વિરાટ કોહલીનું પતન તો હકીકતે  ભારતીય ક્રિકેટનો મૃત્યુઘંટ બનશે

 અંતે વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટનપદેથી પણ વિદાય લઈ લીધી. યુએઈ અને ઓમાનમાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડ કપ પહેલા જ વિરાટે ટી-૨૦ ટીમના કેપ્ટનપદેથી ખસી જવાની જાહેરાત કરી નાંખેલી. એ પછી  ન્યુ ઝીલેન્ડ સામેની સિરીઝમાં આપણા બોર્ડે વિરાટ કોહલીને વન ડે ટીમના કેપ્ટનપદેથી વિદાય કરીને ખરેખર મોટો આંચકો આપી દીધેલો. હવે સાઉથ આફ્રિકાની સાવ બી ગ્રેડની ને સાધારણ કહેવાય એવી ટીમ સામે આખરી ટેસ્ટ અને ટેસ્ટ શ્રેણી બંને ગુમાવ્યા પછીના દિવસે વિરાટ કોહલીએ સામેથી ટેસ્ટ કેપ્ટનપદેથી ખસી જવાનું એલાન કરી દીધું. આ એલાન સાથે  વિરાટ હવે કોઈ પણ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહ્યો નથી.
વિરાટની ટેસ્ટ કેપ્ટનપદેથી વિદાય સાથે જ ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન્સીના ઈતિહાસમાં એક યુગનો અંત આવી ગયો એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી, કેમ કે છેલ્લે છેલ્લે ભલે વિરાટ વિવાદોમાં ફસાયો ને તેની કેપ્ટન તરીકેની ક્ષમતા સામે સવાલો ઊઠવા માંડ્યા પણ એ છતાં એ આંકડાની રીતે ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે જ. વિરાટની કેપ્ટન્સીમાં ભારત જેટલી ટેસ્ટ જીત્યું એટલી ટેસ્ટ બીજા કોઈ કેપ્ટને જીતાડી નથી. માત્ર આંકડાની રીતે જ નહીં પણ ટકાવારીની રીતે પણ ટેસ્ટ કેપ્ટન તરીકે કોહલીનો રેકોર્ડ અફલાતૂન છે.

કોહલી ૨૦૧૫માં ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યો અને તેના સાત વર્ષના કેપ્ટન તરીકેના કાર્યકાળમાં ભારત કુલ ૬૮ ટેસ્ટ રમ્યું અને તેમાંથી ૪૦ ટેસ્ટમાં ભારતનો વિજય થયો હતો. કોહલીની કેપ્ટન્સીમાં ભારત ૧૭ ટેસ્ટમાં ભારત હાર્યું હતું અને ૧૧ ટેસ્ટ ડ્રો થઈ હતી. મતલબ કે, કોહલી કેપ્ટન હતો એવી ટેસ્ટમાંથી ભારત લગભગ ૫૯ ટેસ્ટ જીત્યું છે. કોહલી પહેલાં ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતો. ધોનીના સાત વર્ષના કાર્યકાળમાં ભારત ૬૦ ટેસ્ટ રમ્યું હતું અને તેમાંથી ૨૭ ટેસ્ટમાં ભારતનો વિજય થયો હતો  જ્યારે ૧૮ ટેસ્ટમાં ભારત હાર્યું હતું. ધોનીની કેપ્ટન્સીમાં ૧૫ ટેસ્ટ ડ્રો રહી હતી. કોહલીની ટેસ્ટમાં કેપ્ટન તરીકે જીતની ટકાવારી ૫૮.૮૨ ટકા છે  જ્યારે ધોનીની ટકાવારી ૪૫ છે. વિરાટ કોહલી કરતાં ધોની ઓછી ટેસ્ટમાં કેપ્ટન રહ્યો છતાં તેના કરતાં એક વધારે ટેસ્ટ મેચમાં ભારત હાર્યું તેના પરથી પણ સ્પષ્ટ  છે કે, કોહલી આંકડાની રીતે વધારે સફળ કેપ્ટન છે.

કોહલીનો કેપ્ટન તરીકેનો રેકોર્ડ જોતાં તેને વિશ્ર્વના સૌથી સફળ કેપ્ટન્સમાં પણ ગણવો પડે. આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં જેની કેપ્ટન્સીમાં દેશની ટીમ ૪૦ કે વધુ ટેસ્ટ જીતી હોય એવો કોહલી માત્ર ચોથો કેપ્ટન છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ ટેસ્ટ જીતવાનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના કેપ્ટન ગ્રીમ સ્મિથના નામે છે. સ્મિથે ૧૦૯ ટેસ્ટમાં આફ્રિકાનું સુકાન સંભાળ્યું હતું તેમાંથી ૫૩ ટેસ્ટમાં આફ્રિકા જીત્યું હતું. ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે ૭૭ ટેસ્ટમાં કેપ્ટન્સી કરીને ઓસ્ટ્રેલિયાની ટીમને ૪૮ ટેસ્ટ વિજય અપાવ્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયાના જ સ્ટીવ વોની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયા ૫૭ ટેસ્ટ રમ્યું તેમાંથી ૪૧ ટેસ્ટ જીત્યું હતુ. સ્ટીવ વો કેપ્ટન હતો તેમાંથી ૭૨ ટકા ટેસ્ટ ઓસ્ટ્રેલિયા જીત્યું એ જોતાં ગ્રીમ સ્મિથ અને રીકી પોન્ટિંગ કરતાં સ્ટીવ વો બહુ આગળ કહેવાય પણ આપણે આંકડાની રીતે વાત કરીએ છીએ. કોહલી ૪૦ ટેસ્ટ મેચ જીતાડીને ચોથા નંબરે છે.

કોહલીની કેપ્ટન તરીકે બીજી પણ ઘણી બધી સિદ્ધિઓ છે. ભારતના મોટા ભાગના કેપ્ટન ભારતમાં શેર ને વિદેશમાં ઢેર થઈ જાય છે. વિદેશની ધરતી પર રમવાનું આવે ત્યારે ટીમની હાલત બગડી જાય છે. ગમે તેવો કેપ્ટન હોય પણ વિદેશમાં જીતી શકતો નથી. કોહલી વિદેશમાં પણ જોરદાર ને સફળ કેપ્ટન સાબિત થયો. કોહલીની કેપ્ટન્સીમાં દેશની ટીમ ૪૦ ટેસ્ટ જીતી ને તેમાંથી વિદેશની ધરતી પર ૧૬ ટેસ્ટ તો જીતી છે. ભારતનો કોઈ કેપ્ટન આવો ભવ્ય રેકોર્ડ ધરાવતો નથી. કોહલીના નામે ઘરઆંગણે સૌથી વધુ ૨૪ ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ તો છે જ પણ વિદેશમાં પણ સૌથી વધુ ટેસ્ટ જીતવાનો રેકોર્ડ તેના નામે બોલે છે.

વિદેશની ધરતી પર પણ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલેન્ડમાં તો ભારતીય ટીમ એકાદ ટેસ્ટ જીતે તો પણ સિદ્ધિ ગણાય એવી હાલત છે. એક સમયે વેસ્ટ ઈન્ડિઝમાં જીતવું સૌથી કપરું હતું પણ હવે વેસ્ટ ઈન્ડિઝનાં વળતાં પાણી છે તેથી તેને કોઈ ગણતરીમાં નથી લેતું, પણ સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર હરાવવું અઘરું છે.  ‘એસઈએનએ’ દેશો તરીકે ઓળખાતા આ ચાર દેશોને ભારત છોડો પણ પાકિસ્તાન કે શ્રીલંકા જેવી ટીમો પણ તેમની ધરતી પર હરાવી શકતી નથી. કોહલીની કેપ્ટન્સીમાં ભારતે આ બધા દેશોને તેમની જ ધરતી પર ઘૂળચાટતા કર્યા છે. કોહલીની કેપ્ટન્સીમાં ભારત આ ચાર દેશોમાં ૨૩ ટેસ્ટ રમ્યું ને તેમાંથી  આઠ ટેસ્ટ જીત્યું છે અને ૧૩ હાર્યું છે, જ્યારે ૨ ટેસ્ટ ડ્રો થઈ છે.

એક કેલેન્ડર વર્ષમાં વિદેશની ભૂમિ પર એટલે કે આ ચાર દેશની ધરતી પર ચાર ટેસ્ટ જીતવાની સિદ્ધિ કોહલીની કેપ્ટન્સીમાં ભારતે બે વખત હાંસલ કરી હતી. કોહલીની કેપ્ટન્સીમાં ભારતે ૨૦૨૧માં બ્રિસબેન, લોર્ડ્ઝ, ઓવલ અને સેન્ચુરિયનમાં ટેસ્ટ જીતી હતી. એ પહેલાં ૨૦૧૮માં ભારત જોહનીસબર્ગ, નોટિંગહામ, એડિલેડ અને મેલબોર્નમાં ટેસ્ટ મેચ જીત્યું હતું.  ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઓસ્ટ્રેલિયાને હરાવીને ટેસ્ટ સિરીઝ જીતનારા પહેલા કેપ્ટન તરીકેનો રેકોર્ડ પણ કોહલીના નામે છે ને સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયનમાં ટેસ્ટ જીતનારા સૌપ્રથમ એશિયન કેપ્ટન તરીકેનો રેકોર્ડ પણ કોહલીએ છેલ્લી સિરીઝમાં જ નોંધાવ્યો હતો. કોહલીએ ભારતને ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચાડેલું ને પહેલી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ પહોંચાડેલું. આ ફાઈનલમાં ભારત ન્યુ ઝીલેન્ડ સામે હારી ગયેલું પણ ફાઈનલમાં પહોંચવાની સિદ્ધિ બહુ મોટી હતી. કોહલીનો ટેસ્ટ કેપ્ટન તરીકેનો રેકોર્ડ એ રીતે જબરદસ્ત છે ને નિ:શંકપણે કોહલીને ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન ગણવો પડે.

ભારતીય ક્રિકેટ ટીમને આ સ્તરે પહોંચાડનારા, આટલા બધા વિજયો અપાવનારા કોહલીએ આ રીતે હાર સાથે વિદાય લેવી પડે છે એ જોઈને ખરેખર દુ:ખ થાય છે. આ નિર્ણય વિરાટ કોહલીએ પોતે લીધો છે કે પછી બોર્ડના કારભારીઓએ દબાણ લાવીને લેવડાવ્યો છે એ ખબર નથી. બોર્ડ સાથે તેને છેલ્લા કેટલાક સમયથી ટકટક ચાલતી જ હતી. વિરાટ થોડા સમય પહેલાં સુધી ભારતીય ક્રિકેટમાં સુપરસ્ટાર મનાતો હતો ને તેને કોઈ હાથ પણ નહીં અડાડે એવું લાગતું હતું પણ કોહલીએ ટી-૨૦ ટીમના કેપ્ટનપદેથી ખસી જવાની જાહેરાત કરી એ પછી તે અચાનક અળખામણો બની ગયો હતો.

વિરાટ ટી-૨૦ ટીમના કેપ્ટનપદેથી ખસી જવા માગતો હતો પણ વન ડે ટીમના કેપ્ટનપદેથી ખસવા નહોતો માગતો. બોર્ડના કારભારી કોહલીને તમામ ફોર્મેટમાં કેપ્ટન તરીકે ચાલુ રાખવા માગતા હતા પણ કોહલીએ તેમને અવગણીને ટી-૨૦ના કેપ્ટનપદેથી ખસી જવાની જાહેરાત કરી નાખતાં કોહલી અણમાનીતો બની ગયો હતો. કોહલી વન ડે ટીમના કેપ્ટનપદે ચાલુ રહેવા માગતો હતો કેમ કે  ૨૦૨૩નો વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે. ભારતની ધરતી પર ટીમ ઈન્ડિયા શેર બની જાય છે તેથી વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના કેપ્ટન તરીકે વિદાય થવાની વિરાટની ઈચ્છા હતી પણ બોર્ડે તેની ઈચ્છા પર પાણી ફેરવીને તેને રવાના કરીને રોહિત શર્માને કેપ્ટન બનાવી દીધો. રોહિત ટી-૨૦ ટીમનો કેપ્ટન પહેલાં જ હતો. તેને વન ડે ટીમનો કેપ્ટન પણ બનાવી દેવાતાં કોહલી અને બોર્ડ વચ્ચે ખટરાગ વધ્યો ને તેમાં કોહલીએ ટેસ્ટ કેપ્ટનપદેથી ખસી જવાનું નક્કી કર્યું હોય એ શક્ય છે.

જો કે કારણ ગમે તે હોય  પણ કોહલી વધારે ગૌરવપૂર્ણ રીતે વિદાયનો હકદાર હતો તેમાં શંકા નથી. ખેર, બોર્ડે કોહલીને ગૌરવભેર રીતે વિદાય ના કર્યો તેના કારણે એ વાસ્તવિકતા બદલાતી નથી કે કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે. કોહલીએ કેપ્ટન તરીકે ઘણ વિવાદ પેદા કરેલા ને ઘણી વાર તેનું વર્તન આપણને પણ અકળામણ થાય એવું રહેતું પણ એ છતાંય તેણે દેશને સૌથી વધારે જીત અપાવી એ સામી ભીંતે લખાયેલું સત્ય છે. આ સત્યને કોઈ નકારી ના શકે કે કોઈ ભૂંસી ના શકે.