે બહુ ખરાબ હાલત થયેલી ને લોકો ટપોટપ મરતાં હતાં. આ હાલત ચૂંટણી પછી જ થયેલી કેમ કે રાજકારણીઓને ચૂંટણી કરાવવાના ધખારા હતા. 2019ના નવેમ્બરમાં આવેલી બિહારની ચૂંટણીથી તેની શરૂઆત થઈ ને પછી તો સિલસિલો જ શરૂ થઈ ગયો. બિહારની ચૂંટણી પછી પશ્ર્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ ને આસામ એ ચારેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલ્યો હતો. વચ્ચે વચ્ચે રાજ્યોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી તેમાં કોરોના વકર્યો ને બીજી લહેર આવી ગઈ હતી. એ વખતે રાજકારણીઓ સંયમથી વર્ત્યા હોત તો ખરાબ હાલત ના થઈ હોત. આ વખતે ફરી એવી હાલત ના થાય એ માટે રાજકારણીઓ રહેમ કરે તો તેનાથી ઉત્તમ કંઈ ના કહેવાય.