તુર્કીમાં વિશ્ર્વનો સૌથી લાંબો લટકતો પુલ બનાવાયો

યુરોપ અને એશિયાને જોડતો વિશ્ર્વનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. તુર્કીમાં બનેલો આ પુલ અનેક રીતે ખાસ છે. ૨૦,૫૦૩ કરોડના ખર્ચે બનેલા આ પુલને પૂર્ણ થતાં ૫ વર્ષ લાગ્યા છે. તેને તુર્કી અને દક્ષિણ કોરિયાની એક કંપનીએ સંયુક્ત રીતે તૈયાર કર્યો છે. જાણો, આ બ્રિજની ખાસિયતો અને તેનાથી સામાન્ય લોકોને કેટલી રાહત મળશે. આ બ્રિજનું નામ ૧૯૧૫ Canakkale Bridge છે. તેના નામમાં ૧૯૧૫ ઉમેરવાનું એક ખાસ કારણ પણ છે. વાસ્તવમાં, પ્રથમ વિશ્ર્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સેના ડાર્ડેનેલ્સ ખાડી પર કબજો કરવા માંગતી હતી, પરંતુ ઓટ્ટોમન સામ્રાજ્યએ બ્રિટિશ સેનાની આ યોજનાને પલટી નાખી. તેથી તેને આ નામ આપવામાં આવ્યું હતું. ૬ લેન રોડના આ પુલની લંબાઈ ૪.૬૦ કિમી છે. તેની પહોળાઈ ૪૫.૦૬ મીટર છે. આ પુલને ૫ વર્ષનો સમય લાગ્યો છે. બ્રિજનું બાંધકામ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ શરૂ થયું હતું અને ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ પૂર્ણ થયું હતું. હવે તેને સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. કૈનેકેલ બ્રિજ તુર્કીનો બીજો સૌથી ઊંચો પુલ છે. આ પહેલા બનેલા સૌથી ઊંચા પુલનું નામ યાવુઝ સુલતાન સલીમ બ્રિજ છે. એટલું જ નહીં કૈનેકેલ બ્રિજ યુરોપ અને એશિયાને જોડે છે. આ પુલ હવે તુર્કીની રાજધાની ઈસ્તાંબુલની બહાર યુરોપ અને એશિયાને માત્ર ૬ મિનિટની મુસાફરીમાં જોડે છે. તેમાં અમુક લોકો નું કહવું છે કે, આ બ્રિજ પર બનેલા બંને ટાવરની ઊંચાઈ ૧,૦૪૩ ફૂટ છે. બ્રિજ બન્યો તે પહેલા ઘાટ દ્વારા ખાડીને પાર કરવામાં દોઢ કલાકનો સમય લાગતો હતો, પરંતુ હવે પુલ બન્યા બાદ તેને પાર કરવામાં માત્ર ૬ મિનિટનો સમય લાગે છે.