અમરેલી જિલ્લામાં કોરોનાનું આક્રમણ: 20 પોઝિટીવ કેસો

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોના કેસો રોકેટગતીએ આગળ આવી રહયા છે આજે 24 કલાક દરમિયાન 20 પોઝિટીવ કેસો નોંધાયા છે જેમા અમરેલીમાં 12 કેસો છે અને લાઠી,લીલીયા તથા કુંડલા અને કુંકાવાવમાં પણ કેસો આવ્યા છે જયારે ધારીમાં કાલે બે કેસ આવ્યા બાદ આજે વધ્ાુ એક કેસ આવ્યો છે.
ગુજરાત રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાનાના પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણા આજે તા. 8 અને 9 ના અમરેલીના પ્રવાસે છે.પોતાના દ્વિદિવસીય પ્રવાસ દરમિયાન મંત્રીશ્રી હાલની કોરોનાની પરિસ્થિતિને લઈને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરશે અને આરોગ્ય તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરશે.
બીજી તરફ અમરેલી જિલ્લાના પ્રભારી સચિવશ્રી સંદિપકુમારે અધિકારીઓ સાથે કોવિડ-19ની હાલની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી અને માસ્ક, સેનીટાઈઝેશન અને સોશ્યલ ડિસ્ટનસિંગના નિયમોનું કડક પાલન કરવા સૂચનાઓ આપી હતી સાથે સાથે જિલ્લામાં મેડિકલ સંસાધનોની ઉપલબ્ધતા, વેક્સીનેશન, વધતા કોરોના કેસોની વિગતવાર સમીક્ષા કરાઈ હતી જેમા જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને ચીફ ઓફિસરશ્રીઓ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું હતું કે હાલ કોવિડ-19 ની પરિસ્થિતિને લઈને લોકો ફરી માસ્ક, સેનીટાઈઝેશન અને સોશ્યલ ડિસ્ટનસિંગના નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે અત્યંત જરૂરી છે. આ ઉપરાંત તેઓએ જિલ્લામાં મેડિકલ સંસાધનોની ઉપલબ્ધતા, વેક્સીનેશન, વધતા કોરોના કેસો, ઓક્સિજનની વ્યવસ્થા, પ્રાઈવેટ મેડિકલ પ્રેક્ટિશનરોને તાલીમ, ધન્વંતરી રથોની કામગીરી, કન્ટેનમેન્ટ ઝોન, ગ્રામીણ અને શહેરી સ્તરે ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની વ્યવસ્થા, પીડિયાટ્રિક બેડની વ્યવસ્થા જેવા વિવિધ વિષયો ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
ડબલ વેક્સીનેટેડ લોકોને લાગતા કોરોના સંક્રમણ અંગે માહિતી આપતા પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું હતું કે ઘણા ડબલ વેક્સીનેટેડ લોકોને કોરોનાનું સંક્રમણ લાગે છે ત્યારે જે લોકોએ વેક્સીન નથી લીધી એવા લોકોની સરખામણીએ વેક્સીનેટેડ લોકો જલ્દી સાજા થાય અને કોઈ અતિ ગંભીર લક્ષણો જણાતા નથી.બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, અધિક કલેક્ટર શ્રી આર. વી. વાળા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પટેલ સહિતના તમામ આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના દરેક તાલુકા મથકોએથી તંત્રના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા.